મોતિયો (cataract) : આંખમાંના નેત્રમણિનું દેખાતું બંધ થાય તે હદે અપારદર્શક થવું તે. નેત્રમણિ પારદર્શક હોય છે. તે જ્યારે અપારદર્શક બને ત્યારે તેને નેત્રમૌક્તિક (મોતિયો, cataract) કહે છે. મોટેભાગે તે મોટી ઉંમરે ધીમે ધીમે વધીને ર્દષ્ટિમાં ઘટાડો કરે છે. મધુપ્રમેહ, આંખને ઈજા કે તેની અંદરની કેટલીક સંરચનાઓમાં શોથવિકાર (inflammation) થાય તો તે નાની ઉંમરે અને ઝડપથી થાય છે. પીડાકારક સોજો કરતો વિકાર શોથવિકાર કહેવાય છે. આંખના ગોળાના વચલા પડ રક્તક, (ochoreid), કશાનય પિંડ (cilliary body) તથા કનીનિકા-પટલ(iris)ને સંયુક્ત રૂપે દ્રાક્ષાભ(uvea) કહે છે. તેમાં શોથવિકાર થાય તો તેને દ્રાક્ષાભશોથ (uveatis) કહે છે. તેમાં પણ નાની ઉંમરે મોતિયો થાય છે. રુબેલાના વિષાણુના જન્મજાત ચેપમાં પણ અન્ય વિકારો સાથે મોતિયો થાય છે. કેટલાક જનીનીય રોગોમાં પણ મોતિયો થઈ આવે છે; દા. ત., માયોટૉનિક ડિસ્ટ્રૉફી, ન્યૂરોફાઇબ્રોમૅટોસિસ–2, ગેલેક્ટૉસિમિયા વગેરે. કોર્ટિકોસ્ટિરૉઇડ કે વિકિરણ (radiation) વડે કરાતી સારવારની આડઅસરમાં પણ આંખમાં મોતિયો થઈ આવે છે. ઍલર્જીને કારણે આંખ આવતી હોય તો કોર્ટિકોસ્ટિરોઇડનાં ટીપાં વપરાય છે. તેને લાંબો સમય વાપરવાથી પણ મોતિયો થાય છે. તેથી હાલ તેને બદલે કિટોરોલ કે ટ્રાઇમિથાયિનનાં ટીપાં વપરાય છે. આવા સમયે થતો મોતિયો નેત્રમણિના પાછળની બાજુના આવરણની નીચે હોય છે. આ પ્રકારના મોતિયાને પશ્ચ–અવસંપુટી (posterior–subcapsular) મોતિયો કહે છે.

આંખમાં  પ્રકાશ નાખવાથી ષ્ટિપટલ પરથી પરાવર્તિત થતો લાલ રંગ ઘટે કે છેદદીપક (slit lamp) વડે તપાસવાથી મોતિયાનું નિદાન કરાય છે. મોતિયાની સારવારમાં શસ્ત્રક્રિયા વડે અપારદર્શક થયેલો નેત્રમણિ કાઢી નંખાય છે. વિશ્વભરમાં  દરરોજ મોતિયાની અનેક શસ્ત્રક્રિયાઓ થાય છે. સામાન્ય રીતે મોતિયાના દર્દીની બહારના દર્દી તરીકે, સ્થાનિક નિશ્ચેતનાની અસર હેઠળ સારવાર થાય છે. ચામડી તથા સ્થાનિક પેશીને બહેરી કરવાની શાસ્ત્રીય ક્રિયાને સ્થાનિક નિશ્ચેતના (local anaesthesia) કહે છે.

આકૃતિ 1 : મોતિયો કાઢવાની શસ્ત્રક્રિયામાં વપરાતી 3 સ્થાનિક નિશ્ચેતના (બહેરું કરવાની) પદ્ધતિઓ. (અ) ઑબ્રિએનનો ચેતારોધ, (આ) વાન લિન્ટ ચેતારોધ, (ઇ) પશ્ચનેત્ર ગોલક નિશ્ચેતના.

