રસી અથવા રોગપ્રતિબંધક રસી (vaccine)

January, 2003

રસી અથવા રોગપ્રતિબંધક રસી (vaccine) : કોઈ રોગ સામે પ્રતિરક્ષા (immunity) વધારતી જૈવિક બનાવટ. તે રોગને થતો અટકાવે અથવા તો તેની સારવારમાં ઉપયોગી રહે. પ્રથમ ઉપયોગને પ્રતિરોધાત્મક (prophylactic) ઉપયોગ કહે છે, જ્યારે બીજા ઉપયોગને ચિકિત્સીય (therapeutic) ઉપયોગ કહે છે. સન 1796માં એડવર્ડ જેનરે સૌપ્રથમ અંગ્રેજી શબ્દ ‘vaccine’નો ઉપયોગ કર્યો હતો. તેમણે ગો-શીતળા(cow pox)માંથી મેળવેલી રસીને માનવમાં શીતળા (small pox) થતો રોકવા માટે વાપરી ત્યારે તે શબ્દનો ઉપયોગ કર્યો હતો. તે લૅટિન શબ્દ ‘વેક્ટા’ એટલે કે ગાય પરથી બનેલા ‘વૅક્સિન-અસ’ શબ્દ પર આધારિત હતો. સામાન્ય રીતે લોહીના રુધિરરસ(serum)માંનાં પ્રતિદ્રવ્યોનો ઉપયોગ રસીમાં થાય છે. આમ જૈવિક પ્રવાહી  રસ  પરથી ગુજરાતી શબ્દ ‘રસી’ બન્યો હોય તેમ જણાય છે.

ઇતિહાસ : 1770ના દાયકામાં એડવર્ડ જેનરની દૂધવાળી એવું કહેતી કે તેને ગો-શીતળા (જે માણસમાં પ્રમાણમાં ઘણો હળવો વ્યાધિ છે.) થઈ ગયો છે તેને હવે શીતળાનો રોગ થશે નહિ. આવી લોકસમજને પ્રયોગશાળામાં લાવીને સન 1796માં જેનરે એક ગો-શીતળાવાળી દૂધવાળીના ફોલ્લામાંના પરુને એક છોકરાના હાથમાં ઇન્જેક્શન રૂપે આપ્યું. તેને પરિણામે તેના હાથ પર ફોલ્લા થયા; પરંતુ તે પછી તે છોકરાને શીતળાનો ચેપ લાગ્યો ન હતો. પરુનું ઇન્જેક્શન આપવાથી ખરેખર તો વિષાણુઓને શરીરમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. પાછળથી શોધાયું કે રસી આપવાથી આ જ લાભ મળે છે, પણ જોખમ રહેતું નથી. સન 1885માં લુઈ પાશ્ચરે હડકવા સામે રસી (પ્રતિવિષ, antitoxin) વિકસાવી, જે ઘણી સફળ રહી. 19મી સદીથી વિશ્વના બધા દેશોમાં રસી આપવાની ક્રિયાને કાયદેસર રીતે ફરજિયાત બનાવવાની પ્રક્રિયા થઈ.

પ્રકારો : રસીઓ વિવિધ પ્રકારની છે. હાલ રસી રૂપે મૃત (dead, killed) કે નિર્બલીકૃત (attenuated) સૂક્ષ્મજીવો અપાય છે અથવા તો તેમનાં શોધિત ઉત્પાદિત દ્રવ્યો (purified products) અપાય છે. ક્યારેક સૂક્ષ્મજીવના વિષને નિષ્ક્રિય કરીને વિષાભ (toxoid) બનાવાય છે તો ક્યારેક તેની સામેનાં પ્રતિદ્રવ્યો વપરાય છે. આ પ્રતિદ્રવ્યને પ્રતિવિષ (antitoxin) કહે છે.

ફ્લૂ, કૉલેરા, વિફુલ્લક મરકી (bubonic plague), બાળલકવો (polio) તથા કમળો કરતો યકૃતશોથ–એ (hepatitis)ના રોગો સામે ગરમી કે રસાયણથી મારેલા એવા મૃત સૂક્ષ્મજીવની બનેલી રસી અપાય છે. ક્યારેક સજીવ સૂક્ષ્મજીવનું નિર્બલીકરણ (attenuation) કરીને તેમની બલિષ્ઠ રોગકારિતા(virulence)ને ઘટાડાય છે. તે માટે તેમનું વિશિષ્ટ પરિસ્થિતિમાં સંવર્ધન કરાય છે. આવા નિર્બલીકૃત સૂક્ષ્મજીવ મૂળ રોગકારક સજીવ જેવી જ ચેપકારિતા (infectivity) ધરાવતા હોવા છતાં તેમનાથી થતા રોગ(માંદગી)ની તીવ્રતા ઘણી ઓછી હોય છે; તેથી તેમને ‘રસી’ રૂપે વપરાય છે; દા. ત., ક્ષયરોગ સામે વપરાતી ક્ષય-પ્રતિરોધક રસી – BCG. અન્ય ઉદાહરણોમાં પીતજ્વર (yellow fever), ઓરી, રુબેલા, ગાલપચોળું (mumps) વગેરેનો સમાવેશ થાય છે.

