લેસિંગ, ગૉટ્હોલ્ડ ઇફ્રેમ
January, 2005
લેસિંગ, ગૉટ્હોલ્ડ ઇફ્રેમ (જ. 22 જાન્યુઆરી 1729, કામૅન્ઝ, અપર લુસાશિયા, સૅક્સની, જર્મની; અ. 15 ફેબ્રુઆરી 1781, બ્રન્શ્ચવિક) : જર્મન નાટ્યકાર, વિવેચક અને કલામીમાંસક. જર્મન સાહિત્યમાં તેમણે પ્રમાણભૂત અને પાયાના વિચારો આપ્યા; એટલું જ નહિ, પરંતુ તેમનાં નાટકોએ તેમને યશસ્વી પ્રતિષ્ઠા અપાવી. પિતા મુખ્ય પાદરી (chief pastor) હતા, પરંતુ બહોળા કુટુંબનું સારી રીતે ભરણપોષણ કરવા અસમર્થ રહ્યા હતા. નાનપણથી લેસિંગનો વાચનશોખ અદભુત હતો. તેમણે મીઝેનની સુવિખ્યાત ઇલેક્ટર્સ સ્કૂલમાં શિક્ષણ લીધું. ગ્રીક, હિબ્રૂ અને લૅટિન ભાષાઓનું તેમને જ્ઞાન હતું. રોમન નાટ્યકારો પ્લૉટસ અને ટીરેન્સનો તેમના પર પ્રભાવ હતો. 1746માં યુનિવર્સિટી ઑવ્ લિપઝિગમાં તેમનો મુખ્ય વિષય ધર્મશાસ્ત્ર હતો. જોકે તેમને સાહિત્ય, તત્ત્વજ્ઞાન અને કલાના અભ્યાસમાં વિશેષ રસ હતો. અહીં ગણિતશાસ્ત્રી અને કવિ એ. જી. કાહ્સ્ટનરના સંપર્કમાં તેઓ આવ્યા. અભિનેત્રી કૅરોલિન ન્યૂબરના પ્રોત્સાહનથી તેમણે પહેલું હાસ્યપ્રધાન નાટક ‘ધ યન્ગ સ્કૉલર’ (1748) લખ્યું. એક અભિમાની અને વાતવાતમાં રિસાઈ જતા વિદ્વાનની ઉદ્ધત વર્તણૂક પરના કટાક્ષે આ નાટકે પ્રેક્ષકવૃંદને પેટ પકડીને હસાવેલું. લિપઝિગની અસર (1747-49) તળે લખાયેલાં આ નાટકોમાં ‘ધી ઑલ્ડ મેડ’, ‘ધ મિસોજિનિસ્ટ’, ‘ધ જ્યૂઝ’, ‘ધ ફ્રી થિંકર’ નોંધપાત્ર છે. આ નાટકો માનવજાતની બેવફાઈ, પૂર્વગ્રહ, સતત દોષારોપણ, ધનલોભ, ખટપટ, દંભ, ભ્રષ્ટાચાર, હલકટતા વગેરે માનવસ્વભાવની નબળાઈઓને વ્યક્ત કરે છે. લિપઝિગમાં લેસિંગ રહે તે વાત તેમનાં માબાપને જરા પણ ગમતી ન હતી; પરંતુ હવે પછી પોતે આયુર્વિજ્ઞાન(medicine)નો અભ્યાસ કરવા માગે છે તે બહાના તળે માબાપને મનાવીને તે લિપઝિગ પાછા ફર્યા; પરંતુ ન્યૂબર કંપનીના જામીન થવાના કારણે અને જાતે પણ મોટું દેવું કરેલું તેથી તેમને લિપઝિગ છોડવું પડેલું. 1748માં બર્લિન ગયા અને નાનુંમોટું પત્રકારત્વનું કામ કર્યું. આ સમય દરમિયાન તેમણે ફ્રેન્ચ અને અંગ્રેજીમાં લખાયેલાં ઇતિહાસ અને તત્ત્વજ્ઞાનનાં કેટલાંક પુસ્તકોનો તરજુમો જર્મન ભાષામાં કર્યો. જુદાં જુદાં સામયિકોમાં તેઓ પુસ્તકોનાં અવલોકનો પણ કરતા. તેમણે થોડા સમય માટે ‘કૉન્ટ્રિબ્યૂશન ટુ ધ હિસ્ટરી ઍન્ડ ઇમ્પ્રૂવમેન્ટ ઑવ્ ધ થિયેટર’ સામયિક પણ શરૂ કરેલું.
