વડવાનલ (1963) : ગુજરાતી સાહિત્યના સ્વાતંત્ર્યોત્તર યુગનાં એક ઉત્તમ નવલકથાસર્જક ધીરુબહેન પટેલની નવલકથા. આ નવલકથા એક સ્ત્રીની નોંધપોથી રૂપે – આત્મકથનાત્મક રીતે લખાયેલી છે. તેમાં આવતું રેખાનું પાત્ર વિધિનું શાપિત પાત્ર લાગે છે. બાલ્યાવસ્થાથી જ એની અત્યંત ઉપેક્ષા થતી રહે છે. સ્ત્રી જ સ્ત્રીની સૌથી ભયંકર દુશ્મન કેવી રીતે બને છે તેનો સચોટ ચિતાર અહીં મળે છે. રેખાનું મન ઉપરાઉપરી આવી પડતાં તીવ્ર સંઘર્ષો સહીને એની પ્રફુલ્લ થવાની શક્તિ ગુમાવી બેઠું છે. એને કોઈ સમજી શકતું નથી એ એની સૌથી મોટી કરુણતા છે. રેખાનાં ઉત્કટ મનોમંથનો અહીં રજૂ થયાં છે. નવલકથાના અંતભાગમાં રેખા કાયદાની નજરે અંજનાને જીવલેણ ઘા કરવા માટે ગુનેગાર ઠરી ચૂકી હોય છે, પણ વર્ષો સુધી અંજના અને એની ફોઈએ વગર વાંકે રેખાના જીવનને ઠંડી ક્રૂરતાથી રહેંસી નાખ્યું તેનો જવાબ કાયદો માગશે કે કેમ એ પ્રશ્ન છે. સ્ત્રી જ સ્ત્રીને વધુ સમજી શકે એ વાતની પ્રતીતિ રેખાનું થયેલું પાત્રવિધાન કરાવે છે. સમગ્ર કથા મનોવૈજ્ઞાનિક ભૂમિકા પર આલેખાયેલી હોઈ આસ્વાદ્ય છે. લેખિકાએ રેખા દ્વારા આખી કથા રજૂ કરીને કથયિતવ્યમાં હૃદયસ્પર્શિતા અને ઉત્કટતા સિદ્ધ કર્યાં છે, તો બીજી બાજુ રેખા દ્વારા જ આ કથા પમાતી હોઈ એના વ્યક્તિત્વની છાયામાં જ વાચકને બધું જોવાનું થાય છે ને તેથી એક પ્રકારની તદેવતા (‘મૉનોટોની’) લાગે તો નવાઈ નહિ. વળી અંજના અને તેની માતાના રેખા તરફના નર્યા પ્રેમશૂન્ય વ્યવહારમાં કંઈક અતિરેક ને પથરાટ પણ જણાય. આમ છતાં કથાપિંડ બાંધવામાં, તેને નિર્ધારિત ઘાટ આપવામાં લેખિકાએ નોંધપાત્ર સર્જનસામર્થ્ય દાખવ્યું છે. એમના પાત્રવિધાનમાં માનવમનની ઊંડી સૂઝસમજ વ્યક્ત થાય છે તો પાત્રોના ચિત્રણમાં તેમનું ઊંચી કક્ષાનું અભિવ્યક્તિબળ પણ વરતાય છે. તેમની ભાષારીતિમાં પ્રવાહિતા ને સરળતા સાથે મર્મસ્પર્શિતા પણ છે. કરુણરસ અહીં ઉત્કટપણે નિષ્પન્ન થાય છે. જીવનની ઊંડી અનુભૂતિ ને સમજદારી વ્યક્ત કરતી આ નવલકથા ગુજરાતની એક ગણનાપાત્ર નવલકથા તરીકે બહોળો આવકાર પામી છે.

ચંદ્રકાંત શેઠ