મોનાકો : ફ્રાન્સના છેક અગ્નિકોણમાં આવેલો દુનિયાના નાનામાં નાના દેશો પૈકીનો એક. ભૌગોલિક સ્થાન : 43° 45´ ઉ. અ. અને 7° 25´ પૂ. રે.. તેનો વિસ્તાર માત્ર 1.97 ચોકિમી. જેટલો જ છે. તે ભૂમધ્ય સમુદ્રના વાયવ્ય કિનારે ફ્રેન્ચ રિવિયેરા ઉપર આવેલો છે. મોનાકો તેના ખૂબ જ લોકપ્રિય વિહારધામ માટે, વૈભવી હોટલો, ક્લબો, ફૂલોથી શોભતા બગીચાઓ તેમજ મનોરંજનનાં સ્થળો માટે જાણીતું છે. તેનું મુખ્ય આકર્ષણ તો ત્યાં આવેલું મૉન્ટે કાર્લોનું જુગારખાનું (કેસીનો) છે. વળી તે મોટર-સ્પર્ધાઓનું સ્થળ પણ છે.
આ દેશમાં આવેલાં મોનાકો અને મૉન્ટે કાર્લો નગરો ભૂમધ્ય સમુદ્રકિનારા પરની ભેખડો પર વસેલાં છે. મોનાકો શહેર આ દેશનું પાટનગર છે. અહીંના સ્ટૅનલી કિલ્લા પરથી તેનો વહીવટ થાય છે. આ કિલ્લાનો કેટલોક ભાગ તેરમી સદીમાં બંધાયેલો છે. આ દેશની સત્તાવાર ભાષા ફ્રેન્ચ છે. અહીંના નાગરિકો મોનાગાસ્ક નામથી ઓળખાય છે.
સરકારી વહીવટ : મોનાકોનો વહીવટ પ્રિન્સ દ્વારા થતો હોવાથી તે રાજાશાહી પદ્ધતિથી ચાલતો દેશ ગણાય છે. પ્રિન્સ પોતે આંતરરાષ્ટ્રીય નીતિઓ તેમજ વિદેશી બાબતોનું પ્રતિનિધિત્વ કરે છે. 1918માં ફ્રાન્સ સાથે એક એવો પણ કરાર થયેલો છે કે રાજકુટુંબનો વારસ પુરુષ ન હોય તો એટલા સમયગાળા માટે મોનાકો પર ફ્રેન્ચ શાસન રહેશે. પ્રિન્સની સત્તા અને વડપણ હેઠળ રાજ્યમંત્રી સરકારી વડા તરીકે વહીવટ સંભાળે છે, પરંતુ આ રાજ્યમંત્રી પ્રિન્સની પસંદગીનો તેમજ ફ્રેન્ચ નાગરિક હોવો જોઈએ. નાણાખાતું, પોલીસખાતું અને દેશની આંતરિક બાબતો માટે કાઉન્સિલરો જવાબદાર હોય છે. આ કાઉન્સિલરો રાજ્યમંત્રીને વહીવટમાં મદદ પણ કરે છે. લોકો નૅશનલ કાઉન્સિલ માટે 18 સભ્યોને 5 વર્ષની મુદત માટે ચૂંટી કાઢે છે. તેઓ પ્રિન્સને ધારાકીય બાબતોમાં સહાય કરે છે. મોનાકોના બંધારણમાં કરવા પડતા ફેરફારો કાઉન્સિલ પાસે મંજૂર કરાવવા પડે છે.
