લોકાર્નો કરાર

January, 2005

લોકાર્નો કરાર : સ્વિટ્ઝર્લૅન્ડના લોકાર્નો નગરમાં યુરોપીય સત્તાઓ દ્વારા આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી માટે પરસ્પર બાંયધરીની અને લવાદ-પ્રથાના સ્વીકાર માટેની ઈ. સ. 1925માં થયેલી સંધિઓ. 1925ના ઑક્ટોબરની 16મીએ શરૂ થયેલી પરિષદને અંતે 1 ડિસેમ્બર 1925ના રોજ એેના પર લંડનમાં વિદેશ વિભાગના કાર્યાલયમાં સહીઓ કરવામાં આવી હતી. પરિષદમાં જર્મની, ફ્રાન્સ, ગ્રેટ બ્રિટન, બેલ્જિયમ, ઇટાલી, પોલૅન્ડ અને ચેકોસ્લોવૅકિયાના પ્રતિનિધિઓ એકત્રિત થયા હતા.

પ્રથમ વિશ્વયુદ્ધે (1914-19) જે ખાનાખરાબી, તિરસ્કાર, કડવાશ, નિરાશા અને અસુરક્ષાનું વાતાવરણ પેદા કર્યું હતું તેમાંથી આંતરરાષ્ટ્રીય સહકાર, શાંતિ અને સલામતીનું સર્જન થાય, આંતરરાષ્ટ્રીય હરીફાઈને ભાઈચારામાં ફેરવી શકાય અને આંતરિક સમજૂતી દ્વારા વિવાદોનો ઉકેલ લાવી શકાય એ ઉપર્યુક્ત પરિષદના મુખ્ય હેતુઓ હતા. લોકાર્નો પરિષદમાં કરાર દ્વારા બાંયધરી અને સુરક્ષાની ખાતરી મેળવવા સૌથી વધારે ઉત્સુક ફ્રાન્સ હતું. તેની પૂર્વ સરહદ જર્મનીને મળતી હતી. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે જર્મની સાથે થયેલી વર્સાઈ-સંધિનું પાલન કરાવવા અને ખાતરી મેળવવા ફ્રાન્સ સતત પ્રયત્નશીલ હતું. આ જ કારણથી ફ્રાન્સે પોલૅન્ડ અને ચેકોસ્લોવાકિયા સાથે લશ્કરી કરાર કર્યા હતા. રાષ્ટ્રસંઘ હજુ બાલ્યાવસ્થામાં હતો. છતાં તેના ખતપત્ર પ્રમાણેની બાંયધરી અને સુરક્ષા મેળવવા ફ્રાન્સ પણ આતુર હતું. સામે પક્ષે જર્મની પણ યુરોપીય શાંતિ માટે પ્રયત્નશીલ હતું, પરંતુ જર્મનીએ રશિયા સાથે મિત્રાચારીની ‘રાપાલો-સંધિ’ (1922) કરી, પછી યુરોપીય મિત્રરાષ્ટ્રોને જર્મનીમાં સામ્યવાદના પ્રવેશનો ભય ઊભો થયેલો. ખુદ જર્મનીએ 1922માં ફ્રાન્સ સમક્ષ એક પેઢી સુધી ના-યુદ્ધ અને રહાઇન સરહદ માટે બાંયધરી માટેનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જે ફ્રાન્સે સ્વીકાર્યો નહિ; પરંતુ જર્મન ફિલ્ડમાર્શલ હીંડનબર્ગ જર્મનીના રાષ્ટ્રપતિ બન્યા. (1925 A.D.). પછી ફ્રાન્સ વિશેષ ચિંતિત બન્યું હતું. તેને પૂર્વીય સરહદ માટે રાષ્ટ્રસંઘના ખરીતા પ્રમાણે અને વર્સાઈ સંધિ પ્રમાણેની સુરક્ષા જોઈતી હતી. સાથી રાજ્યો સાથે સંરક્ષણ-કરારો કરીને જર્મનીની આસપાસ સત્તાવર્તુળ ઊભું કરવામાં ફ્રાન્સને બહુ સફળતા મળી શકી નહિ. એટલે યુરોપમાં યથાવત્ રાજકીય સ્થિતિ જાળવવા અને જર્મનીના ભાવિ આક્રમણને ખાળવા માટે લશ્કરી કરાર માટેની યોજના જરૂરી બની હતી. રાષ્ટ્રસંઘ દ્વારા ‘પારસ્પરિક સહાય સંધિ’(1923)નો પ્રયાસ અને ‘જિનીવા પ્રોટોકૉલ’ (1924)ના પ્રયાસ નિષ્ફળ ગયા હતા. સામૂહિક સુરક્ષા અને ફરજિયાત લવાદપ્રથા ગ્રેટબ્રિટને સ્વીકારી નહિ. પરિણામે પ્રાદેશિક સુરક્ષાની યોજના નક્કી થઈ, જે  ફ્રાન્સને પણ સ્વીકાર્ય હતી અને રાષ્ટ્રસંઘના ખરીતાને પણ ન્યાયસંગત હતી. ગ્રેટબ્રિટને એ માટે સક્રિય રસ દાખવ્યો કારણ કે જર્મની શક્તિશાળી બની જાય તો યુરોપની સત્તા-સમતુલા જોખમાવાની તેને પણ બીક હતી.

