મોહમ્મદ મુજીબ (જ. 3 ઑક્ટોબર 1902, લખનૌ; અ. 31 જાન્યુઆરી 1985, દિલ્હી) : માનવતાવાદ, બિન-સાંપ્રદાયિકતાવાદ, રાષ્ટ્રવાદના ઉપાસક અને સાહિત્ય તથા સંસ્કારના પ્રચારક. તેમણે દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીના ઉપકુલપતિ-પદે રહીને અર્ધી સદી સુધી દેશસેવા કરી હતી. તેમના પિતા મોહંમદ નસીમ એક પ્રતિષ્ઠિત વકીલ હતા અને લખનૌના જમીનદાર ઉમરાવોમાં તેમની ગણતરી થતી હતી. મોહંમદ મુજીબે ઇસ્લામી શિક્ષણ-સંસ્કાર પ્રાપ્ત કરવાની સાથે લખનૌની લૉરેન્ટો કૉન્વેન્ટ, દહેરાદૂનની પ્રખ્યાત દૂન સ્કૂલમાં ઇંગ્લૅન્ડની ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં તથા બર્લિન(જર્મની)માં પણ શિક્ષણ મેળવ્યું હતું. દૂન સ્કૂલના આચાર્ય ટૉલબર્ટ ડૉલબીથી તેઓ ઘણા પ્રભાવિત થયા હતા. આચાર્ય શાકાહારી હતા તેથી મુજીબે પણ માંસાહારનો ત્યાગ કર્યો અને આચાર્ય થિયૉસૉફિકલ સોસાયટીના પ્રમુખ હતા તેથી મુજીબ પણ એ સોસાયટીમાં જોડાયા તથા તેમણે બીજા ધર્મોમાંથી ખાસ કરીને ગીતા અને બાઇબલનો અભ્યાસ કર્યો. ઑક્સફર્ડમાં તેમને પી. એસ. મેનન, મુહમ્મદઅલી છાગલા, આર. કે. નહેરુ તથા એ. કે. પિલ્લઈ જેવા ભારતીય યુવાન વિદ્યાર્થીઓનો સાથ મળ્યો. એક તરફ તેઓ પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ આકર્ષાયા તો બીજી તરફ પશ્ચિમી સામ્રાજ્યવાદના ટીકાકાર પણ બન્યા. તેમણે ઇંગ્લૅન્ડમાં લૅટિન તથા ફ્રેંચ ભાષાઓ શીખી તથા જર્મનીમાં જર્મન ભાષા ઉપરાંત ત્યાંની ચિત્રકલાનો પણ અભ્યાસ કર્યો. બર્લિનમાં તેમણે ઈરાની પ્રેસ કાવ્યાનીમાં કામ કર્યું હતું. તે સમયે બર્લિનમાં બીજા બે રાષ્ટ્રવાદી મુસ્લિમો (ડૉ.) ઝાકિર હુસેન તથા (પ્રો.) આબિદ હુસેન પણ અભ્યાસ કરતા હતા. આ ત્રિપુટીએ તે વખતે ગાંધીજી વિશે જર્મન ભાષામાં પુસ્તક લખ્યું હતું. ગાંધીવાદી વિચારસરણીથી પ્રભાવિત થઈને હકીમ અજમલખાન તથા ડૉ. મુખ્તાર એહમદ અનસારીએ દિલ્હીમાં જામિયા મિલિયાની સ્થાપના કરી તો ત્યાં (ડૉ.) ઝાકિર હુસેન કુલપતિ તરીકે પ્રો. આબિદ હુસેન રજિસ્ટ્રાર તરીકે, અને મોહંમદ મુજીબ ઇતિહાસના અધ્યાપક તરીકે સેવા આપવા લાગ્યા હતા. ઇતિહાસના શિક્ષણકાર્યમાં તેમણે વિદ્યાર્થીઓને પર્યટનો, નિરીક્ષણ વગેરે કાર્યોમાં સક્રિય રીતે જોડીને શિક્ષણ, અભ્યાસની નવી ભાત પાડી હતી. મોહંમદ મુજીબ ઉર્દૂ ભાષા-સાહિત્યના ઉચ્ચ કોટિના અભ્યાસી તથા લેખક પણ હતા. તેમણે ઉર્દૂમાં ‘અંજામ’, ‘ખેતી’, ‘ખાનાજંગી’, ‘સર્મદ’ અને ‘આગ્રાબાઝાર’ વગેરે નાટકો લખીને ભજવાવ્યાં હતાં. તેમનું સૌથી વધુ સફળ નાટક ‘હબાખાતૂન’, હિન્દુસ્તાની રંગભૂમિ ઉપર નામના મેળવી ચૂક્યું છે. તેમણે 1969માં ઉર્દૂ કવિ મિર્ઝા ગાલિબની શતાબ્દીની ઉજવણીના સમયે કવિની શાયરીના સંગ્રહો અંગ્રેજી અનુવાદ સાથે પ્રગટ કર્યા હતા. મોહંમદ મુજીબ ગંભીર પ્રકૃતિના સાદાઈને વરેલા લેખક, કલાકાર તથા વિચારક હતા. તેઓ ફુરસદના સમયમાં પોતાનાં ઓજારોથી લાકડાની કલાકૃતિઓ બનાવતા હતા. સંત મેરીની તેમણે ઘડેલી લાકડાની નાનકડી મૂર્તિ, દિલ્હીની હોલી ફૅમિલી હૉસ્પિટલની નિસરણી ઉપર મૂકવામાં આવી છે. તેમણે જામિયા ઉપરાંત દેશની વિવિધ યુનિવર્સિટીઓ તથા શિક્ષણ-સંસ્થાઓમાં આપેલાં પ્રવચનો કે દીક્ષાંત સમારોહનાં સંબોધનો તેમની ધગશ તથા લાગણીને સ્પષ્ટ કરે છે. તેઓ હંમેશાં પ્રામાણિકતા, ઉત્સાહ તથા શિક્ષક-વિદ્યાર્થી વચ્ચેના સ્વસ્થ સંબંધો ઉપર ભાર મૂકતા હતા. તેમણે દેશમાં સૌપ્રથમ જામિયામાં, બુનિયાદી તાલીમની વર્ધા યોજના દાખલ કરાવી હતી. તેઓ 1949થી શરૂ કરીને 32 વર્ષ સુધી સળંગ જામિયાના ઉપકુલપતિપદે રહ્યા હતા. તેમણે સોવિયેત રશિયા, યુ.એસ., તુર્કી, ઇંગ્લૅન્ડ, જર્મની વગેરે દેશોમાં વ્યાખ્યાનો આપ્યાં હતાં. તેમણે રશિયન સાહિત્ય તથા અંગ્રેજી સાહિત્યિક કૃતિઓના ઉર્દૂ અનુવાદ કર્યા હતા. તેમણે, ઇતિહાસ-વિષય ઉપર ઉર્દૂ ભાષામાં ‘દુન્યા કી કહાની’ અને અંગ્રેજી ભાષામાં ‘ઇન્ડિયન મુસ્લિમ્સ’ જેવી યાદગાર કૃતિઓ આપી છે. ભારત સરકારે તેમને ‘પદ્મભૂષણ’નો ખિતાબ આપ્યો હતો. તેમનું અવસાન થતાં તેમને દિલ્હીમાં જામિયા મિલિયાના કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતા.
મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી