ઉત્સર્ગતંત્ર અને ઉત્સર્ગક્રિયા (આયુર્વિજ્ઞાન)
શરીરના આંતરિક વાતાવરણને જાળવી રાખવા લોહીના કદ અને બંધારણને જાળવી રાખતું તથા રાસાયણિક કચરો, ઝેરી દ્રવ્યો તથા વધારાનાં બિનજરૂરી દ્રવ્યોને શરીરમાંથી દૂર કરતું તંત્ર. પાણી અને તેમાં દ્રાવ્ય પદાર્થોને શરીરમાંથી દૂર કરવાનું કાર્ય કરતા મુખ્ય અવયવો મૂત્રપિંડ અને ચામડી છે. ફેફસાં પણ અમુક પ્રમાણમાં ઉત્સર્ગક્રિયા કરે છે. સમગ્ર મૂત્રમાર્ગમાં બે મૂત્રપિંડો, બે મૂત્રનલિકાઓ, મૂત્રાશય અને મૂત્રાશય-નલિકાનો સમાવેશ થાય છે. (જુઓ આકૃતિ 1.) જલદ્રાવ્ય કચરાને દૂર કરવા ઉપરાંત મૂત્રપિંડ અન્ય કેટલાંક મહત્વનાં કાર્યો પણ કરે છે, જેમ કે : (1) લોહીમાંના રક્તકોષોની સંખ્યા વધે તે માટે કાર્ય કરતા રક્તકોષ-પ્રસર્જન ઘટક(erythropoietin)નું ઉત્પાદન, (2) લોહીની અમ્લતા(pH)નું નિયમન, (3) ‘રેનીન’ના ઉત્પાદન દ્વારા લોહીના દબાણનું નિયંત્રણ, (4) વિટામિન ‘ડી’ને સક્રિય કરવામાં મહત્વનો ફાળો, (5) શરીરના આયનોનું સંતુલન વગેરે. આમ મૂત્રપિંડ અંત:સ્રાવી ગ્રંથિતંત્ર(endocrine system)ના ભાગ રૂપે પણ કાર્ય કરે છે.
ઇતિહાસ : ઇબ્ન સીના(980-1037)એ સૌપ્રથમ મૂત્રતપાસની ઝીણવટભરી નોંધ તૈયાર કરી હતી. (જુઓ નવી આવૃત્તિ, ગુ. વિ. ખંડ 2, પાન 676.) જે. બી. વાન હેલમન્ટે (1577-1644) 24 કલાકમાં થતા પેશાબને એકઠો કરીને તેને માપવાનું સૂચવ્યું. થૉમસ વિલિસે (1621-75) મધુપ્રમેહના દર્દીના પેશાબમાંની મીઠાશની નોંધ કરી હતી. જોકે મધુપ્રમેહમાં થતો મીઠો પેશાબ અગાઉ ચરક અને અન્ય વૈદ્યો જાણતા હતા. માર્સેલો માલપીજીએ (1628-94) મૂત્રપિંડમાંના કેશિકા-ગુચ્છ(glomerulus)ને વર્ણવ્યું હતું (આકૃતિ 2).
એ. એફ. ફૉન્ટાનાએ 1781માં મૂત્રનલિકાઓ(renal tubules)નું વર્ણન કર્યું હતું. જેકોબ હેન્લેએ (1862) હેન્લેનો મૂત્રકનલિકાનો ચીપિયો (loop) દર્શાવ્યો હતો તથા વિલિયમ બાઉમૅને (1816-92) મૂત્રકની બાઉમૅન કોથળી(capsule)નું વર્ણન કર્યું હતું. આમ સમગ્ર મૂત્રક(nephron)ના જુદા જુદા ભાગોને જુદા જુદા સમયે જુદી જુદી વ્યક્તિઓએ વર્ણવ્યા હતા. મૂત્રપિંડ દ્વારા પેશાબનું ઉત્પાદન, યાંત્રિક ગાળણ (filtration) દ્વારા થાય છે એમ કાર્લ લુડવિગે (1816-95) સૂચવ્યું હતું, જ્યારે આર. હેડનહેઇનના મત પ્રમાણે મૂત્રનું ઉત્પાદન વિસ્રવણ(secretion)ની પ્રક્રિયાથી થાય છે, એવું મનાતું હતું. બાઉમૅને પેશાબ બનાવવા માટે બાઉમૅનની કોથળીમાં ગાળણ થાય છે એમ સૂચવ્યું. એ. આર. કુશની(1866-1926)એ અન્ય વૈજ્ઞાનિકોના પ્રયોગો અને પોતાના સંશોધન દ્વારા પ્રોટીનયુક્ત ગુચ્છીગલન (glomerular filtration) અને મૂત્રકનલિકામાં થતું પુન: અભિશોષણ (reabsorption) દર્શાવ્યાં હતાં. છેક 1932માં એન. ગુર્માગીશે ગુચ્છસમીપી કોષપુંજ (juxtaglomerular apparatus) વર્ણવ્યો હતો. કેશિકાગુચ્છનો ગુચ્છીગલન દર (glomerular filtration rate, GFR) સૌપ્રથમ પી. બી. રેહબર્ગે 1926માં માપ્યો હતો. ફેલિક્સ પ્લેટરે (1536-1614) સકોષ્ઠી મૂત્રપિંડ (cystic kidney) વર્ણવ્યો હતો. જોકે મૂત્રપિંડના રોગોનો વ્યવસ્થિત અભ્યાસ ઈ. મારાગ્લિયાનો(1849-1940)એ શરૂ કર્યો હતો, જેમાં પાછળથી થયેલું બાઇટનું પ્રદાન મહત્વનું ગણાયું છે. જે. ઝેડ. અમુસાટે (1766-1850) મૂત્રાશયનલિકાના સંકીર્ણન(urethral stricture)નો અભ્યાસ કરીને સૌપ્રથમ મૂત્રનળી (urinary catheter) 1818માં બનાવી. એ નેલાટને (1807-73) રબરની મૂત્રનળી બનાવી. આલ્બેરાન, મોટ્ઝે, ઝુકર કૅન્ડલ (1864-1921) તથા ટેન્ડલરે અલગ-અલગ રીતે પુર:સ્થ (prostate) ગ્રંથિના મધ્યસ્થ ખંડ(median lobe)ની અતિવૃદ્ધિથી વૃદ્ધોમાં ઘણી વખત પેશાબનો અટકાવ થાય છે તે દર્શાવ્યું હતું, જ્યારે લિયૉપોલ્ડ ડીટલે (1815-98) મધ્યસ્થ ખંડને કાપી કાઢવાની શસ્ત્રક્રિયા વર્ણવી હતી. 19મી સદીના પ્રથમ ભાગ સુધી મૂત્રપિંડ અને મૂત્રમાર્ગની કેટલીક શસ્ત્રક્રિયાઓ ક્યારેક જ થતી હતી; જેવી કે, પરિમૂત્રપિંડી ગૂમડું (perirenal abscess) અને ઘણા મોટા સપૂય-મૂત્રપિંડશોફ(pyonephrosis)માંના પરુને દૂર કરવું, મૂત્રાશયમાંની પથરી કાઢવી કે તોડવી કે તેમાંની નાની ગાંઠોને દૂર કરવી વગેરે. જેમ્સ આદમે 1897માં ઍક્સ-કિરણની મદદથી સૌપ્રથમ મૂત્રપિંડમાંની પથરી દર્શાવી અને તેને સફળતાપૂર્વક શસ્ત્રક્રિયા વડે દૂર કરી. ઍક્સ-કિરણરોધી (radio-opaque) પદાર્થ વડે સમગ્ર મૂત્રમાર્ગ દર્શાવવાના પ્રયોગો જોકે ઘણા વખતથી શરૂ થયા હતા, છતાં છેક 1929માં મોઝેઝ સ્વીકે તેને અત્યારે થતું શિરામાર્ગી મૂત્રમાર્ગચિત્રણ (intravenous pyelography, IVP) વ્યવસ્થિત અને ઉપયોગી બનાવ્યું. લિરલેટરે 1807માં મૂત્રમાર્ગને અંદરથી જોવા માટે અંત:નિરીક્ષા-(endoscopy)ની શરૂઆત કરી હતી; પરંતુ તેને ‘માનવશરીરમાંનું જાદુઈ ફાનસ’ ગણીને શરૂમાં અવગણવામાં આવ્યું હતું. તેને ગેસકોન પી. એસ. સેગ્લાસે 1826માં પુનર્જીવિત કર્યું. વિદ્યુતજન્ય દીવાવાળું મૂત્રાશયદર્શક (cystoscope) મૅક્સ નીઝલે (1847-1907) બનાવ્યું. જી. સાયમને (1869) સૌપ્રથમ આખો મૂત્રપિંડ કાઢવાની શસ્ત્રક્રિયા કરી હતી.
ગર્ભકાળમાં વિકાસ અને વૃદ્ધિ : ગર્ભની મધ્યત્વચા- (mesodermis)માંના મૂત્રપિંડ-પ્રસર્જક વિસ્તારમાં સૌપ્રથમ 4-5 અઠવાડિયે ગળાના ભાગમાં આદિમૂત્રપિંડાભ (pronephros) વિકસે છે. તેમાં મૂત્રકનલિકાઓ હોય છે અને તેમાં ઉદરધમનીની શાખામાંથી કેશિકાગુચ્છનો વિકાસ થાય છે. તે નવમા અઠવાડિયે લુપ્ત થાય છે. મધ્યમૂત્રપિંડી નળી(mesonephric duct)માંથી પરામૂત્રપિંડાભ (metanephros) વિકસે છે, જેમાં અંતે મૂત્રપિંડનો વિકાસ થાય છે. મધ્યમૂત્રપિંડી નળીમાંથી ઉદભવતી મૂત્રમાર્ગી કલિકા(ureteric duct)માંથી મૂત્રનલિકા, મૂત્રપિંડકુંડ (renal pelvis) અને સમાહર્તી (collecting) નલિકાઓ વિકસે છે. જ્યારે પરામૂત્રપિંડી મુકુટ-(metanephric cap)માંથી મૂત્રપિંડના અન્ય ભાગો વિકસે છે. શ્રોણિ(pelvis)માં વિકસેલું મૂત્રપિંડ ધીમે-ધીમે ઉપર તરફ ખસીને કટિવિસ્તારમાં સ્થિર થાય છે. દસમા અઠવાડિયાથી મૂત્રનલિકાઓ કાર્યરત બને છે. મૂત્રમાર્ગી-પ્રજનનમાર્ગી વિવર(urogenital sinus)માંથી મૂત્રાશય બને છે.
મૂત્રપિંડ (kidney) : પેટની પાછળના ભાગમાં, કેડની સહેજ ઉપર, કરોડના 12મા વક્ષસ્થ (thoracic) મણકાથી ત્રીજા કટિ (lumbar) મણકા સુધી, કરોડસ્તંભની બંને બાજુ એક-એક એવા બે લાલાશ રંગના વાલ આકારના મૂત્રપિંડો આવેલા છે. મૂત્રપિંડને ‘વૃક્ક’ પણ કહે છે. પુખ્ત વયની વ્યક્તિમાં તે 10-12 સેમી. ´ 57.5 સેમી. ´ 2.5 સેમી.ના કદના અને આશરે 150-170 ગ્રામ વજનના હોય છે. મૂત્રપિંડની કરોડસ્તંભ તરફની બાજુએ એક ખાંચ આવેલી છે, જેમાંથી લોહીની નસો, લસિકાનલિકાઓ (lymphatics), ચેતાતંતુઓ તથા મૂત્રનલિકાઓ પસાર થાય છે. મૂત્રપિંડની ખાંચમાંથી આ નળીઓ મૂત્રપિંડવિવર(renal sinus)માં પ્રવેશે છે. મૂત્રપિંડની બહાર મૂત્રપિંડસંપુટ (renal capsule), મેદસ્તરી સંપુટ (adipose capsule) અને મૂત્રપિંડી તંતુપડ (renal fascia) – એમ ત્રણ પ્રકારનાં આવરણો આવેલાં છે. મૂત્રપિંડી તંતુપડ મૂત્રપિંડને તેના મૂળ સ્થાને સ્થાપિત કરી રાખે છે. જમણી બાજુનો મૂત્રપિંડ સહેજ નીચે હોય છે. મૂત્રપિંડની ટોચ ઉપર અધિવૃક્ક (adrenal) ગ્રંથિ આવેલી છે, જ્યારે તેની પાછળ પીઠના સ્નાયુ તથા અગિયારમી અને બારમી પાંસળીઓ આવેલી છે. મૂત્રપિંડમાં જ્યારે ઊભો છેદ મૂકવામાં આવે ત્યારે તેના બે ભાગ પડે છે : બહારનો લાલાશ રંગનો વિસ્તાર બાહ્યક (cortex) અને અંદરનો તપખીરિયા લાલાશ રંગનો વિસ્તાર મધ્યક (medulla). મધ્યકમાં 8થી 14 રેખાંકિત (striated) ત્રિકોણાકાર વિસ્તારો જોવા મળે છે અને તેમને મધ્યકીય (medullary) મૂત્રપિંડી પિરામિડ અથવા ત્રિપાર્શ્વઘન કહે છે. મૂત્રપિંડી પિરામિડની ટોચ મૂત્રપિંડ-વિવરમાં હોય છે અને તેને મૂત્રપિંડી-કલિકા (renal papilla) કહે છે (જુઓ આકૃતિ 3.) બાહ્યકના મધ્યક નજીકના ભાગને મધ્યકવર્તી કે મધ્યકસમીપી (juxtamedullary) વિસ્તાર કહે છે. બે પિરામિડની વચ્ચેના બાહ્યકને મૂત્રપિંડી સ્તંભ (renal column) કહે છે. દરેક મૂત્રપિંડના બાહ્યક અને પિરામિડમાં દસ લાખ જેટલા સૂક્ષ્મ એકમો આવેલા છે તેને મૂત્રક (nephron) કહે છે. મૂત્રપિંડનો કાર્યકારી એકમ છે. મૂત્રપિંડ-વિવરમાં મૂત્રપિંડકુંડ (renal pelvis) આવેલો છે. તેના નાના અને મોટા મુખ(calyx)માં મૂત્રક દ્વારા ગળાયેલું મૂત્ર ઠલવાય છે. દરેક મૂત્રપિંડના (મૂત્રપિંડ) કુંડમાં 8થી 18 નાનાં મુખ અને 2થી 3 મોટાં મુખ આવેલાં હોય છે. દરેક નાના મુખમાં એક મૂત્રપિંડ-કલિકા આવેલી હોય છે. તેના દ્વારા સમાહર્તી (collecting) નલિકામાંનું મૂત્ર ઠલવાય છે.
