રસીદ : નાણાં સ્વીકારનારે જરૂરી નાણાં મળ્યા અંગેનો નાણાં ચૂકવનારને આપેલો સહીસિક્કાવાળો દસ્તાવેજ. ધંધાકીય જગતમાં શાખ ઉપર માલ વેચ્યા પછી માલ લેનાર બિલની રકમ ચૂકવે ત્યારે રકમ લેનાર લેણદાર રકમ મળ્યાની રસીદ આપતા હોય છે. આ રકમ બિલની રકમ જેટલી હોવી જોઈએ તેવું દરેક પ્રસંગે બનતું નથી. વટાવ, માલપરત અને વ્યાજ જેવાં તત્ત્વો બિલની રકમ અને રસીદની રકમ વચ્ચે તફાવત ઊભા કરે છે. રસીદમાં આ તત્ત્વનો સ્પષ્ટ ઉલ્લેખ જરૂરી છે. બિલની રકમ પ્રમાણે જ નાણાં ચૂકવવાં જોઈએ તેવો નિયમ નથી. ખરીદનારનું/સેવા મેળવનારનું ખાતું દેવાદાર તરીકે માલ/સેવા વેચનાર નિભાવતો હોય છે. આ ખાતાની બાકી પેટે પણ દેવાદાર જે તે રકમ ચૂકવે તે ‘હિસાબ પેટે’ લખીને લેણદાર રસીદ આપતો હોય છે. વેપારી સંબંધોમાં ભાગ્યે જ હિસાબ ચૂકતે થતા હોય છે અને ખાતાં ભાગ્યે જ સંપૂર્ણ બંધ થતાં હોય છે. આમ છતાં જો હિસાબ ચૂકતેની છેવટની રકમ ચૂકવવામાં આવે તો લેણદાર રસીદમાં ‘હિસાબ ચૂકતે’ લખી આપે છે.

રસીદ કાયદેસરનો દસ્તાવેજ છે. આથી મોટાભાગના વેપારીઓ રસીદોનાં પત્રક છાપીને ક્રમાનુસાર બાંધીને રસીદબુકો તૈયાર રાખે છે. રસીદબુકોમાં મૂળ રસીદની નકલ કાર્બન પેપર દ્વારા સ્થળપ્રતમાં ઊતરે તેવી રીતે રસીદ્બુકો બાંધવામાં આવે છે. કેટલાક લેણદારો ચોકસાઈ ખાતર નાણાં લેતી વખતે આપનારની સહી પણ રસીદમાં કરાવે છે; જે કાર્બન પેપરની મદદથી નકલમાં ઊતરે છે. બધા પ્રસંગોએ વ્યવહારો રોકડ નાણાંમાં થતા નથી; ઉદાહરણ તરીકે, કાયદાથી ચોક્કસ રકમથી વધારે ચુકવણી કરવાની હોય તો રોકડેથી ચુકવણી કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે.

દૂરના સ્થળે રહેતા દેવાદારો રોકડેથી ચુકવણી કરી શકતા નથી. કેટલીક ધંધાદારી સંસ્થાઓ પોતાના આંતરિક નિયમો હેઠળ તથા પબ્લિક ચૅરિટેબલ ટ્રસ્ટ જેવી સંસ્થા કાયદાના બંધન હેઠળ રોકડેથી ચુકવણી કરી શકતી નથી. આ સંજોગોમાં વ્યક્તિઓ/સંસ્થાઓ ચેક, ડ્રાફ્ટ અને હૂંડી જેવા નાણા-સ્વરૂપ (near-money) દસ્તાવેજો દ્વારા ચુકવણી કરતી હોય છે. આવા દસ્તાવેજ મળ્યાનો સ્વીકાર કરતો દસ્તાવેજ પણ રસીદ ગણાય છે. રસીદમાં આવા દસ્તાવેજનું વિગતવાર વર્ણન કરવામાં આવે છે. કોઈ વાર એવું બનવાની સંભાવના છે કે નાણા-સ્વરૂપ દસ્તાવેજ હેઠળ પ્રાપ્ત થયેલી રકમ લેણદારના બૅંકખાતામાં કે અન્ય સ્થળે જમા થાય નહિ અથવા એવો દસ્તાવેજ ખોટો (void) પુરવાર થાય. આવી પરિસ્થિતિમાં લેણદારે આપેલી રસીદનું કાયદેસર દસ્તાવેજ તરીકે મૂલ્ય રહેતું નથી. આથી રસીદમાં એવો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવે છે કે નાણા-સ્વરૂપ દસ્તાવેજની રકમ જમા મળ્યે (subject to realisation) જ આપવામાં આવેલી રસીદ કાયદેસરનો દસ્તાવેજ બનશે.

કાયદા દ્વારા વખતોવખત નક્કી કરેલી મર્યાદાથી વધારે રકમની જો આપ-લે થાય તો રેવન્યુ સ્ટૅમ્પ ચોટાડવાની ફરજ પૈસા લેનાર પર પાડવામાં આવી છે. અલબત્ત, રેવન્યૂ સ્ટૅમ્પની  ગેરહાજરીમાં રસીદ કાયદેસરના દસ્તાવેજ તરીકે ચાલુ રહે છે, પરંતુ એ રસીદના આધારે જો કાયદેસરની કે અદાલતી કાર્યવહી કરવી હોય તો રસીદ પર સ્ટૅમ્પનું હોવું અનિવાર્ય છે. જો આ વેરો ભરવામાં આવ્યો નથી એવું સરકારી રાહે પુરવાર થાય તો રેવન્યૂ સ્ટૅમ્પ વગરની રસીદ માટે દંડની જોગવાઈ કરવામાં આવી છે. રસીદ લેનારે દંડ ભરવાનો હોય છે. આથી પૈસા આપતી વખતે ચુકવણી કરનારાએ રેવન્યૂ સ્ટૅમ્પવાળી રસીદનો આગ્રહ રાખવો જોઈએ.

ગીરો અને થાપણો મૂકવાના વ્યવહારમાં માલમિલકતો છોડાવતી વખતે માલમિલકત પરત આપનાર લેનાર પાસેથી જે દસ્તાવેજ મેળવે છે તે સામાન્ય રીતે પહોંચ કહેવાય છે. ‘રસીદ’ નાણાં અને નાણાં જેવા દસ્તાવેજો મળ્યાનો દસ્તાવેજ છે, જ્યારે પહોંચ માલમિલકત મળ્યાનો પુરાવો આપતો દસ્તાવેજ છે; પરંતુ સામાન્ય વ્યવહારમાં આ બંને શબ્દો એકબીજાના પર્યાય તરીકે વપરાય છે.

અશ્વિની કાપડિયા