લેસિથીન : કોષસંરચના અને ચયાપચય(metabolism)માં અગત્યનું એવું ફૉસ્ફોલિપિડ (ફૉસ્ફોગ્લિસેરાઇડ). તે ફૉસ્ફેટિડાઇલ કોલાઇન પણ કહેવાય છે. તે ગ્લિસેરાઇલ-3-ફૉસ્ફોરિલકોલાઇનનો દ્વિ-ચરબીજ ઍસિડનું વ્યુત્પન્ન છે.

બંધારણીય સૂત્ર :

જ્યાં R અને R´ ચરબીજ ઍસિડસમૂહો છે. આ બે ઍસિડની પ્રકૃતિ અને સ્થાન પ્રમાણે ભિન્ન ભિન્ન જૈવિક કાર્યોવાળાં લેસિથીન મળે છે. લેસિથીન શબ્દ ફૉસ્ફોગ્લિસેરાઇડના મિશ્રણ માટે પણ વપરાય છે, જેમાં મુખ્યત્વે લેસિથીન, સિફેલીન અને ફૉસ્ફેટિડાઇલ ઇનોસિટૉલ હોય છે. વ્યાપારી લેસિથીન કે જે મહદ્ અંશે સોયાબીન તેલમાંથી મેળવાય છે, આ મિશ્રણ ઉપરાંત તે 35 % તટસ્થ (neutral) તેલ ધરાવે છે.

લાલ રક્તકણોમાં તથા મગજના અને ચેતાતંત્રના સ્નાયુઓમાં લેસિથીન રહેલું હોય છે. ઈંડાંની સફેદી, તથા કેટલાંક વનસ્પતિજ તેલોમાં તે અગત્યનું દ્રવ્ય હોઈ મોટા પાયા પર તેનું ઉત્પાદન આવાં તેલોમાંથી નિષ્કર્ષણ દ્વારા ચીકણા ઘન પદાર્થ તરીકે કરવામાં આવે છે.

લેસિથીન આછા તપખીરિયાથી તપખીરિયા (brown) રંગનું, લાક્ષણિક વાસવાળું, સ્નિગ્ધ, અર્ધપ્રવાહી (semiliquid) છે. તે પાણી અને ઍસિટોનમાં આંશિક રીતે દ્રાવ્ય જ્યારે ક્લૉરોફૉર્મ અને બેન્ઝીનમાં દ્રાવ્ય છે.

વનસ્પતિસૃદૃષ્ટિમાં છોડવાઓના કોષની દીવાલો માટે કૅલ્શિયમ એક અગત્યનું તત્વ છે, જેના દ્વારા કૅલ્શિયમ પૅકેટ બને છે. લેસિથીનનો કૅલ્શિયમ ક્ષાર કોષપટલને બનાવવામાં અગત્યનો ભાગ ભજવે છે. અપારગમ્ય પટલ દ્વારા આયનોનું પરિવહન કરવામાં લેસિથીન ખૂબ અગત્યનું છે. આ પરિવહન માટે લેસિથીન અપારગમ્ય પટલના બહારના ભાગમાંથી આયનો ખેંચીને લેસિથીન-આયન સંકીર્ણ બનાવે છે, જે પટલના અંદરના ભાગમાં પ્રવેશે છે. ત્યાં આ સંકીર્ણનું જળવિભાજન થતાં આયનો અને લેસિથીન બંને મુક્ત બને છે. આમ, લેસિથીન પોતે ફરીથી પ્રક્રિયા માટે સક્રિય બને છે.

લેસિથીનનો આર્દ્રક (wetting agent) તથા પાયસીકારક (emulsifying agent) તરીકે બહોળો ઉપયોગ થાય છે. આ ઉપરાંત પ્રાણીઓ માટેના આહાર(animal feeds)માં, બેકિંગ પદાર્થો અને મિશ્રણોમાં પ્રતિઉપચાયક (antioxidant) તરીકે તેમજ પેઇન્ટમાં, છાપકામની શાહીમાં, સાબુ અને સૌંદર્યપ્રસાધનો(cosmetics)માં, રબર-પ્રક્રમણમાં તેનો ઉપયોગ થાય છે. શુદ્ધ લેસિથીન માર્ગરીન, ચૉકલેટ વગેરેના ઉત્પાદનમાં પાયસીકારક તરીકે વપરાય છે. એક એવી માન્યતા છે કે તેના દ્વારા હૃદયરોગનો હુમલો ખાળી શકાય છે; પરંતુ આ અંગે કોઈ સાબિતી હજુ સુધી પ્રાપ્ય નથી.

જ. પો. ત્રિવેદી