મૂત્રક (આકૃતિ 3) : મૂત્રકના મુખ્ય બે ભાગ છે : બાઉમૅનનો ગુચ્છીસંપુટ (glomerular complex) અથવા બાઉમૅનની કોથળી (Bowmen’s glomerular capsule) અને મૂત્રકનલિકા (renal tubule). ગુચ્છીસંપુટ અથવા બાઉમૅનની કોથળી મૂત્રપિંડના બાહ્યકમાં હોય છે. તેને બે પડ હોય છે અને તે બે પડ વચ્ચે સંપુટી અવકાશ (capsular space) નામની જગ્યા આવેલી છે. તેનું અંદરનું પડ પાદકોષો(podocytes)નું બનેલું છે. તે કેશવાહિનીઓના ગૂંચળાનું આવરણરૂપ પણ છે. કેશવાહિનીઓનાં ગૂંચળાંને કેશિકાગુચ્છ (glomerulus) અથવા માલપીજીનો પિંડ (body) કહે છે. કેશવાહિનીના અંતશ્છદ (endothelium) અને ગુચ્છીસંપુટના અંદરના પડના પાદકોષોની વચ્ચે તલીય કલા (basement membrane) આવેલી છે. તે 80થી 100 નૅનોમીટર જેટલી જાડાઈની હોય છે. તેની જાડાઈમાં ફેરફાર થતાં રોગ સર્જાય છે. અંતશ્છદમાં કાણાં અને પાદકોષોનાં પાદાભોની વચ્ચે ખાલી જગ્યા હોય છે, જ્યારે તલીય કલામાં કોઈ પણ પ્રકારનાં કાણાં હોતાં નથી. તેથી તલીય કલા પારગલનીય (dialysis) કલા તરીકે કાર્ય કરે છે. આ ત્રણે પડની બનેલી અંતશ્છદ-સંપુટી કલા દ્વારા લોહીમાંનાં પાણી અને જલદ્રાવ્ય પદાર્થો ગળાય છે અને ત્યારપછી તે સંપુટી-અવકાશમાં પ્રવેશે છે. સંપુટી-અવકાશમં એકત્ર થયેલું પ્રવાહી ત્યારબાદ મૂત્રનલિકામાં પ્રવેશે છે. પાણી અને જલદ્રાવ્ય પદાર્થોના ગાળણના દરને ગુચ્છીગલન દર (glomerular filtration rate, GFR) કહે છે. પ્રોટીન જેવા મોટા અણુઓ અંતશ્છદ-સંપુટી કલામાંથી પસાર થઈને સંપુટી-અવકાશમાં પ્રવેશી શકતા નથી.
મૂત્રકનલિકા (renal tubule) : એક મૂત્રકનલિકા આશરે 50 મિમી. લાંબી હોય છે. તેથી બંને મૂત્રપિંડોમાં કુલ મૂત્રકનલિકાઓની લંબાઈ 100 કિમી. જેટલી થાય. મૂત્રકનલિકાના મુખ્ય ત્રણ ભાગ છે : પ્રારંભિક વલયકારી નલિકા (proximal convoluted tubule), હેન્લેનો ચીપિયો (loop of Henle) અને દૂરસ્થ વલયકારી નલિકા (distal convoluted tubule). પ્રારંભિક અને દૂરસ્થ વલયકારી નલિકા ગૂંચળાના રૂપમાં રહેલી છે, જેથી થોડી જગ્યામાં વધુ સપાટી મળી શકે. બાહ્યકમાંના મૂત્રકોની (મૂત્રક)નલિકાઓ મધ્યકમાં થોડા અંતર સુધી જાય છે, જ્યારે મધ્યકવર્તી મૂત્રકોની (મૂત્રક)નલિકાઓ મધ્યકમાં ખૂબ ઊંડે સુધી જાય છે. પ્રારંભિક અને દૂરસ્થ વલયકારી નલિકાઓને જોડતી અંગ્રેજી ‘યુ’ આકારની નલિકાને હેન્લેનો ગાળો કે ચીપિયો કહે છે. આમ હેન્લેના ચીપિયામાં ઊતરતી અને ચઢતી એમ બે પ્રકારની ભુજાઓ હોય છે. તેમને અનુક્રમે અવરોહી અને આરોહી ભુજાઓ પણ કહે છે. મૂત્રકનલિકાના વિવિધ ભાગોમાં જુદા જુદા પ્રકારના કોષો આવેલા હોય છે. દૂરસ્થ વલયકારી નલિકાઓ સમાહર્તી નલિકાઓમાં ખૂલે છે. સમાહર્તી નલિકાઓ મૂત્રપિંડના બાહ્યક અને મધ્યકમાંથી પસાર થઈને કલિકા-નલિકાઓ (papillary ducts) દ્વારા મૂત્રપિંડ-કલિકામાં છિદ્ર દ્વારા ખૂલે છે. દરેક મૂત્રપિંડ-નલિકામાં આશરે 30 કલિકાનલિકાઓ હોય છે. આમ મૂત્રકના ગુચ્છી સંપુટ(બાઉમૅનની કોથળી)માં ગળાયેલું પ્રવાહી મૂત્રરૂપે મૂત્રપિંડકુંડમાં ઠલવાય છે. ત્યાંથી તે મૂત્રનલિકા દ્વારા મૂત્રાશયમાં એકઠું થાય છે. કેશિકાગુચ્છમાં આશરે 70 જેટલી કેશવાહિનીઓ હોય છે. પ્રારંભિક મૂત્રકનલિકાની લંબાઈ 15 મિમી. જેટલી અને હેન્લેના ચીપિયાની લંબાઈ 20 મિમી. હોય છે.
મૂત્રપિંડનું રુધિરાભિસરણ : પેટની મહાધમની(aorta)માંથી ડાબી અને જમણી એમ બે મૂત્રપિંડીય ધમનીઓ (renal arteries) નીકળે છે. જમણી મૂત્રપિંડીય ધમની લાંબી હોય છે. હૃદયમાંથી બહાર ધકેલાતા લોહીના ચોથા ભાગનું લોહી બંને મૂત્રપિંડોમાં પ્રવેશે છે. આમ, દર મિનિટે આશરે 1,200 મિલી. જેટલું લોહી મૂત્રપિંડોમાં પ્રવેશે છે. મૂત્રપિંડવિવરના પ્રવેશદ્વારમાં જ ધમનીના ફાંટા પડવા માંડે છે. બે મૂત્રપિંડી પિરામિડ વચ્ચેના દરેક મૂત્રપિંડી સ્તંભમાં એક આંતરખંડીય (interlobar) ધમની હોય છે, જે મૂત્રપિંડી પિરામિડના પાયાના પહોળા ભાગ પાસે વળાંક લઈને મૂત્રપિંડના બાહ્યક અને મધ્યકની વચ્ચે બંકિમ ધમની(arcuate artery) રૂપે આગળ વધે છે. ત્યારબાદ તેમાંથી મૂત્રપિંડી બાહ્યકમાં તેના નાના નાના ફાંટા પડે છે. તે દરેક મૂત્રકના કેશિકા-ગુચ્છમાં અંતર્વાહી (afferant) ધમની રૂપે પ્રવેશે છે. બાઉમૅનના ગુચ્છીસંપુટમાં આ ધમનીના નાના નાના ફાંટા (કેશવાહિનીઓ) એક જાળું અથવા ગૂંચળું બનાવે છે, જેને કેશવાહિની કે કેશિકા-ગુચ્છ (glomerulus) કહે છે. નાના નાના ફાંટાની કેશવાહિનીઓ અંતે ફરીથી જોડાઈને બહિર્વાહી (efferant) ધમની બનાવે છે. બહિર્વાહી ધમનીના ફાંટા મૂત્રકનલિકાની આસપાસ કેશવાહિનીઓનું જાળું બનાવે છે અથવા સુરેખવાહિની(vasa recta)ના રૂપે મૂત્રપિંડી મધ્યકમાં હેન્લેના ચીપિયાની સમાંતર નસો બનાવે છે. કેશવાહિનીઓ પુન: જોડાઈને આંતરખંડીય શિરાઓ બનાવે છે. તે આંતરખંડીય ધમનીની સાથે આવેલી હોય છે. આંતરખંડીય શિરાઓ જોડાઈને છેવટે મૂત્રપિંડી શિરા બનાવે છે. મૂત્રપિંડી શિરા અધોમહાશિરા(inferior vena cava)માં ખૂલે છે. સુરેખવાહિનીઓમાંનું લોહી સીધેસીધું આંતર-ઉપખંડીય (interlobular) શિરાઓમાં થઈને બંકિમ શિરાઓ (arcuate veins) દ્વારા આંતરખંડીય શિરાઓમાં પ્રવેશે છે.
મૂત્રકગુચ્છસમીપી કોષપુંજ (juxtaglomerular apparatus) : મૂત્રકની અંતર્વાહી ધમનીના તેમજ મૂત્રકની દૂરસ્થ વલયકારી નલિકાના તેની પાસેના ભાગના સ્નાયુકોષોનાં કોષકેન્દ્ર ગોળ હોય છે અને તેમના કોષતરલમાં કણિકાઓ (granules) હોય છે. આવા વિશિષ્ટ રૂપવાળા કોષોના સમૂહને મૂત્રકગુચ્છસમીપી કોષસમૂહ કહે છે. દૂરસ્થ વલયકારી મૂત્રકનલિકાના તે સ્થળના કોષો સાંકડા હોય છે. આમ ધમની અને મૂત્રકનલિકાના આવા પાસપાસેના આવેલા કોષોમાં રૂપપરિવર્તન થયું હોય છે અને તેવા કોષોને મૂત્રકગુચ્છસમીપી કોષપુંજ કહે છે. તે લોહીના દબાણને જાળવવામાં ઉપયોગી છે. દૂરસ્થ નલિકાના આ કોષો રેનિન અને રક્તકોષ-પ્રસર્જન ઘટક (erythropoietin) બનાવે છે.
મૂત્રકનાં કાર્યો : શરીરનું સમગ્ર લોહી દિવસમાં આશરે 60 વખત મૂત્રપિંડમાં ગળાય છે. આ કાર્ય મૂત્રક કરે છે. મૂત્રક લોહીમાંના પ્રવાહી અને પદાર્થોને સુનિશ્ચિતપણે દૂર કરીને લોહીનું કદ અને બંધારણ જાળવે છે અને લોહીની અમ્લતા (pH) જાળવે છે. તે શરીરમાંના ઝેરી પદાર્થોને દૂર કરે છે. આ સમગ્ર કાર્ય ત્રણ જુદી-જુદી પ્રક્રિયાઓ દ્વારા થાય છે : ગુચ્છીગલન (glomerular filtration), નલિકાકીય પુન:અભિશોષણ (tubular reabsorption) અને નલિકાકીય વિસ્રવણ (tubular secretion). મૂત્રક દ્વારા દૂર કરાયેલા પ્રવાહી અને પદાર્થોને સામૂહિક રીતે ‘મૂત્ર’ અથવા ‘પેશાબ’ કહેવામાં આવે છે.
