લેસિથિડેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. આ કુળમાં 15 પ્રજાતિઓ અને 325 જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે મોટેભાગે ઉષ્ણ પ્રદેશોમાં વૃક્ષ સ્વરૂપે થાય છે. પર્ણો સાદાં, એકાંતરિક અને અનુપપર્ણીય હોય છે અને શાખાને છેડે ગુચ્છમાં થાય છે.

પુષ્પવિન્યાસ એકાકી પરિમિત (solitary cymose) કે કલગી (raceme) પ્રકારનો જોવા મળે છે. પુષ્પ નિયમિત કે અનિયમિત, દ્વિલિંગી, પરિજાયી (perigynous) કે ઉપરિજાયી (epigynous) હોય છે. પુષ્પાસન અને બીજાશય જોડાયેલાં હોય છે. દલપુંજ અને પુંકેસરચક્રની નીચે સ્પષ્ટ બિંબ હોય છે.

વજ્ર 4થી 6 વજ્રપત્રોનું બનેલું હોય છે. દલપુંજ સામાન્ય રીતે 4થી 6 દલપત્રોનો બનેલો, મુક્ત કે કેટલીક જાતિઓમાં યુક્ત પણ જોવા મળે છે. પુંકેસરચક્ર અસંખ્ય પુંકેસરોનું બનેલું હોય છે. આ પુંકેસરો એકથી વધારે ચક્રોમાં ગોઠવાયેલાં અને તલસ્થ ભાગેથી જોડાયેલાં હોય છે. પરાગાશય મધ્યદોલી (versatile) હોય છે. પુંકેસરો કલિકામાં વિવિધ રીતે વળીને ગોઠવાયેલાં હોય છે. શિવલિંગી(couroupita guianansis)માં પુંકેસરો જોડાઈને ચપટી ફેણ જેવી રચના બનાવે છે. સ્ત્રીકેસર શિવલિંગનો આભાસ રચે છે અને તે પર પુંકેસરચક્ર સહસ્ર ફેણ ધરાવતો નાગ આસન જમાવીને બેઠો હોય તેવું સુંદર અને નયનરમ્ય દૃશ્ય ઊભું કરે છે. કેટલાંક પુંકેસરો વંધ્ય પણ હોય છે.

સ્ત્રીકેસરચક્ર 2થી 6 જોડાયેલાં સ્ત્રીકેસરોનું બનેલું હોય છે. બીજાશય અધ:સ્થ અને બહુકોટરીય હોય છે. પ્રત્યેક કોટરમાં એક કે તેથી વધારે અંડકો હોય છે. પરાગવાહિની સાદી હોય છે. ફળ અનષ્ઠિલ (berry) કે અસ્ફોટનશીલ કાષ્ઠમય હોય છે.

ગુજરાતમાં થતી આ કુળની જાતિઓમાં શિવલિંગી, સમુદ્રફળ (Barringtonia racemosa Roxb) અને B. acutangulaનો સમાવેશ થાય છે. આ વૃક્ષો ઘટાદાર હોઈ રસ્તાની બંને બાજુએ ઉગાડવામાં આવે છે.

મીનુ પરબીઆ, દિનાઝ પરબીઆ