મોતી : ઝવેરાતમાં અગત્યનું સ્થાન ધરાવતો કીમતી પદાર્થ. રત્નો સાથે હંમેશાં મોતીની તુલના થાય છે. રત્નો ખીણમાંથી ખોળવામાં આવે છે અને તે અત્યંત કઠણ હોય છે. મોતી પ્રમાણમાં સાવ મૃદુ હોય છે. જોકે રત્નોની જેમ મોતી પણ પ્રકાશનું શોષણ અને પરાવર્તન કરે છે.

મોતી-છીપ (pearl oyster) નામે ઓળખાતા દરિયાઈ મૃદુકાય (molluse) પ્રાણીમાં તે ઉત્પન્ન થાય છે. મોતી-છીપ એક અચલ (sessile) પ્રાણી છે. તેને બે અનિયમિત આકારનાં કવચ હોય છે. તેમાંનું નીચલું કવચ પથ્થર જેવી કઠણ વસ્તુ સાથે સજ્જડ ચોંટેલું હોય છે. જ્યારે ઉપરનું કવચ સહેજ ગતિશીલ (kinetic) હોય છે. તેના ખૂલવાથી દરિયાનું પાણી કવચની અંદર આવેલા શરીર પરથી પસાર થાય છે. આ પાણી સાથે કણ સ્વરૂપનો કચરો છીપની અંદર પ્રવેશીને ઠરે, તેના આક્રમણને ટાળવા કણની ફરતે છીપ મોતી રચે છે. સામાન્યપણે મૃદુકાયોની અંદરની સપાટી મુક્તાભ (nacre) નામે ઓળખાતા એક અત્યંત લીસી સપાટીવાળા પદાર્થથી મઢેલી હોય છે. મુક્તાભ પ્રાવરણ નામે ઓળખાતા એક છીપની માંસલ અંગિકાના સ્રાવમાંથી બને છે. તે અત્યંત ચમકવાળું (lustrous) હોય છે. ઠરેલા કણો જેવી બાહ્ય વસ્તુઓ છીપની અંદર સ્થાયી બને, ત્યારે તેને મુક્તાભ વડે ઢાંકવાનો પ્રયાસ થાય છે. આ બાહ્ય વસ્તુને ઉત્તરોત્તર (successive) અનેક મુક્તાભના સ્તરો વડે ઘેરાયેલ મોતીનું નિર્માણ થાય છે. વધુ સ્તરવાળાં મોતી ઘણાં મોંઘાં હોય છે.

આમ તો જાતજાતની છીપ દરિયામાં વાસ કરતી હોય છે. મુખ્યત્વે ઉષ્ણકટિબંધ પ્રદેશમાં જોવા મળતી છીપની અંદર મોતી બને છે. ગુજરાતના સિક્કા પ્રદેશના દરિયાકિનારે આવેલ વિસ્તારમાં મોતીની છીપ પ્રસરેલી હોય છે. એક સમયે આ દરિયાકિનારો કુદરતી મોતીના ઉત્પાદન માટે જાણીતો હતો. પરંતુ માનવીના હસ્તક્ષેપને લીધે ત્યાં મોતીછીપની સંખ્યા સાવ ઘટી ગઈ.

મોતીની છીપના શરીરમાંથી સંવર્ધિત મોતી(cultured pearl)નું સંવર્ધન કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં સૌપ્રથમ પુખ્ત મોતીછીપને મેળવીને યોગ્ય સ્થળે રોપવામાં આવે છે. તેના શરીરની અંદરથી તેમજ છીપલામાંથી મુક્તાભને ભેગું કરી તેમાંથી, ગોળીઓ (pellets) તૈયાર થાય છે. પ્રયોગ માટે પસંદ કરેલા મોતી-છીપને એક પિંજરામાં સુરક્ષિત રાખવામાં આવે છે અને મોતી-છીપનાં આવાં પિંજરાંઓને, દરિયો શાંત હોય, તેવા દરિયાકિનારે તરાપા (rafts) વડે પાણીની અંદર લટકાવવામાં આવે છે. મોતીના નિર્માણમાં આશરે 2થી 3 વર્ષનો સમય વીતે છે. આશરે સો જેટલી છીપમાંથી આશરે પાંચેક છીપના શરીરમાં સંવર્ધિત મોતી ઉત્પન્ન થાય છે. સંવર્ધિત મોતીના મધ્યભાગમાં આવેલી ગોળી કુદરતી મોતીના મધ્ય ભાગમાં આવેલ વસ્તુના કરતાં મોટી હોય છે અને તેની ફરતે મુક્તાભના પ્રમાણમાં ઓછા પરંતુ સહેજ જાડા એવા સ્તરોની રચના થયેલી હોય છે. આવાં સંવર્ધિત મોતીઓને બહાર કાઢી તેમને પ્રથમ સ્વચ્છ કરવામાં આવે છે અને ત્યારબાદ તેમને પૉલિશ કરાય છે. સંવર્ધિત મોતીના ઉત્પાદનની ર્દષ્ટિએ જાપાન અન્ય દેશો કરતાં મોખરે છે.

કૃત્રિમ મોતી(imitation pearl)ને માછલીઓના ભીંગડામાંથી મોતી-અર્ક (pearl essence) નામે ઓળખાતા ઘટ્ટ રસને મેળવીને, બનાવવામાં આવે છે. કાચના ખાસ બનાવેલા મણકાની ફરતે મોતી-અર્કને ચોંટાડવામાં આવતાં, કૃત્રિમ મોતીનું નિર્માણ થાય છે. મોતી-અર્કનો સ્તર ખાસ લીસો હોતો નથી; તેના આછા ચળકાટ પરથી આ મોતીને સહેલાઈથી ઓળખી શકાય છે.

મ. શિ. દૂબળે