લૉમ્બાર્ડી : ઉત્તર ઇટાલીમાં આવેલો વિસ્તાર. જૂના વખતમાં અહીં વસતી લૉમ્બાર્ડી જાતિ પરથી આ નામ ઊતરી આવેલું છે. આ વિસ્તારનું કુલ ક્ષેત્રફળ 23,861 ચોકિમી. જેટલું અને સમગ્ર વિસ્તારની વસ્તી કુલ 90,28,913 (1998) જેટલી છે. વસ્તીગીચતા પ્રતિ ચોકિમી. 378. અહીં બર્ગેમો, બ્રેસ્કિયા, કોમો, ક્રેમોના, મૅન્ટોવા, મિલાનો, પૅવિયા, સોન્ડ્રિયો અને વૅરેસ નામના પ્રાંતોનો સમાવેશ થાય છે. લૉમ્બાર્ડી પ્રદેશ ઇટાલીનો મુખ્ય ઔદ્યોગિક વિસ્તાર ગણાય છે. ત્યાં પુષ્કળ પ્રમાણમાં દારૂ, રેશમ અને ચીઝનું તથા રસાયણો, ઔષધો-ઇજનેરી સામગ્રી તથા કાપડનું ઉત્પાદન થાય છે. મિલાન તેનું પાટનગર છે.
ગિરીશભાઈ પંડ્યા