લેખ (article) : જે તે વિષયની સમજ આપતું મુદ્દાસર લખાણ, જે અખબાર-સામયિકમાં પ્રકાશિત થતું હોય છે અને ટૂંકું નિબંધ-સ્વરૂપી હોય છે. અખબાર-સામયિકોમાં મુખ્યત્વે તંત્રીલેખ, કટારલેખ (કૉલમ), ચર્ચાપત્ર અને વિશ્ર્લેષણલેખ વગેરે લખાતાં હોય છે, જેમનાથી વાચકોને જે તે વિષય ઉપર વિગતવાર વિસ્તૃત અને ઉપયોગી માહિતી મળે.
અખબાર-સામયિકોનું સૌથી મહત્વનું પાસું તંત્રીલેખ ગણાય છે. તંત્રીલેખ સામાન્ય રીતે જે તે અખબાર-સામયિકોની નીતિનું પ્રતિબિંબ પાડતા હોય છે. જૂજ અપવાદોને બાદ કરતાં વિશ્વનાં તમામ અખબાર-સામયિકોમાં તંત્રીલેખ અનિવાર્યપણે પ્રકાશિત થાય છે. મહદ્અંશે આ તંત્રીલેખ જે તે અખબાર-સામયિકોના તંત્રી લખતા હોય છે; પરંતુ ઘણા કિસ્સાઓમાં કોઈ વરિષ્ઠ પત્રકાર કે પીઢ લેખક અથવા કોઈ ખાસ વિષયના જાણકાર દ્વારા પણ તંત્રીલેખ લખાતા હોય છે; જેમ કે, અમેરિકાની અવકાશ-સંશોધન સંસ્થા નાસા દ્વારા મંગળ ગ્રહ ઉપર મોકલવામાં આવેલા રોવર મિશન અને તેના સંશોધન બાબતે કોઈ અખબાર કે સામયિકે તંત્રીલેખ લખવો હોય અને તેના પ્રવર્તમાન તંત્રી આ વિષયના નિષ્ણાત ન હોય તો તેઓ લખી ન શકે અને તેવા સંજોગોમાં આ વિષયના નિષ્ણાત પાસે તંત્રીલેખ લખાવવામાં આવે. તે જ પ્રમાણે ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ-શ્રેણી ચાલતી હોય અથવા ફૂટબૉલનો વિશ્વકપ રમાતો હોય અને તેવા વિષયો પર અખબાર-સામયિકને તંત્રીલેખ લખવાની જરૂર જણાય. પરંતુ જે તે સમયના તંત્રી આવા વિષયોથી પણ અજાણ હોય તો તે અખબાર-સામયિકમાં રમતગમતનો વિભાગ સંભાળતા વરિષ્ઠ પત્રકાર પાસે અથવા તે પણ શક્ય ન હોય તો અન્ય કોઈ નિષ્ણાત પાસે તંત્રીલેખ લખાવવામાં આવે છે. તંત્રીલેખ અખબાર-સામયિકનું સૌથી સબળ પાસું છે. દેશમાં અંગ્રેજોના શાસન દરમિયાન તેમજ ત્યારપછી 1975થી 1977ના કટોકટીના ગાળા દરમિયાન અખબાર-માલિકો અને તંત્રીઓ વ્યવસ્થા પ્રત્યે નારાજગી વ્યક્ત કરવા કે વિરોધ વ્યક્ત કરવા તંત્રીલેખની જગ્યા ખાલી રાખતા.