મોતિયા(નેત્રમૌક્તિક)ને મુખ્ય 2 રીતે કાઢવામાં આવે છે : સસંપુટી બહિષ્કર્ષણ (intracapsular extraction) અને અસંપુટી બહિષ્કર્ષણ (extracapsular extraction). સસંપુટી બહિષ્કર્ષણમાં મોતિયાને તેના આવરણ (સંપુટ, capsule) સાથે કઢાય છે; જ્યારે અસંપુટી બહિષ્કર્ષણમાં અપારદર્શક નેત્રમણિ(મોતિયા)નું પાછળ તરફનું આવરણ (પશ્ચસંપુટ, posterior capsule) આંખમાં અકબંધ રખાય છે. હાલ મોટેભાગે અસંપુટી બહિષ્કર્ષણ કરીને નેત્રમણિને સ્થાને પ્લાસ્ટિક કે સિલિકોનના અંતર્નેત્રી કૃત્રિમ મણિ (intraoccular lens) મુકાય છે. આ રીતે ર્દષ્ટિની કચાશને ઝડપથી દૂર કરાય છે. આ રીતે લગભગ 95 % દર્દીઓમાં ર્દષ્ટિ સુધરી જાય છે. ઘણા દર્દીઓમાં પાછળથી પશ્ચસંપુટ પણ ઝાંખો થાય છે. તેને પશ્ચસંપુટી અપારદર્શકતા (posterior capsular opacity) કહે છે. તે સમયે ફરીથી ર્દષ્ટિક્ષતિ (loss of vision) થાય છે, ત્યારે યાગ લેઝરની મદદથી સંપુટમાં નાનું છિદ્ર કરીને ફરીથી ર્દષ્ટિ પ્રાપ્ત કરાવી શકાય છે.

આકૃતિ 2 : અસંપુટી નેત્રમોતિક બહિર્કર્ષણ (extra-capsular cataract extraction)ની પદ્ધતિ. (અ) આંખનાં પોપચાં અને બહારના સ્નાયુને સ્થિર કરવાની ક્રિયા, (આ) નેત્રકલા(conjunctive)માં છેદ, (ઇ) ડોળા-કીકીના જોડાણ પર છેદ, (ઇ, ઉ) કાપને પહોળો કરવાની ક્રિયા, (ઊ) કનીનિકાપટલ(iris)ને કાપવો, (એ, ઐ) મોતિયાને કાઢવાની ક્રિયા, (ઓ, ઔ) ટાંકા લેવાની ક્રિયા.

વિશ્વભરમાં અંધાપાનાં મુખ્ય કારણોમાં સૌથી વધુ કિસ્સા મોતિયાને કારણે હોય છે. તેથી સન 1990માં કરાયેલી મોજણી પ્રમાણે વિશ્વભરમાં આશરે 3.5 કરોડ અંધજનોમાંથી લગભગ અર્ધા જેટલી (1.7 કરોડ) વ્યક્તિઓ મોતિયાને કારણે અંધ હતી. ખોરાકમાં કૅરોટિનૉઇડ્ દ્રવ્યો (દા. ત., ગાજરમાંનો પીળો ભાગ) મોતિયા સામે રક્ષણ આપે છે, એવું હાલ કેટલાક અભ્યાસો સૂચવે છે.

વિશ્વના વિકસતા દેશોમાં મોતિયા માટેની શસ્ત્રક્રિયા, જ્યારે ર્દષ્ટિ એકદમ ઘટીને 6/60 થાય ત્યારે કરાય છે. વિકસિત દેશોમાં અંતર્નેત્રી કૃત્રિમ મણિના ક્ષેત્રે વિકાસને કારણે મધ્યમ કક્ષાની ર્દષ્ટિક્ષતિ (6/12થી 6/36) હોય તોપણ મોતિયા માટેની શસ્ત્રક્રિયા થાય છે. આંખમાં મોતિયો હોય તો તેની જાણકારી ઉપરાંત ર્દષ્ટિપટલ(retina)ની કેટલી કાર્યક્ષમતા છે તે પણ જાણી લેવાય છે. તે માટે ર્દષ્ટિતીક્ષ્ણતા (visual acuity) જાણી લેવાય છે. જો તે હાથના હલનચલન(hand movement)ને પણ પારખી ન શકે તેટલી ઘટી હોય તો હાથબત્તી(electric torch)ની મદદથી એક બાજુ પરથી ત્રાંસો પ્રકાશ નંખાય છે, જેથી મોતિયાની કિનારીની બહારના ર્દષ્ટિપટલમાં ર્દષ્ટિક્ષમતા (perception of light) છે કે નહિ તે જાણી શકાય. પ્રકાશલક્ષી ચેતાપરાવર્તી ક્રિયા (light reflex) સામાન્ય હોય તો ર્દષ્ટિચેતા (optic nerve) પણ કાર્યશીલ છે એવું નક્કી કરી શકાય છે. ક્યારેક મોતિયો થાય ત્યારે નેત્રમણિ ફૂલીને આંખની અગ્રખંડિકા(anterior chambers)ને છીછરી બનાવે છે; તેને કારણે ઝામર થાય છે. આવા સંજોગોમાં પણ મોતિયા માટેની શસ્ત્રક્રિયા કરાય છે.

આંખ અને તેની આસપાસની સંરચનાઓ અને પેશીઓને બહેરી કરવા માટે દવાનું ઇન્જેક્શન (નિક્ષેપન) આપવાની વિવિધ પદ્ધતિઓ અમલમાં છે. નીચલા જડબા (અધ:હનુ-અસ્થિ, mandible)ના ડોક (ગ્રીવા) જેવા ભાગ પરથી ખોપરીમાંથી નીકળતી 7મી જોડની ચેતા (7th cranical nerve) અથવા ચહેરાની ચેતા (facial nerve) પસાર થાય છે. ત્યાં લિગ્નોકેઇન કે બ્યુપિવિકેઇન નામની નિશ્ચેતક (anaesthetic) દવા ઇન્જેક્શન દ્વારા અપાય તો તેને ઓ’બ્રિયેનનો ચેતારોધ (O’Brien block) કહે છે. તે સમયે કાનના ઉપરના ભાગની આગળ આવેલી જગ્યા પર ઇન્જેક્શન અપાય છે. આંખના ગોળાના કાન બાજુના છેડે, આંખના ગોખલા (orbit) ઉપર અને બહાર નેત્રવૃત્તીય સ્નાયુ(orbicularis muscle)માં ઇન્જેક્શન આપીને સ્થાનિક નિશ્ચેતના કરાય તો તેને વાન લિન્ટ(Van Lint)નો ચેતારોધ કહે છે. આંખના ગોખલા(નેત્રગુહા, orbit)ની ટોચ પરના છિદ્રમાંથી સંવેદનાવાહી ચેતા આંખના ગોળા (નેત્રગોલ, globe) તરફ તથા સ્નાયુસંકોચક ચેતા આંખની આસપાસના સ્નાયુઓમાં જાય છે. આંખના ગોળાની પાછળ ઇન્જેક્શન આપીને તેમને બહેરા કરી શકાય છે. તેને પશ્ચગોલક નિક્ષેપન(retrobulbar injection)ની પદ્ધતિ કહે છે. નિશ્ચેતનાની ક્રિયા પતે એટલે આશરે 10 મિનિટ માટે આંખને દબાવીને આંખમાંનું દબાણ ઘટાડાય છે.

સસંપુટી નેત્રમૌક્તિક બહિષ્કર્ષણ (intracapsular cataract extraction) : હજુ વિશ્વમાં તે વ્યાપકપણે કરાતી શસ્ત્રક્રિયા છે. તેમાં મોતિયા(નેત્રમૌક્તિક)ને તેના આવરણ (સંપુટ) સાથે બહાર કઢાય છે. તે માટે પૂરતો પ્રકાશ અને શસ્ત્રક્રિયાલક્ષી વિપુલદર્શક સાધનનો ઉપયોગ કરીને સર્જ્યન તેની શસ્ત્રક્રિયા કરે છે. સૌપ્રથમ આંખના પોપચાને ખેંચીને બાંધી દેવામાં આવે છે, જેથી આંખ સતત ખુલ્લી રહે. આંખના ડોળાનો સફેદ ભાગ જે સ્થળે પતે છે તે સ્થળે કાપ મૂકવામાં આવે છે. ત્યારબાદ કનીનિકા-પટલ(iris)માં એક જગ્યાએ છેદ મુકાય છે. કીકીના પટલ(કનીનિકાપટલ)માં કરાતા છેદને કનીનિકાપટલછેદન (iridectomy) કહે છે. સામાન્ય રીતે તે પટલની બહારની કિનારી પાસે કરાય છે. ત્યારબાદ મોતિયાના ઉપલા ધ્રુવબિન્દુ(pole)ને ચીપિયાથી બહાર ખેંચી કઢાય છે. જો અકસ્માતે નેત્રમૌક્તિકનું આવરણ તૂટે તો તેમાંનું આંખમાં ગયેલું દ્રવ્ય જેટલું બને તેટલું શોષી લેવાય છે. ક્યારેક શસ્ત્રક્રિયાની પછી આનુષંગિક તકલીફ રૂપે ટાંકા ખૂલી જવા (ઘાવ-વિસ્તૃતન, wound gaping), કનીનિકાપટલ ખસી જવો (કનિકાપટલભ્રંશ, iris prolapse), આંખમાં ચેપ લાગવો (અંતર્નેત્રશોથ, endophthalmitis), આંખમાં લોહી વહેવું (અધર્રુધિરતા, hyphaema), ઝામર કે કીકીના પારદર્શક આવરણ પર ઘસરકા પડવા (સ્વચ્છાઘર્ષણ, striate keratitis) વગેરે થાય છે. વળી ર્દષ્ટિપટલ છૂટો પડવો (ર્દષ્ટિપટલ-ઉન્મૂલન, retinal detachment), ર્દષ્ટિપટલ પર આવેલા ર્દષ્ટિબિન્દુ પર સોજો આવવો (ર્દષ્ટિબિન્દુશોફ, macular oedema), ઝામર તથા કીકીના પારદર્શક આવરણ પર સોજો (સ્વચ્છાશોફ, corneal oedema) આવવો જેવી તકલીફો પણ પાછળથી થઈ શકે છે.

અસંપુટી નેત્રમૌક્તિક–બહિષ્કર્ષણ (extracapsular cataract extraction) : તેમાં મોતિયા(નેત્રમૌક્તિક)ના સંપુટના પાછળની બાજુના આવરણ(પશ્ચસંપુટ)ને આંખમાં રહેવા દેવાય છે. તેના આવરણના આગળના ભાગમાં છિદ્ર પાડીને તેમાંથી તેમાંનું દ્રવ્ય કાઢી લેવાય છે. સૌપ્રથમ આંખની કીકીમાંના છિદ્ર(pupil)ને પહોળી કરવા વારંવાર સાઇક્લોપેન્ટોલેટ અને ફિનાયલએફ્રિનનાં ટીપાં નંખાય છે. ત્યારપછીનાં બધાં જ પગલાં વખતે કીકીના પારદર્શક આવરણ(સ્વચ્છા)ને ઈજા ન થાય તે ખાસ જોવાય છે. આ શસ્ત્રક્રિયા માટે સમઅક્ષીય પ્રકાશસ્રોત સાથેના શસ્ત્રક્રિયાલક્ષી વિપુલદર્શક (operating microscope with co-axial illumination) નામનું સાધન હોય તો તે આવકારદાયક બાબત ગણાય છે. સામાન્ય રીતે પોપચાંને બાંધીને સ્થિર કરાય છે, પરંતુ કેટલાક શસ્ત્રક્રિયાવિદ તબીબો જો આંખની બહારના સ્નાયુઓનું હલનચલન પૂરતું અટકેલું હોય તો ઉપરના પોપચાનો ટાંકો લેતા નથી. આંખના ડોળાના સફેદ ભાગ અને કીકીના પારદર્શક આવરણને જોડતા ભાગ પર કાપો મૂકીને આંખની અગ્રખંડિકા(anterior chambers)માં હાઇડ્રૉક્સિ-પ્રોપાયલમિથાયલ સેલ્યુલોઝ નામનું દ્રવ્ય નાંખવામાં આવે છે. ત્યારબાદ નેત્રમણિ(નેત્રમૌક્તિક)ની આગળની સપાટીના આવરણ(અગ્રસંપુટ, anterior capsule)ને અદંતીય ચીપિયા (non-toothid forceps) વડે દૂર કરાય છે. નેત્રમૌક્તિક(મોતિયા)ના નાભિને અલગ પાડવા માટે તેના બાહ્યક(cortex)નાં પડો છૂટાં પડાય છે. તે માટેની ક્રિયાને જલીય-દ્વિછેદન (hydrodissection) કહે છે. હળવું દબાણ કરીને મોતિયાને બહાર કઢાય છે. બી.એસ.એસ. કે રિંગરના દ્રાવણના સિંચન વડે નેત્રમણિના તંતુઓને દૂર કરાય છે. આ સમયે નેત્રમણિના પાછળનું આવરણ ઈજા ન પામે તે ખાસ જોવાય છે. એકતંત્વિલ (monofilament) નાયલૉનના દોરા વડે ટાંકા લેવાય છે અને તેમની ગાંઠને ઘાવમાં જ દબાવી દેવાય છે. તેને આવૃતસંધાન(buvid stitch) કહે છે એકસરખા અંતરે અને એકસરખી રીતે, પરંતુ વધુ પડતા દબાણ વગર ટાંકા લેવાય છે, જેથી કરીને ર્દષ્ટિમાં કોઈ વિકાર ન ઉદભવે. આવા અબિન્દુસ્પષ્ટતા(astigmatism)નો વિકાર કહે છે, જેમાં સ્વચ્છાની અનિયમિત સપાટીને કારણે ર્દશ્ય વાંકુંચૂકું લાગે છે. આ પ્રકારની શસ્ત્રક્રિયાની પછી થતી આનુષંગિક તકલીફો સસંપુટી નેત્રમૌક્તિક-બહિષ્કર્ષણ જેવી જ છે. જો નેત્રમણિના તંતુઓ વધુ પ્રમાણમાં રહી જાય તો પાછળનું આવરણ (પશ્ચસંપુટ, posterior capsule) જાડું થઈ જાય છે. તે સમયે Nd-YAG પ્રકારના લેઝરથી તેમાં કાણું પાડવું પડે છે. તેને સંપુટછેદન (capsulotomy) કહે છે. ર્દષ્ટિપટલ–ઉન્મૂલન (retinal detachment) અને ર્દષ્ટિબિન્દુશોફ (macular oedema) થવાની સંભાવના ઓછી રહે છે.

આકૃતિ 3 : અસંપુટી નેત્રમોતિક બહિર્કર્ષણ (extra capsular catarect extraction). (અ) કીકી-ડોળાના શ્વેત ભાગના જોડાણ પર છેદ, (આ) આંખની અગ્રગંડિકામાં હાઇડ્રૉક્સિ પ્રોપાયલ મિથાયલ સેલ્યુલોઝ નાંખવાની ક્રિયા, (ઇ, ઈ) નેત્રમણિ(નેત્રમોતિક)ના આગળના આવરણમાં છેદ, (ઉ) તેમાંથી મોતિયાની નાભિ બહાર કાઢવી, (ઊ, એ) તંતુઓને જલસિંચનથી તોડવા, અને બહાર કાઢી નાંખવા, (ઐ, ઓ) કૃત્રિમ નેત્રમણિને આંખમાં ગોઠવવાની ક્રિયા, (ઔ) ટાંકા લેવા.

