રાસ/રાસો : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં મુખ્યત્વે જૈન સાધુકવિઓને હાથે ખેડાયેલો અને વિકસેલો પદ્યપ્રકાર. મૂળમાં ‘રાસ’ એક નૃત્યપ્રકાર હતો. મંદિરમાં સ્ત્રીઓ-પુરુષો તાળી કે દાંડિયાના તાલ સાથે વર્તુળાકારે ગાન-વાદન સહિત આવો રાસ રમતાં. ‘રેવંતગિરિ રાસુ’માંની ‘રંગિહિં એ રમઈ જો રાસુ’ જેવી પંક્તિ તેમજ ‘સપ્તક્ષેત્રિ રાસુ’માં ‘તાલરાસ’ અને ‘લકુટરાસ’ – એમ 2 પ્રકારના રાસના મળતા ઉલ્લેખો દર્શાવે છે કે રાસ રમાતા-ખેલાતા હતા. આજે જે રાસ રમવામાં આવે છે એમાં ‘રાસ’નો એ અર્થ સચવાયેલો જોઈ શકાશે. આ રાસ રમતાં જેનું ગાન કરવામાં આવતું એ રચના પણ પછી ‘રાસ’ કહેવાવા લાગી હોય એવું અનુમાન છે.
અપભ્રંશકાળમાં કેટલાક ગેય છંદો ‘રાસક’ નામે ઓળખાતા હતા. આવા છંદોથી રચાયેલી કૃતિને પણ ‘રાસ’ કહેવાની પરંપરા અપભ્રંશમાં ઊભી થઈ અને તે ગુજરાતીમાં પણ ઊતરી આવી.
આરંભની આ સુગેય રાસરચનાઓ પ્રમાણમાં ટૂંકી અને ઊર્મિતત્ત્વના પ્રાધાન્યવાળી હતી; પણ પછી અપભ્રંશ મહાકાવ્યના અને લાંબાં દીર્ઘ-કાવ્યોના અનુસરણમાં એમાં કથનતત્ત્વ ઉમેરાતાં એ કથનાત્મક પદ્યરચનાનો પ્રકાર બની ગયો. ક્રમશ: આ રાસાઓ જેમ જેમ વધુ ને વધુ દીર્ઘ રચનાઓ થતી ગઈ, તેમ તેમ ઊર્મિતત્ત્વની સઘનતા એમાંથી ઓછી થતી ચાલી.
બારમીથી પંદરમી સદીના રાસા ઠવણિ, કડવાં, ઢાલ જેવા વિભાગોમાં વિભક્ત થતા અને દુહા, ચોપાઈ, સોરઠા, રોળા જેવા માત્રામેળ છંદોમાં રચાતા હતા. આ છંદો ગેય પણ હતા.
તે પછીના રાસા ખંડ, અધિકાર, ઉલ્લાસ જેવા વિભાગોમાં વિભક્ત થવા લાગ્યા. ખંડ પણ વળી વિવિધ ઢાળોમાં વહેંચાતો. રાસાની આવી ઢાળો પહેલાં પોતે જ રાગસૂચક હતી. ધીમે ધીમે એ વિષય કે પ્રસંગની નિર્દેશક બની ગઈ. રાસાની આવી ઢાળો વિવિધ ગેય દેશીઓમાં ગવાતી અને એ દેશીઓનો ઢાળને મથાળે નિર્દેશ કરવામાં આવતો.
સમય જતાં આ ‘રાસ/રાસો’ સંજ્ઞા ચુસ્ત રહી શકી નથી. સામાન્ય રીતે દીર્ઘ કથનાત્મક પદ્યકૃતિ માટેની સંજ્ઞા જ એ રહી ગઈ છે. આવી કથનાત્મક પદ્યરચનાઓ ચરિત્રકથાઓ હોય, ઇતિહાસકથાઓ હોય, લૌકિક કથાઓ કે રૂપક કથાઓ હોય – એ સર્વને માટે ‘રાસ’ સંજ્ઞા વપરાયેલી જોઈ શકાય છે. ‘જંબૂસ્વામી ચરિય’ જેવી ચરિત્રકથા ‘જંબૂસ્વામી રાસ’ને નામે; ‘વિમલ પ્રબંધ’, ‘કુમારપાલ પ્રબંધ’ જેવી ઇતિહાસકથાઓ ‘વિમલ મંત્રીનો રાસ’, ‘કુમારપાલ રાસ’ને નામે તેમજ ‘માધવાનલ કામકંદલા ચોપાઈ’ જેવી લૌકિક કથા ‘માધવાનલ કામકંદલા રાસ’ તરીકે પણ ઓળખાવાઈ છે.
