રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ : ભારતની રાષ્ટ્રીય અસ્મિતાને વરેલું સંગઠન. તેની સ્થાપના નાગપુર ખાતે 27 સપ્ટેમ્બર, 1925ના રોજ 26 સ્વયંસેવકોની હાજરીમાં થયેલી. વિધિની વક્રતા તો એ છે કે તેની સ્થાપના વખતે તેના સંસ્થાપક ડૉ. કેશવ બળિરામ હેડગેવાર (1889-1940) રાષ્ટ્રીય કૉંગ્રેસના સક્રિય કાર્યકર હતા અને 1925-37 વચ્ચેના ગાળામાં કૉંગ્રેસની નેતાગીરી હેઠળ દેશની આઝાદી માટે જેટલાં આંદોલનો થયેલાં તે બધાંમાં તેમણે સક્રિય ભાગ ભજવેલો અને કારાવાસ પણ સહન કરેલો. સંસ્થાના મૂળ બે ઉદ્દેશો હતા : (1) ભારતમાં વસતા હિંદુઓને સંગઠિત કરવા અને (2) પારતંત્ર્યની શૃંખલામાંથી દેશને મુક્ત કરવો. 1947માં ભારતને સ્વાધીનતા મળ્યા પછી આ સંગઠનના ઉદ્દેશોમાં ફેરફાર કરવામાં આવ્યો અને હવે તેનો એકમાત્ર ઉદ્દેશ હિંદુ ધર્મ, હિંદુ સંસ્કૃતિ તથા હિંદુ સમાજનું સંરક્ષણ કરી હિંદુ રાષ્ટ્રની સર્વાંગીણ ઉન્નતિ કરવાનો છે.

સંસ્થાની સ્થાપના થઈ ત્યારપછીના છ મહિના સુધીમાં આ સંગઠનને કોઈ વિધિવત્ નામ આપવામાં આવ્યું ન હતું, પરંતુ 26 એપ્રિલ, 1926ના રોજ ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (RSS) એવું નામાભિધાન વિધિસર રીતે કરવામાં આવ્યું. 1927માં સર્વપ્રથમ વાર તેના અધિકારીઓની કાર્યશિબિર (OTC) યોજવામાં આવી હતી અને આ પરિપાટી આજે પણ ચાલુ છે. 1929માં તેની શ્રેણીસ્તૂપીય (hierarchical) રચના કરવામાં આવી અને તુરત જ તેના સંસ્થાપક ડૉ. હેડગેવારને સરસંઘચાલકનું પદ, બાળાજી હુદ્દારને સરકાર્યવાહ અર્થાત્ સામાન્ય મંત્રી અને માર્તંડરાવ જોગને સરસેનાપતિના હોદ્દા પર નિયુક્ત કરવામાં આવ્યા. 1934માં તે વખતના નાગપુર નગરની બહાર જંગલથી ઘેરાયેલા રેશમબાગ નામના વિસ્તારમાં ખરીદવામાં આવેલી જમીન પર તેનું મુખ્ય કાર્યાલય (HQ) શરૂ કરવામાં આવ્યું. 1936માં તેની મહિલા-પાંખ ‘રાષ્ટ્રસેવિકા સમિતિ’ની લક્ષ્મીબાઈ કેળકર દ્વારા સ્થાપના કરવામાં આવી.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડૉ. કેશવ બળિરામ હેડગેવાર

1925-37 દરમિયાન આ સંગઠન સાથે સંકળાયેલા હેડગેવાર જેવા ઘણા કાર્યકરોએ રાષ્ટ્રીય કૉંગ્રેસની ચળવળોમાં ભાગ લેવાનું ચાલુ રાખ્યું હતું; જેમાં 1930નો મીઠાનો સત્યાગ્રહ, 1931માં અસહકારનું આંદોલન, જંગલ-સત્યાગ્રહ વગેરેનો સમાવેશ થતો હતો. ત્યારપછીના ગાળામાં આ સંગઠનના કૉંગ્રેસ સાથેના પોતાના અવિધિસરના સંબંધોમાં ઓટ આવવાની શરૂઆત થઈ અને તે હિંદુ મહાસભાની વિચારસરણી પ્રત્યે વધુ ને વધુ આકૃષ્ટ થવા લાગ્યા. 1942ના ‘ભારત છોડો’ આંદોલનમાં પણ આ સંગઠનના કેટલાક કાર્યકરોએ વ્યક્તિગત ધોરણે ભાગ લીધો હતો.

