મૉલિના મારિયો (જ. 19 માર્ચ 1943, મેક્સિકો શહેર, મેક્સિકો) : પર્યાવરણ માટે હાનિકારક એવા ઓઝોન-સ્તરનાં ગાબડાં (hole) સાથે સંકળાયેલ સંશોધન માટે 1995ના વર્ષના રસાયણશાસ્ત્ર વિષયના નોબેલ પુરસ્કારના શેરવુડ રૉલૅન્ડ અને પૉલ ક્રુટ્ઝન સાથે વિજેતા. તેઓ જન્મે મેક્સિકન એવા અમેરિકન રસાયણશાસ્ત્રી હતા. તેમણે મેક્સિકો શહેરની નૅશનલ ઑટોનોમસ યુનિવર્સિટી ઑવ્ મેક્સિકોમાં રાસાયણિક ઇજનેરીનો અભ્યાસ કરી 1965માં બી.એસ.ની પદવી પ્રાપ્ત કરી. ત્યારબાદ 1967માં પશ્ચિમ જર્મનીની યુનિવર્સિટી ઑવ્ ફ્રીબર્ગમાંથી ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી પોતાની માતૃસંસ્થામાં પાછા આવ્યા અને 1967–68 દરમિયાન ઍસોસિયેટ પ્રાધ્યાપક બન્યા. તે પછી યુ.એસ.માં તેમણે યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયા, બર્કલી ખાતે અભ્યાસ કરી 1972માં પીએચ.ડીની પદવી મેળવી. ત્યાં એક વર્ષ કામ કર્યા પછી તેઓ રૉલૅન્ડ સાથે યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયા, ઇર્વિનમાં જોડાયા.
આ બંને સંશોધકોએ વાતાવરણને પ્રદૂષિત કરતા વાયુઓ અંગે અભ્યાસ કર્યો અને 1970માં શોધ કરી કે પ્રશીતકો (refrigerants) અને વાયુવિલય નોદકો (aerosol propellants) તરીકે વપરાતા ક્લોરો-ફ્લોરોકાર્બન (CFC) સંયોજનો વાતાવરણમાં સમતાપમંડલ (stratosphere) સુધી ઊંચે જાય છે અને 100 વર્ષ સુધી ટકી રહે છે. આ સંયોજનો ઉપર પારજાંબલી વિકિરણ પડતાં તેમનું ક્લોરિન, ક્લોરિન અને કાર્બનમાં વિઘટન થાય છે. આમાં ક્લોરિન વડે ઓઝોન(O3)નું વિઘટન થઈ શકે છે.
આ રીતે પ્રત્યેક ક્લોરિન પરમાણુ પોતે નિષ્ક્રિય બને તે પહેલાં 100,000 ઓઝોન અણુઓનો નાશ કરી શકે છે.
મૉલિના જેના મુખ્ય લેખક હતા તેવા તેમના સિદ્ધાંતો વર્ણવતો લેખ 1974માં ´નેચર´ નામના સામયિકમાં પ્રસિદ્ધ થયેલો. તેમનાં અવલોકનોએ CFC વાયુઓની પર્યાવરણીય અસરો અંગે દેશવ્યાપી ચર્ચા જગાવી હતી; ખાસ કરીને રાસાયણિક ઉદ્યોગોએ તેનો વિરોધ કરેલો. પણ 1980ના દાયકાના મધ્યભાગમાં એન્ટાર્ક્ટિકા ઉપર ઓઝોન છિદ્ર શોધાતાં આ સિદ્ધાંતને પુષ્ટિ મળેલી.
1982–89 સુધી મૉલિનાએ કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજી પાસાડેનાની જેટ પ્રોપલ્ઝન લૅબોરેટરીમાં કામ કર્યું. તે પછી તેઓ મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજી, કેમ્બ્રિજ ખાતે પ્રાધ્યાપક બન્યા.
ભયજનક સૌરવિકિરણથી પૃથ્વીને રક્ષણ આપનાર ઓઝોન-મંડલ(ozonosphere)ના વિઘટન અંગે 1970માં તેમણે કરેલા સંશોધન બદલ નોબેલ પુરસ્કારના તો અધિકારી બન્યા જ, તે ઉપરાંત તેઓ અન્ય અનેક ચંદ્રક આદિ પુરસ્કારોથી પણ સન્માનિત થયા છે.
મૉલિના અને રૉલૅન્ડે કરેલાં સંશોધનોને લક્ષમાં લઈ 1987માં યુનાઇટેડ નેશન્સે 1996થી CFCના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતો ખરડો પણ પસાર કર્યો છે.
પ્રહલાદ બે. પટેલ