ક્યારેક સૂક્ષ્મજીવ પોતે નહિ પણ તેનાં વિષ જેવાં ઉત્પાદન-દ્રવ્યો રોગ કરે છે. ધનુર્વા અને ડિફ્થેરિયાના સૂક્ષ્મજીવો દ્વારા ઉત્પન્ન થતા વિષથી રોગનાં લક્ષણો અને આનુષંગિક તકલીફો ઉત્પન્ન થાય છે. તેનાં વિષને નિષ્ક્રિય કરીને વિષાભ (toxoid) બનાવાય છે. તેનો ઉપયોગ જે તે રોગની સામે કરાય છે.

કેટલીક વિશિષ્ટ પ્રકારની રસીઓ પણ હાલ નીકળી છે. કમળો કરતા યકૃતશોથ–બીના વિષાણુના સપાટી પરના પ્રોટીન અથવા બહિસ્તલ-નત્રલ(surface antigen)ના અણુનો ઉપયોગ કરીને રસી બનાવાય છે. તેવી રીતે માનવ અંકુરાર્બુદ વિષાણુ (human papilloma virus, HPV) સામે વિષાણુસમ કણિકા (virus-like particle, VLP) રૂપે તેના એક ઉપએકમ(subunit)નો ઉપયોગ કરાય છે. તેમાં તે વિષાણુના કિરીટિકાનત્રલ(capsid protein)નો અણુ ઉપયોગી રહે છે. યકૃતશોથ–બીનો VLP અને HPVનો કિરીટિકાનત્રલ આમ સમગ્ર વિષાણુનો એકાદ અણુ માત્ર છે માટે આવી રસીને ઉપએકમ (subunit) રસી કહે છે.

ક્યારેક કોક સૂક્ષ્મજીવના અણુઓ પ્રતિજન તરીકે ખાસ કાર્ય કરતા નથી; જેમ કે, હિમોફિલસ ઇન્ફ્લ્યૂએન્ઝી પ્રકાર  બીમાં રહેલો બહુશર્કરા(polysaccharide)નો અણુ પ્રતિરક્ષાજનક નથી. તેને કોઈ પ્રોટીનના બનેલા વિષ સાથે જોડીને (સંજોડન, conjugation) પ્રતિજનક (antigenic) બનાવાય છે અને તેનો રસી તરીકે ઉપયોગ કરાય છે. આમ સંજોડન(conjugate)-રસી બને છે.

હાલ વિવિધ પ્રકારની રસીઓ સંશોધનાધીન છે; જેમ કે, HIV તથા કૅન્સર સામેની રસીઓ. કેટલીક નવોન્મેષી અજમાયશો (innovative experimentation) પણ થઈ રહી છે. એક સૂક્ષ્મજીવનાં જનીનદ્રવ્યોનું બીજાના DNA સાથે સંયોજન કરાવીને પુન:સંયોજિત વાહક (recombinant vector) બનાવાય છે. જેને રસી તરીકે ઉપયોગમાં લેવાના પ્રયોગો ચાલે છે. ચેપકારક સૂક્ષ્મજીવના DNAમાંથી નવી DNA રસીઓ વિકસાવાઈ રહેલી છે. તેમનાં ઉત્પાદન અને સંગ્રહ સરળ છે. ખીણ-જ્વર (velley fever), મોઢું આવવું, ઍલર્જીજન્ય (વિષમોર્જાજન્ય) ત્વચાશોથ (allergic dermatitis) વગેરે સામે ટી-કોષીય સ્વીકારક (receptor) પૅપ્ટાઇડ રસી વિકસાવાઈ રહી છે. મોટા ભાગની રસીઓમાં સૂક્ષ્મજીવોનાં નિષ્ક્રિયકૃત (inactivated) કે નિર્બલિષ્ઠતાકૃત (attenuated) રસાયણો હોય છે. કૃત્રિમ રીતે સર્જિત અથવા સંશ્લેષિત (synthesised) રસીઓમાં સંશ્લેષિત રસાયણો (પૅપ્ટાઇડો, કાર્બોહાઇડ્રેટો અથવા પ્રતિજનો) હોય છે.