તંત્રીલેખ દ્વારા એક ચોક્કસ પ્રકારનો સંદેશો આપવામાં આવતો હોય છે. રાજ્યની કોઈ નીતિવિષયક બાબત હોય તો તંત્રીલેખ દ્વારા પ્રજાહિતને ધ્યાનમાં રાખીને તંત્રી જે તે સરકારને સલાહના કે ઠપકાના રૂપમાં સંદેશો આપતા હોય છે. જોકે ક્યારેક તંત્રીલેખને કારણે મોટો વિવાદ પણ ઊભો થતો હોય છે અને વાત અદાલત સુધી પણ પહોંચતી હોય છે. આ બાબતનું નવેમ્બર 2003નું ઉદાહરણ જોવા જેવું છે. છેલ્લાં લગભગ 125 વર્ષથી ચેન્નાઈથી પ્રકાશિત થતા અંગ્રેજી અખબાર ‘ધ હિંદુ’માં પ્રકાશિત થયેલા વિધાનસભાની કાર્યવહી અંગેના એક તંત્રીલેખને તામિલનાડુ વિધાનસભાના અધ્યક્ષે ગૃહની અવહેલનારૂપ ગણાવી આ અખબારના તંત્રી એન. રવિ તથા પ્રકાશક અને વરિષ્ઠ પત્રકારો સહિત કુલ 6 વ્યક્તિઓની ધરપકડ કરી તેમને 15 દિવસની સાદી કેદની સજા કરવાનો આદેશ કર્યો. વિધાનસભા અધ્યક્ષના આદેશને અખબારી આઝાદી પરની તરાપ ગણાવવામાં આવી અને મામલો છેક સર્વોચ્ચ અદાલત સુધી પહોંચ્યો. આવો જ કિસ્સો મરાઠી અખબાર ‘મહાનગર’ સાથે બન્યો હતો. 1990ના દાયકાના ઉત્તરાર્ધમાં ‘મહાનગર’ના તંત્રી નિખિલ વાગળેએ ધારાસભ્યોની વર્તણૂકની ટીકા કરતો તંત્રીલેખ લખતાં તેમને પણ સપ્તાહની સાદી કેદની સજા મહારાષ્ટ્ર વિધાનસભા દ્વારા કરવામાં આવી હતી અને વાગળેએ એ સજા ભોગવી પણ હતી.
તંત્રીલેખ ઉપરાંત કટારલેખ પણ અખબાર-સામયિકોનો મહત્વનો હિસ્સો છે. કૉલમ તેમજ સ્તંભ તરીકે ઓળખાતા આ વિભાગમાં મુખ્યત્વે સાહિત્ય, રાજકારણ, કળા, વિજ્ઞાન, અર્થતંત્ર, હાસ્ય જેવા વિષયોના લેખો જે તે વિષયના નિષ્ણાત દ્વારા લખવામાં આવે છે. લેખ કે કટાર લખવા માટે લેખક સૌથી પહેલાં વિષયની પસંદગી કરે છે. ત્યારબાદ લેખમાં આવરી લેવા માટેના વિવિધ મુદ્દાઓની છણાવટ કરીને તેને એક પ્રકારે ચર્ચા અથવા માહિતીનું સ્વરૂપ આપીને તેને લેખનમાં ઉતારે છે અને વાચક માટે દરેક રીતે રસપ્રદ બને તેમજ તે સમજી શકે તેનું ધ્યાન રાખે છે.
સામાન્ય રીતે આ વિષયો પર લખનારા અલગ અલગ નિષ્ણાતો અલગ અલગ અખબાર-સામયિક સાથે સંકળાયેલા હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો અખબાર-સામયિકોની પ્રસિદ્ધિ કે પ્રતિષ્ઠાનો આધાર કે માપદંડ પણ લેખકોની પૅનલના આધારે મપાય છે. કેટલાક લેખકો ફ્રીલાન્સ લેખન કરતા હોય છે અને એકસાથે એક કરતાં વધારે અખબાર-સામયિકોમાં લખતા હોય છે. અખબારો-સામયિકોના કટારલેખ-વિભાગનો એક ચોક્કસ વાચકવર્ગ હોય છે.