ગુચ્છીગલન : બાઉમૅનના ગુચ્છીસંપુટ(કોથળી)નું અંદરનું પડ, લોહીની નસોની અંતશ્છદકલા તથા તલીય કલા દ્વારા બનતી અંતશ્છદ-સંપુટી કલામાંથી લોહીમાંનાં પાણી અને અન્ય જલદ્રાવ્ય પદાર્થોનું પારગલન થાય છે. નસોમાંના લોહીનું દબાણ (જલદાબ) આ પ્રવાહીને છિદ્રોમાંથી સંપુટી અવકાશમાં ધકેલે છે. મૂત્રકમાંના પ્રવાહીનો જલદાબ (hydrostatic pressure) તથા લોહીમાંના પ્રોટીનનો આસૃતિદાબ (osmotic pressure) લોહીના જલદાબની વિરુદ્ધ દિશામાં દબાણ કરે છે. આમ, ત્રણ પ્રકારના દાબ સામસામી દિશામાં કામ કરીને ગુચ્છીગલન દરનું નિયમન કરે છે (જુઓ આકૃતિ 4.) તલીય કલાની સુનિશ્ચિત પારગલનશીલતાને કારણે પાણી, ગ્લુકોઝ, વિટામિનો, ઍમિનોઍસિડ, પ્રોટીનના નાના અણુઓ, નાઇટ્રોજનયુક્ત કચરો તથા આયનો (ions) તેમાંથી પસાર થાય છે; જ્યારે પ્રોટીનના મોટા અણુઓ (દા. ત., આલ્બ્યુમિન, હીમોગ્લોબિન, વગેરે) તેમાંથી પસાર થઈ શકતા નથી. મૂત્રકની કેશિકાગુચ્છમાંથી બહાર નીકળતી (બહિર્વાહી) ધમનીના નાના કાણાને કારણે ગુચ્છમાંની કેશવાહિનીઓમાં દબાણ (જલદાબ) વધુ હોય છે. આ દબાણ ગુચ્છીગલન માટે ઉપયોગી રહે છે. ગુચ્છીગલનનો સામાન્ય દર પ્રતિ મિનિટના 125 મિમી. છે. જ્યારે શરીરમાં કોઈ કારણસર લોહીનું દબાણ ઘટે ત્યારે ગુચ્છીગલનનાં પ્રમાણ અને દર ઘટે છે. ગુચ્છીગલનનું પ્રમાણ ઘણું ઘટી જાય અને તે 24 કલાકમાં 400 મિલી.થી પણ ઓછું થાય ત્યારે તેને અલ્પમૂત્રતા (oliguria) કહે છે અને જ્યારે તે 100 મિલી.થી પણ ઘટી જાય ત્યારે તેને અમૂત્રતા (anuria) કહે છે. મૂત્રાશયમાં પેશાબ ભરાઈ રહ્યો હોય અને તેને કાઢવામાં મુશ્કેલી હોય તો તેને અમૂત્રતા નહિ, પણ મૂત્રસંગ્રહણ (retention of urine) કહે છે.
મૂત્રકનલિકાકીય પુન:અભિશોષણ : ગુચ્છીગલનને કારણે 24 કલાકમાં કુલ 180 લિટર (48 ગૅલન) પ્રવાહી ગાળણ(filtration) રૂપે મૂત્રકનલિકાઓમાં પ્રવેશે છે. જ્યારે ફક્ત 1થી 2 લિટર જેટલું જ મૂત્ર શરીરમાંથી બહાર નીકળે છે. આમ, મોટાભાગનું ગળાયેલું પ્રવાહી અને ઘણા જલદ્રાવ્ય પદાર્થો મૂત્રકનલિકા દ્વારા લોહીમાં શોષાઈ જાય છે. તેને પુન:અભિશોષણ કહે છે (જુઓ સારણી-1.) તેથી પેશાબ બનાવવાનો દર 1-1.5 મિલી./મિનિટ જેટલો રહે છે.
પુન:અભિશોષણની પ્રક્રિયાને કારણે પ્રોટીન, ગ્લુકોઝ તથા વિવિધ આયનોનો મૂત્ર દ્વારા થતો વ્યય ઘણો ઘટે છે. ક્રિયેટિનિન નામનું રસાયણ મૂત્રકનલિકાઓમાં સહેજ પણ શોષાતું નથી તે ખાસ નોંધવા જેવું છે. આમ, લોહીમાંનું તેનું પ્રમાણ ગુચ્છીગલનના દરનું આડકતરું પણ મહત્વનું પરિમાણ બને છે. ગ્લુકોઝના પુન:અભિશોષણની પ્રક્રિયા મર્યાદિત પ્રમાણની છે. તેથી જ્યારે ગ્લુકોઝનું લોહીમાંનું પ્રમાણ વધે ત્યારે ગ્લુકોઝ પેશાબમાં જવા માંડે છે. તેને મધુમૂત્રમેહ (glycosuria) કહે છે. કેટલીક વ્યક્તિઓના લોહીમાં ગ્લુકોઝનું ઓછું પ્રમાણ હોય ત્યારે પણ મધુમૂત્રમેહ થાય છે. તેને મૂત્રપિંડી મધુમૂત્રમેહ (renal glycosuria) કહે છે. મધુપ્રમેહ (diabetes mellitus) નામના રોગમાં ગ્લુકોઝનું લોહીમાં પ્રમાણ જ્યારે વધે ત્યારે પણ મધુમૂત્રમેહ થાય છે.
સારણી 1 : લોહીના પ્લાઝ્મા, ગુચ્છીસંપુટના ગાળણ અને મૂત્રમાં વિવિધ દ્રવ્યોનું પ્રમાણ (24 કલાકમાં)
દ્રવ્ય | પ્લાઝ્મા | ગાળણ | મૂત્ર |
પાણી | 180 લીટર | 180 લીટર | 1-2 લીટર |
પ્રોટીન | 7,000-9,000 ગ્રા. | 10-20 ગ્રા. | 170-250 મિગ્રા. |
સોડિયમ | 540 ગ્રા | 540 ગ્રા. | 3 ગ્રા. |
પોટૅશિયમ | 28 ગ્રા. | 28 ગ્રા. | 4 ગ્રા. |
ક્લોરાઇડ | 630 ગ્રા. | 630 ગ્રા. | 5 ગ્રા. |
બાયકાર્બોનેટ | 300 ગ્રા. | 300 ગ્રા. | 300 મિગ્રા. |
ગ્લુકોઝ | 180 ગ્રા. | 180 ગ્રા. | 0 ગ્રા. |
યુરિયા | 53 ગ્રા. | 53 ગ્રા. | 25 ગ્રા. |
ક્રિયેટિનિન | 1.5 ગ્રા. | 1.5 ગ્રા. | 1.5 ગ્રા. |
મૂત્રનલિકાકીય પુન:અભિશોષણની ક્રિયા જુદાં જુદાં દ્રવ્ય માટે વિશિષ્ટ છે અને તે તે દ્રવ્યની શરીરમાંની જે-તે સમયની જરૂરિયાત પર નિર્ભર રહે છે. તેના દ્વારા શરીરનાં પોષક દ્રવ્યો, પાણી અને ખનિજક્ષારોના આયનોનું શોષણ થાય છે, જ્યારે ચયાપચયી કચરારૂપ યુરિયા ફક્ત થોડા જ પ્રમાણમાં શોષાય છે. શોષણની આ પ્રક્રિયા સહજ અથવા અસક્રિય (passive) અને સક્રિય (active) એમ બંને પ્રકારની છે. ક્યારેક આ ક્રિયા માટે ઉત્સેચક(enzyme)ની જરૂર પડે છે. સોડિયમના આયનો પ્રારંભિક અને દૂરસ્થ વલયકારી મૂત્રકનલિકાઓ દ્વારા સક્રિય પ્રક્રિયાથી શોષાય છે. દૂરસ્થ વલયકારી મૂત્રક-નલિકાઓમાં થતું સોડિયમ આયનોનું શોષણ રેનિન-એન્જિયૉટેન્સીન કાર્યપથ અને આલ્ડોસ્ટીરોનની અસર હેઠળ થાય છે (જુઓ ‘આલ્ડોસ્ટીરોન’, વિ. ખંડ 2, નવી આવૃત્તિ 315.) જ્યારે લોહીનું દબાણ ઘટે ત્યારે મધ્યકસમીપી કોષપુંજ દ્વારા રેનિન નામના ઉત્સેચકનું ઉત્પાદન થાય છે, જે યકૃતમાં બનતા એન્જિયૉટેન્સિનોજિનનું એન્જિયૉટેન્સિન-Iમાં રૂપાંતર કરે છે. એન્જિયૉટેન્સિન-I ફેફસાંમાં એન્જિયૉટેન્સિન-IIમાં રૂપાંતરિત થઈને અધિવૃક્કગ્રંથિના બાહ્યક(adrenal cortex)માં આલ્ડોસ્ટીરોનનું ઉત્પાદન કરાવે છે (જુઓ આલ્ડોસ્ટીરોન.) આલ્ડોસ્ટીરોન દૂરસ્થ વલયકારી મૂત્રકનલિકા પર અસર કરીને સોડિયમનાં આયન અને પાણીનું શોષણ વધારે છે. આમ થવાથી લોહીનું ઘટેલું દબાણ ઊંચું આવે છે અને તે સામાન્ય સ્તરે પહોંચે છે. ક્લોરાઇડના આયનોનું શોષણ વિપરીત વીજભારને કારણે સહજ રીતે થાય છે. હેન્લેના ચીપિયાની ઉપર ચઢતી આરોહી ભુજામાં ક્લોરાઇડના આયનોનું સક્રિય રીતે પણ શોષણ થાય છે. અહીં સોડિયમના આયનો વિપરીત વીજભારને કારણે સહજ રીતે મૂત્રકનલિકામાંથી લોહીમાં પ્રવેશે છે. આમ, વિવિધ પ્રકારનું સોડિયમનું પુન:અભિશોષણ મૂત્રના આસૃતિદાબને વધારે છે.
પાણીનું અભિશોષણ સોડિયમ આયનોના પુન:અભિશોષણ સાથે સહજ રીતે (80 %) તથા જલવાહી અણુઓ (water carrier molecules) દ્વારા સક્રિયપણે એમ બંને રીતે થાય છે. દૂરસ્થ વલયકારી મૂત્રકનલિકાઓ અને સમાહર્તી નલિકાઓમાં પશ્ચ પીયૂષિકા (posterior pituitary) ગ્રંથિના અલ્પમૂત્રક અંત:સ્રાવ(anti-diuretic hormone – ADH)ની અસર નીચે પાણીના પુન:અભિશોષણની ક્રિયા થાય છે (જુઓ અલ્પમૂત્રક અંત:સ્રાવ તથા આકૃતિ.) હેન્લેના ચીપિયાની આરોહી ભુજામાંથી પાણીનું જરા પણ અભિશોષણ થતું નથી. પોટૅશિયમના આયનો મૂત્રકનલિકામાં સંપૂર્ણપણે અભિશોષિત થાય છે.
મૂત્રકનલિકાકીય વિસ્રવણ : મૂત્રકનલિકામાંથી કેટલાક પદાર્થો પેશાબમાં પણ પ્રવેશે છે. પદાર્થોના આવા પ્રવેશને વિસ્રવણ (secretion) કહે છે. પુન:અભિશોષણ શરીરમાં જુદા જુદાં દ્રવ્યોના પ્રમાણને જાળવી રાખે છે. પોટૅશિયમ અને હાઇડ્રોજનના આયનો, એમોનિયા, ક્રિયેટિનિન, પેનિસિલિન અને પેરાએમાઇનો હિપુરિક ઍસિડ વગેરે દ્રવ્યોને વિશિષ્ટ વિસ્રવણ દ્વારા પેશાબ વાટે શરીરની બહાર કઢાય છે. વિસ્રવણની પ્રક્રિયા શરીરની અમ્લતા(pH)ને જાળવવામાં ઉપયોગી છે. હાઇડ્રોજન અને એમોનિયમ આયનોના વિસ્રવણને કારણે લોહીની અમ્લતા જળવાય છે અને પેશાબ અમ્લ (acidic) બને છે. આ સમગ્ર ક્રિયા દ્વારા મૂત્રપિંડ શરીરની અમ્લતા જાળવવાની સંતુલક (buffer) પ્રક્રિયાઓમાં ભાગ લે છે (જુઓ ઍસિડ-આલ્કલી સંતુલન.)
