લેમિત્રે, જ્યૉર્જ (જ. 1894, બેલ્જિયમ; અ. 1966, બેલ્જિયમ) : વિશ્વની ઉત્પત્તિનો સિદ્ધાંત એટલે કે મહાવિસ્ફોટ(big-bang)ની ઘટનાનું સૂચન કરનાર ખ્યાતનામ બેલ્જિયન બ્રહ્માંડવિદ (cosmologist). યુ.એસ. ખગોળવિદ ઍૅડ્વિન હબ્બલે દર્શાવ્યું કે વિશ્વ હરદમ વિસ્તરતું જાય છે, પણ લેમિત્રેએ જણાવ્યું કે વિશ્વની ઉત્પત્તિ મહાવિસ્ફોટથી થઈ અને ત્યારબાદ તેનું નિરંતર વિસ્તરણ ચાલુ રહ્યું છે. મહાવિસ્ફોટનો સિદ્ધાંત હવે વ્યાપક રીતે સ્વીકૃત બનતો જાય છે.

જ્યૉર્જ લેમિત્રે

રશિયન ગણિતજ્ઞ ઍલેક્ઝાંડર ફ્રીડમાને આઇન્સ્ટાઇનના સાપેક્ષતાના સમીકરણના ઉકેલ વડે બ્રહ્માંડકીય (વૈશ્ર્વિક  cosmological) પરિરૂપોનો સમૂહ આપ્યો. લેમિત્રે અને ફ્રીડમાનનાં સંશોધનાત્મક પરિણામો લગભગ એકસરખાં પણ બંનેએ સ્વતંત્ર રીતે લગભગ 1925ની આસપાસ મેળવ્યાં. આ સમયે લેમિત્રે ફ્રીડમાનના સંશોધનકાર્યથી તદ્દન અજ્ઞાત હતા. આ સાથે લેમિત્રેએ ગાણિતિક સૂત્રોનો વાસ્તવિક વિશ્વ સાથે સુમેળ સાધવાનો પ્રયાસ કર્યો. તેમના આ પરિણામ પ્રત્યે કેટલાય સમય સુધી કોઈએ ધ્યાન આપ્યું નહિ; જે એક દુ:ખદ બાબત ગણાઈ. પછી તેમણે પોતાનાં સંશોધનાત્મક પરિણામો બેલ્જિયમના ઓછા જાણીતા સામાન્ય સામયિકમાં પ્રગટ કરવાનું પસંદ કર્યું. તે પછી સારા એવા સમય સુધી તેમણે તેમના વિચારોને જરૂરી વેગ આપ્યો નહિ.

પ્રથમ વિશ્વયુદ્ધ (1914-1919) દરમિયાન લેમિત્રેનું કામ અને કારકિર્દી ખોરંભે પડ્યાં. હબ્બલની બાબતે પણ આમ જ બન્યું હતું; પણ લેમિત્રે ઉપર યુદ્ધની ઝાઝી અસર થઈ હતી.

લેમિત્રેએ લૂવેન(Louvain)ની કૅથલિક યુનિવર્સિટીમાં રહીને ઇજનેરીનો અભ્યાસ શરૂ કર્યો, પણ 1914ના ઑગસ્ટમાં જ્યારે જર્મન લશ્કરે બેલ્જિયમ ઉપર ચડાઈ કરી ત્યારે તે સ્વૈચ્છિક રીતે લશ્કરમાં જોડાયા અને તે પોતે લડનારાઓની અગ્ર-હરોળમાં રહ્યા હતા. પરિણામે ‘Croix de Guerre avec palmes’થી તેમને નવાજવામાં  આવ્યા હતા. 1919માં પોતે પોતાનો અભ્યાસ ફરીથી ચાલુ કર્યો. આ સમયે તેઓ ગણિતશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્રના સઘન અભ્યાસ તરફ વળ્યા. 1920માં ડૉક્ટરેટની ઉપાધિ મેળવી. ત્યારપછી તે પાદરીઓને શિક્ષણ આપી તૈયાર કરતી શાળા(seminary)માં જોડાયા અને 1923માં તેમને પાદરી તરીકેની દીક્ષા આપવામાં આવી. પણ તેમણે નોખા દેવળના પાદરી તરીકેનો હોદ્દો ધારણ કર્યો નહિ અને પાદરી તરીકેની કોઈ પ્રવૃત્તિ કરી નહિ; કારણ કે તેમને વૈજ્ઞાનિક સંશોધનમાં વધારે રસ હતો. 1936માં તેઓ પૉન્ટિફિકલ એકૅડેમી ઑવ્ સાયન્સિઝના સભ્ય બન્યા. 1960માં તેઓ આ સંસ્થાના પ્રમુખ બન્યા અને પોતાના અવસાન સુધી તેમણે આ સંસ્થાને સેવા આપી. સેમિનરી છોડ્યા બાદ તેઓ એક વર્ષ કેમ્બ્રિજમાં રહ્યા અને આર્થર ઍડિન્ગટન સાથે સંશોધનકાર્ય કર્યું. તે પછી તે યુ.એસ. ગયા અને હાર્વર્ડ યુનિવર્સિટીમાં શેપ્લે સાથે કાર્ય કર્યું. ત્યાંથી ખગોળવિદ્યામાં પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. તે પછી તેમણે સ્લિફર અને હબ્બલની મુલાકાત તેમની જ વેધશાળાઓમાં લીધી. લેમિત્રેને ખાસ કરીને સાપેક્ષતાના સિદ્ધાંતને વાસ્તવિક વિશ્વના વર્ણન પરત્વે પ્રયોજવામાં વધુ રસ હતો. તે સમયે અભિરક્ત વિસ્થાપન (redshift) અને અવકાશીય પદાર્થોના અંદરના માપનનું મહત્ત્વ વધારે હતું. હબ્બલે જ્યારે એન્ડ્રોમેડા નિહારિકામાં સીફાઇડ (cepheid) ઉપરના સંશોધનલેખનું વાચન કર્યું ત્યારે લેમિત્રેએ ત્યાં હાજરી આપી હતી.

