ઈશ્વર આંચલ (જ. 2 ઑક્ટોબર 1928, કરાંચી, પાકિસ્તાન; અ. 5 જુલાઈ 1998) : સિંધીના જાણીતા કવિ તથા વાર્તાકાર. મૂળ નામ ઈશ્વર નારાયણદાસ શર્મા. ‘આંચલ’ તેમનું ઉપનામ છે. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘ટાંડાણા’ (અંધારી રાતમાં) માટે 1997ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.

તેમણે કોઈ ખાસ ઔપચારિક શિક્ષણ મેળવ્યું ન હોતું; છતાં તેઓ સિંધી, હિંદી, ઉર્દૂ અને અંગ્રેજી – એમ ચાર ભાષાઓના નિષ્ણાત હતા. તેઓ ભારતીય રેલવેના હિસાબ-વિભાગમાં કામગીરી કરતા હતા. ત્યાંથી તેમણે સેવા-નિવૃત્તિ લીધી હતી.

તેમની 7 કૃતિઓ પ્રગટ થઈ છે. તેમાં વાર્તાસંગ્રહ – ‘પ્યાર આપ્યો પૈસો’ અને કાવ્યસંગ્રહ ‘ધિંદ ઇ ઘરે’નો સમાવેશ થાય છે. તેમને અખિલ ભારત સિંધી બોલી અને સાહિત્ય, મુંબઈ તથા કેન્દ્રીય હિંદી સંસ્થાન, દિલ્હીના પુરસ્કારો મળેલ છે.

ઈશ્વર આંચલ

તેમનો પુરસ્કૃત કાવ્યસંગ્રહ ‘ટાંડાણા’ કવિની ચિન્તાઓની વ્યાપ્તિનો પરિચય કરાવે છે. સમકાલીનતા તથા શાશ્વતતાનું સુંદર સંતુલન, ઉદાર માનવવાદનું નિરૂપણ તથા કાવ્યની ભાષા પરની તેમની પકડને લીધે આ કૃતિ સિંધીમાં લખાયેલ ભારતીય કાવ્યનું એક મહત્ત્વનું પ્રદાન ગણાય છે.

બળદેવભાઈ કનીજિયા