ઉત્તરાપથ : વિંધ્યથી ઉત્તરે હિમાલય સુધીનો સમગ્ર ઉત્તર ભારતનો પ્રદેશ. કાવ્યમીમાંસા પ્રમાણે પૃથુદક(આધુનિક પેહોઆ, થાણેશ્વરથી પશ્ચિમે લગભગ 22.44 કિમી.)થી પશ્ચિમે આવેલો પ્રદેશ. બ્રાહ્મણ કે બૌદ્ધ સાહિત્યમાં આ પ્રદેશની સરહદો દર્શાવવામાં આવી નથી. છતાં એક પરંપરા પ્રમાણે ઉત્તરાપથ કે ઉત્તર હિંદમાંના સમગ્ર સિંધુખીણના વિસ્તારનો તેમાં સમાવેશ થતો. ધર્મસૂત્રો પ્રમાણે જ્યાં સરસ્વતી નદી અર્દશ્ય થતી તેની પશ્ચિમનો વિસ્તાર ઉત્તરાપથ હતો. ખારવેલના હાથીગુફા અભિલેખ મુજબ ઉત્તરાપથમાં કદાચ મથુરા અને તેની અગ્નિ સીમાથી મગધ સુધીનો વિસ્તાર હતો. ઉત્તરાપથ એ મૂળ તો ઉત્તરનો એક ધોરી વેપારી માર્ગ હતો, જે શ્રાવસ્તીથી ગાંધારના તક્કસિલા (તક્ષશિલા) સુધી જતો. પાલિ સાહિત્ય પ્રમાણે ઉત્તરાપથમાં સમગ્ર ઉત્તર હિંદનો – પૂર્વમાં અંગથી વાયવ્યમાં ગાંધાર સુધી અને ઉત્તરમાં હિમાલય પર્વતમાળાઓથી તે દક્ષિણમાં વિંધ્ય પર્વતમાળાઓ સુધી સમાવેશ થતો હતો. ‘હર્ષચરિત’નો લેખક બાણભટ્ટ ઉત્તરાપથમાં આઝાદી પૂર્વેના ભારતના સંયુક્ત પ્રાંતો, ઉત્તરપ્રદેશ, પંજાબ તેમજ વાયવ્ય સરહદ પ્રાંતનો સમાવેશ કરે છે. સામાન્ય જનમત પ્રમાણે હિમાલયમાંનાં બદરીનાથ, કેદારનાથ, ગંગોત્રી, જમનોત્રી સહિતનાં પવિત્ર તીર્થસ્થળોને સમાવિષ્ટ કરતો પહાડી પ્રદેશ ઉત્તરાખંડમાં આવેલો છે.
યતીન્દ્ર દીક્ષિત