લોકો : મોનાગાસ્ક તરીકે ઓળખાતા મોનાકોના મૂળ નાગરિકોની વસ્તી માત્ર 14 % જેટલી જ છે, અહીંના 50 % નિવાસીઓ ફ્રેન્ચ છે, બાકીના અમેરિકનો, બેલ્જિયનો, ઇટાલિયનો અને બ્રિટિશ છે. મોટાભાગની વસ્તી ફ્રેન્ચ ભાષા બોલે છે. મોનાગાસ્ક લોકો તેમના રોજબરોજના સંવાદોમાં મોનેગાસ્ક નામની સ્થાનિક બોલીનો ઉપયોગ કરે છે. તે ફ્રેન્ચ અને ઇટાલિયન ભાષાઓમાંથી ઊતરી આવેલી છે. અહીં આવકવેરો ભરવો પડતો ન હોવાથી અન્ય દેશોમાંથી આવીને શ્રીમંત લોકોએ મોનાકોને પોતાનું કાયમી વતન બનાવી લીધું છે. તેમ છતાં 1963થી અહીં વસેલા મોટાભાગના ફ્રેન્ચ લોકોને ફ્રેન્ચ દર મુજબ આવકવેરો ભરવો પડે છે. અહીંના લોકો રોમન કૅથલિક ધર્મ પાળે છે. અહીં ગમે તે ધર્મ પાળવાની અને તે મુજબ પૂજા કરવાની પૂર્ણ સ્વતંત્રતા છે. પ્રાથમિક શાળાઓ ચર્ચ મારફતે ચાલે છે, માધ્યમિક શાળા અને સંગીત અકાદમીની સંચાલન-વ્યવસ્થા રાજાશાહીના અંકુશ હેઠળ છે. સરકાર તરફથી ફ્રેન્ચ ભાષાના લેખકનું દર વર્ષે ઇનામ આપી બહુમાન કરવામાં આવે છે. મોનાકોનાં પુસ્તકાલયોમાં મુખ્યત્વે બાળસાહિત્ય ધરાવતું પ્રિન્સેસ કૅરોલિન પુસ્તકાલય વિશેષ ઉલ્લેખનીય છે. અહીં વિરલ વસ્તુઓ ધરાવતું દરિયાઈ સંગ્રહાલય, પ્રાગૈતિહાસિક કાળની ચીજોનું સંગ્રહાલય, પ્રાણીસંગ્રહાલય તેમજ વનસ્પતિ-ઉદ્યાનો આવેલાં છે, તદુપરાંત ઉત્તમ કક્ષાનાં માછલીઘરો અને દરિયાઈ સંશોધન માટેની પ્રયોગશાળા પણ છે. મૉન્ટે કાર્લોનું ગ્રાન્ડ થિયેટર દુનિયાભરના શ્રેષ્ઠ ગાયકો તેમજ બૅલે નૃત્યકારોને આમંત્રીને તેમના કાર્યક્રમો યોજે છે. એ જ રીતે અહીંનું નૅશનલ ઑરકેસ્ટ્રા પણ નામી સંગીત-સંચાલકો અને ગાયકો-વાદકોને નિમંત્રી તેમના સામુદાયિક તથા વ્યક્તિગત કાર્યક્રમો પણ યોજે છે.
ભૂમિ : મોનાકો 1,100 મીટરની ઊંચાઈ ધરાવતા માઉન્ટ એગલની તળેટીમાં આવેલો પ્રદેશ છે. તેનો વિસ્તાર ભૂમધ્ય સમુદ્રકિનારાથી અંદરના ભૂમિભાગ તરફ માત્ર 180 મીટરના અંતર સુધી જ વિસ્તરેલો છે. તેના ચાર સ્પષ્ટ ભાગો પડે છે : ત્રણ નગરો અને એક નાનો ઔદ્યોગિક વિસ્તાર. મોનાકો નગર એ પ્રાચીન નગર છે. તેના 61 મીટર ઊંચા ખડકાળ ભાગ પર જૂના વખતનો એક નાનો કિલ્લો પણ છે. મોનાકોનો શાહી મહેલ આ વિસ્તારનું મુખ્ય ભૂમિચિહન ગણાય છે. મૉન્ટે કાર્લોમાં જાણીતું જુગારખાનું (કેસીનો), ઑપેરાહાઉસ, હોટલો, દુકાનો, રેતપટ અને સ્નાનાગરો આવેલાં છે. મોનાકો અને મૉન્ટે કાર્લો નગરોની વચ્ચેના ભાગમાં લા કૉન્ડેમાઇન નામનો બંદર-વિસ્તાર આવેલો છે. મોનાકો નગરથી પશ્ચિમ તરફ ફૉન્ટેવિલ નામનો ઔદ્યોગિક વિસ્તાર આવેલો છે.
આ દેશ નરમ શિયાળુ આબોહવા ધરાવે છે. જાન્યુઆરીનું સરેરાશ તાપમાન 10° સે. રહે છે, જ્યારે ઉનાળામાં તે ભાગ્યે જ 32° સે.થી ઉપર જાય છે. વર્ષના માત્ર 62 દિવસ વરસાદ પડે છે.