સન 1966માં નેત્રમૌક્તિક(મોતિયા)ના નાભિને તોડવા માટે એક નવી પદ્ધતિ વિકસી. તેને મણિ-દ્રવ્ય નિલંબન (phakoemulsion)ની ક્રિયા કહે છે. તેમાં સોય દ્વારા 40 KHzની આવૃત્તિવાળા અશ્રાવ્ય ધ્વનિતરંગોનો ઉપયોગ કરાય છે. તેને લીધે 3 મિમી. જેવા નાના કાપની જરૂર પડે છે. તેને કારણે શસ્ત્રક્રિયા પછીની ર્દષ્ટિતીક્ષ્ણતા જળવાઈ રહે છે અને હૉસ્પિટલમાં દાખલ રહેવાની જરૂર જતી રહે છે. જોકે તે માટેનું યંત્ર અને તેની જાળવણી મોંઘી છે અને તેને વાપરવા માટે વિશેષ તાલીમની જરૂર પડે છે.

અનેત્રમણિતા (aphakia) : નેત્રમણિની ગેરહાજરીની સ્થિતિને અનેત્રમણિતા કહે છે. મોતિયાની શસ્ત્રક્રિયાને કારણે તેવી સ્થિતિ ઉદભવે છે. તેને કારણે સ્પષ્ટ જોવામાં તકલીફ પડે છે. તેને માટે 3 પ્રકારે સારવાર આપી શકાય છે – ચશ્માં, આંખમાં પહેરવાના, સ્પર્શ-નેત્રકાચ (contact lens) અને આંખની અંદર મૂકવાના અંત:નેત્રકાચ અથવા અંતર્નેત્રી કૃત્રિમમણિ (intraoccular lens) (સારણી 1).

સારણી 1 : અનેત્રમણિતા (નેત્રમણિ હોય તેવી સ્થિતિ(aphakia)ની સારવાર

સારવાર-પદ્ધતિ લાભ ગેરલાભ
(1) ચશ્માં (spectacles) સસ્તી, બંને પ્રકારની શસ્ત્રક્રિયાઓમાં ઉપયોગી. સમયાંતરે બદલવાં પડે, ર્દષ્ટિ-ક્ષેત્ર(field of vision) સીમિત અને નાનું બને છે. ર્દશ્યનું વિપુલીકરણ (magnification) અનિયમિત હોવાથી ર્દષ્ટિક્ષતિનું પૂરણ અપૂરતું.
(2) સ્પર્શનેત્રકાચ (contact lens) મોતિયો કાઢવાની શસ્ત્રક્રિયાની બંને પદ્ધતિઓમાં ઉપયોગી, ર્દષ્ટિક્ષતિનું પર્યાપ્તપૂરણ. મોંઘા, સમયાંતરે બદલવા પડે. મોટી ઉંમરના દર્દીઓને તે તકલીફ આપે છે.
(3) અંત:ર્નેત્રી કૃત્રિમ-મણિ (intraoc-cular lens)
(અ) પશ્ચખંડિકા (નેત્રમણિની પાછળનો ભાગ) (posterior chamber) સર્વશ્રેષ્ઠ, દૃષ્ટિક્ષતિ-પૂરણ, પૂરતા સુરક્ષિત. ફક્ત અસંપુટી નેત્રમૌક્તિક. બહિષ્કર્ષણ (extra capsular cataract extraction)માં ઉપયોગી, પાછલું આવરણ અપારદર્શક બને, શસ્ત્રક્રિયાની મુશ્કેલ પદ્ધતિ.
(આ)

 

અગ્રખંડિકા(નેત્રમણિની આગળનો ભાગ (anterior chamber) સર્વશ્રેષ્ઠ દૃષ્ટિક્ષતિ-પૂરણ, સસંપુટી અને અસંપુટી નેત્રમૌક્તિક બહિષ્કર્ષણની શસ્ત્રક્રિયા પછી ઉપયોગી. કીકીના પારદર્શક આવરણ-(સ્વચ્છા, cornea)ની તકલીફોનું વધુ પ્રમાણ.

શિલીન નં. શુક્લ

રોહિત દેસાઈ