ગુજરાતી ભાષાની નિશ્ચિત રચ્યાવર્ષ ધરાવતી સૌથી જૂનામાં જૂની કૃતિ તો ‘ભરતેશ્વરબાહુબલિઘોર’ છે; પરંતુ ‘રાસ’ સંજ્ઞાવાળી જૂનામાં જૂની ઉપલબ્ધ કૃતિ ‘ભરતેશ્વરબાહુબલિ રાસ’ છે. જૈન આચાર્ય શાલિભદ્રસૂરિએ સં. 1241(ઈ. સ. 1185)માં એની રચના કરી. આમ મધ્યકાળના ફાગુ જેવા કેટલાક અન્ય પદ્યપ્રકારોની જેમ રાસા સ્વરૂપ પણ મુખ્યત્વે જૈન સાધુકવિઓને હાથે વધુ ખેડાયું અને વિકસ્યું છે. પ્રાગ્-નરસિંહ તબક્કામાં આ સ્વરૂપ એવું ખીલ્યું કે પ્રાચીન ગુજરાતી સાહિત્યના એ ગાળાને કે. કા. શાસ્ત્રી ‘રાસયુગ’ને નામે ઓળખાવે છે.
‘રાસા’ સંજ્ઞાવાળી રચનાઓમાં બધા જ પ્રકારનાં કથાનકોનો સમાવેશ થતો હોઈ મબલક વિષયવૈવિધ્ય આ સ્વરૂપે પૂરું પાડ્યું છે. ઇતિહાસપ્રસિદ્ધ રાજાઓ અને મંત્રીઓનાં ચરિત્રોવાળા (ઉ. ત. ‘કુમારપાળ રાસ’, ‘વસ્તુપાળ-તેજપાળ રાસ’), ધાર્મિક પરંપરાના રાજપુરુષોનાં ચરિત્રોવાળા (‘પ્રદેશી રાજાનો રાસ’), ધાર્મિક પરંપરાના તેમજ ઇતિહાસપ્રસિદ્ધ સાધુભગવંતોનાં ચરિત્રોવાળા (‘વયરસ્વામી રાસ’, ‘હીરવિજયસૂરિ રાસ’), તીર્થંકરો ગણધરોનાં કથાનકોવાળા (‘નેમિનાથ રાસ’, ‘ગૌતમસ્વામીનો રાસ’), શ્રેષ્ઠીઓ સતી સ્ત્રીઓનાં કથાનકોવાળા (‘સુદર્શન શ્રેષ્ઠીનો રાસ’, ‘ચંદનબાળાનો રાસ’), ચૈત્યપરિપાટી, સંઘયાત્રા, જિનાલયોની પ્રતિષ્ઠા તથા તીર્થોદ્ધારોને વર્ણવતા (‘રેવંતગિરિ રાસુ’, ‘ગિરનાર તીર્થોદ્ધાર રાસ’, ‘પ્રેમચંદ સંઘવર્ણન રાસ’), જૈન ધાર્મિક પરંપરાની કથાઓ આલેખતા (‘શ્રીપાળ રાજાનો રાસ’, ‘સુરસુંદરી રાસ’), બૃહત્કથાની પરંપરાવાળી લૌકિક કથાઓ આલેખતા (‘આરામશોભા રાસ’, ‘વિદ્યાવિલાસ રાસ’), જૈનેતર કથાઓવાળા (‘નલદમયંતી રાસ’, ‘શકુંતલા રાસ’), ધર્મોપદેશવાળા (‘હિતશિક્ષા રાસ’), જૈન તત્ત્વ-સિદ્ધાંતોનું નિરૂપણ કરતા (‘દ્રવ્યગુણપર્યાયનો રાસ’, ‘બારવ્રત રાસ’) આમ વિવિધ વિષયોને આવરી લેતા સંખ્યાબંધ રાસાઓ મધ્યકાલીન ગુજરાતીમાં રચાયા છે.
આ રાસાઓમાં – વિશેષત: ઐતિહાસિક વિષયવસ્તુવાળા રાસાઓમાં – ભરપૂર ઐતિહાસિક સામગ્રી સંગ્રહાયેલી હોઈ એનું વિશેષ દસ્તાવેજી મૂલ્ય પણ છે. ‘હીરવિજયસૂરિ રાસ’ જેવી કૃતિ એનું એક ઉદાહરણ છે. સાધુઓની ગુરુપરંપરા પણ આ બધી રાસાકૃતિઓમાં સચવાયેલી જોવા મળે છે. તે ઉપરાંત કૃતિના અંતભાગમાં રચનાવર્ષ અને સ્થાનનો પણ નિર્દેશ સામાન્યત: મળતો હોય છે.
