ઈશ્વરકૃષ્ણ (ઈ. સ. 200 આશરે) : કપિલ દ્વારા પ્રવર્તિત અને આસુરિ-પંચશિખ આદિ દ્વારા સંવર્ધિત મુખ્ય સાંખ્ય વિચારધારાના પુરસ્કર્તા અને પ્રસિદ્ધ સાંખ્યકારિકાના કર્તા. બૌદ્ધ ભિક્ષુ પરમાર્થે છઠ્ઠી શતાબ્દીમાં સાંખ્યકારિકાનો ચીની ભાષામાં અનુવાદ કર્યો હતો અને એના પર ચીની ભાષામાં ટીકા રચી હતી. ચીની ભાષામાં સાંખ્યકારિકાને ‘હિરણ્યસપ્તતિ’ કે ‘સુવર્ણસપ્તતિ’ કહી છે. જૈન આગમગ્રંથ અનુયોગદ્વારસૂત્ર (આશરે ઈ.સ. 200) ‘કણગસત્તરી’નો ઉલ્લેખ કરે છે. આ ઉપરથી ફલિત થાય છે કે ઈશ્વરકૃષ્ણ ઈ.સ. 200 સુધીમાં થઈ ગયા હોવા જોઈએ. ડૉ. સુરેન્દ્રનાથ પણ એમ માને છે. સાંખ્યકારિકા 70માં ઈશ્વરકૃષ્ણ જણાવે છે કે સાંખ્યકારિકાની રચનાનો પોતાનો ઉદ્દેશ ષષ્ટિતંત્રના વિષયોનું સંક્ષેપમાં વિવેચન કરવાનો છે, એમાં  પોતે ષષ્ટિતંત્રના સિદ્ધાંતોને જ ગ્રહણ કર્યા છે અને આખ્યાયિકાઓ તથા પરમતખંડનને છોડી દીધેલ છે. સાંખ્યકારિકા ઉપર માઠરવૃત્તિ, યુક્તિદીપિકા, ગૌડપાદભાષ્ય, જયમંગલા, તત્વકૌમુદી આદિ ટીકાઓ રચાઈ છે.

નગીનભાઈ જીવણલાલ શાહ