લેમિત્રે સંશોધન માટે બેલ્જિયમની બહાર ગયા ત્યારે તે ગાણિતિક ભૌતિકશાસ્ત્રી હતા અને પરદેશથી પરત થયા બાદ તે પૂરતા અનુભવ સાથે બ્રહ્માંડવિદ (cosmologist) તરીકે વતનમાં આવ્યા. ત્યારબાદ તેઓ 1927માં લૂવેનમાં ખગોળવિદ્યાના પ્રાધ્યાપક તરીકે નિયુક્ત થયા. આ વર્ષે તેમણે વિસ્તરતા વિશ્વ ઉપર પ્રશિષ્ટ (classic) સંશોધનલેખ પ્રગટ કર્યો.

લેમિત્રે અને ફ્રીડમાને લગભગ એક જ કામ કર્યું પણ જુદા અભિગમ સાથે. ફ્રીડમાનને વ્યાપક સાપેક્ષતાનાં સૂત્રોનો ઉપયોગ કરીને વિશ્વનો તાગ મેળવવા પ્રયત્ન કરતા હતા ત્યારે લેમિત્રે ખગોળવિદ તરીકે વાસ્તવિક વિશ્વનું વર્ણન કરવામાં મગ્ન હતા. ફ્રીડમાનના સંશોધનલેખમાં ‘તારાવિશ્વ’ (ગૅલેક્સી) શબ્દનો ઉલ્લેખ થયો નથી, જ્યારે લેમિત્રેના લેખમાં થયો છે. લેમિત્રેએ વિસ્તરતા વિશ્વની વાત કરી, જેમાં અવકાશ બહારની તરફ ખેંચાય છે. પરિણામે સમય પસાર થતાં તારાવિશ્ર્વો દૂર દૂર જાય છે; તેથી દૂર જતા તારાવિશ્ર્વોના પ્રકાશમાં અભિરક્ત વિસ્થાપન પેદા થાય છે.

1927ના સંશોધનલેખમાં લેમિત્રેએ અભિરક્ત વિસ્થાપન અને અંતર વચ્ચે સંબંધ સ્થાપિત કર્યો. તેમાં આવતા સપ્રમાણતાના અચળાંકનું મૂલ્ય પણ મેળવ્યું. આ મૂલ્ય 625 કિલોમીટર/સેક્ધડ/મૅગાપારસેક જેટલું છે. જે ગૅલૅક્સી 1 MPC દૂર હોય તે 625 કિલોમીટર/સેકન્ડની ઝડપે દૂર જતી હોય છે. ગૅલૅક્સી 2 MPC દૂર હોય તે 1,250 કિમી./સે.ની ઝડપે દૂર જાય છે. આ અચળ સંખ્યા ક્યાંથી અને કેવી રીતે આવી તેની કોઈ સ્પષ્ટતા લેમિત્રેએ કરી નથી; પણ એટલું નક્કી છે કે તે બે વર્ષ બાદ હબ્બલે આપેલ સંખ્યાની તદ્દન નજીક છે.

1927ની વસંતઋતુમાં લેમિત્રે ફરીથી યુ.એસ. ગયા. ત્યાં તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાં સંશોધનકાર્ય કર્યું અને ત્યારબાદ લૂવેનમાં પ્રાધ્યાપકનું પદ ગ્રહણ કર્યું.

કમનસીબી તો એ છે કે 1927માં લખાયેલ લેમિત્રેના આ લેખને બદલે 1929માં હબ્બલે લખેલો લેખ ખગોળવિદ્યાના સમાજમાં સ્વીકૃત બન્યો અને તે સંખ્યાને હબ્બલ-અચળાંક તરીકે હવે ઓળખવામાં આવે છે.

પ્રહલાદ છ. પટેલ