વડાપ્રધાન : સંસદીય પદ્ધતિની લોકશાહીમાં સરકાર, મંત્રીમંડળના અને વહીવટી શાખાના વડા. ગ્રેટ બ્રિટનની સંસદીય લોકશાહી સૌપ્રથમ અને સૌથી પ્રાચીન ગણાતી હોવાથી તેને મૉડેલ – આદર્શ નમૂના રૂપે સ્વીકારવામાં આવે છે. રાષ્ટ્રસમૂહના દેશોએ બ્રિટિશ સંસદીય પદ્ધતિને મૉડેલ તરીકે સ્વીકારી છે, આથી વડાપ્રધાનના હોદ્દાનું સ્થાન પણ બ્રિટિશ સંસદીય પદ્ધતિના મૉડેલ પર રચવાનો પ્રયત્ન ઓછેવત્તે અંશે દરેક સંસદીય પદ્ધતિના દેશે કર્યો છે.
આ સંદર્ભમાં રૉબર્ટ વૉલપોલ પ્રથમ બ્રિટિશ વડાપ્રધાન હતા અને રાજા જ્યૉર્જ પહેલાંના સમય દરમિયાન 1721થી 1742 દરમિયાન આ હોદ્દો તેમણે ધારણ કર્યો હતો. ત્યારથી આ હોદ્દો ક્રમશ: વિકસ્યો અને વડાપ્રધાન કારોબારીના સર્વોચ્ચ વડા ગણાવા લાગ્યા. જોકે, આ હોદ્દાનો વિકાસ મુખ્યત્વે પરંપરા પર આધારિત હતો. 1937 સુધી બ્રિટિશ કાયદો વડાપ્રધાનના હોદ્દાથી અજાણ હતો. 1937માં ક્રાઉન ઍક્ટ દ્વારા હોદ્દાને કાનૂની માન્યતા મળી અને તેને આનુષંગિક લાભો પ્રાપ્ત થયા, જોકે આ કાયદો તેમની સત્તા અને કાર્યો વિશે ખાસ સ્પષ્ટતા કરતો નથી. જેમ જેમ રાજાઓની સત્તાઓ ઘટતી ગઈ તેમ તેમ રાજાનાં કાર્યો કૅબિનેટ હસ્તક આવતાં ગયાં. આથી કૅબિનેટના નેતા તરીકે વડાપ્રધાનનાં સ્થાન અને કાર્યભારમાં વધારો થતો ગયો. તદુપરાંત સમય અને સંજોગોની સાથે સાથે પક્ષપ્રથાના દૃઢીકરણને લીધે પણ વડાપ્રધાનના હોદ્દાનું મહત્વ વિકસ્યું અને તેઓ ‘રાજકીય જીવનની ધરી’ ગણાવા લાગ્યા.
આવા મહત્વના પદ માટે કાયદાથી કોઈ ચોક્કસ લાયકાતો નક્કી થયેલી નથી; પરંતુ પરંપરા અનુસાર બ્રિટનના નીચલા ગૃહ એટલે કે આમસભામાં બહુમતી મેળવનાર પક્ષના નેતાને તાજ દ્વારા વડાપ્રધાનના પદ માટે આમંત્રિત કરવામાં આવે છે. આથી અન્ય દેશોની સંસદીય લોકશાહીએ પણ આ પરંપરા સ્વીકારી છે. બ્રિટનમાં 1923 પછીથી આ પરંપરા દૃઢ બની. પરિણામે વડાપ્રધાનને સરકારના મંત્રીમંડળના વડા તરીકે માન્ય રાખવામાં આવે છે. તેઓ મંત્રીમંડળના સાથીઓની પસંદગી કરી તેની રચના કરે છે; મંત્રીમંડળની બેઠકોનું અધ્યક્ષસ્થાન સંભાળે છે; વિવિધ ખાતાંઓની વહેંચણી કરી તેમની વચ્ચે એકસૂત્રતા સર્જે છે અને મંત્રીમંડળના સાથીઓને માર્ગદર્શન પૂરું પાડે છે. તેઓ નીચલા ગૃહ, આમસભાના બહુમતી પક્ષના નેતા હોવાથી સૌથી વધુ વગદાર અને મોભાદાર સ્થાન ધરાવે છે. સરકારની નીતિઓ વિદેશનીતિ કે આર્થિક નીતિ કે ગૃહનીતિ ઘડે છે. તેને અર્થ પૂરો પાડે છે અને તે દ્વારા સમગ્ર દેશના રાજકીય માળખામાં કેન્દ્રીય સ્થાન ધરાવે છે. વડાપ્રધાનનો હોદ્દો આથી ‘કૅબિનેટના સ્થાપત્યની આધારશિલા’ તરીકે ઓળખાય છે. વડાપ્રધાન સરકારના વડા હોવાથી રાજા કે પ્રમુખ વડાપ્રધાન દ્વારા પ્રજા, સંસદ કે અન્ય ઘટકો સાથે વાર્તાલાપ કરે છે. તેઓ ગૃહના નેતા હોવા સાથે પક્ષના માળખામાં પણ કેન્દ્રીય સ્થાન ધરાવે છે. પરિણામે પક્ષ, ચૂંટાયેલા સભ્યોની બહુમતી અને સંસદ સાથેની સંવાદિતા જાળવી રાખવાની જવાબદારી પણ વડાપ્રધાનના શિરે હોય છે.
આમ પક્ષનું નેતૃત્વ તેમને લોકો અને સરકારને જોડતી કડી તરીકેની કામગીરી બજાવવામાં મદદરૂપ બને છે તો સરકારના વડા તરીકેનું તેમનું નેતૃત્વ સરકાર અને પ્રજા વચ્ચે કડીરૂપ કામગીરી બજાવવામાં મદદરૂપ બને છે.
તદુપરાંત વડાપ્રધાનના વૈયક્તિક ગુણો દૂરંદેશી, નિર્ભયતા, બાંધછોડ કરવાની વૃત્તિ, વ્યવહારુ વલણ, દૃઢ આગ્રહો વગેરે તેમના નેતૃત્વનાં પ્રબળ પાસાં બની રહે છે. વડાપ્રધાનનું અસાધારણ નેતૃત્વ સરકારને ટકાઉ બનાવવામાં તથા દેશને વિકાસ ભણી લઈ જવા માટે મહત્વનું પુરવાર થયું છે.
રક્ષા મ. વ્યાસ