લૅમાર્ક, ઝાં બૅપ્તિસ્ત

January, 2005

લૅમાર્ક, ઝાં બૅપ્તિસ્ત (જ. 1 ઑગસ્ટ 1744, બાઇઝૅન્ટાઇન; અ. 18 ડિસેમ્બર 1829, પૅરિસ) : સજૈવ ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત સૌપ્રથમ રજૂ કરનાર ફ્રેન્ચ જૈવવિજ્ઞાની. લૅમાર્કની ઉત્ક્રાંતિવાદની રજૂઆત મુજબ પર્યાવરણને અનુકૂળ થવા સજીવો પોતાનું સ્વરૂપ બદલતાં હોય છે અને બદલાતાં આ સ્વરૂપો સંતાનોમાં ઊતરે છે. સમય જતાં સજીવમાં થયેલા ફેરફારો, પર્યાવરણને અધીન રહીને જટિલ અને પૂર્ણ સ્વરૂપ પ્રાપ્ત કરે છે અને સજીવની એક નવી જાત (species) અસ્તિત્વમાં આવે છે. પર્યાવરણના પ્રભાવ હેઠળ કદાચ જનીનમાં વિકૃતિ ઉદભવતાં સજીવના બંધારણમાં ફેરફાર થવાની શક્યતા ઊભી થાય છે. પરંતુ સજીવે નવાં પ્રાપ્ત કરેલાં લક્ષણો સંતાનમાં ઊતરવાની શક્યતા નહિવત્ હોય છે. લેમાર્કવાદની આ ત્રુટીને કારણે આધુનિક વૈજ્ઞાનિકોને લૅમાર્કની રજૂઆત અસંગ્દ્ઘિ લાગે છે. આધુનિક જનીનવિદ્યા-શાસ્ત્રીઓ(Neo-phendalism)ને પર્યાવરણની આનુવંશિકતા બાબતમાં લૅમાર્કના ઉત્ક્રાંતિના સિદ્ધાંતોમાં રસ જાગ્યો છે. નૂતન લૅમાર્કવાદ તરીકે ઓળખાણ થઈ રહી છે.

લૅમાર્કે પોતાની કારકિર્દીની શરૂઆત પાદરી તરીકે કરી હતી. ત્યારબાદ તેઓ સપ્તવાર્ષિક યુદ્ધમાં સૈનિક તરીકે જોડાયા. 1768માં આયુર્વિજ્ઞાન કૉલેજમાં વિદ્યાર્થી તરીકે પ્રવેશ મેળવ્યો. દરમિયાન તેઓ પ્રખ્યાત વનસ્પતિવિજ્ઞાની જુસિયુના માર્ગદર્શન હેઠળ વનસ્પતિસૃદૃષ્ટિનો અભ્યાસ કરવા લાગ્યા. 1788માં લૅમાર્ક શાહી (royal) વનસ્પતિસંગ્રહ(herbarium)ના સંરક્ષક (conservator) તરીકે નિમાયા. દરમિયાન તેમણે ‘ફ્લૉરે ફ્રંકાઇએ’ પુસ્તક લખ્યું. તેમણે લખેલાં અન્ય પુસ્તકોમાં ‘ડિક્શનરી દ બૉતાનિકા’ અને ‘ઇલસ્ટ્રેશન્સ દ જેન્સિસ’નો સમાવેશ થાય છે. લૅમાર્ક પ્રાણીવિજ્ઞાનમાં પણ રસ લેતા થયા અને પૅરિસના પ્રાકૃતિક ઇતિહાસ (natural history) સંગ્રહાલયમાં પ્રાણીશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે તેમની વરણી થઈ. લૅમાર્કે પ્રાણીઓના વર્ગીકરણની પદ્ધતિ વિકસાવી. અપૃષ્ઠવંશી અશ્મીભૂતો(fossils)વિષયક વિદ્યાશાખાના સ્થાપક તરીકે લૅમાર્કની ગણના કરવામાં આવે છે.

ઝાં બૅપ્તિસ્ત લૅમાર્ક

લૅમાર્કે આબોહવાની આગાહી કરવામાં પણ ઘણો રસ લીધો અને 1799થી 1810ના ગાળા દરમિયાન દર વર્ષે વાર્ષિક હવામાનશાસ્ત્ર-(meteorology)ના અહેવાલ રજૂ કર્યા. વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થતાં તેમની દૃષ્ટિ નબળી પડી અને છેવટે તેઓ અંધ બન્યા. આમ છતાં અન્યના સહકારથી અને ખાસ કરીને પોતાની પુત્રીની મદદથી પોતાનું કાર્ય મૃત્યુ પર્યંત તેમણે ચાલુ રાખ્યું હતું.

રા. ય. ગુપ્તે