જુદા જુદા સમયને તબક્કે એક જ વિષય પર એકથી વધુ કવિઓએ રાસાઓની રચના કરી હોય એવાં ઉદાહરણો પાર વિનાનાં છે; જેમ કે ‘શત્રુંજય રાસ’ નયસુંદર, સમયસુંદર, જિનહર્ષ, ઉદયરત્ન આદિ કવિઓએ રચ્યો છે. એ જ રીતે એક જ કવિની રાસકૃતિની અનેક હસ્તપ્રતો લખાયેલી પ્રાપ્ત થઈ છે; જેમ કે, સમયસુંદરના ‘નલદવદંતી રાસ’ની 44 હસ્તપ્રતો થયેલી છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઘણો મોટો ભાગ રોકીને બેઠેલા આ ગંજાવર રાસસાહિત્યમાંથી હજી મુદ્રિત સ્વરૂપે તો ઘણું ઓછું પ્રકાશિત થયું છે. ઘણી કૃતિઓ હજી કેવળ હસ્તપ્રત રૂપે જ જ્ઞાનભંડારોમાં સચવાયેલી છે.
વિક્રમના 13થી 15મા શતકના ગાળામાં શાલિભદ્રસૂરિનો, પ્રથમ તીર્થંકર ઋષભદેવના 2 પુત્રો ભરત અને બાહુબલિ વચ્ચેના યુદ્ધની કથા નિરૂપતો ‘ભરતેશ્વર બાહુબલિ રાસ’, ધર્મસૂરિનો ‘જંબૂસ્વામી રાસ’, વિજયસેનસૂરિનો ગિરનાર પરનાં દહેરાંના જીર્ણોદ્ધારની ઘટનાને નિરૂપતો ‘રેવંતગિરિ રાસુ’, પાલ્હણનો ‘આબુરાસ’, વિનયચંદ્રનો ‘બારવ્રત રાસ’, અજ્ઞાત કવિનો સાત પુણ્યક્ષેત્રોની ઉપાસનાને વર્ણવતો ‘સપ્તક્ષેત્રિ રાસ’, અંબદેવસૂરિનો શત્રુંજયના પંદરમા ઉદ્ધારક સમરાશાએ સંઘ કાઢી ત્યાં કરાવેલી પ્રતિષ્ઠાના પ્રસંગને આલેખતો ‘સમરા રાસ’, શાલિભદ્રસૂરિનો ‘પંચપાંડવચરિત્ર રાસ’, હીરાણંદસૂરિનો ‘વસ્તુપાલ-તેજપાલ રાસ’ અને ‘વિદ્યાવિલાસ પવાડો/રાસ’ વગેરે રાસાઓ રચાયા છે. સાલિસૂરિની ‘વિરાટપર્વ’ જેવી રચના એમાં પ્રયોજાયેલાં અક્ષરમેળ વૃત્તોને કારણે ધ્યાન ખેંચે છે.
વિક્રમના સોળમા શતકમાં લાવણ્યસમયનો ‘વિમલપ્રબંધ/રાસ’ (ર. સં. 1568) ચૌલુક્ય રાજા ભીમદેવ પહેલાના સમયમાં થયેલા વિમલ મંત્રીનાં પરાક્રમો-સુકૃત્યોને આલેખી એમના ધર્મવીર તરીકેના ચરિત્રને ઉપસાવતી રચના છે. આ કવિએ ‘વચ્છરાજ-દેવરાજ રાસ’ની પણ રચના કરી છે. આ શતકના સહજસુંદરે ‘જંબૂસ્વામી રાસ’, ‘ઋષિદત્તા મહાસતી રાસ’, ‘પ્રસન્નચંદ્ર રાજર્ષિ રાસ’, ‘તેતલિ મંત્રીનો રાસ’, ‘પ્રદેશી રાજાનો રાસ’, ‘સૂડા-સાહેલી રાસ’ જેવી રાસાકૃતિઓ આપી છે.