પ્રતિતરંગ-‘વર્ધક’-પરિકલ્પના (countercurrent ‘multiplier’ hypothesis, આકૃતિ 5) : લોહીમાંના પાણીના સમપ્રમાણમાં પાણીનો પેશાબ રૂપે નિકાલ થાય છે. ચયાપચયી કચરો સામાન્યત: પાણીના નિકાલ પર બહુ આધારિત નથી. તેથી જ્યારે લોહીમાં પાણી ઓછું હોય ત્યારે અતિઆસૃતિવાળું (hyper-osmotic) મૂત્ર બને છે અને જ્યારે લોહીમાં પાણીનું પ્રમાણ વધુ હોય ત્યારે અલ્પઆસૃતિવાળું (hypo-osmotic) મૂત્ર બને છે. શારીરિક જરૂરિયાત પ્રમાણે મૂત્રના આસૃતિદાબને બદલવાની મૂત્રપિંડની ક્ષમતાને પ્રતિતરંગ-‘વર્ધક’-પરિકલ્પના દ્વારા સમજવામાં આવે છે.
મધ્યકસમીપી મૂત્રકો (juxtamedullary nephrons) તથા તેમની સુરેખવાહિનીઓ (vasa recta) મૂત્રપિંડના બાહ્યકમાં હોય છે. તે મૂત્રપિંડના મધ્યકમાં ઊંડે સુધી લંબાય છે અને ત્યારબાદ પુન: બાહ્યકમાં પ્રવેશે છે. પ્રારંભિક વલયકારી મૂત્રકનલિકામાં 65 % પાણીનું પુન:અભિશોષણ થાય છે. મૂત્રકનલિકાના હેન્લેના ચીપિયામાં જે દિશામાં ગુચ્છીગાળણ (glomerular filtrate) વહે છે તેની વિરુદ્ધ દિશામાં તેની આસપાસની સુરેખવાહિનીઓમાંનું લોહી વહે છે. આ સામસામી દિશાના વહનને ‘પ્રતિતરંગ’ (counter-current) કહે છે. હેન્લેના ચીપિયાની અવરોહી ભુજાના કોષોની સોડિયમના આયનો માટેની પારગમ્યતા ઘણી છે. તેની આરોહી ભુજાના જાડા ભાગમાં સોડિયમના આયનોને સક્રિય પ્રક્રિયા દ્વારા મૂત્રકનલિકામાંથી બહાર કાઢી નખાય છે. આમ આરોહી ભુજા દ્વારા બહાર નીકળતા સોડિયમના આયનો અવરોહી ભુજા દ્વારા મૂત્રનલિકામાં પુન: પ્રવેશે છે. તેથી હેન્લેના ચીપિયાના વળાંક આગળ મૂત્રકનલિકામાંના પ્રવાહીનો આસૃતિદાબ ઘણો વધુ હોય છે. આસૃતિદાબના આ વધારાની ક્રિયાને ‘વર્ધક’ (multiplier) કહે છે. ‘પ્રતિતરંગ’ અને ‘વર્ધક’ની પ્રક્રિયા દ્વારા પેશાબનો આસૃતિદાબ વધારાય છે. માટે સમગ્ર ક્રિયાને પ્રતિતરંગ-‘વર્ધક’-પરિકલ્પના કહે છે. સુરેખવાહિનીના અવરોહી ભાગમાં જેમ જેમ લોહી મૂત્રપિંડના મધ્યક તરફ વહે છે તેમ તેમ સોડિયમ, ક્લોરાઇડ અને યુરિયાના પુન:અભિશોષણને કારણે તેના લોહીનો આસૃતિદાબ વધે છે. પરંતુ તેનું લોહી આરોહી ભાગમાં આગળ વધીને મૂત્રપિંડના બાહ્યકમાં પહોંચે છે ત્યારે તેમાંના સોડિયમ, ક્લોરાઇડ અને યુરિયા બહાર સરી જાય છે. તેથી મૂત્રપિંડના બાહ્યકમાં પ્રવેશતા લોહીનો આસૃતિદાબ સામાન્ય (normal) હોય છે. મૂત્રકનલિકાના હેન્લેના ચીપિયા અને સુરેખવાહિનીના ચીપિયામાંના અનુક્રમે પ્રવાહી અને લોહી વચ્ચેની સોડિયમ, ક્લોરાઇડ અને યુરિયાની આપ-લે અંતરાલીય (interstitial) પ્રવાહીના માધ્યમ દ્વારા થાય છે. તેથી મૂત્રપિંડના મધ્યકમાંના અંતરાલીય પ્રવાહીનો આસૃતિદાબ પણ વધે છે. વળી દૂરસ્થ મૂત્રકનલિકાની પાણી માટેની પારગમ્યતા ઘણી ઓછી હોય છે અને તે અલ્પમૂત્રક અંત:સ્રાવ(ADH)ની સીધી અસર હેઠળ હોય છે. તેથી જ્યારે અલ્પમૂત્રક અંત:સ્રાવની હાજરી ન હોય ત્યારે હેન્લેના ચીપિયાની આરોહી ભુજામાં ઉપર ચઢતું ઓછા આસૃતિદાબવાળું પ્રવાહી મૂત્ર રૂપે વહે છે અને તેથી તેનું મૂત્ર મંદ (dilute) સાંદ્રતાવાળું અને ઓછા આસૃતિદાબવાળું હોય છે. ત્યાં અલ્પમૂત્રક અંત:સ્રાવની હાજરી હોય ત્યારે મૂત્રપિંડના બાહ્યકમાંની દૂરસ્થ મૂત્રકનલિકા અને સમાહર્તી નલિકામાંથી ઘણું પાણી અભિશોષાય છે. વળી આવું વધુ સાંદ્રતાવાળું પ્રવાહી જ્યારે સમાહર્તી નલિકામાં મૂત્રપિંડમાંના મધ્યકવાળા ભાગમાંથી પસાર થાય છે, ત્યારે તેનો આસૃતિદાબ ત્યાંના અંતરાલીય પ્રવાહી જેટલો વધે છે. આમ, વધુ સાંદ્રતાવાળું (concentrated) અને વધુ આસૃતિદાબવાળું મૂત્ર ઉત્પન્ન થાય છે.
પ્લાઝ્મા અભિશોધન (plasma clearance) સંકલ્પના : પાણી તથા અન્ય દ્રવ્યોનાં અલગ અલગ ગાળણ, પુન:અભિશોષણ અને વિસ્રવણને કારણે દરેક દ્રવ્યને શરીરમાંથી દૂર કરવાની બાબતમાં મૂત્રપિંડ અલગ અલગ રીતે વર્તે છે. તેથી જે તે પદાર્થ કે દ્રવ્ય કેટલા પ્રમાણમાં દૂર કરાયો તેનો દર જાણવા ગણતરી કરાય છે. જેટલા મિલી. પ્લાઝ્મા દર મિનિટે જે તે દ્રવ્યને દૂર કરીને શુદ્ધ કરાય છે તે દરને તે પદાર્થનો પ્લાઝ્મા અભિશોધન (clearance) દર કહે છે. ગુચ્છી ગાળણમાંનું ઇન્સ્યુલિન સંપૂર્ણપણે પેશાબમાં વહી જતું હોવાથી ઇન્સ્યુલિનના પ્લાઝ્મા અભિશોધનનો અંક ગુચ્છીગલનનો દર દર્શાવે છે. તે જાણવા માટેનું સૂત્ર છે :
પ્લાઝ્મા અભિશોધન (મિલી./મિનિટ) =
ક્રિયેટિનિનના પ્લાઝ્મા અભિશોધનના દરને આધારે ઘણી દવાઓની માત્રામાં ફેરફાર કરવાની જરૂર પડે છે.
ઉત્સર્ગક્રિયા કરતા અન્ય અવયવો : મૂત્રપિંડ ઉપરાંત ચામડી, ફેફસાં, જઠરાંત્રમાર્ગ, પિત્તમાર્ગ તથા લાળગ્રંથિઓ પણ શરીરમાંના પ્રવાહી કચરાને દૂર કરવાનું કાર્ય કરે છે. ફેફસાં દ્વારા કાર્બન ડાયૉક્સાઇડ, ગરમી અને પાણી તથા પૅરૅલ્ડિહાઇડ જેવાં વાયુરૂપ દ્રવ્યો દૂર થાય છે. ચામડી તેની પ્રસ્વેદગ્રંથિઓ દ્વારા પાણી, ક્ષાર, યુરિયા અને ગરમી દૂર કરવામાં ઉપયોગી છે. ગરમીની ઋતુમાં તથા સતત રહેતા અતિશય તાવના દર્દીમાં ચામડી દ્વારા વધુ પ્રમાણમાં પાણી બહાર જતું રહે તો વ્યક્તિના પેશાબનું પ્રમાણ ઘટે છે. લાળગ્રંથિઓ કેટલાંક દ્રવ્યોનું વિસ્રવણ કરે છે; જેમ કે, મેટ્રોનિડૅઝોલ. ઘણા ચયાપચયી પદાર્થો અને ઘણાં ઔષધો યકૃતમાં વિષતારહિત (detoxified) થઈને પિત્તમાર્ગે જઠરાંત્રમાર્ગમાં પ્રવેશે છે. જઠરાંત્રમાર્ગ (gastrointestinal tract) પોતે પણ પાણી, ક્ષાર અને અન્ય દ્રવ્યોના નિકાલમાં કાર્યરત રહે છે.
મૂત્રમાર્ગ (urinary tract) : મૂત્રક દ્વારા બનેલું મૂત્ર સમાહર્તી નલિકાઓ દ્વારા મૂત્રપિંડના પિરામિડમાંની કલિકા-નલિકાઓ (papillary ducts) દ્વારા મૂત્રપિંડકુંડ(renal pelvis)ના નાના મુખ (minor calyx)માં પ્રવેશે છે. મૂત્રપિંડકુંડમાં એકઠું થયેલું મૂત્ર મૂત્રનલિકા (ureter) દ્વારા મૂત્રાશય(urinary bladder)માં ઠલવાય છે. શરીરમાં બે મૂત્રનલિકાઓ છે. બંને મૂત્રપિંડમાંથી એક એક મૂત્રકનલિકા નીકળે છે. તે 25થી 30 સેમી. લાંબી અને વધુમાં વધુ 1.7 સેમી. જેટલી જાડી હોય છે. જેમ જેમ તે નીચે ઊતરે છે તેમ તેમ તે પાતળી થતી જાય છે. તેમાં વાલ્વ હોતા નથી, પરંતુ તે જ્યારે મૂત્રાશયના ત્રિકોણાકાર (trigon) ભાગના ઉપરના અને એક બાજુ પરના ખૂણામાં પ્રવેશે છે ત્યારે તે મૂત્રાશયની દીવાલમાં ત્રાંસી ઊતરે છે. મૂત્રનલિકા ઘણા સેમી. અંતર સુધી મૂત્રાશયની નીચેથી પસાર થાય છે તેને કારણે તેનો નીચલો છેડો બંધ થાય છે. આમ, મૂત્રાશયના સંકોચન-સમયે મૂત્રાશયમાંનું મૂત્ર પાછું મૂત્રનલિકામાં ન પ્રવેશતાં મૂત્રાશયનલિકા(urethra)માં પ્રવેશે છે. મૂત્રનલિકાનું અંદરનું પડ શ્લેષ્મ સ્તર(mucosa)નું બનેલું છે. મધ્ય પડ સ્નાયુનું બનેલું છે અને બહારનું પડ તંતુપેશી(fibrous tissue)નું બનેલું છે. તંતુપેશી તેને તેના સ્થાને સ્થિર રાખે છે. મૂત્રનલિકાના લહરગતિ(peristalsis)રૂપી સંકોચનો કરતાં મૂત્રપિંડ કુંડમાંના પેશાબનો જલદાબ અને વજન વધુ બળવત્તર હોઈ મુખ્યત્વે તેમને કારણે જ મૂત્રનલિકામાંનું મૂત્ર મૂત્રાશયમાં પ્રવેશે છે.