છેવટે વિટનબર્ગ યુનિવર્સિટીમાં મેડિસિનનો અભ્યાસ શરૂ કર્યો અને ત્યાં સ્નાતકની ઉપાધિ મેળવી. તેમના નવા સામયિક ‘થિયેટ્રિકલ લાઇબ્રેરી’ના માત્ર ચાર અંકો જ બહાર પડ્યા હતા. આ અરસામાં તેમનું મહત્વનું કામ 1753-55 દરમિયાન તેમનાં લખાણોને છ ગ્રંથોમાં પ્રસિદ્ધ કરવાનું હતું.
જે. સી. ગૉટ્ટશ્ચેડનાં ફ્રેન્ચ નાટકો તરફનો તેમનો અણગમો જાણીતો હતો. તેમને રાષ્ટ્રીય એટલે કે જર્મનીનું પોતીકું નાટક જોઈતું હતું. જોકે જર્મનીના નાટ્યકારો શેક્સપિયરને આદર્શ ગણી ચાલે તેમાં તેમને વાંધો ન હતો. સેતાન સાથે કરારબદ્ધ થયો હોવા છતાં ફાઉસ્ટ ઈશ્વરની આગળ પોતાની વર્તણૂકનો બચાવ કરે છે તે વાતને લેસિંગે ન્યાયી ઠેરવી હતી. પોતાનાં લખાણથી સમકાલીન ગેટે માટે લેસિંગે આ વાતની પૂર્વભૂમિકા બાંધી આપી હતી.
1759માં લેસિંગે ગદ્યમાં પ્રાણીકથાઓ (fables) લખી. ‘બર્લિન અકાદમી ઑવ્ સાયન્સિઝ’ દ્વારા તેમને સહાયક સભ્ય બનાવવામાં આવ્યા હતા. સામયિકોમાં લેખો લખતા પત્રકાર માટે આ એક પ્રકારનું બહુમાન હતું. 1760માં લેસિંગ જનરલ ટૉન્ઝિયનના અંગત મંત્રી બન્યા. તત્વજ્ઞાન અને સૌંદર્યશાસ્ત્રનો અભ્યાસ ગ્રંથાલયમાં કર્યો. આના પરિણામે તેમણે ‘લાઓકૂન ઑર ઑન ધ લિમિટ્સ ઑવ્ પેઇન્ટિન્ગ ઍન્ડ પોએટ્રી’ નામનો બૃહદ નિબંધ લખ્યો. ઈ. પૂ. પહેલી સદીનું વિખ્યાત ગ્રીક શિલ્પ ‘લાઓકૂન’ દેવાધિદેવ ઍપોલોના ધર્મગુરુ લાઓકૂન અને તેના જોડિયા પુત્રો ઍન્ટિફસ અને થિમ્બેયસનું છે. આ શિલ્પમાં દરિયાઈ સર્પો પોર્સિસ અને ચેરિબોઆ પિતાપુત્રોને ઍપોલો દેવની આજ્ઞાનુસાર, ભરડો લઈને મારી નાંખે છે. આ શિલ્પ હાલ પોપના વૅટિકન મ્યુઝિયમમાં છે. શિલ્પીએ મૃત્યુ પામવાની છેલ્લી ઘડીને હૂબહૂ કંડારેલી છે. વિંકલમાન નામના કલાવિવેચકે આ શિલ્પમાં કલાત્મક રીતે અભિવ્યક્ત થતા વેદનાના ભાવનો મહિમા કર્યો છે, ‘લાઓકૂન’ નિબંધમાં આ જ મુદ્દાને આગળ વધારતાં ચિત્રકલા અને કાવ્યના પૃથક હેતઓનું વિવેચન લેસિંગ કરે છે. તેમના મંતવ્ય અનુસાર ચિત્રકલા(painting)માં કોઈ એક ઘટનાની એક પળ (spatial proximity)ની નજીકમાં જવાનું હોય છે. આમ ચિત્રકલામાં કોઈ ખાસ ઘટનાની એક મહત્વની પળને અનુલક્ષીને કલા પ્રગટ થતી હોય છે. જ્યારે કાવ્યમાં ઘટનાના પૃથક પૃથક સમયને ક્રમબદ્ધ અવસ્થામાં અભિવ્યક્ત કરવાનો હોય છે. કાવ્યનું તત્વ માત્ર વર્ણનમાં નહિ, પરંતુ જે ક્ષણે ક્ષણે બદલાય છે તે પરિસ્થિતિની રજૂઆત ભાવક સમક્ષ યથાર્થપણે કરવામાં રહેલું છે. આડકતરી રીતે ઍરિસ્ટૉટલના અનુકરણના સિદ્ધાંતને બાજુ પર રાખી લેસિંગ ગ્રીક કવિતા અને તે બહાને કાવ્યકલા વિશે પોતાની આગવી સમજણ રજૂ કરે છે.
