લૉમ્બાર્ડ-લીગ : જર્મન સમ્રાટ ફ્રેડરિક1 (1121-90) દ્વારા ઇટાલી ઉપર પુન: સત્તા સ્થાપવાના હેતુથી ઇટાલીના લૉમ્બાર્ડી વિસ્તારનાં નગરોનું માર્ચ 1167માં રચવામાં આવેલું સંગઠન. ઉપર્યુક્ત સંગઠનમાં સૌપ્રથમ ક્રિમોના, મન્તુઆ, બારગેમો અને બ્રસિયા જોડાયેલાં, પરંતુ પાછળથી મિલાન, પાર્મા, પેજોવા, વેરોના, પીસેન્ઝા અને બોલોન્યા પણ જોડાયાં હતાં.

લૉમ્બાર્ડી વિસ્તાર ઉત્તર ઇટાલીમાં આલ્પ્સ પર્વત અને પો યા પેડસ નદી વચ્ચેના ભાગમાં આવેલો છે, જેની ઉત્તરે આલ્પ્સ પર્વત, દક્ષિણે એમિલિયા, પૂર્વે વેનિશિયા અને પશ્ચિમે પીડમૉન્ટ આવેલાં છે. અહીંની લૉમ્બાર્ડ પ્રજા મૂળે જર્મનીમાંથી ઈ. સ. 568માં આવીને પો નદીના ખીણપ્રદેશમાં વસી હતી. તેમના નામ ઉપરથી આ પ્રદેશ લૉમ્બાર્ડી તરીકે ઓળખાયો હતો.

લૉમ્બાર્ડ-લીગની સ્થાપના પછી સમ્રાટ ફ્રેડરિક-1ના નેતૃત્વમાં બધાં જ સંગઠિત મિત્ર-રાજ્યોએ તનારો અને બોર્મિડાના સંગમ નજીક એક કિલ્લાનું નિર્માણ કર્યું હતું. તે સમયના રોમન કૅથલિક વડા ધર્મગુરુ પોપ ઍલેક્ઝાન્ડર-3 (1159-1181) પ્રત્યેના માનને લઈને નવા બાંધેલા કિલ્લાનું નામ લૉમ્બાર્ડ-લીગ દ્વારા પોપના નામે ‘ઍલેક્ઝાન્ડ્રિયા’ રાખવામાં આવ્યું હતું. તે કાળે યુરોપનાં ખ્રિસ્તી રાજ્યો મુસ્લિમો પાસેથી પેલેસ્ટાઇન મેળવવા માટે ધર્મયુદ્ધો (crusades) લડી રહ્યાં હતાં અને લૉમ્બાર્ડ-લીગનો પ્રમુખ સમ્રાટ ફ્રેડરિક-1 પણ ત્રીજું ધર્મયુદ્ધ લડવા માટે 1168-74 દરમિયાન ઇટાલી બહાર ગયો હતો. ફ્રેડરિક પહેલો 1155 થી મૃત્યુપર્યંત ‘હોલી રોમન એમ્પરર’ તરીકે રહ્યો હતો. જર્મનીના ‘સ્વાબીન’(Swabin) કુટુંબમાંથી બે રાજવંશો હોહેનસ્ટોફેન (હોઇન્સ્ટો) અને હોહેનઝોલર્ન ઊતરી આવ્યા હતા. પ્રશિયા અને જર્મનીના સમ્રાટો પણ ઉપર્યુક્ત કુટુંબના જ વંશજો હતા.

ફ્રેડરિક-1ની ઇટાલીમાંથી ગેરહાજરીને લઈને લૉમ્બાર્ડ-લીગના નેતૃત્વમાં પરિવર્તન આવ્યું હતું. સંગઠનના સભ્યો પોપ ઍલેક્ઝાન્ડર-3ના નેતૃત્વમાં એકત્રિત થઈ ગયા; કારણ કે ફ્રેડરિકની ગેરહાજરી દરમિયાન લીગ અને પોપના સંબંધો નિકટના બન્યા. પરિણામે લૉમ્બાર્ડ લીગનો નેતા પોપ ઍલેક્ઝાન્ડર-3 જ બની ગયો. ફ્રેડરિક ધર્મયુદ્ધ દરમિયાન મૃત્યુ પામ્યાની અફવા પણ ફેલાઈ હતી; પરંતુ લોકપરંપરા પ્રમાણે તો તે જીવતો હતો અને દેશને જરૂરિયાત ઊભી થતાં પાછો આવવાનો હતો. ઈ. સ. 1174માં ફ્રેડરિક ઇટાલીમાં પાછો આવ્યો અને નેતૃત્વપરિવર્તનની જાણ થતાં સંઘર્ષમાં ઊતર્યો; પરંતુ લીગનાં સાથી રાજ્યો સામેના સંઘર્ષમાં ફ્રેડરિક-1નો લેગ્નાનો નજીક પરાજય થયો. (29 મે, 1176). સમ્રાટના ઉપર્યુક્ત પરાજયનું ઐતિહાસિક મહત્વ એટલા માટે છે કે લીગનો સ્થાપક, હોલી રોમન સમ્રાટ અને ધર્મયુદ્ધો એવો ફ્રેડરિક-1 બાર્બરોસા એટલે લાલ દાઢીવાળો તેના જ મિત્ર-રાજ્યો સામે હાર્યો. ઈ. સ. 1183ના જૂન 25ના દિવસે ‘કૉન્સ્ટન્સ શાંતિ સંધિ’ થઈ જે દ્વારા સંઘર્ષનો અંત આવ્યો. પરિણામે ફ્રેડરિક-1ની ઇટાલી ઉપરની સત્તા માત્ર છાયારૂપ જ રહી. ઇટાલી ઉપર પોતાના રાજવંશ, હોહેનસ્ટોફેનની સત્તા સ્થાપવાનો તેનો પ્રયત્ન નિષ્ફળ ગયો. ઈ.સ. 1226માં લૉમ્બાર્ડ-લીગ પાછી સમ્રાટ ફ્રેડરિક-2 (1194-1250) સામે સક્રિય બની હતી. હવે તે ‘હોહેનસ્ટોફેન’ વંશનું મુખ્ય વિરોધી સંગઠન બની રહી. સમ્રાટ ફ્રેડરિક-2 પણ 1220થી ‘હોલી રોમન સમ્રાટ’ બન્યો હતો, પણ ઇટાલી ઉપર સત્તા સ્થાપી શક્યો નહિ.

મોહન વ. મેઘાણી