શ્રોણિગુહા(pelvic cavity)ના આગળના ભાગમાં પરંતુ પરિતનગુહા(peritoneal cavity)ની બહાર મૂત્રાશય આવેલું છે. પુરુષોમાં તે મળાશય(rectum)ની તરત આગળ આવેલું છે, જ્યારે સ્ત્રીઓમાં તેની અને મળાશયની વચ્ચે ગર્ભાશય (uterus) અને યોનિ (vagina) આવેલાં છે. મૂત્રરહિત સ્થિતિમાં તે હવા વગરના ચીમળાયેલા ફુગ્ગા જેવું છે. જ્યારે તેમાં થોડો પેશાબ ભરાય ત્યારે તે દડા આકારનું બને છે. મૂત્રાશયના પાછલા અને નીચલા ભાગમાં ત્રિકોણાકાર ભાગ (ત્રિકોણાકૃતિ) છે (આકૃતિ 6). તેના આગલા અને નીચલા છેડે તેની ટોચ છે, જેમાં મૂત્રાશયનલિકાનું મુખ આવેલું છે. ત્રિકોણાકૃતિના ઉપલા અને બાજુ પરના ખૂણાઓમાં બંને મૂત્રનલિકાઓ ખૂલે છે. મૂત્રાશયની દીવાલમાં ચાર પડ હોય છે. સૌથી અંદરનું પડ ગડીવાળું શ્લેષ્મકલા(mucosa)નું બનેલું છે. તેની નીચે સંધાનપેશી(connective tissue)ની અવશ્લેષ્મકલા (submucosa) આવેલી છે. ત્રીજા પડમાં ત્રણ સ્તરવાળો અધોદાબી (detrusor) સ્નાયુ છે. આ સ્નાયુ મૂત્રાશયનલિકાની ફરતે અંદરનો દ્વારરક્ષક (internal sphincter) પણ બનાવે છે. મૂત્રાશયની બહાર, બહારનો દ્વારરક્ષક (external sphincter) હોય છે. તે ઐચ્છિક સ્નાયુનો બનેલો છે. મૂત્રાશયનું બહારનું પડ ફક્ત તેના ઉપલા ભાગમાં જ છે અને તે પરિતનકલા(peritoneum)નું બનેલું છે. મૂત્રાશયના સ્નાયુઓના અંદર અને બહારના સ્તરો લંબવર્તી (longitudinal) સ્નાયુઓના અને મધ્યસ્તર ચક્રાકારી (circular) સ્નાયુના બનેલા છે. મૂત્રાશયની સામાન્ય સંચયશક્તિ (capacity) 700-800 મિલી. પેશાબ એકઠો કરવાની છે. પરંતુ તેમાં 100-200 મિલી. જેટલો મૂત્રનો ભરાવો થાય ત્યારથી તે મૂત્ર બહાર કાઢવાની સંવેદનાઓ ઉત્પન્ન કરે છે. મૂત્રાશયમાંથી મૂત્રને બહાર ઠાલવવાની ક્રિયા, મૂત્રણ (micturition), સ્વાયત્ત તથા કેન્દ્રીય ચેતાતંત્રના નિયમન હેઠળ થાય છે. તે માટે અનુકંપી (sympathatic) ચેતાતંત્રના કટીય પ્રદેશના બીજા અને ત્રીજા ચેતામૂળ(L2 અને L3 nerve roots)ના ચેતાતંતુઓ ત્રિકોણાકૃતિ અને મૂત્રાશયનલિકામાં, પરાઅનુકંપી (parasym-pathetic) ચેતાતંત્રના ત્રિકાસ્થિ (sacrum) ક્ષેત્રના બીજા, ત્રીજા અને ચોથા ચેતામૂળ(S2, S3, S4 nerve roots)ના ચેતાતંતુઓ મૂત્રાશયના ત્રિકોણાકૃતિ સિવાયના ભાગમાં તથા કેન્દ્રીય ચેતાતંત્રના ત્રિકાસ્થિક્ષેત્રના ત્રીજા અને ચોથા ચેતામૂળના ચેતાતંતુઓ બાહ્યદ્વારરક્ષક અને મૂત્રાશયનલિકામાં પ્રવેશીને ત્યાંની સંવેદનાઓ (sensation) ગ્રહણ કરે છે અને તેમને ચાલક ઉત્તેજનાઓ (motor stimuli) પણ આપે છે. આમ, મૂત્રણની ક્રિયાને કરોડરજ્જુના કટિપ્રદેશના બીજા અને ત્રીજા ખંડ (segments) તથા ત્રિકાસ્થિ પ્રદેશના બીજા, ત્રીજા અને ચોથા ખંડના ચેતાકોષો તેમજ મસ્તિષ્ક-(મોટું મગજ)ની પરાકેન્દ્રીય ખંડિકા(paracentral lobule)ના ચેતાકોષો નિયંત્રિત કરે છે. આ ચેતાકોષો, ચેતાતંતુઓ કે તેમના ચેતાપથોના રોગ અને વિકારમાં મૂત્રણની ક્રિયામાં વિક્ષેપ પડે છે. અને તેથી કાં તો મૂત્રાશયમાં પેશાબ ભરાઈ રહે છે અથવા તેમાંથી સતત ટપક્યાં કરે છે. આને ચેતાજન્ય મૂત્રાશયવ્યાધિ (neurogenic bladder) કહે છે.
મૂત્રાશયનલિકા મૂત્રમાર્ગના નીચલા છેડે આવેલી છે. તે પુરુષોમાં લાંબી હોય છે (20 સેમી.), જ્યારે સ્ત્રીઓમાં ટૂંકી (3.8 સેમી.) હોય છે. તેનો સામાન્ય સ્થિતિમાંનો વ્યાસ 6 મિમી. જેટલો હોય છે. તે મૂત્રાશયમાંથી નીકળી સ્ત્રીઓમાં લઘુશિશ્ન (clitoris) અને યોનિદ્વાર(vaginal opening)ની વચ્ચે મૂત્રાશયનલિકા-છિદ્ર દ્વારા ખૂલે છે. પુરુષોમાં મૂત્રાશયમાંથી નીકળીને પુર:સ્થ (prostate) ગ્રંથિમાંથી અને મૂત્રપ્રજનનમાર્ગીય સ્નાયુપટલ(urogenital diaphragm)માંથી પસાર થઈને શિશ્ન(penis)માં પ્રવેશે છે. શિશ્ન(પુંજનનેન્દ્રિય)ના છેડે છિદ્ર દ્વારા ખૂલે છે. પુર:સ્થગ્રંથિમાં તેમાં બે વીર્યકોશનલિકાઓ પણ ખૂલે છે.
મૂત્રપિંડના રોગો અને વિકારો : પેશાબ ઉત્પન્ન કરી લોહી અને શરીરમાંના પાણીનું પ્રમાણ જાળવવું, શરીરમાંના બિનજરૂરી અને ઝેરી પદાર્થો તથા જરૂરી પણ વધુ પ્રમાણમાં ઉત્પન્ન થયેલા પદાર્થોને દૂર કરવા, વિવિધ અંત:સ્રાવોની અસર હેઠળ કામ કરીને લોહીનું દબાણ જાળવવું તથા કૅલ્શિયમ અને પાણીનું શરીરમાંનું પ્રમાણ જાળવી રાખવું અને રક્તકોષોના ઉત્પાદનનું નિયમન કરવું વગેરે મૂત્રપિંડનાં મુખ્ય કાર્યો છે. મૂત્રપિંડને અસર કરતા વિકારોમાં આ કાર્યોમાં વિક્ષેપ ઉત્પન્ન થાય છે.
મૂત્રપિંડ પેશાબ ઉત્પન્ન કરે છે. તેથી પેશાબનું વિષમ પ્રમાણ, તેની વિષમ સાંદ્રતા અને વિષમ આસૃતિદાબ, તેમાં લોહી, પ્રોટીન, શ્વેતકોષો, જીવાણુઓ અને મૂત્રદ્રવ્ય (urinary cast) વગેરેનું વહી જવું મૂત્રપિંડ અને મૂત્રમાર્ગના જુદા જુદા રોગો કે વિકારો સૂચવે છે. પેશાબમાં લોહીની હાજરી (રુધિરમૂત્રમેહ, haematuria) સામાન્યત: પીડાકર હોતી નથી, પરંતુ લોહીના ગઠ્ઠા જ્યારે પસાર થાય ત્યારે ચૂંક કે પેશાબ કરતી વખતે દુખાવો (દુ:ર્મૂત્રણ, disuria) થાય છે. લોહીના વિવિધ રોગો જેવા કે હીમોગ્લોબિન વિકારો, રુધિરગઠનના વિકારો, વ્યાપક ચેપ, સગુચ્છ મૂત્રપિંડશોથ (glomerulonephritis) અને અંતરાલીય મૂત્રપિંડશોથ (interstitial nephritis) જેવા મૂત્રપિંડના શોથજન્ય (inflammatory) રોગો, મૂત્રપિંડ કે મૂત્રમાર્ગમાં ગાંઠ, કૅન્સર, પથરી, ઈજા, કોષ્ઠીય મૂત્રપિંડ રોગ, સકુંડી મૂત્રપિંડશોથ (pyelonephritis) તથા નીચેના મૂત્રમાર્ગનો ચેપ જેવા ચેપ ઘણી વખતે પેશાબમાં લોહી આવે ત્યારે થયેલા હોય છે. પેશાબમાંનું લોહી દેખીતું અથવા સૂક્ષ્મ પ્રમાણમાં હોય છે. પેશાબમાં રક્તકોષી મૂત્રદ્રવ્ય (red cell cast) હોય તો તે મૂત્રપિંડનો રોગ સૂચવે છે. દુખાવો ન હોય તેવો રુધિરમૂત્રમેહ ઘણી વખત મૂત્રપિંડ કે મૂત્રમાર્ગના ક્ષયના દર્દીઓમાં જોવા મળે છે.
જ્યારે પેશાબમાં 750 મિગ્રા./24 કલાકના દરથી વધુ પ્રોટીન વહી જતું હોય (પ્રોટીનમૂત્રમેહ, proteinuria) ત્યારે તે મૂત્રપિંડનો રોગ સૂચવે છે. સામાન્યત: 24 કલાકમાં 150 મિગ્રા. જેટલું પ્રોટીન પેશાબમાં જાય છે; જ્યારે પ્રોટીનમૂત્રમેહ 3 ગ્રા./24 કલાકથી વધુ પ્રમાણમાં થતો હોય તો તે કેશિકાગુચ્છ(glomerulus)નો રોગ અપમૂત્રપિંડી સંલક્ષણ (nephrotic syndrome) સૂચવે છે. બહુમજ્જાર્બુદ (multiple myeloma) જેવા વિષમ પ્રકારના પ્રોટીનવાળા રોગોમાં ઘણી વખતે વિષમ પ્રકારનું પ્રોટીન પેશાબ વાટે વહી જાય છે; દા. ત., બેન્સ જૉન્સ પ્રોટીન, માયોગ્લોબિન વગેરે. સગુચ્છ મૂત્રપિંડી શોથ (glomerulonephritis) અને અંતરાલીય (interstitial) મૂત્રપિંડી રોગોમાં પ્રોટીનનું પેશાબમાંનું પ્રમાણ દર 24 કલાકે 2 ગ્રામથી ઓછું હોય છે. કસરત, આંચકી, તાવ અને દીર્ઘકાલી હૃદયની નિષ્ફળતામાં ક્યારેક 2 ગ્રા./24 કલાકથી ઓછું એવું પ્રોટીન મૂત્ર વાટે વહી જાય છે.
સૂક્ષ્મદર્શક વડે પેશાબની તપાસમાં જો દરેક બૃહદર્શીય વિસ્તાર(high power field)માં 5થી 10 અથવા વધુ લોહીના શ્વેતકોષો (પૂયકોષો, pus cells) જોવા મળે તો તે તેને પૂયમૂત્રમેહ (pyuria) કહે છે. તે મૂત્રપિંડ અને મૂત્રમાર્ગના ચેપજન્ય રોગોમાં જોવા મળે છે. મૂત્રકનલિકામાં ઉત્પન્ન થતાં મૂત્રદ્રવ્યનો આકાર નળા જેવો છે અને તેને નળાકારી દ્રવ્યમૂત્રમેહ (cylindruria) કહે છે. તે મૂત્રપિંડના કોઈ ચોક્કસ રોગનું નિદાન કરવા માટે પૂરતું નથી; પરંતુ તેની પેશાબમાંની હાજરી મૂત્રપિંડનો કોઈ રોગ થયો છે એવું તો ચોક્કસ સૂચવે છે. પેશાબમાંના જીવાણુ(bacteria)નું સંવર્ધન (culture) કરીને સંવર્ધિત સમૂહ(colony)ની ગણતરી કરતાં જો જીવાણુની સંખ્યા દર મિલી. પેશાબમાં 1 લાખથી વધુ આવે તો તેને મહત્વવાળો જીવાણુમૂત્રમેહ (significant bacteriuria) કહે છે. તે મૂત્રમાર્ગ કે મૂત્રપિંડના ચેપનો દ્યોતક છે. મૂત્રમાર્ગમાંના કૅન્સરના રોગના નિદાનમાં પેશાબની કોષવિદ્યા(cytology)લક્ષી તપાસણી ઉપયોગી છે. જ્યારે આંતરડા કે યોનિ સાથે સંયોગનળી (fistula) વડે થયેલા ખુલ્લા જોડાણ દ્વારા હવા મૂત્રમાર્ગમાં પ્રવેશે ત્યારે તે પેશાબમાં પરપોટારૂપે આવે છે. આને વાયમૂત્રમેહ (pneumaturia) કહે છે. તેવી જ રીતે કેટલાક રોગોમાં પેશાબમાં હીમોગ્લોબિન,, માયોગ્લોબિન, કીટોન વગેરે પણ વહી જાય છે.