બ્રેસલૉમાં લેસિંગે તેમના મહાન હાસ્યપ્રધાન નાટક ‘મિના વૉન બાર્નહેમ’(1767)ની રચના કરી. જર્મનીનું આ પ્રકારનું તે પ્રથમ નાટક ગણાય છે. ગેટેએ આ નાટકની મુક્ત મને પ્રશંસા કરી હતી.
જર્મનીને પોતાની રાષ્ટ્રીય રંગભૂમિ હોવી જોઈએ, તેવો પ્રબળ મત ધરાવનાર લેસિંગે ‘હૅમ્બર્ગિશ્ચ ડ્રામેટર્ગી’ (1767-69)માં 50 જેટલાં ભજવાયેલાં નાટકોનાં 104 જેટલા ટૂંકા નિબંધોમાં અવલોકનો આપ્યાં છે. આમાં કૉર્નેલ અને વૉલ્તેરના ચીલે ચાલવાને બદલે લેસિંગે જર્મનીના સાંપ્રત વાસ્તવને રજૂ કરવાનો આગ્રહ નાટ્યકારો સમક્ષ મૂક્યો હતો. જોકે ફ્રેન્ચ વિશ્વકોશના સર્જક દેનિસ દિદેરોના મધ્યમવર્ગના વાસ્તવવાદી વલણની તેમણે પ્રશંસા કરી હતી. ઍરિસ્ટૉટલના ‘કૅથાર્સિસ’ના સિદ્ધાંતને પણ તેમણે બિરદાવ્યો હતો, કારણ કે કરુણાંતિકાની ‘કૅથાર્સિસ’વાળી અસરને લીધે પ્રેક્ષકગણમાં નીતિબોધ દ્વારા સદ્ગુણનો પ્રસાર થાય છે. નાટકમાં કલાત્મક ઐક્ય – સમય, સ્થળ અને કાર્યગૂંથણીનું હોવું જોઈએ તે વાતનો પણ તેમણે સ્વીકાર કર્યો હતો.
જીવનનાં છેલ્લાં વર્ષો વૂલ્ફેનબૂટેલમાં તેમણે ગરીબાઈમાં ગાળ્યાં હતાં. માત્ર નજીવા વેતનથી ગ્રંથાલયી તરીકેની નોકરી તેમને કરવી પડેલી. અહીં તેમણે ‘સ્કેટર્ડ ઑબ્ઝર્વેશન્સ ઑન ધી એપિગ્રામ’ (1771) પ્રસિદ્ધ કર્યું. આમાં સાહિત્યના સ્વરૂપ તરીકે ચાતુર્યભરી ઉક્તિ કે મર્માળી કવિતાનો તેમણે મહિમા ગાયો છે. ગદ્યનાટક ‘એમિલિયા ગેલોટ્ટિ’(1772)માં ઇટાલીના દરબારમાં જીવન ગુજારતા એક વ્યક્તિના આંતરસંઘર્ષની વાત છે. 1970માં વિયેનામાં દિગ્દર્શક ફ્રિટ્ઝ કૉર્ટનરે તેને સાંપ્રત સમય માટે પ્રસ્તુત બનાવીને ભજવ્યું હતું.
‘નાથન દેર વીઝ’ (1779) આયમ્બિક છંદમાં લખાયેલું પદ્યનાટક છે. ધર્મવિષયક બોધપ્રધાનતા કરતાં આ નાટકમાં હાસ્ય-કટાક્ષના અંશ છે. માનવધર્મ શ્રેષ્ઠ છે એવું દેખાડતા આ નાટકમાં માનવપ્રેમની વાત છે – જેમાં પૂર્વગ્રહનો છેદ ઉડાડી માનવસેવાના ધર્મને સર્વોપરી દર્શાવાયો છે. જોકે ઇસ્લામ, ખ્રિસ્તી અને યહૂદી – એવા ત્રણ ધર્મોમાં આ આદર્શની લગોલગ પહોંચે તેવો યહૂદી ધર્મ છે એમ મોસિસ લેન્ડેલસ્સોહનના પાત્ર દ્વારા સૂચવાયું છે. આમાં માનવ-ઐક્ય અને ધર્મસહિષ્ણુતાની વાત મુખ્ય છે. લેસિંગના મત મુજબ ઈશ્વર ખરેખર તો પરોપકારમાં રહેલો છે. માનવમાત્રની આ મોટી જવાબદારી છે અને કોઈ પણ વ્યક્તિએ પોતાના બાંધવો માટે આ સદ્ગુણ ખીલવવો જ રહ્યો એમ લેસિંગની પ્રબળ માન્યતા છે.
