મૉરિટાનિયા (Mauritania) : પશ્ચિમ આફ્રિકાના પશ્ચિમ ભાગમાં આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : તે 20° 00´ ઉ. અ. અને 12° 00´ પ. રે. ની આજુબાજુનો આશરે 10,30,700 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે પશ્ચિમે આટલાંટિક કિનારાથી પૂર્વમાં સહરાના રણ તરફ વિસ્તરેલો છે. તેની પશ્ચિમ તરફ આટલાંટિક મહાસાગર, વાયવ્યમાં પશ્ચિમી સહરા, ઈશાનમાં અલ્જિરિયા, પૂર્વ અને દક્ષિણ તરફ માલી તથા નૈર્ઋત્યમાં સેનેગલ દેશો આવેલા છે. આ દેશને 754 કિમી. જેટલો દરિયાકિનારો મળેલો છે. તેનું ફ્રેન્ચ નામ રિપબ્લિક ઇસ્લામિક દ મૉરિટાનિયા છે. અહીંના મોટાભાગના લોકો મુસ્લિમ હોવાથી આ પ્રમાણેનું નામ ઊતરી આવ્યું હોવાનું જણાય છે. નૌકચોટ તેનું પાટનગર છે.
ભૂપૃષ્ઠ–આબોહવા : આટલાંટિક કિનારા પર આવેલા નૌકચોટ અને અગ્નિકોણમાં આવેલા નેમાને જોડતી આશરે પૂર્વ-પશ્ચિમ કાલ્પનિક રેખા આ દેશને બે વિભાગોમાં વહેંચી નાખે છે. ઉત્તર તરફનો સહરાનો વિભાગ દેશના મોટા વિસ્તારને આવરી લે છે, પરંતુ અહીંના ખડકાળ ઉચ્ચપ્રદેશો અને થોડાક રણદ્વીપો આ વિભાગને ખંડિત કરે છે. આ વિભાગ શુષ્ક અને સપાટ છે. દક્ષિણ તરફ સેનેગલ નદીની ખીણ આવેલી છે. દક્ષિણ તરફનો આ ભાગ પ્રમાણમાં નાનો છે, ત્યાં ખેતી અને પશુઓના નિભાવ માટે જરૂરી વરસાદ પણ પડે છે. અહીં બે ફળદ્રૂપ વિસ્તારો આવેલા છે – સેનેગલ નદી પરનું સાંકડું મેદાન અને અગ્નિ તરફ સવાના(ઘાસભૂમિ)નો પ્રદેશ. મેદાની વિસ્તારમાં ખેડૂતો ડાંગર અને બાજરી જેવા પાકો વાવે છે, જ્યારે સવાના વિસ્તારમાં પશુપાલકો ઢોરઉછેર કરે છે. આ કારણે 80 % જેટલા લોકો દક્ષિણ વિભાગમાં રહે છે.
આ દેશની આબોહવા એકંદરે ગરમ રહે છે, પરંતુ તાપમાન મોટા પ્રમાણમાં બદલાતું રહે છે. રણવિસ્તારનું દિવસ દરમિયાનનું તાપમાન 38° સે. અને રાત્રિ દરમિયાનનું તાપમાન 7° સે. જેટલું રહે છે. નુઆધીબોનું સપ્ટેમ્બરનું સરેરાશ તાપમાન 33° સે., જ્યારે જાન્યુઆરીનું સરેરાશ તાપમાન 12° સે. જેટલું રહે છે. ઉત્તર તરફના રણવિસ્તારમાં વરસાદ તદ્દન ઓછો પડે છે, જ્યારે દક્ષિણ વિભાગમાં વર્ષ દરમિયાન 500 મિમી. જેટલો વરસાદ પડે છે.
અર્થતંત્ર : મૉરિટાનિયાનું અર્થતંત્ર મુખ્યત્વે ખેતી પર નિર્ભર છે. આ દેશનું નાણું ‘ઔગિયા’ છે. અહીંના 90 % લોકો ખેડૂતો અને પશુપાલકો છે. મુખ્ય કૃષિપાકોમાં બાજરી, મકાઈ, ડાંગર, ચોળા અને ખજૂરનો સમાવેશ થાય છે. કિનારાથી દૂર માછીમારી માટે સમૃદ્ધ વિસ્તાર છે. આ દેશમાંથી ઢોર, માછલી, લોહ-અયસ્ક, ચિરોડી તથા અરૅબિક ગુંદરની નિકાસ કરવામાં આવે છે. ડેરિક (Fderik) નજીક ઉચ્ચ કક્ષાના લોહ-અયસ્કના જથ્થા આવેલા છે, આ લોહ-અયસ્કની ગ્રેટ બ્રિટન, જર્મની અને ઇટાલી ખાતે નિકાસ કરવામાં આવે છે અને તે દેશને સારા પ્રમાણમાં હૂંડિયામણ મેળવી આપવામાં સહાયરૂપ થાય છે. આ ઉપરાંત માછીમારીના ઉદ્યોગને પણ વિકસાવવામાં આવ્યો છે. સરકારને દેશના ખર્ચ-અંદાજને સમતોલ રાખવા માટે ફ્રાન્સ તેમજ કેટલાક અન્ય દેશો પાસેથી આર્થિક સહાય મેળવવાની જરૂર પડે છે. દેશમાં લોકોની સરેરાશ આવકનું પ્રમાણ પણ ઘણું નીચું છે. મોટાભાગના લોકો પોતાનાં કુટુંબો પૂરતી જ કમાણી કરી શકે છે.
અહીં પરિવહન તેમજ સંદેશાવ્યવહારનું ક્ષેત્ર પ્રમાણમાં ઓછું વિકસેલું છે. દેશમાં માત્ર 704 કિમી.ની લંબાઈના રેલમાર્ગો છે. દેશભરમાંના કુલ 11,000 કિમી. લંબાઈના સડકમાર્ગો પૈકી માત્ર 20 % જ પાકા માર્ગો છે. નુઆધીબો, નેમા અને નૌકચોટ અહીંનાં આંતરરાષ્ટ્રીય હવાઈમથકો છે; જ્યારે નુઆધીબો અને નૌકચોટ બંદરો છે. યુનેસ્કોએ આર્ગ્વિન રાષ્ટ્રીય ઉદ્યાનને વૈશ્વિક વારસા તરીકેનો દરજ્જો આપેલો છે.
વસ્તી–લોકજીવન : મૉરિટાનિયાની કુલ વસ્તી 2012 મુજબ આશરે 33.78 લાખ જેટલી છે. વસ્તીવૃદ્ધિનો દર 2.5 % જેટલો છે, જ્યારે પુરુષો અને સ્ત્રીઓનો આયુદર અનુક્રમે 46 અને 50 વર્ષનો છે. વસ્તીના 80 % લોકો મૂરિશ અથવા મૂરિશ-અશ્વેત આફ્રિકી મિશ્રવંશી છે, 18 % લોકો અશ્વેત આફ્રિકી છે અને 2 % યુરોપીય છે. દેશના 99 % લોકો સુન્ની મુસ્લિમ છે, પરંતુ તેમના જુદા જુદા સમૂહોની રહેણીકરણી અલગ અલગ છે. 33 % લોકો અશ્વેત ખેડૂતો છે. તેઓ સેનેગલ નદી-કાંઠે સ્વચ્છ ગામડાંઓમાં વસે છે. તેમનાં ઝૂંપડાં ગોળાકાર હોય છે, ઝૂંપડાંની દીવાલો સૂર્યતાપમાં તૈયાર કરેલી કાદવની કાચી ઈંટોવાળી હોય છે. ગામડાંની શેરીઓ વાંકીચૂકી જોવા મળે છે. ફ્રેન્ચ અને હસાનિયા અરૅબિક અહીંની સત્તાવાર ભાષાઓ છે, તેમ છતાં દેશના મોટાભાગના લોકો પુલ્લાર, સોનિન્કે અને વોલોફ જેવી તેમની સ્થાનિક ભાષાઓનો ઉપયોગ કરે છે. પુરુષો અને સ્ત્રીઓમાં શિક્ષણદર અનુક્રમે 47 % અને 21 % જેટલો છે. 1983માં નૌકચોટમાં અહીંની પ્રથમ યુનિવર્સિટી સ્થપાઈ. અહીંના અશ્વેતો હવે આધુનિક શિક્ષણ લેતા થયા છે, તેઓ પૈકીના ઘણાખરા સરકારી નોકરીઓમાં કામ કરે છે, બીજા શિક્ષકો તરીકેની સેવા બજાવે છે. કેટલાક મૂર લોકો પોતાનાં પશુઓ અને તંબૂઓ લઈને ગૌચરની શોધમાં વિચરતું જીવન ગાળે છે. અમુક મૂર લોકો શહેરો કે ગામડાંઓમાં પણ રહે છે અને ખેતી કરે છે. આ મૂરિશ પ્રજા લડાયક કોમ અને સંત (મારાબોટ) જાતિસમૂહોમાં વહેંચાયેલી છે. અહીં જ્યાં સુધી ફ્રેન્ચ લોકો આવ્યા ન હતા ત્યાં સુધી તો આ લડાયક કોમના લોકો અશ્વેત ગુલામોને પોતાની સેવા માટે કે સૈનિકો તરીકે રાખતા હતા. શાંતિપ્રિય મારાબોટ જાતિ પૈકી કેટલાંક કુટુંબો વિદ્વાનોનાં હતાં, તેઓ ધર્મ અને કાયદાનું શિક્ષણ મેળવી લડાયક કોમને જરૂરી માર્ગદર્શન આપતા; તો અન્ય કેટલાક પશુપાલનનો વ્યવસાય કરતા.
વહીવટ : મૉરિટાનિયાની સરકાર પર 1978થી લશ્કરી અગ્રણીઓનો અંકુશ છે. મિલિટરી કમિટી ફૉર નૅશનલ સાલ્વેશન નામે ઓળખાતી 24 સભ્યોની સમિતિ ધારાઓ બનાવવાની અને તેનો અમલ કરવાની સત્તા ધરાવે છે. આ કમિટી તેના સભ્યો પૈકી એકને નેતા તરીકે ચૂંટી કાઢે છે. આ નેતા દેશના પ્રમુખ તરીકે સેવા બજાવે છે. તેમનું પ્રધાનમંડળ સરકારી વહીવટમાં મદદ કરે છે. દેશને 12 વિસ્તારોમાં અને પાટનગરના એક જિલ્લામાં વિભાજિત કરેલો છે. નૌકચોટ પાટનગર ઉપરાંત આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પણ છે. કેયડી, કિફા, બૌટિલિમિટ અને રોસ્સો અન્ય મુખ્ય શહેરો છે. નુઆધીબો આ દેશનું મુખ્ય બંદર છે.
ઇતિહાસ : ચોથી સદીથી સોળમી સદી સુધી આજના મૉરિટાનિયાના વિસ્તારો પશ્ચિમ આફ્રિકાનાં બે મહાસામ્રાજ્યો – ઘાના અને માલીના ભાગ હતા. વીસમી સદીની શરૂઆતમાં ઘાના સામ્રાજ્યના પાટનગર કુમ્બી સાલેહના ભાગરૂપ અગ્નિ મૉરિટાનિયાના અવશેષ પુરાતત્વવિદોએ પારખી આપ્યા.
પૉર્ટુગીઝ લોકો પંદરમી સદીમાં મૉરિટાનિયામાં ઊતરેલા ખરા, પરંતુ સત્તરમી સદી સુધી યુરોપિયન સંપર્ક સતતપણે જળવાયેલો રહેલો નહીં. સત્તરમી અને ઓગણીસમી સદી વચ્ચે ફ્રાન્સ, ગ્રેટ બ્રિટન અને નેધરલૅન્ડ્ઝ ગમ અરેબિક વેપાર માટે સ્પર્ધા કરતા રહેલા. 1902માં ફ્રાન્સે મૉરિટાનિયાનો કબજો મેળવ્યો અને 1903માં તેને રક્ષિત પ્રદેશ બનાવી ત્યાં ઝેવિયર કૉપોલાનીને ગવર્નર તરીકે મૂક્યા. મૉરિટાનિયાનો વિકાસ કરીને તેને આજની સ્થિતિમાં મૂકવા માટે તથા આજુબાજુના પ્રદેશોમાં તેનો અલગ દરજ્જો ઊભો કરી આપવા માટે ઝેવિયર અને તેમના અનુગામીઓનો ફાળો મહત્વનો ગણાય છે. આ રીતે ફ્રેન્ચ શાસનને કારણે 1920માં તે ફ્રેન્ચ સંસ્થાન બન્યું.
બીજા વિશ્વયુદ્ધ (1939–1945) બાદ ત્યાંના સ્થાનિક રાજકીય નેતાઓએ સત્તા મેળવવી શરૂ કરી. 1946માં તે ફ્રેન્ચ સંઘનો એક પ્રદેશ બન્યું. 1958માં તે ફ્રેન્ચ કૉમ્યૂનિટીમાં સ્વશાસિત પ્રજાસત્તાક બન્યું. 1959માં મોખ્તાર ઔલ્દ દાદા પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયા. ઘણા મૂર નેતાઓએ અશ્વેત શિક્ષિત નેતાઓના એક નાના જૂથના ટેકાથી આઝાદી માટે માગણી મૂકી તથા પશ્ચિમી આફ્રિકી દેશો સાથે ગાઢ સંબંધો બાંધ્યા. 1960ના નવેમ્બરની 28મીએ મૉરિટાનિયા સ્વતંત્ર બન્યું. મોરૉક્કોએ દાવો મૂક્યો કે મૉરિટાનિયા ઐતિહાસિક રીતે તો મોરૉક્કોનો પ્રદેશ ગણાય, તેથી મોરૉક્કોએ તેના સ્વાતંત્ર્યને માન્ય રાખ્યું નહિ. દાદાના કેટલાક વિરોધીઓ મોરૉક્કોમાં જતા રહ્યા અને બંને દેશોને એક કરવાના પ્રયાસો કર્યા. તેમાં સફળતા ન મળતાં છેવટે મોરૉક્કોએ મૉરિટાનિયાના સ્વાતંત્ર્યને 1970માં માન્યતા આપી.