વિક્રમના સત્તરમા શતકમાં જયવંતસૂરિએ ‘શૃંગારમંજરી/શીલવતી ચરિત્ર રાસ’ (ર. સં. 1614) અને ‘ઋષિદત્તા રાસ’ (ર. સં. 1643) – એમ 2 રાસકૃતિઓ રચી છે. એમાં ‘શૃંગારમંજરી’ આ કવિની સર્વોત્તમ રચના છે. સમસ્યાચાતુરી, વસંતવિહાર, સખી સાથે સંવાદ, રૂપલાવણ્યનાં વર્ણનો તેમજ પત્રલેખન આદિ અનેક પ્રયુક્તિઓ દ્વારા સંયોગ અને વિયોગશૃંગારનું નિરૂપણ આસ્વાદ્ય બન્યું છે. કુશલલાભની ‘માધવાનલ કામકંદલા ચોપાઈ/રાસ’ અને ‘મારુઢોલા ચોપાઈ/રાસ’ – એ બંને લોકપ્રિય કથાનકોને આલેખતી રચનાઓ છે. આ કવિનો ‘અગડદત્ત રાસ’ વૈરાગ્યભાવ કેળવી આત્મકલ્યાણ સાધતા અગડદત્ત મુનિની કથા છે.
નયસુંદરે રચેલી દસેક કથાત્મક રચનાઓમાં ‘રૂપચંદકુંવર રાસ’ અને ‘નલદમયંતી રાસ’ વધુ મહત્ત્વની છે. ‘નલદમયંતી રાસ’ માણિક્યદેવસૂરિના સંસ્કૃત મહાકાવ્ય ‘નલાયન’ પર આધારિત છે. અહીં મહાભારતનું નલોપાખ્યાન અને જૈન પરંપરાની કથાનો સમન્વય જોવા મળે છે. આ ઉપરાંત આ કવિની ‘સુરસુંદરી રાસ’, ‘શત્રુંજયઉદ્ધાર રાસ’, ‘ગિરનાર-તીર્થોદ્ધાર રાસ’ વગેરે જાણીતી રાસાકૃતિઓ છે.
સમયસુંદરે 19 જેટલી નાનીમોટી રાસકૃતિઓ રચી છે. આ કવિએ પણ ‘નલદવદંતી રાસ’ રચ્યો છે; પણ તે જૈન પરંપરાની નળકથાને અનુસરીને ચાલે છે. અહીં નળ-દમયંતીના પછીના ભવની કથા પણ વિસ્તારથી કહેવાઈ છે. જૈનેતર કથાનકવાળી ‘સીતારામ ચોપાઈ’ની પણ આ કવિએ રચના કરી છે.
આ જ શતકમાં થયેલા ખંભાતના શ્રાવક કવિ ઋષભદાસે કુલ 32 રાસાઓ રચ્યા છે. જોકે એમાંથી 4 જ કૃતિઓ હજી પ્રકાશિત છે. એમની રાસાકૃતિઓમાં સૌથી મહત્ત્વની રચના છે ‘હીરવિજયસૂરિ રાસ’ (ર. સં. 1685). 110 ઢાળનો 3,134 કડીનો આ રાસ મહાન જૈનાચાર્ય અને અકબર-પ્રતિબોધક તરીકે ઓળખાયેલા હીરવિજયસૂરિના ચરિત્રની નાનીમોટી ઘટનાઓને આલેખે છે. એમાં ગુજરાતના ગંધાર બંદરેથી પ્રયાણ કરી છેક ફતેહપુર સિક્રી જઈ મોગલ બાદશાહ અકબરને ધર્મગોષ્ઠિ દ્વારા એમણે પ્રતિબોધ કર્યો અને એમની પાસેથી અમારિ-પ્રવર્તન અને જજિયાવેરો – શત્રુંજયયાત્રાવેરો – નાબૂદ કરવાનાં ફરમાનો કઢાવ્યાં એ મહત્ત્વની દસ્તાવેજી માહિતી ધરાવતી ઘટનાઓનો સમાવેશ થયો છે. આ સિવાય ઋષભદાસના ‘કુમારપાલ રાસ’, ‘ભરતબાહુબલિ રાસ’, ‘હિતશિક્ષા રાસ’ પ્રકાશિત થયા છે.
