મોઝામ્બિકની ખાડી (મોઝામ્બિકની સામુદ્રધુની) : પશ્ચિમ હિન્દી મહાસાગરમાં આવેલી ખાડી અથવા સામુદ્રધુની. ભૌગોલિક સ્થાન : 19° 00´ દ. અ. અને 41° 00´ પૂ. રે. વિસ્તારની ર્દષ્ટિએ જોતાં તે આશરે 13° 25° દ. અ. અને 35° 45° પૂ. રે. વચ્ચેના ભાગમાં ઈશાન-નૈર્ઋત્ય દિશામાં વિસ્તરેલી છે. મકરવૃત્ત તેના દક્ષિણ ભાગમાંથી પસાર થાય છે. તેની પૂર્વ તરફ માડાગાસ્કરનો ટાપુ અને પશ્ચિમ તરફ આફ્રિકાની મુખ્ય ભૂમિ પરનો મોઝામ્બિકનો પ્રદેશ આવેલા છે. કૉમોરોસનો દ્વીપસમૂહ તેને માટેનું ઉત્તર તરફ આવેલું પ્રવેશદ્વાર છે, જ્યારે દક્ષિણમાં બસાસ દ ઇન્ડિયાના ટાપુઓ આવેલા છે. તેની લંબાઈ આશરે 1,600 કિમી., પહોળાઈ સ્થાનભેદે 400થી 960 કિમી. અને ઊંડાઈ 3,000 મીટર છે. પૂર્વ આફ્રિકાના દેશો તેમજ માડાગાસ્કર માટે વહાણોની અવરજવરનો તે મહત્વનો જળમાર્ગ બનાવે છે. માડાગાસ્કરની લગભગ બધી જ મુખ્ય નદીઓનાં જળ તેમાં ઠલવાય છે. આફ્રિકાને પૂર્વ કિનારે ઝામ્બેસીનું મુખ પણ તેને કિનારે આવેલું છે. આ સામુદ્રધુનીમાં થઈને મોઝામ્બિકનો સમુદ્રપ્રવાહ પસાર થાય છે. તેના માડાગાસ્કરને કિનારે મહાજંગા (માજુંગા) અને તોલિયારા (તુલિયર) તથા આફ્રિકાને કિનારે માપુટો (લોરેન્કો માર્ક્વિસ), મોકામ્બિક અને બેરા જેવાં બંદરો આવેલાં છે.
ગિરીશભાઈ પંડ્યા