વળી, પ્રાદેશિક ભાષાનાં અખબાર-સામયિકો અર્થાત્ ગુજરાતી, મરાઠી, તમિળ, તેલુગુ, બંગાળી, ઊડિયા વગેરેના લોકપ્રિય અંગ્રેજી કટારલેખકોના લેખો જે તે ભાષામાં અનુવાદ કરીને પ્રકાશિત પણ કરતા હોય છે. ઉપરાંત પ્રસંગોપાત્ત કોઈ વિશેષ ઘટના કે પ્રસંગ બને ત્યારે અથવા બનવાનો હોય ત્યારે તે વિષયના નિષ્ણાત દ્વારા ખાસ લેખ લખાવવાની પ્રથા પણ છે; જેમ કે, અખબાર-સામયિકો શહેરમાં કોઈ મોટો નાટ્ય-મહોત્સવ અથવા નૃત્ય-મહોત્સવ થવાનો હોય કે રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય સ્તરનું સંમેલન કે ફિલ્મ-મહોત્સવ યોજાવાનો હોય ત્યારે વિશિષ્ટ કુશળતા ધરાવતા લોકો પાસે જે તે વિષયનો અભ્યાસપૂર્ણ લેખ લખાવવાનું પસંદ કરે છે. ઘણુંખરું જે તે અખબાર-સામયિકોમાં વ્યવસાયી પત્રકારો તરીકે ફરજ બજાવતા વરિષ્ઠ પત્રકારો જ કટારલેખ લખતા હોય છે. કટારલેખ વિભાગમાં અગાઉ જણાવ્યું તેમ રાજકારણ, સાહિત્ય, કળા ઉપરાંત ફિલ્મ-અવલોકન, માર્કેટિંગ (વિપણન), પ્રૌદ્યોગિકી, પુસ્તકસમીક્ષા, અર્થકારણ, સંગીતસમીક્ષા, રંગમંચસમીક્ષા, ક્રિકેટ, માહિતી, પ્રવાસ, જીવનશૈલી, જીવનના વર્તમાન પ્રવાહો, ફૅશન, રસોઈ, ઘરની જાળવણી, બાળસંભાળ, આરોગ્ય જેવા અનેક વિષયો સાંકળી લેવામાં આવે છે. હવે બદલાયેલા સમય સાથે કમ્પ્યૂટર, ઇન્ટરનેટ, ઈ-બિઝનેસ, બકિંગ જેવા વિષયો ઉપર પણ કટારલેખ લખાય છે.
કટારલેખને નિબંધ તરીકે પણ ઓળખાવી શકાય. પરંતુ કટારલેખ કરતાં તેમાં ભેદ એ હોય છે કે લેખ ગંભીર અને હળવો પણ હોય. માહિતીપ્રદ અને સાવ નીરસ પણ હોય; જ્યારે નિબંધ સંપૂર્ણપણે એક ગંભીર સ્વરૂપ છે. તેમાં જે તે વિષયની મહદ્અંશે રસપ્રદ શૈલીમાં છણાવટ કરવામાં આવતી હોય છે.
આ પછી અખબાર-સામયિકોમાં મહત્વનું સ્થાન ચર્ચાપત્રોનું હોય છે. ચર્ચાપત્ર એટલે વાચકો દ્વારા અખબારના તંત્રી સાથે કરવામાં આવતો સંવાદ. મોટાભાગે અખબાર-સામયિકમાં પ્રકાશિત થતા અહેવાલો, સમાચારસમીક્ષા કે લેખ વાંચીને વાચકો તે વિશે તેમનો અભિપ્રાય વ્યક્ત કરતા પત્રો લખતા હોય છે અને લગભગ દરેક અખબાર-સામયિક આવા પત્રો વાચકના નામ સાથે પ્રકાશિત કરતું હોય છે. આને કારણે એક પ્રકારે અખબાર-સામયિક અને તેના વાચકો વચ્ચે સેતુ બંધાતો હોય છે. કેટલાક વાચકો તો ખૂબ નિયમિત રીતે પત્ર લખતા હોય છે. આવા પત્રલેખકો અખબાર-સામયિકમાં પ્રકાશિત થતી સામગ્રી વિશે તો તેમના અભિપ્રાયો આપતા જ હોય છે, પરંતુ ઘણુંખરું એવું પણ બનતું હોય છે કે તેઓ તેમના વિસ્તારોની સમસ્યાઓ વિશે લખતા હોય છે અથવા દેશ કે દુનિયામાં કોઈ ઘટના બની હોય તો તેના વિશે પણ તેમનાં મંતવ્યો રજૂ કરતા હોય છે. આવા સંજોગોમાં જે તે અખબાર-સામયિક દ્વારા ખુલાસો પણ કરવામાં આવતો હોય છે કે પત્રલેખનમાં વ્યક્ત થયેલા વિચારો પત્રલેખકના પોતાના છે અને તેની સાથે તંત્રી કે અખબાર-સામયિક સંમત હોય તે જરૂરી નથી. આમ પત્રલેખન પણ મુદ્રણ-માધ્યમનું અભિન્ન અંગ બની રહેલું છે.
અલકેશ પટેલ