લોકાર્નો પરિષદમાં એકત્રિત પ્રતિનિધિઓ દ્વારા થયેલી સાત સંધિઓમાં જર્મની, બેલ્જિયમ, ફ્રાન્સ, ગ્રેટ બ્રિટન અને ઇટાલીએ પશ્ચિમ યુરોપમાં શાંતિ અને સલામતી માટે પારસ્પરિક બાંયધરી માટેની સંધિ કરી જ્યારે જર્મનીએ અન્ય સત્તાઓ ફ્રાન્સ, બેલ્જિયમ, પોલૅન્ડ, ચેકોસ્લોવૅકિયા સાથે રાજકીય વિવાદો લવાદ-પ્રથા દ્વારા ઉકેલવા માટેની સંધિઓ કરી.

લોકાર્નો કરારમાં કુલ સાત સંધિઓ ઉપર હસ્તાક્ષર થયા હતા. ત્રણ સંધિઓ જર્મનીની પશ્ચિમી સરહદને લગતી કરાઈ હતી. તેમાં જર્મની, બેલ્જિયમ, ગ્રેટ બ્રિટન, ફ્રાન્સ અને ઇટાલીએ પરસ્પર બાંયધરીની સંધિ કરી અને વર્સાઈ-સંધિ પ્રમાણેની જોગવાઈનો સ્વીકાર કરાયો હતો. બીજી બે સંધિઓ જર્મની-ફ્રાન્સ અને જર્મની-બેલ્જિયમ વચ્ચે ફરજિયાત લવાદ અને સમાધાનના સ્વીકાર માટે કરાઈ, જ્યારે અન્ય ચાર સંધિઓ જર્મનીની પૂર્વીય સરહદને લગતી હતી; જેમાં ફ્રાન્સ-પોલૅન્ડ અને ફ્રાન્સ-ચેકોસ્લોવૅકિયા વચ્ચે પારસ્પરિક બાંયધરીની અને જર્મની-પોલૅન્ડ તેમજ જર્મની-ચેકોસ્લોવૅકિયા વચ્ચે ફરજિયાત લવાદ અને સમાધાન માટેની સંધિઓ કરાઈ હતી.

‘લોકાર્નો ભાવના’ને લઈને યુરોપમાં યુદ્ધકીય વાતાવરણને રોક લાગી અને મિત્ર-દુશ્મનના શબ્દપ્રયોગને સત્તાઓ ભૂલી ગઈ. વર્સાઈ-સંધિ પ્રમાણેની જર્મનીની પૂર્વ-પશ્ચિમ સરહદો માટેની બાંયધરી મળી રહી. જર્મની પણ વિશ્વયુદ્ધ પછી પ્રથમ વાર મિત્રાચારી અને સમાનતાની ભાવના સાથે પરિષદમાં જોડાયું. જોકે ફ્રાન્સની સુરક્ષાની માગણી અંશત: સંતોષાઈ પણ પૅરિસ શાંતિ પરિષદ પછી લોકાર્નો-કરાર સૌથી મહત્વનો બનાવ બની રહ્યો. બ્રિટને પણ જર્મનીને પશ્ચિમી સત્તાઓ સાથે લાવીને રશિયાને અળગું રાખ્યું. સપ્ટેમ્બર 1926માં જર્મની રાષ્ટ્રસંઘમાં જોડાયું અને તેની કાઉન્સિલનું કાયમી સભ્ય પણ બન્યું. જર્મનીમાં નાઝીવાદના ઉદય પછી 1936માં તેણે રહાઇનલૅન્ડમાં લશ્કર મોકલીને લોકાર્નો કરારનો ભંગ કર્યો.

મોહન વ. મેઘાણી