મૂત્રપિંડ અને મૂત્રમાર્ગના રોગોના નિદાનમાં પેશાબ ઉપરાંત બીજી કેટલીક તપાસણીઓ (tests) પણ કરવામાં આવે છે. આવી તપાસણીઓમાં મૂત્રપિંડી કાર્યક્ષમતા કસોટીઓ(renal function tests)નો સમાવેશ થાય છે. ગુચ્છીગલન દર (GFR) જાણવા માટે પ્લાઝ્મામાંનું ક્રિયેટિનિનનું પ્રમાણ ઉપયોગી રહે છે (આકૃતિ 7). દરેક વ્યક્તિમાં કોઈ એક નિશ્ચિત દરે સ્નાયુમાંના ક્રિયેટિનના ચયાપચયના પરિણામરૂપ ક્રિયેટિનિન ઉત્પન્ન થાય છે. (સામાન્ય દર 15 મિગ્રા./પ્રતિ કિગ્રા. શરીરનું વજન પ્રતિ દિવસ). તે ગુચ્છીગલન દ્વારા અને મૂત્રકનલિકાકીય વિસ્રવણ (tubular secretion) દ્વારા પેશાબમાં પ્રવેશે છે. તેથી ક્રિયેટિનિન અભિશોધન (clearance) ગુચ્છીગલન દર કરતાં સહેજ વધુ હોય છે. સિમેટિડીન અને ટ્રાઇમિથોપ્રિમ જેવાં ઔષધો તેનું મૂત્રકનલિકાકીય વિસ્રવણ અટકાવે છે. આમ તે પ્લાઝ્મામાં ક્રિયેટિનિનનું પ્રમાણ વધારે છે. લોહીમાં કીટોનનું પ્રમાણ વધુ હોય ત્યારે ટેકનિકલ કારણોસર પ્લાઝ્મા ક્રિયેટિનિનનું પ્રમાણ ખોટી રીતે વધુ દેખાય છે. મૂત્રપિંડની નિષ્ફળતા(renal failure)માં ગુચ્છીગલન ઘટે છે અને પ્લાઝ્મા ક્રિયેટિનિનનું પ્રમાણ વધે છે (જુઓ આકૃતિ 7). લોહીમાંના યુરિયા-નાઇટ્રોજનનું પ્રમાણ પણ મૂત્રપિંડની નિષ્ફળતાનું દ્યોતક છે. પરંતુ તે મૂત્રપિંડની નિષ્ફળતા દર્શાવવામાં ક્રિયેટિનિનના પ્રમાણ કરતાં ઓછું સુનિશ્ચિત ગણાય છે. યુરિયાનું પ્રમાણ યકૃત(liver)ની કાર્યક્ષમતા તથા ખોરાકમાંના પ્રોટીનના પ્રમાણ પર પણ આધારિત છે. જ્યારે શરીરમાં પાણી ઘટે ત્યારે તેનું મૂત્રકનલિકાકીય પુન:અભિશોષણ વધે છે અને તે કારણે પણ લોહીમાં યુરિયાનું પ્રમાણ વધે છે.
24 કલાકમાં પેદા થતા પેશાબનું પ્રમાણ ગુચ્છીગલન દર સૂચવે છે. પેશાબની વિશિષ્ટ ઘનતાનું માપન આડકતરી રીતે પેશાબના આસૃતિદાબનું સૂચન કરે છે અને આમ તે મૂત્રપિંડની પેશાબની સાંદ્રતા (concentration) જાળવવાની ક્ષમતાનું સૂચન કરે છે. શરીરમાં પાણીનું પ્રમાણ ઘટે ત્યારે પેશાબ વધુ સાંદ્ર (concentrated) આવે છે અને તેની વિશિષ્ટ ઘનતા વધી જાય છે. આમ, પાણી પીવાનું બંધ કરીને મૂત્રપિંડની સાંદ્રતા વધારવાની ક્ષમતા જાણવાની તપાસ કરી શકાય છે. સામાન્યત: પેશાબ અમ્લ (acidic) હોય છે. હાઇડ્રોજન આયન ઉપરાંત સોડિયમ, પોટૅશિયમ, ક્લોરાઇડ, બાયકાર્બોનેટ વગેરે આયનોનું લોહીમાંનું પ્રમાણ મૂત્રપિંડની કાર્યક્ષમતા સૂચવે છે. મૂત્રપિંડની નિષ્ફળતાવાળા વિકારમાં લોહીમાં પોટૅશિયમનું પ્રમાણ વધે છે.
મૂત્રપિંડ અને મૂત્રમાર્ગમાં થયેલી રચનાલક્ષી વિકૃતિઓને વિવિધ ચિત્રણકારી (imaging) પ્રવિધિઓ અને અંત:નિરીક્ષા (endoscopy)-ચકાસણીઓ દ્વારા જાણી શકાય છે. ચિત્રણકારી પ્રવિધિઓમાં ઍક્સ-કિરણ ચિત્રણ, અલ્ટ્રાસોનોગ્રાફી, સી.એ.ટી. વિકિરણચિત્ર (CAT scan), ચુંબકીય અનુનાદી ચિત્રણ (magnetic resonance imaging, MRI), સમસ્થાની વિકિરણ-ચિત્રણ (isotope scan) વગેરે મુખ્ય છે. તેમના દ્વારા મૂત્રપિંડનાં કદ, સંખ્યા, સ્થાન, રચનાલક્ષી વિકૃતિ, મૂત્રમાર્ગમાં અવરોધ, મૂત્રપિંડ કે મૂત્રમાર્ગમાં સૌમ્ય કે કૅન્સરની ગાંઠ, મૂત્રપિંડની નસોની વિકૃતિઓ વગેરે જાણી શકાય છે. જો મૂત્રપિંડનું જીવપેશી-પરીક્ષણ (biopsy) કરવાનું હોય તોપણ આવું ચિત્રણ ઉપયોગી રહે છે. પેટનું સાદું ઍક્સ-કિરણ ચિત્રણ, શિરામાર્ગી (intravenous) કે ઊર્ધ્વમાર્ગી (ascending) મૂત્રમાર્ગચિત્રણ (pyelography), મૂત્રપિંડી ધમનીચિત્રણ (arteriography) વગેરે તપાસણીઓમાં ઍક્સ-કિરણનો ઉપયોગ થાય છે. અલ્ટ્રાસોનોગ્રાફી ઘન (solid) ગાંઠ કે પ્રવાહી ભરેલી કોષ્ઠ(cyst)ને અલગ પાડવામાં ઉપયોગી છે. તે 1થી 2 સેમી. જેટલી નાની કોષ્ઠ પણ દર્શાવી શકે છે. અલ્ટ્રાસોનોગ્રાફીની તપાસમાં શરીરમાં કોઈ દ્રવ્ય નાખવાનું ન હોવાથી તે સંપૂર્ણ સલામત તપાસપદ્ધતિ છે.
સંસાધન પરીક્ષણ : મૂત્રાશયની ગાંઠવાળા, પેશાબ વાટે દેખીતા કે સૂક્ષ્મ પ્રમાણમાં વહેતા લોહીવાળા તથા મૂત્રમાર્ગના અવરોધવાળા દર્દીમાં મૂત્રાશયદર્શક (cystoscope) દ્વારા નિદાન કરવું શક્ય બને છે. મૂત્રાશયનલિકાનું સંકીર્ણન (stricture of urethra) અને મૂત્રમાર્ગના નીચલા ભાગમાંથી પથરીનું નિદાન પણ થઈ શકે છે.
અંત:દર્શકો (endoscopes) મૂત્રમાર્ગના વિકારોનાં નિદાન અને ઉપચારકાર્યોમાં વિવિધ રીતે ઉપયોગી છે. વળાંક આપી શકાય તેવા પ્રકાશવાહી તંતુવાળા (fiberoptic) અંત:દર્શકો વડે હવે સંપૂર્ણ મૂત્રમાર્ગનું નિરીક્ષણ કરી શકાય છે. તેમના વડે મૂત્રપિંડની પથરી ભાંગવી (પારત્વકીય મૂત્રપિંડી પથરીભંજન, percutaneous nephrolithotripsy,
PCNL), મૂત્રપિંડકુંડ-મૂત્રનલિકા જોડાણસ્થાનનો અવરોધ દૂર કરવો, મૂત્રપિંડકુંડના કૅન્સરની સારવાર કરવી, મૂત્રનલિકાઓની પથરી દૂર કરવી, મૂત્રનલિકાના સંકીર્ણન (ureteric stricture) ગાંઠ કે મસાને દૂર કરવા તથા મૂત્રાશયની ગાંઠ, પથરી કે મસાને દૂર કરવા વગેરે ઉપચારલક્ષી પ્રક્રિયાઓ કરી શકાય છે (આકૃતિ 8, 9). મૂત્રપિંડદર્શક (nephroscope)ને કમરના પાછલા ભાગમાંથી નાખીને મૂત્રપિંડકુંડ અને કુંડમુખોનું નિરીક્ષણ કરાય છે. તેના દ્વારા અલ્ટ્રાસોનિક કે વીજ-જલદાબી (electrohydraulic) શક્તિની મદદથી પથરીને ભાંગી શકાય છે. મૂત્રપિંડદર્શકનાં વિશિષ્ટ સાધનોથી પથરીના તૂટેલા ટુકડા દૂર કરાય છે. તેવી જ રીતે મૂત્રપિંડી ગાંઠને કાપી કે બાળી શકાય (cauterisation) છે તથા મૂત્રપિંડકુંડ-મૂત્રનલિકાના જોડાણસ્થાનનો અવરોધ દૂર કરી શકાય છે. આવી શસ્ત્રક્રિયાઓમાં રુઝાવાનો સમયગાળો ટૂંકો હોય છે. મૂત્રનલિકાદર્શક (ureteroscope) એક પાતળી નળી જેવો છે. તેને મૂત્રાશયનલિકા અને મૂત્રાશયમાં થઈને મૂત્રનલિકામાં નાખવામાં આવે છે. તેના દ્વારા મૂત્રનલિકામાંની પથરીને યોગ્ય ચીપિયા વડે ખેંચી કઢાય છે (આકૃતિ 10) અથવા અલ્ટ્રાસાઉન્ડ વડે, લેઝર વડે કે વીજ-જલદાબી શક્તિ વડે તોડી નાખીને દૂર કરાય છે. મૂત્રાશયદર્શક (cystoscope) તેવી જ રીતે મૂત્રાશયમાંની પથરી કે ગાંઠને દૂર કરવા માટે વપરાય છે. મૂત્રાશયનલિકાનું સંકીર્ણન અંત:દર્શકીય ચપ્પા વડે કાપી શકાય છે. પેશાબ ટપકતો અટકાવવા માટે પણ અંત:દર્શક વડે જરૂરી પ્રક્રિયાઓ કરી શકાય છે. બાળ-અંત:દર્શકની મદદથી નવજાત શિશુની મૂત્રાશયનલિકાના પાછલા ભાગમાંના વાલ્વને કાપીને કાઢી શકાય છે. મૂત્રમાર્ગને જેમ અંદરથી જોઈ શકાય છે તેમ ઉદરનિરીક્ષા (laparoscopy) અને શ્રોણિનિરીક્ષા વડે મૂત્રમાર્ગના બહારના ભાગને પેટની અંદર જોઈ શકાય છે.
મૂત્રપિંડનું જીવપેશી-પરીક્ષણ (biopsy) : મૂત્રપિંડની પેશીનો ટુકડો, શસ્ત્રક્રિયા કરીને અથવા પારત્વકીય (percutaneous) પદ્ધતિ દ્વારા ચામડીની આરપાર સોય નાંખીને બહાર કાઢવામાં આવે છે. તેને સૂક્ષ્મદર્શક વડે તપાસવામાં આવે છે. તેના દ્વારા મૂત્રપિંડના રોગનો કે અન્ય અવયવના રોગમાં મૂત્રપિંડમાં થયેલા વિકારનો પ્રકાર, ફેલાવો તથા સૂક્ષ્મદર્શીય (microscopic) પેશીવિકૃતિનો દેખાવ જાણી શકાય છે. બહુતંત્રીય રક્તકોષભક્ષિતા (systemic lupus erythematosus), બહુમજ્જાર્બુદ (multiple myeloma) અને મધુપ્રમેહ જેવા રોગોમાં મૂત્રપિંડનું જીવપેશી-પરીક્ષણ નિદાનકાર્યમાં ઉપયોગી રહે છે. મધુપ્રમેહના દર્દીમાં મૂત્રપિંડની કાર્યશક્તિ ક્રમશ: ઘટતી રહે છે અને તેથી ગુચ્છીગલનદર ઘટે છે તથા પેશાબમાં આલ્બ્યુમિન વહી જાય છે. સમગ્ર ક્રિયા ઘણાં વર્ષો લે છે (આકૃતિ 11). તેવી જ રીતે સંધાનપેશીના રોગો (connective tissue disorders), વાહિનીશોથ (vasculitis), એમીલોઇડતા, ગુડ પાશ્ચરનું સંલક્ષણ વગેરે રોગોમાં પણ તે ઉપયોગી છે. અતિશય પ્રોટીનમૂત્રમેહ (3થી 5 ગ્રા./24 કલાક) હોય, અપમૂત્રપિંડી સંલક્ષણ (nephrotic syndrome) કે ઉગ્ર મૂત્રપિંડીશોથ સંલક્ષણ (acute nephritic syndrome) જેવા મૂત્રપિંડના વિકારોમાં પણ તે જરૂરી બને છે. અજ્ઞાતમૂલ કે લાંબા સમય સુધી ચાલુ રહેતી ઉગ્ર મૂત્રપિંડી નિષ્ફળતા તથા પ્રત્યારોપણ કરાયેલ મૂત્રપિંડનો જ્યારે શરીર અસ્વીકાર કરે ત્યારે પણ મૂત્રપિંડનું જીવપેશી-પરીક્ષણ ઉપયોગી માહિતી આપે છે. જ્યારે એક જ મૂત્રપિંડ હોય, લોહીનું ઘણું ઊંચું દબાણ હોય અથવા લોહી વહેવાનો વિકાર હોય ત્યારે જીવપેશી-પરીક્ષણ જોખમી પણ નીવડે છે. પરીક્ષણ પછી સામાન્ય રીતે પેશાબમાં સૂક્ષ્મદર્શક વડે જ જોઈ શકાય તેટલું લોહી જાય છે. ક્યારેક સતત ચાલુ રહેતો રુધિરસ્રાવ, ધમની-શિરા સંયોગનળી(arteriovenous fistula)નું બનવું કે લોહીના દબાણમાં અતિશય વધારો થવો વગેરે જોખમો પણ ઉદભવે છે.
