લેશ્યા : જૈન દર્શન અનુસાર મનના ભાવ કે મનના પરિણામ (અધ્યવસાય) અને કર્મના સંમિશ્રણથી નિષ્પન્ન ગાઢ રીતે ગૂંથાયેલ ભાત. લેશ્યા અ જીવાત્માનો કર્મસંસર્ગથી ઉત્પન્ન થતો વિકાર છે. તે અત્યંત સૂક્ષ્મ હોઈ તેનું ચક્ષુ દ્વારા નિરીક્ષણ શક્ય નથી. જેમ સ્ફટિક રત્ન પાસે જે રંગની ચીજ રાખીએ તેવા રંગવાળું સ્ફટિક રત્ન દેખાય છે, તેમ ભિન્ન ભિન્ન પ્રકારના સંયોગથી મનના અધ્યવસાય બદલાતા જાય છે. દા. ત. ક્રોધ સાથે મનોગત ક્રોધની અસર રૂપે ચહેરો લાલચોળ થવો. લેશ્યા છ છે – (1) કૃષ્ણ (2) નીલ (3) કપોત (4) પીત (પીળી-તેજસ્) (5) રક્ત (રાતી-પદ્મ) અને (6) શ્વેત (શુક્લ). પહેલી ત્રણ અશુભ ચારિત્ર્યની અને પછીની ત્રણ શુભ ચારિત્ર્યને સૂચવનારી લેશ્યાઓ છે. લેશ્યાની સમજ માટે જૈનશાસ્ત્રોમાં એક દૃષ્ટાંત પ્રચલિત છે –

છ મિત્રો જાંબુ ખાવા જાંબુડી પાસે આવે છે. એમાંની એક વ્યક્તિ કહે છે : ઝાડને મૂળ સમેત ઉખાડી નાખીએ તો નિરાંતે મનભર જાંબુ ખાવાની મજા પડશે (કૃષ્ણ લેશ્યા). બીજી વ્યક્તિ કહે છે : મોટી ડાળ જ કાપી નાખીએ (નીલ લેશ્યા), ત્રીજી વ્યક્તિ કહે છે : જાંબુવાળી નાની ડાળી જ કાપીએ (કપોત લેશ્યા), ચોથી વ્યક્તિ કહે છે : તમારી રીત ખોટી છે. માત્ર ફળના ગુચ્છાઓ તોડી લઈએ એટલે આપણું કામ થઈ જશે (તેજો લેશ્યા), પાંચમી વ્યક્તિ કહે છે : આપણે તો જાંબુ ખાવાં છે તો વૃક્ષ પરથી જાંબુ જ તોડી લઈએ (પદ્મ લેશ્યા) અને છઠ્ઠી વ્યક્તિ કહે ભાઈઓ! આ બધી પંચાત છોડો ને આ જમીન પર પાકાં જાંબુ પડ્યાં જ છે એ જ ઉડાવો ને (શુક્લ લેશ્યા). આમાં પ્રથમ ત્રણમાં અવિવેક રહેલો છે, જ્યારે છેલ્લી ત્રણ લેશ્યાઓમાં વિવેક રહ્યો છે. પ્રથમ ત્રણમાં અવિવેકની માત્રા ક્રમશઃ ઘટે છે, જ્યારે છેલ્લી ત્રણ લેશ્યાઓમાં વિવેકની માત્રા ક્રમશઃ વધે છે. પ્રથમ ત્રણમાં પાપરૂપ બંધન ક્રમશઃ ઓછું થતું જાય છે, જ્યારે છેલ્લી ત્રણમાં પુણ્યરૂપ કર્મબંધનની અભિવૃદ્ધિ હોય છે તેમજ પુણ્યરૂપ નિર્જરાનું તત્વ ઉત્તરોત્તર વધતું જાય છે.

પ્રવીણચંદ્ર પરીખ