વિક્રમના 18મા શતકમાં થયેલા જિનહર્ષે લગભગ 35 જેટલા રાસાઓ રચ્યા છે. એમાં ‘શત્રુંજય-માહાત્મ્ય રાસ’ (ર. સં. 1755) સૌથી મહત્ત્વનો અને 8,600 કડીનો વિશાળકાય રાસ છે. અપર માને પનારે પડેલી આરામશોભાના ભાગ્યોદયની કથાને નિરૂપતો ‘આરામશોભા રાસ’, ‘શ્રીપાલ રાજાનો રાસ’, ‘ઋષિદત્તા રાસ’, ‘સુદર્શન શેઠ રાસ’, ‘જંબૂસ્વામી રાસ’ વગેરે એમની અન્ય રાસકૃતિઓ છે.
સંસ્કૃત-પ્રાકૃત-ગુજરાતીમાં શતાધિક ગ્રંથો રચી ‘લઘુહરિ-ભદ્રાચાર્ય’નું બિરુદ પ્રાપ્ત કરનાર ઉપાધ્યાય યશોવિજયજી જૈન પરંપરામાં એક યુગપ્રભાવક સાધુ છે. એમણે ગુજરાતીમાં જૈન દર્શનને નિરૂપતો ‘દ્રવ્યગુણપર્યાયનો રાસ’, જંબુસ્વામીના સાધુચરિત્રને આલેખતો ‘જંબૂસ્વામી રાસ’ રચવા ઉપરાંત વિનયવિજયજીના અપૂર્ણ રહેલા ‘શ્રીપાળ રાજાનો રાસ’ને પૂર્ણ કર્યો છે.
જ્ઞાનવિમલસૂરિએ ‘જંબૂરાસ’, ‘અશોકચંદ્ર રોહિણી રાસ’, ‘ચંદ્ર કેવલી રાસ’ જેવા 7 રાસાઓની રચના કરી છે. ઉદયરત્ન વાચકે રચેલા 19 રાસાઓમાંથી 6 રાસા પ્રકાશિત થયા છે; જેમાં ‘અષ્ટપ્રકારી પૂજા રાસ’, ‘પાપબુદ્ધિ રાજાનો રાસ’, ‘ભુવનભાનુ કેવલીનો રાસ’, ‘મહીપતિ રાજા અને મતિસાગર પ્રધાન રાસ’, ‘લીલાવતી સુમતિવિલાસ રાસ’, ‘સ્થૂલિભદ્ર રાસ/નવરસો’નો સમાવેશ થાય છે.
વિક્રમના 19મા શતકમાં ઉત્તમવિજયશિષ્ય પદ્મવિજયે ‘નેમિનાથ રાસ’, ‘સમરાદિત્ય કેવલી રાસ’, ‘ઉત્તમવિજય નિર્વાણ રાસ’ અને ‘જયાનંદ કેવલીનો રાસ’ એ 4 રાસ રચ્યા છે; જે પ્રકાશિત થયા છે.
સં. 1829માં અમદાવાદમાં જન્મેલા અને કવિ તરીકે ‘શુભવીર’ને નામે જાણીતા પં. વીરવિજયજીએ જે વિપુલ સાહિત્યસર્જન કર્યું છે એમાં વિશેષે કરીને એમની વિવિધ દેશીઓની લયછટાઓમાં રચાયેલી ‘પૂજા’ઓ ખૂબ જ જાણીતી છે. આ કવિએ ‘સુરસુંદરી રાસ’ (ર. સં. 1857), ‘ધમ્મિલકુમાર રાસ’ (ર. સં. 1896) અને ‘ચંદ્રશેખર રાસ’(ર. સં. 1902)એ મહત્ત્વની 3 રાસાકૃતિઓ આપી છે. ‘સુરસુંદરી રાસ’નો વિષય પુરોગામી અનેક કવિઓને હાથે આલેખાયેલો હોઈ એનો લાભ આ કવિને મળ્યો છે. ‘ધમ્મિલકુમાર રાસ’ અને ‘ચંદ્રશેખર રાસ’ એમાં પ્રચુરપણે આવતી અવાંતર કથાઓ ષ્ટાંતકથાઓને લીધે ધ્યાન ખેંચે છે.
આમ ‘ભરતેશ્વરબાહુબલિ રાસ’થી શરૂ થઈને આ રાસાસાહિત્યનો પ્રવાહ વિક્રમના 15મા શતક સુધીમાં સુપેરે છવાઈ જઈ, 1617-18મા શતકમાં કેટલાક નોંધપાત્ર તેમજ અન્ય અસંખ્ય જૈન કવિઓ દ્વારા પ્રવત્માન રહી ધીમે ધીમે 19મા શતકમાં મંદ પડતો જઈ પં. વીરવિજયજી આગળ વિરામ પામતો લાગે છે.
કાન્તિલાલ શાહ