મુખ્ય મૂત્રપિંડી સંલક્ષણો (syndromes) : મૂત્રપિંડનાં વિવિધ સંલક્ષણોને ત્રણ જૂથમાં વહેંચી શકાય તેમ છે : પૂર્વમૂત્રપિંડી, મૂત્રપિંડી અને મૂત્રમાર્ગી સંલક્ષણો. મૂત્રપિંડમાં પ્રવેશતા લોહીના પુરવઠાને અસર કરતા વિકારો પૂર્વમૂત્રપિંડી (prerenal) વિકારો સર્જે છે. જ્યારે મૂત્રપિંડની ધમનીમાં લોહીનું અભિસરણ ઘટે ત્યારે આવી પરિસ્થિતિ ઉદભવે છે. ઊલટી-ઝાડાને કારણે શરીરમાં પાણી ઘટી જાય, વ્યાપક ચેપ ફેલાય, જળોદર (ascites) થાય તથા યકૃતીય-મૂત્રપિંડી સંલક્ષણ (hepatorenal syndrome) થાય, સંકીર્ણશીલ પરિહૃદ્-શોથ (constrictive pericarditis) થાય, પરિહૃદીય અતિજલદાબ (pericardial temponade) થાય તથા મૂત્રપિંડની ધમનીમાં સંકીર્ણતા ઉદભવે ત્યારે મૂત્રપિંડમાં ઓછું લોહી પ્રવેશે છે. તેથી ગુચ્છીગલનદર ઘટે છે અને તેને પરિણામે અલ્પમૂત્રતા, અમૂત્રતા, લોહીમાં યુરિયાના પ્રમાણમાં વધારો, સોડિયમની ઉત્સર્ગક્રિયામાં ઘટાડો અને પ્લાઝ્મા રેનિનના પ્રમાણમાં વધારો જોવા મળે છે. જો મૂત્રપિંડની ધમની સંકીર્ણતા થયેલી હોય તો લોહીનું દબાણ પણ વધે છે.
મૂત્રપિંડી અથવા મૂત્રપિંડપેશીય (renal parenchymal) વિકારો વિવિધ જૂથોમાં વહેંચાયેલા છે (સારણી 2) :
સારણી 2 : મૂત્રપિંડપેશીય સંલક્ષણો
1. | કેશિકાગુચ્છીય (glomerular) વિકારો | ||||
અ. | સગુચ્છમૂત્રપિંડશોથ (glomerulonephritis) | ||||
આ. | અપમૂત્રપિંડી (nephrotic) સંલક્ષણ | ||||
ઇ. | અ + આ | ||||
2. | અંતરાલીય મૂત્રપિંડશોથ (intestitial nephritis) | ||||
અ. | દીર્ઘકાલી મૂત્રકનલિકા-અંતરાલીય રોગ
(chronic tubulo-intestitial disease) |
||||
આ. | ઉગ્ર ઍલર્જિક અંતરાલીય રોગ | ||||
ઇ. | ઉગ્ર સકુંડ મૂત્રપિંડશોથ (acute pyelonephritis) | ||||
3. | મૂત્રકનલિકાજન્ય વિકારો | ||||
અ. | પ્રારંભિક મૂત્રનલિકા | : | (ફ્રાન્કોનીનું સંલક્ષણ)
મૂત્રપિંડી મધુમૂત્રમેહ (renal glycosuria), મૂત્રપિંડી ફૉસ્ફેટ વ્યય, પ્રારંભિક મૂત્રકનલિકાજન્ય અમ્લતા (proximal renal tubular acidosis) |
||
આ. | હેન્લેનો ચીપિયો | : | બાર્ટર(Bartter)નું સંલક્ષણ | ||
ઇ. | દૂરસ્થ મૂત્રકનલિકા | : | દૂરસ્થ મૂત્રકનલિકાજન્ય અમ્લતા | ||
ઈ. | સમાહર્તી નલિકા | : | મૂત્રપિંડી અતિમૂત્રમેહ (nephro-
genic diabetes insipidus) |
||
4. | મૂત્રપિંડી પથરી (અશ્મરી) રોગ | ||||
5. | મૂત્રપિંડી કોષ્ઠીય (cystic) રોગ | ||||
અ. | સાદી કોષ્ઠ | ||||
આ. | બહુકોષ્ઠીય (polycystic) મૂત્રપિંડ રોગ | ||||
ઇ. | સૂક્ષ્મકોષ્ઠીય મૂત્રપિંડ મધ્યક (microcystic renal medulla) | ||||
6. | મૂત્રપિંડનો ક્ષયરોગ | ||||
7. | મૂત્રપિંડનાં કૅન્સર | ||||
અ. | મૂત્રપિંડનું કૅન્સર | ||||
આ. | મૂત્રપિંડી કુંડ(renal pelvis)નું કૅન્સર | ||||
8. | મૂત્રપિંડની નિષ્ફળતા | ||||
અ. | ઉગ્ર | ||||
આ. | દીર્ઘકાલી |
સગુચ્છ-મૂત્રપિંડશોથના દર્દીના પેશાબમાં લોહી અને પ્રોટીન વહે છે. લોહીનું દબાણ વધે છે તથા તેના લોહીમાં યુરિયા અને ક્રિયેટિનિનનું પ્રમાણ પણ વધે છે. વધુ તીવ્રતાવાળા રોગમાં સોજા આવે છે તથા ફેફસાંમાં પાણી ભરાય છે. જીવાણુજન્ય ચેપ પછી થતો ચેપોત્તર (post-infectious) સગુચ્છ મૂત્રપિંડશોથ, વિવિધ પ્રકારના વાહિનીશોથ (vasculitis), ગુડ પાશ્ચરનું સંલક્ષણ, રક્તકોષલયી મૂત્રપિંડી નિષ્ફળતા (haemolytic uraemic) સંલક્ષણ વગેરે મુખ્ય સગુચ્છ-મૂત્રપિંડી સંલક્ષણનાં ઉદાહરણો છે (જુઓ અપમૂત્રપિંડી સંલક્ષણ, ગુ. વિ., ગ્રંથ 1, નવી આવૃત્તિ પાન 253). ક્યારેક સગુચ્છ મૂત્રપિંડશોથ અને અપમૂત્રપિંડી સંલક્ષણ સાથે પણ જોવા મળે છે.
દા. ત., કલાવૃદ્ધિકારી (membranoproliferative) સગુચ્છ મૂત્રપિંડશોથ, IgG/IgA મૂત્રપિંડી રોગ, મધુપ્રમેહજન્ય ગુચ્છી કાઠિન્ય (glamerulosclerosis), મધુપ્રમેહમાં થતા આ મૂત્રપિંડરોગને કિમેલસ્ટિયલ-વિલ્સન (Kimmelstial-Wilson) પેશીવિકૃતિ પણ કહે છે.
અંતરાલીય મૂત્રપિંડરોગમાં મૂત્રકનલિકાના કાર્યમાં વિક્ષેપ પડે છે. કેશિકાગુચ્છસમીપી કોષકુંજ(juxtaglomerular apparatus)ને પણ ક્યારેક અસર પહોંચે છે. તેથી રેનિન અને આલ્ડોસ્ટીરોનના ઉત્પાદનમાં અને સોડિયમ, પોટૅશિયમ, હાઇડ્રોજન આયનની ઉત્સર્ગક્રિયામાં વિકાર ઊભો થાય છે. તેવી જ રીતે ગ્લુકોઝ, ફૉસ્ફેટ અને કૅલ્શિયમની ઉત્સર્ગક્રિયામાં વિકાર ઉદભવે છે. વિવિધ પ્રકારનાં ઔષધો મૂત્રકનલિકાને નુકસાન પહોંચાડીને આવા વિકારો સર્જે છે; દા.ત., પેનિસિલિન, સ્ટીરૉઇડ વગરના શોથજન્ય (inflammatory) સોજાને ઘટાડનારાં ઔષધો વગેરે. આયનોની ઉત્સર્ગક્રિયાના વિકારને કારણે મૂત્રકનલિકાજન્ય અમ્લતા, મૂત્રપિંડજન્ય અતિમૂત્રમેહ વગેરે રોગો થાય છે. ઉગ્ર અંતરાલીય મૂત્રપિંડશોથનું એક મુખ્ય કારણ જીવાણુજન્ય ચેપ પણ છે. તેને ઉગ્ર સકુંડી મૂત્રપિંડશોથ (acute pyelonephritis) કહે છે. તાવ, પેશાબમાં પરુ, પીઠમાં કમરના ભાગમાં દુખાવો અને સ્પર્શવેદના (tenderness), લોહીમાં શ્વેતકોષોનો વધારો અને પેશાબમાંના જીવાણુઓનું સંવર્ધન આ રોગનાં સૂચક ચિહનો છે.
મૂત્રપિંડમાં બનતી પથરી મુખ્યત્વે મૅગ્નેશિયમ એમોનિયમ ફૉસ્ફેટ, કૅલ્શિયમ ઑક્ઝલેટ, યુરિક ઍસિડ, યુરિક ઍસિડ-કૅલ્શિયમ ઑક્ઝલેટના મિશ્રણ અથવા સિસ્ટીનની બનેલી હોય છે. યુરિક ઍસિડ સિવાયનાં અન્ય દ્રવ્યોની બનેલી પથરી ઍક્સ-કિરણ-ચિત્રણ દ્વારા દર્શાવી શકાય છે. પથરીને કારણે કોઈ પણ તકલીફ ન પણ ઊભી થયેલી હોય અથવા સખત ચૂંક ઊપડે અને ક્યારેક તે મૂત્રમાર્ગમાં અવરોધ પણ ઊભો કરે. મૂત્રપિંડની પથરી ઘણી વખત એક જ કુટુંબની વ્યક્તિઓમાં થતી જોવા મળે છે. નજલો, પેશાબમાં વધુ પ્રમાણમાં થતો કૅલ્શિયમનો ઉત્સર્ગ, સિસ્ટીન મૂત્રમેહ, દૂરસ્થ મૂત્રકનલિકાજન્ય અમ્લતા તથા અતિપરાગલગ્રંથિતા-(hyperparathyroidism)વાળા દર્દીઓમાં પણ પથરી થવાનું પ્રમાણ વધુ હોય છે.
મૂત્રપિંડમાંની એક અથવા વધુ સાદી કોષ્ઠો (cysts) જ્યારે ફૂટી જાય ત્યારે પેશાબમાં લોહી વહે છે. જ્યારે બહુકોષ્ઠીય (polycyatic) મૂત્રપિંડરોગ થયો હોય ત્યારે મૂત્રપિંડની નિષ્ફળતા પણ થાય છે. બહુકોષ્ઠીય મૂત્રપિંડરોગ એક જનીનીય આનુવંશિક વિકાર છે, જે પ્રભાવી દેહસૂત્રીય (autosomal dominance) આનુવંશિકતા દ્વારા પેઢીદરપેઢી ઊતરી આવે છે. મૂત્રપિંડકુંડ(renal pelvis)માં સૌમ્ય તથા કૅન્સરજન્ય ગાંઠ થાય છે. મૂત્રપિંડનું નાનાં બાળકોમાં થતું કૅન્સર વિલ્મ્સ(Wilms)ની ગાંઠ તરીકે અને પુખ્તવયે થતું કૅન્સર મૂત્રપિંડકોષીય કૅન્સર તરીકે ઓળખાય છે.