30 જાન્યુઆરી, 1948ના રોજ મહાત્મા ગાંધીની હત્યા થયા પછી ઉપર્યુક્ત હત્યાના કાવતરામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સામેલગીરીના આરોપસર ફેબ્રુઆરી, 1948માં આ સંગઠન પર દેશવ્યાપી પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને આખા દેશમાંથી તેના આશરે 17,000 સ્વયંસેવકોની ધરપકડ કરવામાં આવી. સંગઠન પર મૂકવામાં આવેલા પ્રતિબંધ સામે 9 ડિસેમ્બર, 1948ના રોજથી આખા દેશમાં સંગઠન દ્વારા સત્યાગ્રહ શરૂ કરવામાં આવ્યો, જે દરમિયાન 16થી 75 વય સુધીના આશરે 60,000 સ્વયંસેવકોએ ભાગ લીધો હતો અને ધરપકડ વહોરી હતી. આખરે 11 જુલાઈ, 1949ના રોજ સરકાર દ્વારા સંગઠન પરનો પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો.

1952માં આ સંગઠન દ્વારા દેશભરમાં ગોરક્ષા અભિયાન શરૂ કરવામાં આવ્યું. તેના પ્રતિભાવરૂપે દેશના રાષ્ટ્રપતિ સમક્ષ 1,75,39,813 નાગરિકોની સહીઓ સાથેનું આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું. જુલાઈ, 1975માં દેશ પર લાદવામાં આવેલ કટોકટીના વિરોધમાં આ સંગઠને સત્યાગ્રહ-ઝુંબેશ શરૂ કરી, જે દરમિયાન દેશભરમાંથી આશરે 80,000 સ્વયંસેવકોએ ધરપકડ વહોરી હતી.

1925માં સંગઠનની સ્થાપના થઈ ત્યારે અને તે પછીના ઘણા દાયકા સુધી તેનું બિનરાજકીય સ્વરૂપ અકબંધ રહ્યું હતું, જોકે વ્યક્તિગત ધોરણે તેના કેટલાક કાર્યકરો હિંદુ મહાસભા અને જનસંઘ જેવા જમણેરી હિંદુત્વવાદી રાજકીય પક્ષોની પ્રવૃત્તિઓમાં ભાગ લેતા રહ્યા હતા. આ સંગઠનની નોંધપાત્ર બાબત એ છે કે તેના સ્થાપનાકાળથી અને ખાસ કરીને દેશને આઝાદી મળ્યા પછીના ગાળામાં તેના સ્વયંસેવકોએ માનવસર્જિત અને કુદરતી આફતોના સમયમાં સામૂહિક રીતે ખંત અને નિષ્ઠાથી રાહતકાર્યમાં ભાગ લીધો છે. આઝાદી પછી તુરત જ 1947માં પાકિસ્તાને જ્યારે કાશ્મીર પર છદ્મ આક્રમણ કર્યું હતું, ત્યારે આ સંગઠનના સ્વયંસેવકોએ રાતદિવસ પરિશ્રમ કરીને શ્રીનગરના હવાઈ મથકનું સમારકામ કર્યું હતું અને તેને કારણે જ ભારતના લશ્કરના સૈનિકો ત્યાં ઉતરાણ કરી શક્યા હતા. ત્યારબાદ 1954માં ગોવાના મુક્તિસંગ્રામમાં, 1955માં પંજાબમાં આવેલ પૂરમાં, 1955માં આંધ્રપ્રદેશમાં આવેલા ભયંકર વાવાઝોડામાં, 1956માં કચ્છના અંજાર નગરમાં થયેલ ભૂકંપની તારાજીમાં, 1977માં આંધ્રપ્રદેશમાં ફરી આવેલ વાવાઝોડામાં, 1979માં સૌરાષ્ટ્રના મોરબી નગરમાં મચ્છુબંધ તૂટવાથી સર્જાયેલ ભયંકર હોનારતમાં અને 26 જાન્યુઆરી, 2001ના રોજ ગુજરાતમાં આવેલા વિનાશક ભૂકંપમાં રાહતકાર્યમાં અને પીડિતોને સહાય પહોંચાડવામાં આ સંગઠનની ભૂમિકા અગ્રિમ રહી છે. 1947માં ભારતના ભાગલા પડ્યા તે અરસામાં પાકિસ્તાનથી ભારતમાં આવેલા લાખો નિરાશ્રિતોને દેશભરમાં ફેલાયેલી રાહતશિબિરોમાં ઠરીઠામ કરવામાં પણ આ સંગઠનના સ્વયંસેવકોએ પ્રશંસનીય કામગીરી કરી હતી. આઝાદી પછી ભારત-પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધી થયેલાં બધાં જ યુદ્ધોમાં આ સંગઠનના સ્વયંસેવકોએ ભારતીય લશ્કરને કુમક પહોંચાડવામાં તથા ઘવાયેલા સૈનિકો અને નાગરિકોને વૈદ્યકીય રાહત પૂરી પાડવામાં પણ અગ્રિમ ભૂમિકા ભજવી છે. અનન્ય રાષ્ટ્રભક્તિ, હિંદુત્વ પ્રત્યેની અપાર નિષ્ઠા અને આત્યંતિક શિસ્તબદ્ધતા – આ ત્રણ આ સંગઠનની આગવી લાક્ષણિકતા ગણાય છે.