જ્યારે કોઈ રસીમાં કોઈ એક સૂક્ષ્મજીવના એક પ્રતિજન(antigen)નો સમાવેશ થાય ત્યારે તેને એકવેધ (monovalent અથવા univalent) રસી કહે છે અને જો તેમાં એકથી વધુ સૂક્ષ્મજીવો કે એક સૂક્ષ્મજીવના એકથી વધુ પ્રતિજનોનો સમાવેશ થાય તો તેને બહુવેધ (polyvalent) રસી કહે છે. ત્રિગુણી રસીમાં 3 સૂક્ષ્મજીવો સામેના પ્રતિજનો હોય છે અને બાળલકવાની રસીમાં એક જ સૂક્ષ્મજીવના વધુ પ્રકારના પ્રતિજનોનો સમાવેશ થાય છે. આમ તે બંને બહુવેધ રસીઓ છે.

શરીરનું પ્રતિરક્ષાતંત્ર (immune system) વિવિધ રીતે રોગોનો પ્રતિકાર કરે છે. વિશિષ્ટ રોગ (ચેપ) સામે વિશિષ્ટ પ્રતિકાર કરવા જે તે રોગ(ચેપ)ના સૂક્ષ્મજીવના પ્રતિજન (antigen) સામે વિશિષ્ટ અને ચોક્કસ પ્રતિદ્રવ્યો (antibody) બનાવીને જે તે પ્રતિજન તથા સૂક્ષ્મજીવનો નાશ કરાય છે. આને સક્રિય પ્રતિરક્ષા (active immunity) કહે છે. તે માટે પહેલાં જે તે સૂક્ષ્મજીવનો થોડી માત્રામાં સંસર્ગ થયેલો હોવો જરૂરી છે. રસી દ્વારા આવાં પ્રતિજનોને નિયંત્રિત અને અલ્પ માત્રામાં શરીરમાં પ્રવેશ આપીને વ્યક્તિમાં જે તે રોગ (ચેપ) સામે સક્રિય પ્રતિરક્ષા સર્જવામાં આવે છે, જેથી પાછળથી તેનો મોટી માત્રામાં શરીરપ્રવેશ થાય તોપણ વિશિષ્ટ અને પ્રતિદ્રવ્યો સર્જીને શરીર તેનો પ્રતિકાર કરી શકે.

બાળપણમાં તથા સંભવિત રોગચાળા (વાવડ, વસ્તી-ઉપદ્રવ, epidemic) વખતે રસી આપવાના કાર્યક્રમ દ્વારા બહુજન-સમાજને વિવિધ ચેપ સામે રક્ષણ મળી શકે છે. તેને કારણે હાલ વિશ્વમાં શીતળાનો રોગ નાબૂદ થઈ શક્યો છે અને હાલ(2007–09)માં ભારતમાં બાળલકવાના રોગને નાબૂદ કરવાનું અભિયાન ચાલી રહ્યું છે.

રસી આપવાના આ કાર્યક્રમ તથા ક્રિયાને રસીકરણ (vaccination) કહે છે. તેમાં પ્રતિજનને શરીરમાં પ્રવેશ અપાય છે. ક્યારેક રોગ સામે તરત રક્ષણ માટે પ્રતિદ્રવ્ય (antibody) આપવું જરૂરી બને છે; દા. ત., હડકવાનો રોગ. આવી રીતે ઉત્પન્ન કરાતી પ્રતિરક્ષા અસક્રિય (passive) પ્રતિરક્ષા છે; કેમ કે, તેમાં શરીરનું પ્રતિરક્ષાતંત્ર ભાગ લેતું નથી તથા પ્રતિજન અંગે કશું ‘યાદ’ રાખતું ન હોવાથી ભવિષ્યમાં જે તે ચેપ સામે પ્રતિદ્રવ્ય બનાવી શકતું નથી; પરંતુ તે તાત્કાલિક રોગ સામે રક્ષણ આપે છે. સક્રિય કે અસક્રિય રીતે પ્રતિરક્ષા સર્જવાની પ્રક્રિયાને પ્રતિરક્ષીકરણ (immunisation) કહે છે. પ્રતિરક્ષીકરણમાં રસીકરણ(સક્રિય પ્રતિરક્ષા-સર્જન)નું કાર્ય સમાવિષ્ટ હોવાથી રસીકરણ માટે પણ ક્યારેક ‘પ્રતિરક્ષીકરણ’ શબ્દ વપરાય છે.

રસીકરણને કારણે શીતળાનો રોગ નાબૂદ થયો છે, જ્યારે ઓરી, બાળલકવો, રુબેલા, ગાલપચોળું, અછબડા, આંત્રજ્વર (typhoid fever) વગેરે પશ્ચિમી દેશોમાં નહિવત્ બન્યાં છે.

રસીકરણ કાર્યક્રમ : જુદા જુદા દેશોમાં બાળકો તથા યુવાનો તેમજ મુસાફરો માટે રસી આપવાના કાર્યક્રમો અને સમયસારણી (time table) તૈયાર કરવામાં આવેલા છે. (જુઓ ગુ. વિ. કો. ખંડ 2, આરોગ્ય અને રોગપ્રતિરોધ.)

શિલીન નં. શુક્લ