અર્થતંત્ર : મોનાકોની કુલ આવકનો 33 % ભાગ વાણિજ્ય અને ઉત્પાદન થતી ચીજવસ્તુઓમાંથી મળી રહે છે. બિયર, દૂધનાં ઉત્પાદનો તથા મીઠાઈઓ અહીંની મુખ્ય પેદાશો છે. મોટાભાગનું અર્થતંત્ર પ્રવાસન-ઉદ્યોગ પર આધારિત છે. દુનિયાભરના જુદા જુદા દેશોમાંથી દર વર્ષે આશરે 6 લાખ જેટલા પ્રવાસીઓ આ દેશની મુલાકાત લે છે. સરકાર પણ જેમાં અંશત: ભાગીદારી ધરાવે છે એવી એક કંપની (સોસાયટી દશ બેઇન્સ દ મેર) અહીંની કેસીનો, હોટલો, ક્લબો, દરિયાઈ કંઠારપટ (beach) તેમજ અન્ય મનોરંજન-સ્થળોનો વહીવટ કરે છે. અહીં વેરાનો દર ઘણો નીચો હોવાથી અહીં અનેક વિદેશી કંપનીઓની મુખ્ય કચેરીઓ ચાલે છે.
અહીં સ્થાનિક બસસેવાની સુવિધા સરકાર-હસ્તક છે. ફ્રાન્સ અને ઇટાલીને જોડતો સડકમાર્ગ તેમજ રેલમાર્ગ મોનાકો શહેરમાંથી પસાર થાય છે. રેડિયો અને ટેલિવિઝનની પ્રસારણ સેવા પણ સરકાર-હસ્તક છે. ટેલિવિઝનનું પ્રસારણ માઉન્ટ એગલ પર મૂકેલા ટાવર પરથી કરવામાં આવે છે. આ દેશની વસ્તી 33,000(2010) જેટલી છે.
ઇતિહાસ : ઈ. સ. પૂ. 700માં પૂર્વ ભૂમધ્યમાંથી ઘણુંખરું ફિનિશિયનો આવીને મોનાકોમાં વસ્યા હતા. પ્રાચીન ગ્રીસ અને રોમન સંસ્કૃતિના સમયે મોનાકો એક મહત્વનું વેપારનું કેન્દ્ર હતું. અનેક દેશોનાં વહાણો તેના બંદરે લંગારવામાં આવતાં. ઉત્તર ઇટાલીમાંથી આવેલા જીનોઇઝ (Genoese) લોકોએ આશરે ઈ. સ. 1100માં મોનાકો કબજે કર્યું. તેમણે 1215માં ત્યાં કિલ્લો બાંધ્યો. ઈ. સ. 1308માં જીનોઇઝોએ જિનોઆના ગ્રિમાલ્ડી પરિવારને મોનાકો પર શાસન કરવાના અધિકારો આપ્યા. સોળમી અને સત્તરમી સદીમાં આ પરિવારે સ્પેનનું રક્ષણ મેળવ્યું. આ દરમિયાન ત્યાં રાજકુટુંબમાં હિંસા પ્રવર્તી. ફ્રાંસની ક્રાન્તિ અને પ્રતિક્રાન્તિ દરમિયાન 1793માં ફ્રાન્સે મોનાકો કબજે કર્યું. ત્યારબાદ કૉંગ્રેસ ઑવ્ વિયેનાએ સાર્ડિનિયાના રક્ષણ હેઠળ ગ્રિમાલ્ડી પરિવારને સત્તા સોંપી. 1911 સુધી મોનાકોમાં સર્વસત્તાધીશ રાજાશાહી હતી. તે પછી નવા બંધારણ હેઠળ રાજાશાહી ચાલુ રહી. 1962માં ફ્રાંસના દબાણથી ત્યાં ફરીથી નવા બંધારણનો અમલ શરૂ કરી સ્ત્રીઓને મતાધિકાર આપવામાં આવ્યો અને ધારાસભાની રચના કરવામાં આવી.
ઈ. સ. 1963માં ફ્રાન્સના દબાણથી મોનાકોમાં સૌપ્રથમ વાર વેપારના નફા પર કર નાખવામાં આવ્યો. એંસીના દાયકાથી મોનાકોએ દરિયાકિનારા વિકસાવવા માટે સમુદ્રમાંથી જમીન સુધારવા માંડી. પ્રિન્સ રેનીઅર 3જો મોનાકોમાં રાજ્ય કરતો હતો. 2005થી પ્રિન્સ આલ્બર્ટ 2જો મોનાકોનો શાસક થયો. તેનો મિનિસ્ટર ઑવ્ સ્ટેટ જીન પૉલ પ્રાઉસ્ટ હતો.
ગિરીશભાઈ પંડ્યા
જયકુમાર ર. શુક્લ