મોઝામ્બિક પ્રવાહ

February, 2002

મોઝામ્બિક પ્રવાહ : મોઝામ્બિકના કિનારા નજીક વહેતો પશ્ચિમ હિન્દી મહાસાગરનો ગરમ પ્રવાહ. અગ્નિકોણી વ્યાપારી પવનો દક્ષિણ વિષુવવૃત્તીય મુખ્ય પ્રવાહને આફ્રિકાના પૂર્વ કિનારા તરફ વાળે છે. પૃથ્વીની અક્ષભ્રમણગતિને કારણે મુખ્ય પ્રવાહ દક્ષિણ તરફ ફંટાય છે. અહીં તે આફ્રિકાની કિનારા-રેખા તથા ત્યાંની ખંડીય છાજલીના આકારને અનુસરે છે. આફ્રિકાના કિનારા તરફ આવતા માડાગાસ્કર ટાપુના અવરોધને કારણે તે બે ફાંટાઓમાં વહેંચાઈ જાય છે, એક ફાંટો જે મોઝામ્બિકની ખાડીમાંથી પસાર થાય છે તે મોઝામ્બિકના પ્રવાહ તરીકે ઓળખાય છે. મુખ્ય પ્રવાહનો બીજો ફાંટો માડાગાસ્કર ટાપુની પૂર્વ તરફથી પસાર થાય છે. વિષુવવૃત્તીય પ્રદેશમાંથી વહેતો હોવાથી તે ગરમ પ્રવાહ કહેવાય છે. આ ગરમ પ્રવાહ આફ્રિકાના પૂર્વ કિનારાના ભાગોની તેમજ માડાગાસ્કરની આબોહવા પર અસર કરે છે. માડાગાસ્કરની દક્ષિણે આ બંને ફાંટા ભેગા થઈને અગુલ્હાસનો પ્રવાહ બનાવે છે. આ પ્રવાહ ગરમ હોવાથી હવામાનને ગરમ, હૂંફાળું રાખે છે.

ગિરીશભાઈ પંડ્યા