‘ધી એજ્યુકેશન ઑવ્ ધ હ્યુમન રેસ’ (1780) લેસિંગની છેલ્લી ગદ્યકૃતિ છે. માનવજાતની પૂર્ણતામાં તેમનો દૃઢ વિશ્ર્વાસ છે. જુદા જુદા ધર્મોના ઇતિહાસમાંથી તેમણે બોધપાઠ તારવ્યો કે મનુષ્યજાતિમાં નૈતિક સભાનતાનો ઉત્કર્ષ થતો જ રહે છે અને છેવટે માનવજાત નૈતિક સ્વાતંત્ર્યના સર્વોચ્ચ શિખરે વિરાજશે. એફ. એચ. જેકૉબી નામના ખ્રિસ્તી ફિલસૂફ સાથેના વાર્તાલાપમાં લેસિંગે પોતે ગેટેના ‘પ્રોમીથિયસ’ કાવ્યનો મર્મ માણ્યા પછી સ્પિનોઝાના સર્વેશ્વરવાદમાં પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી હતી. પાછળથી પ્રબુદ્ધકાળ-(Enlightenment)ના દ્વૈતવાદની સમજથી પણ તેઓ છૂટા પડી ગયા હતા. લેસિંગ માનવજાતના મોક્ષ અને આત્માના અમરત્વને અનંતતાના પરિમાણમાં અનુભવતા હોય તેમ લાગે છે. છતાંય તેમનો પ્રશ્ન – ‘અને તો પછી મારે કંઈક ગુમાવવું તો નહિ પડે ને ? શું આ અનંતતા મારી નથી ?’ – અનુત્તર રહે છે.
લેસિંગનાં છેલ્લાં વર્ષો ભારે ક્લેશ-વ્યથા અને દુ:ખમાં વીત્યાં હતાં. જોકે તેઓ 1775માં નાદુરસ્ત તબિયતે પણ વિયેના ગયેલા, જ્યાં ત્યાંના સમ્રાટ જોસેફ બીજાએ તેમનું સન્માન કર્યું હતું. ત્યાંથી ઇટાલીમાં ફરેલા. મૅનહીમ નામના સ્થળની 1777માં મુલાકાત લીધી હતી. ત્યાંની રંગભૂમિમાં કોઈ હોદ્દો મેળવવાનો તેમનો પ્રયત્ન સફળ થયો ન હતો. આ સમયમાં હેમ્બર્ગના તેમના મિત્ર એવા એક વેપારીની વિધવા પત્ની ઇવા કૉનિગ સાથે તેઓ લગ્નથી જોડાયા હતા; પરંતુ કમનસીબે 1778માં એક બાળકને જન્મ આપી ઇવાનું અવસાન થયું હતું. લેસિંગે આ ક્ષણને વાચા આપતો એક હૃદયદ્રાવક પત્ર પોતાના મિત્રને લખ્યો હતો. ‘એક વાર પણ બીજાઓને મળ્યું છે તેવું જીવન મને મળ્યું હોત તો ?’ આ તેમની અભિલાષા કાયમ વણસંતોષાયેલી જ રહી હતી. આગળના પતિથી થયેલા ઇવાનાં બે સંતાનોએ લેસિંગની સારસંભાળ લીધી હતી. તે વાતનું તેમને અંતે આશ્ર્વાસન મળ્યું હતું. જોકે તેમનાં અંતિમ વર્ષો એકાકી અને ગરીબાઈનાં હતાં. અત્યંત કરુણ હકીકત તો એ છે કે લોકોના સાર્વજનિક ખર્ચે તેમને ‘ગરીબોના કબ્રસ્તાન’-(pauper’s grave)માં દફનાવવામાં આવ્યા હતા.
ઇંગ્લૅન્ડમાં લેસિંગની પ્રશંસા કરનાર મેકૉલે, કૉલરિજ, જ્યૉર્જ એલિયટ, જી. એચ. લુઇસ વગેરે હતાં. હેનરી બી. લાર્લૅન્ડે ‘લેસિંગ : ધ ફાઉન્ડર ઑવ્ મૉડર્ન જર્મન લિટરેચર’ (1962) પ્રસિદ્ધ કર્યું હતું. ફ્રાન્સિસ જે. લેમ્પૉર્ટે ‘લેસિંગ ઍન્ડ ધ ડ્રામા’ (1981) નામનો અભ્યાસગ્રંથ લખ્યો છે.
વિ. પ્ર. ત્રિવેદી
પંકજ સોની