લૉમ્બાર્દો પરિવાર

January, 2005

લૉમ્બાર્દો પરિવાર (લૉમ્બાર્દો પિયેત્રો : જ. 1435, વેનિસ, ઇટાલી; અ. 1515, વેનિસ, ઇટાલી; લૉમ્બાર્દો તુલિયો : જ. 1455, વેનિસ, ઇટાલી; અ. 1532, વેનિસ, ઇટાલી; લૉમ્બાર્દો એન્તોનિયો : જ. 1458, વેનિસ, ઇટાલી; અ. 1516 ?, વેનિસ, ઇટાલી) : પિતા અને બે પુત્રોનો ઇટાલિયન શિલ્પી પરિવાર. પિતા લૉમ્બાર્દોના ગુરુ વિશે માહિતી મળતી નથી, પણ તેની શૈલી ઉપરથી જણાય છે કે તે વેનિસ, પાદુઆ, લોમ્બાર્ડી અને ફ્લૉરેન્સની લઢણોથી પરિચિત હતો. 1467માં તેણે સાન્તો ખાતે રોઝેલી ટૂમ (કબર) ચણી. એ જ વર્ષે તે વેનિસમાં સ્થિર થયો. તેના પુત્રો પણ કબર પર મૂકવાનાં શિલ્પો કંડારી આપવામાં તેને મદદ કરતા. તેમાંથી મોચેનિગો ટુમ્બ સૌથી વધુ સુંદર ગણાય છે. રાવેન્ના નગરમાં તેમણે મહાકવિ દાંતેની કબર ચણી. તેમનાં શિલ્પો પર પ્રાચીન ગ્રેકોરોમન શિલ્પોનો પ્રભાવ સ્પષ્ટ છે. માનવઆકૃતિઓ થોડી જાડી અને છીણીના લસરકા થોડા ખચકાટવાળા જણાય છે; છતાં ગતિનો આભાસ પૂરો સ્ફુટ થાય છે. ફેરારાનો એસ્તે (Este) પરિવાર તેમનો મુખ્ય આશ્રયદાતા બન્યો. સેંટ મારિયા દેઈ મિરાચોલી કબર ઉપરનાં શિલ્પો તેમની કલાના શ્રેષ્ઠ નમૂના ગણાય છે. સ્કુઓલા દી સેંટ માર્કો, ઉપરાંત વેનિસનાં ઘણાં ચર્ચમાં તેમણે શિલ્પ કંડાર્યાં છે.

અમિતાભ મડિયા