મૂત્રમાર્ગનો ક્ષયરોગ : ફેફસાં કે આંતરડાંમાંનો ક્ષયનો ચેપ લોહી દ્વારા મૂત્રપિંડ સુધી ફેલાય છે. સામાન્ય રીતે બંને મૂત્રપિંડના બાહ્યકમાં થતી આવી પેશીવિકૃતિ ક્યારેક વધુ તીવ્રતાવાળી બને છે. ક્ષયની ચિરશોથગડ (granuloma) જ્યારે મૂત્રપિંડકુંડમાં ફૂટે છે, ત્યારે પેશાબમાં લોહી અને પરુ પડે છે. પેશાબ કરતી વખતે દુખાવો થાય છે. પેશાબ વારંવાર જવું પડે છે અને ત્યારે જ સૌપ્રથમ મૂત્રપિંડના રોગની ખબર પડે છે. ઘણી વખતે પેશાબમાં પરુ જતું હોય ત્યારે દુખાવો થતો નથી. સમય જતાં મૂત્રાશયશોથ (cystitis) પણ થાય છે. પેશાબમાં ક્ષયના જીવાણુ દર્શાવીને તથા શિરામાર્ગી મૂત્રમાર્ગચિત્રણ (IVP) કરવાથી નિદાન શક્ય બને છે.
મૂત્રપિંડી નિષ્ફળતા : મૂત્રપિંડનું જરૂરિયાતના પ્રમાણમાં કાર્ય ઘટે તેને મૂત્રપિંડી નિષ્ફળતા (renal failure) કહે છે. તે ઉગ્ર અને દીર્ઘકાલી એમ બે પ્રકારની છે. મૂત્ર બનવાની ક્રિયા અચાનક જ બંધ થાય ત્યારે તેને ઉગ્ર મૂત્રપિંડી નિષ્ફળતા કહે છે. ઉગ્ર મૂત્રપિંડી નિષ્ફળતામાં અલ્પમૂત્રતા (oliguria, મૂત્રઉત્પાદનનો દર 400 મિલી./દિવસ કે તેથી ઓછો) અથવા ક્યારેક તો અમૂત્રતા (anuria) થાય છે (આકૃતિ 12). તે સમયે ક્રિયેટિનિનની સિરમ સપાટી તેમજ યુરિયા-નાઇટ્રોજનના લોહીમાંની સપાટી વધે છે. રુધિરસ્રાવ, ઊલટીઓ, ઝાડા, વ્યાપક ચેપ, ઍલર્જીજન્ય આઘાત, હૃદયની નિષ્ફળતા, યકૃતની નિષ્ફળતા વગેરે વિકારોમાં જ્યારે લોહીમાંના પ્રવાહીનું પ્રમાણ અતિશય ઘટી જાય, મૂત્રપિંડની ધમનીમાં કે શિરામાં લોહીનો ગઠ્ઠો જામી જાય; મૂત્રનલિકામાં અવરોધ પેદા થાય તથા લોહીનું દબાણ અતિશય વધી જાય અથવા વાહિનીશોથ, સગર્ભી વિષાક્તતા (eclampsia), ઔષધજન્ય મૂત્રપિંડી વિકાર, સગુચ્છ મૂત્રપિંડશોથ વગેરે જેવા મૂત્રપિંડના રોગો થાય ત્યારે ક્યારેક ઉગ્ર મૂત્રપિંડી નિષ્ફળતા જોવા મળે છે. તેની સારવાર અર્થે તેના મૂળ કારણની ચિકિત્સા, ફ્રુસેમાઇડ જેવાં મૂત્રણકારી ઔષધો (diuretics), લોહીના દબાણનું નિયમન, હાઇડ્રોજન આયનોનું ઔષધીય નિયંત્રણ, ખોરાકમાં મીઠાના પ્રમાણમાં ઘટાડો તથા જરૂર પડ્યે પારગલન (dialysis) કરાય છે. ઘણા મૂત્રપિંડી રોગોમાં દીર્ઘકાલી મૂત્રપિંડી નિષ્ફળતા જોવા મળે છે. તેમાં મુખ્યત્વે સગુચ્છ મૂત્રપિંડશોથ (41.5 %), હૃદયના રોગો અને લોહીનું ઊંચું દબાણ (13.5 %), અન્ય મૂત્રમાર્ગીય રોગો (10.5 %), જન્મજાત વિકૃતિઓ (7.5 %), મધુપ્રમેહ (7 %) અને મૂત્રપિંડના ચેપ(6 %)નો સમાવેશ થાય છે. દીર્ઘકાલી મૂત્રપિંડ નિષ્ફળતાના દર્દીમાં પોટૅશિયમ, સોડિયમ, કૅલ્શિયમ, મૅગ્નેશિયમ, ફૉસ્ફેટ, હાઇડ્રોજન આયનોના લોહીમાંના પ્રમાણના વિકારો, લોહીનું વધેલું દબાણ, પરિહૃદ્-શોથ (pericarditis), પાંડુતા (anaemia), ગઠનકોશો(platelets)ની ખામી, ચેપવશતા (susceptibility to infection), અરુચિ, ઊબકા, ઊલટી, જઠરાંત્રમાર્ગમાંથી રુધિરસ્રાવ, અસ્થિમૃદુતા (osteomalacia), સતંતુ અસ્થિશોથ (osteitis fibrosa), અસ્થિકાઠિન્ય (osteosclerosis), અસ્થિછિદ્રલતા (osteoporosis), અનિદ્રા, થાક, માનસિક વિકારો, સ્નાયુરુગ્ણતા (myopathy), લોહીમાં વધતું ગ્લુકોઝનું પ્રમાણ, ખૂજલી, અતિયુરિક-ઍસિડરુધિરતા (hyperuricaemia) વગેરે જોવા મળે છે. ઉપચાર અર્થે ખોરાકમાં સોડિયમ, પ્રોટીન અને પોટૅશિયમનું પ્રમાણ મર્યાદિત રાખવામાં આવે છે. અન્ય શારીરિક તકલીફોની સારવાર ચિકિત્સાના સામાન્ય નિયમો અનુસાર કરાય છે. મૂત્રપિંડી નિષ્ફળતાના પાછલા તબક્કાઓમાં પારગલન અને મૂત્રપિંડ પ્રત્યારોપણનો ઉપયોગ કરાય છે. પારગલન બે પ્રકારનાં છે : (1) પરિતનીય (peritoneal) અને (2) રુધિરી પારગલન (haemodialysis) (જુઓ આકૃતિ 13.) મૂત્રપિંડી પ્રત્યારોપણની સફળતા દીર્ઘકાલી મૂત્રપિંડી નિષ્ફળતાનો આદર્શ ઉપચાર ગણી શકાય. જોકે તેની સફળતાનો આધાર ઘણા ઘટકો પર રહેલો છે.
મૂત્રમાર્ગના વિકારો : મૂત્રનલિકા(ureter)માં જ્યારે પથરી કે લોહીનો ગઠ્ઠો આવી જાય ત્યારે મૂત્રનલિકાકીય ચૂંક(ureteric colic)નો દુખાવો થાય છે. ઘણી વખત પીઠમાં પાંસળીઓની નીચે આંગળીના ટેરવાથી દર્શાવી શકાય તેવી રીતે તીવ્ર દુખાવો શરૂ થાય છે. મૂત્રપિંડકુંડ-મૂત્રનલિકાના જોડાણના સ્થળે જો પથરી અટકી પડી હોય તો દુખાવો પાંસળીઓ અને કરોડસ્તંભથી બનતા ખૂણામાં થાય છે. અને જો તે મૂત્રનલિકામાં નીચે ક્યાંક પથરી અટકી હોય તો પેટના નીચેના ભાગમાં દુખાવો થાય છે. મૂત્રનલિકામાંના રોગનો દુખાવો શિશ્ન(penis)ની ટોચ પર કે યોનિદ્વાર પાસે અનુભવાય છે. જ્યારે પથરી મૂત્રાશયમાં પ્રવેશે છે ત્યારે દુખાવો શમી જાય છે. મૂત્રમાર્ગમાંની પથરી જો નાની હોય તો પેશાબ બનવાનું પ્રમાણ વધારીને તથા ચૂંકરોધી દવાઓથી દુખાવાને કાબૂમાં લેવાય છે. આપોઆપ નીકળી ન શકતી પથરીને શસ્ત્રક્રિયા વડે કાઢવામાં આવે છે. અથવા તેને અશ્મરીભંજન અથવા પથરીભંજન (lithotripsy) દ્વારા ભાંગી નાખીને દૂર કરાય છે. મૂત્રાશયના કાર્યનું નિયમન કરતા ચેતાતંતુઓના વિવિધ સ્તરના રોગ પ્રમાણે વિવિધ પ્રકારના ચેતાજન્ય મૂત્રાશયી વિકારો (neurogenic bladder) થાય છે. તેને કારણે ઘણી વખત મૂત્રાશયમાં પેશાબ ભરાઈ રહે છે, તેમાંથી પેશાબ ટપક્યાં કરે છે અથવા પેશાબને રોકવામાં મુશ્કેલી પડે છે.
મૂત્રાશયના ચેતાજન્ય વિકારોની સારવારમાં મૂત્રનળી (catheter) અને ઔષધોની જરૂર પડે છે. મૂત્રાશયમાં પેશાબ ભરાઈ રહેવાના વિકારનું એક અગત્યનું કારણ પુર:સ્થ (prostate) ગ્રંથિના મધ્યસ્થ (median) ખંડની વૃદ્ધિ છે. પુર:સ્થગ્રંથિનો મધ્યસ્થખંડ જ્યારે વૃદ્ધિ પામી મૂત્રાશયનલિકાને દબાવે છે ત્યારે પેશાબ થતો અટકી જાય છે. જોકે આ રોગના શરૂઆતના તબક્કામાં વારંવાર પેશાબ કરવા જવું, ધીમે ધીમે અટકીને આવતો પેશાબ, પેશાબમાં ચેપ લાગવો વગેરે વિકારો ઉદભવે છે. ઇસ્ટ્રોજન નામનો અંત:સ્રાવ શરૂઆતના તબક્કામાં ઉપચારરૂપે ઉપયોગી છે. પેશાબ થતો અટકી જાય ત્યારે મૂત્રનળી દ્વારા પેશાબ કરાવાય છે અને ત્યારબાદ વિવિધ પ્રકારની શસ્ત્રક્રિયાઓ દ્વારા મૂત્રમાર્ગનો અવરોધ દૂર કરી શકાય છે. મૂત્રાશયનલિકામાર્ગી છેદન શસ્ત્રક્રિયા દ્વારા પુર:સ્થગ્રંથિના મધ્યખંડનું છેદન તથા અતિઉષ્ણચિકિત્સા (hyperthermia) વગેરે મુખ્ય ઉપચારપદ્ધતિઓ હાલ વિકસેલી છે. તેવી જ રીતે બાહ્ય જનનાંગોની વિકૃતિઓને લીધે થતી મૂત્રમાર્ગની વિકૃતિઓમાં પણ શસ્ત્રક્રિયા ઉપયોગી રહે છે.
મૂત્રમાર્ગમાં ગ્રામઅનભિરંજિત (gram-negative) જીવાણુથી થતો ચેપ ઘણી વખતે વ્યાપક બને છે અથવા તેમના અંત:વિષના ફેલાવાથી આઘાત(shock)ની સ્થિતિ ઉત્પન્ન થાય છે ચેપને કારણે ઘણી વખત મૂત્રાશયશોથ (cystitis) તથા મૂત્રાશયનલિકાશોથ (urethritis) થાય છે. ઉગ્ર મૂત્રાશયનલિકાશોથ સામાન્ય રીતે લૈંગિક સંસર્ગથી થાય અને તે મૂત્રાશયનલિકામાં નીચેથી ઉપર તરફ ફેલાય છે. લૈંગિક સંસર્ગથી થતો આ પ્રકારનો મુખ્ય રોગ પરમિયો (gonorrhoea) છે. પુરુષોમાં ઘણી વખત નીચલા મૂત્રમાર્ગમાંનો ચેપ પુર:સ્થગ્રંથિમાં ઉદભવેલો હોય છે અથવા તેમાં ફેલાય છે. મૂત્રમાર્ગના ચેપ માટે વિવિધ પ્રકારનાં રસાયણો અને ઍન્ટિબાયૉટિક દવાઓ ઔષધ તરીકે વપરાય છે. મૂત્રાશયમાં થતી ગાંઠ સૌમ્ય અથવા કૅન્સર એમ બંને પ્રકારની હોય છે. તેની સારવાર માટે શસ્ત્રક્રિયાની જરૂર પડે છે.
ચંદ્રહાસ એ. દેસાઈ
કુસુમ ડાંગરવાલા
જનક દેસાઈ
શિલીન નં. શુક્લ