રાયચૌધરી, અમલકુમાર (જ. 14 સપ્ટેમ્બર 1923, બોરિસાલ, બાંગ્લાદેશ) : ભારતના સાપેક્ષવાદના પ્રણેતા અને સૈદ્ધાંતિક બ્રહ્માંડવિજ્ઞાનના સંશોધક અને પ્રખર અભ્યાસી. પિતા સુરેશચંદ્ર અને માતા સુરબાલાના સાંસ્કારિક વારસા રૂપે તેઓ સૌમ્ય અને સૌહાર્દપૂર્ણ વ્યક્તિત્વ ધરાવે છે.
તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વતનમાં લીધું. ત્યારબાદ ઉચ્ચ શિક્ષણ માટે કલકત્તા યુનિવર્સિટીમાં જોડાયા. 1942માં બી.એસસી., 1944માં એમ.એસસી. અને 1960માં ડી.એસસી.ની ઉપાધિઓ મેળવી.
30 જાન્યુઆરી 1958ના રોજ તેમણે નમિતા સેન સાથે લગ્ન કર્યું.
ડૉ. મહેન્દ્રલાલ સરકાર અને આશુતોષ મુખરજીના પ્રયાસોથી વિજ્ઞાનના સંશોધન માટે સ્થપાયેલ કોલકાતાની સંસ્થા ઇન્ડિયન એસોસિયેશન ફૉર કલ્ટિવેશન ઑવ્ સાયન્સમાં 1945-49 સુધી સંશોધન-સહાયક તરીકે કામગીરી બજાવી. આ સંસ્થાના પ્રાંગણમાંથી તેમણે સંશોધન-પ્રવૃત્તિનો પ્રારંભ કર્યો. ત્યારબાદ આશુતોષ કૉલેજમાં ભૌતિકવિજ્ઞાનના વ્યાખ્યાતા તરીકે પસંદગી પામ્યા. આ સંસ્થામાં રહીને તેમણે 1949-52 સુધી અધ્યાપનકાર્ય કર્યું.
સંશોધન અધિકારી તરીકે તક મળતાં તેઓ ફરીથી ઇન્ડિયન એસોસિયેશન ફૉર કલ્ટિવેશન ઑવ્ સાયન્સમાં જોડાયા. 1952-61 સુધી આ સંસ્થામાં રહીને તેમણે સંશોધનપ્રવૃત્તિ આગળ ધપાવી. 1950થી 1961 સુધીમાં તેમણે વિવિધ વિષયો ઉપર આશરે પંદરેક સંશોધનલેખો પ્રસિદ્ધ કર્યા. આ સંશોધનલેખોમાં વ્યાપક સાપેક્ષવાદ, બ્રહ્માંડવિદ્યા અને વિજ્ઞાન, ત્રિપારિમાણિક લૅટિસમાં ઇલેક્ટ્ર્રૉનિક ઊર્જા-પટ, ઝિંકસંમિશ્ર સંરચના સાથે અર્ધવાહક સંયોજનો જેવા વિષયોનો સમાવેશ થાય છે.
1961માં તેઓ કોલકાતાની પ્રેસિડન્સી કૉલેજમાં ભૌતિકવિજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે જોડાયા. વયમર્યાદાને લીધે મળતી નિવૃત્તિ સુધી તેમણે આ સંસ્થામાં શિક્ષણ અને સંશોધનનું કાર્ય કર્યું. આ સમય દરમિયાન તેમણે બીજા ચાલીસેક સંશોધનલેખો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સામયિકોમાં પ્રસિદ્ધ કર્યા. આ સંશોધનલેખોમાં વ્યાપક સાપેક્ષતામાં સ્થિર વિદ્યુતચુંબકીય ક્ષેત્રો, દ્રવ્યના સર્જન સાથે બ્રહ્માંડની ઉત્ક્રાંતિ, બ્રહ્માંડીય પાર્શ્ર્વભૂમિકામાં ગુરુત્વાકર્ષી નિપાત (collapse), વ્યાપક સાપેક્ષતામાં વિદ્યુતભારિત કણોનું વિતરણ, પ્રકાશના વેગથી વધુ ઝડપે ગતિ કરતા ટૅકિયૉન-કણો અને ગુરુત્વાકર્ષણ, તાપમાન-આધારિત ગુરુત્વાકર્ષી અચળાંક, વિશ્વની ઉચ્છિષ્ઠ વિસ્તરણ-સ્થિતિ જેવા અને અન્ય કેટલાક વિષયોનો સમાવેશ થાય છે.
તેમનું સંશોધનકાર્ય આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સ્વીકૃત બનતાં વિદેશમાં વ્યાખ્યાનો અને સંશોધન માટે નિમંત્રણ મળવા લાગ્યાં. તેને કારણે યુ.એસ.ની મેરીલૅન્ડ યુનિવર્સિટીની કૉલેજમાં મુલાકાતી પ્રાધ્યાપક તરીકે 196465 દરમિયાન કાર્ય કર્યું.
વ્યાપક સાપેક્ષવાદ અને ગુરુત્વાકર્ષણ(GRG)ની આંતરરાષ્ટ્રીય સમિતિના સભ્યપદે 1974-83 સુધી રહ્યા. ઇન્ડિયન એસોસિયેશન ઑવ્ જનરલ રિલેટિવિટી ઍન્ડ ગ્રૅવિટેશન(IAGRG)ના પ્રમુખપદે 1978-80 દરમિયાન રહ્યા. આ સાથે 1982માં ઇન્ડિયન એકૅડેમી ઑવ્ સાયન્સિઝના ફેલો તરીકે નિયુક્ત થયા.
1955માં પ્રસિદ્ધ થયેલા રાયચૌધરીના સંશોધનલેખની નકલ બનારસ હિંદુ યુનિવર્સિટીના પ્રાધ્યાપક વી. વી. નારલીકરને વાંચવા મળી ત્યારે તેઓ તેમના કાર્યથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. પ્રા. નારલીકરે કેમ્બ્રિજ યુનિવર્સિટીના વિખ્યાત સાપેક્ષતાવિદ સર આર્થર એડિંગ્ટન સાથે 1928-32 દરમિયાન વ્યાપક સાપેક્ષવાદ ઉપર સંશોધનકાર્ય કર્યું હતું. ત્યારબાદ ભારત પાછા ફરી બનારસ હિંદુ યુનિવર્સિટીમાં સાપેક્ષવાદના સંશોધન અને શિક્ષણ માટે વિદ્યાભવન શરૂ કર્યું હતું. પ્રા. નારલીકર સાપેક્ષવાદના અભ્યાસીઓની પ્રથમ પેઢીના મહાનુભાવ છે. પ્રા. એન. આર. સેને બનારસમાં હતું તેવું જ સાપેક્ષવાદ માટે વિદ્યાભવન કોલકાતામાં સ્થાપ્યું. અમલકુમાર રાયચૌધરી આ વિદ્યાભવનના વિદ્યાર્થી, સંશોધક અને પ્રાધ્યાપક ગણાય. આ રીતે રાયચૌધરી અને પ્રા. પ્ર. ચુ. વૈદ્યે ભારતમાં સાપેક્ષવાદની બીજી પેઢીના સ્તંભો તરીકે સાપેક્ષવાદના સંશોધન અને શિક્ષણનો પાયો વિસ્તૃત કર્યો. આથી પ્રો. રાયચૌધરી અને પ્રો. વૈદ્ય ભારતમાં સાપેક્ષવાદના ક્ષેત્રે આદરણીય પ્રાધ્યાપકો તરીકે સ્થાન ધરાવે છે. આ બંને મહાનુભાવો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ એટલાં જ સન્માન સાથે ઉલ્લેખનીય રહ્યા છે. તેમણે ગુરુત્વાકર્ષણ અને સાપેક્ષવાદના પ્રાધ્યાપકો અને સંશોધકોની ત્રીજી પેઢી તૈયાર કરી છે.
ઇન્ડિયન એસોસિયેશન ઑવ્ જનરલ રિલેટિવિટી ઍન્ડ ગ્રૅવિટેશન સંસ્થાએ આ બે મહાનુભાવોના માનમાં ‘વૈદ્ય-રાયચૌધરી એન્ડાઉમેન્ટ્સ’ વ્યાખ્યાનમાળા ચાલુ કરી છે. આ સંસ્થાના ઉપક્રમે આ વિષયના પ્રખર અભ્યાસી અને આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ વિજ્ઞાનીઓનું દર બે વર્ષે વ્યાખ્યાન યોજવામાં આવે છે.
ભારતની પશ્ચિમે અમદાવાદમાં પ્રા. પ્ર. ચુ. વૈદ્ય અને ભારતની પૂર્વે કોલકાતામાં પ્રા. અમલકુમાર રાયચૌધરી સાપેક્ષવાદના ક્ષેત્રે શિક્ષણ અને સંશોધન માટે ધૂણી ધખાવીને બેઠા છે. પ્રા. અમલકુમાર રાયચૌધરી સાપેક્ષવાદ અને બ્રહ્માંડવિજ્ઞાન ક્ષેત્રે આંતરાષ્ટ્રીય પ્રતિષ્ઠા ધરાવે છે અને સ્વીકૃતિ પામ્યા છે. સ્થાનિક પદાર્થની આસપાસ ગુરુત્વાકર્ષીય અસરો માટે ‘વૈદ્ય મેટ્રિક’ અને અવકાશસમય(દિક્કાલ spacetime)ની વૈશ્ર્વિક (સાર્વત્રિક) સંરચનાની ખોજ માટે રાયચૌધરીનું સમીકરણ સાપેક્ષવાદના અભ્યાસ માટે દીવાદાંડીનું કાર્ય કરે છે.
રાયચૌધરીએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતાં બે પુસ્તકો લખ્યાં છે : (1) ચિરસંમત યાંત્રિકી (classical mechanics), જે સ્નાતક વિદ્યાર્થીઓ માટે સરળ રજૂઆત સાથે વિભાવનાઓ સ્પષ્ટ કરે છે. (2) સૈદ્ધાંતિક બ્રહ્માંડવિદ્યા (theoretical cosmology), જે ઉચ્ચ અભ્યાસ કરતા અનુસ્નાતક વિદ્યાર્થીઓ અને જે ખાસ કરીને બ્રહ્માંડવિજ્ઞાની નથી તેવા ભૌતિકવિજ્ઞાનીઓ માટે આધારભૂત પુસ્તક છે, જ્યારે વ્યાવસાયિક બ્રહ્માંડવિજ્ઞાનીઓ માટે આ એક ઉત્તમ સંદર્ભ ગ્રંથ છે.
વિશ્વની ઉત્પત્તિ મહાવિસ્ફોટ(big bang)થી થઈ તેવું મનાય છે. સૂક્ષ્મ તરંગ પશ્ર્ચવિકિરણ (microwave background radiation) અને વિશ્વમાં ડ્યૂટેરૉન અને હીલિયમની વિપુલતા મહાવિસ્ફોટના ખ્યાલને ટેકો આપે છે. તેમના આ પુસ્તકમાં, રાયચૌધરીએ આ વિશે વિશદ ચર્ચા કરી છે. વિસંવાદી લાલ સંસરણ(anomalous red shift)નો કોયડો હજુ વણઊકલ્યો રહ્યો છે તથા ઋણ પ્રતિવેગી પ્રાચલ (negative deceleration parameter) વિક્ષેપનું સૂચન કરે છે. આ બંને સમસ્યાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. આ બધી વાતો પ્રયોગલક્ષી થઈ. સૈદ્ધાંતિક બાજુએ આ પુસ્તકમાં હૉકિંગ-પેનરોઝના પ્રમેય જેવાં બીજાં રસપ્રદ પણ ઓછા મહત્ત્વનાં પ્રમેયોની પણ રજૂઆત કરવામાં આવી છે. બ્રાન્સ ડિકે અને આઇન્સ્ટાઇનકાર્ટનના સિદ્ધાંત ઉપર આધારિત બ્રહ્માંડવિદ્યા ઉપર અદ્યતન પરામર્શન આ પુસ્તકમાં કરવામાં આવ્યું છે. અબ્દુસ સલામ અને અન્યે આપેલ બે-પ્રદિશ (two-tensor) સિદ્ધાંતની પણ રજૂઆત આ પુસ્તકમાં કરવામાં આવી છે. આ પુસ્તકની સૌથી વધુ ધ્યાનાકર્ષક બાબત તો એ છે કે તેમાં હૉઇલનારલીકરના સમવિન્યાસીય નિશ્ર્ચર (conformally invariant) સિદ્ધાંતનો પણ ઉલ્લેખ મળી રહે છે.
અમલકુમાર રાયચૌધરી વિદ્યાવ્યાસંગી સંનિષ્ઠ શિક્ષક, સમર્થ સંશોધક છે. નખશિખ ભારતીય નાગરિક છે. તેઓ ભારતીય સંસ્કૃતિને વરેલા છે. તીવ્ર ઉત્કંઠા સાથે બધાં જ સ્વયંભૂ જ્યોતિર્લિગોનાં દર્શન સાથે આ સાંસ્કારિક વિજ્ઞાની આજે અમૃત-મહોત્સવની વય વટાવવા છતાં અભ્યાસનિષ્ઠ છે.
પ્રહલાદ છ. પટેલ