1961માં પ્રમુખશાહી સરકાર માટેનું બંધારણ ઘડાયું. ઔલ્દ દાદા પ્રથમ પ્રમુખ બન્યા. તેમણે ત્યાં ચાર રાજકીય પક્ષોનો એક મૉરિટાનિયાન પીપલ્સ પાર્ટી નામનો પક્ષ રચ્યો. આ રીતે 1965માં બંધારણમાં સુધારો કરી મૉરિટાનિયાને સત્તાવાર એકપક્ષીય રાજ્ય બનાવ્યું.
1976માં સ્પેને તેના સ્પૅનિશ સહરા પરનો અંકુશ છોડી દીધો. મૉરિટાનિયા અને મોરૉક્કોએ તેનો વહીવટ સંભાળ્યો. મૉરિટાનિયા મોરૉક્કો અને અલ્જિરિયાનો સીમાવર્તી વિસ્તાર છે.
તે પશ્ચિમી સહરા તરીકે ઓળખાય છે. મૉરિટાનિયાએ તેના દક્ષિણ અને મોરૉક્કોએ ઉત્તર ભાગ પર પોતાના દાવા મૂક્યા; પરંતુ અલ્જિરિયા અને પશ્ચિમી સહરાના લોકો(પોલિસૅરિયો દળ)એ આ દાવાઓનો વિરોધ કર્યો. તેથી મૉરિટાનિયા, મોરૉક્કો અને આ દળ વચ્ચે સંઘર્ષો પણ થયા.
1978માં લશ્કરી નેતાઓએ ઔલ્દ દાદાને ઉથલાવ્યા અને સરકારનો કબજો લઈ લીધો. ત્યારથી ત્યાં લશ્કરી નેતાઓએ શાસન કર્યું છે. 1979માં મૉરિટાનિયા પશ્ચિમ સહરા પરનો દાવો છોડી દીધો અને સંઘર્ષનો અંત આવ્યો.
1980ના દાયકાની શરૂઆતમાં અહીં દુકાળ પડ્યો, ખોરાકની તંગી પડી, પશુધનનો નાશ થયો. પછીનાં વર્ષોમાં પણ દુકાળની સ્થિતિ ચાલુ રહેલી. પરિણામે ઘણી ગ્રામીણ પ્રજા શહેરો તરફ વળી. શહેરમાં વસ્તી વધી ગઈ. કૃષિપાકોનું ઉત્પાદન ઘટ્યું. આથી વિદેશી સહાય મળેલી.
ઈ. સ. 1984માં વેસ્ટર્ન સહરા સ્વતંત્ર થવાથી અશાંતિ પ્રવર્તી અને ઔલ્ડ તાયાએ સત્તા પ્રાપ્ત કરી. 1991માં નવું બંધારણ અમલમાં આવ્યું. 1992માં બહુપક્ષી ચૂંટણીઓ થઈ. તેમાં ઔલ્ડ તાયા પ્રમુખ બન્યો. તે ફરીથી 1997માં અને 2003માં પણ પ્રમુખપદે ચૂંટાયો. ઑગસ્ટ, 2005માં લશ્કરના વડા એલિ ઔલ્ડ મોહમ્મદ વાલે પ્રમુખ ઔલ્ડ તાયાને સત્તા પરથી દૂર કર્યો અને નવા શાસકોએ 2007માં લોકશાહી ચૂંટણી કરવાની ખાતરી આપી. માર્ચ, 2007માં દેશમાં થયેલી ચૂંટણીના પરિણામે સરકાર બદલાઈ. સિદિ ઔલ્ડ ચિખ અબ્દલ્લાહી પ્રમુખ અને જીનઔલ્ડ જિડેન વડાપ્રધાન બન્યા. 6 ઑગસ્ટ, 2008ના રોજ એક રક્તવિહીન સત્તાપલટામાં પ્રમુખ અબ્દલ્લાહીને દૂર કરવામાં આવ્યો. તે મૉરિટાનિયાનો લોકશાહી રીતે ચૂંટાયેલો પ્રથમ પ્રમુખ હતો. તેને ઉથલાવવાથી આફ્રિકન યુનિયને દેશ પર કેટલાક પ્રતિબંધો લાદ્યા.
ગિરીશભાઈ પંડ્યા
જયકુમાર ર. શુક્લ