1925માં આ સંગઠનની સ્થાપનાના દિવસે તેના સ્વયંસેવકોની સંખ્યા વીસ કરતાં પણ ઓછી હતી, પરંતુ ત્યારબાદ તે સંખ્યામાં ધરખમ વધારો થતો રહ્યો છે; દા. ત., 1932માં આશરે 1,200; 1940માં આશરે 18,000; 1973માં આશરે 5,00,000 અને 1981માં આશરે 10,00,000, 2003માં 10,10,022 સ્વયંસેવકો નોંધાયેલા છે; જે સંગઠનની નિયમિત શાખાઓમાં હાજરી આપતા હોય છે. ભારતમાં તેની શાખાઓની સંખ્યા 31,964, ઉપશાખાઓની સંખ્યા 45,190, અને વિદેશમાં 540 છે. આમ વિશ્વભરમાં તેની કુલ શાખાઓ 77,694 છે.

તેના સ્થાપનાકાળથી અત્યાર સુધીમાં સંગઠનના સરસંચાલક તરીકે ચાર વ્યક્તિઓએ સેવાઓ બજાવી છે : કેશવ બળિરામ હેડગેવાર (1929-1940), માધવ સદાશિવ ગોળવલકર જે ‘ગુરુજી’ના નામથી જાણીતા હતા (1940-79), મધુકર દત્તાત્રય (બાળાસાહેબ) દેવરસ (1979-97) તથા કે. સુદર્શન (1997થી).

આ સંગઠને ભારતમાં જે અન્ય કાર્યો કર્યાં છે, તેમાં કન્યાકુમારી ખાતે ઊભું કરવામાં આવેલ વિવેકાનંદ સ્મારક સવિશેષ નોંધપાત્ર છે.

આ સંસ્થા સાથે સંકળાયેલી અન્ય સંસ્થાઓમાં ભારતીય મજદૂર સંઘ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP), વનવાસી કલ્યાણ કેન્દ્ર, વિશ્વ હિંદુ પરિષદ (VHP) અને પતિત પાવન સંગઠન ખાસ ઉલ્લેખનીય છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શિસ્તબદ્ધ સ્વયંસેવકોની સમૂહકવાયત

તાજેતરનાં વર્ષોમાં અને ખાસ કરીને જ્યારથી કેન્દ્રમાં ભારતીય જનતા પક્ષના નેતૃત્વ હેઠળની સહિયારી સરકાર સત્તાસ્થાને આવી છે ત્યારથી આ સંગઠનનું બિનરાજકીય સ્વરૂપ વિવાદાસ્પદ બન્યું છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે