મૈત્રેયી : વેદ અને ઉપનિષદોના સમયની બ્રહ્મવાદિની સ્ત્રી. મૈત્રેયી યાજ્ઞવલ્ક્ય ઋષિની વિદુષી પત્ની હતી. મૈત્રેય ઋષિના કુળમાં જન્મેલી હોવાથી તેને મૈત્રેયી એવા નામથી ઓળખવામાં આવે છે. યાજ્ઞવલ્ક્ય ઋષિને પરણીને મૈત્રેયીએ સંસારનો અનુભવ સારી રીતે કર્યો. એ પછી જ્યારે યાજ્ઞવલ્ક્ય સંન્યાસ લેવા તૈયાર થયા અને પોતાની મિલકતના બે ભાગ કરી પોતાની બંને પત્નીઓને માલમિલકત આપવા નિર્ણય કર્યો, તે સમયે મૈત્રેયી ‘શું આ મિલકતથી એમને બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થશે ?’ એવો પશ્ન પતિને પૂછ્યો અને પોતાને બ્રહ્મજ્ઞાન આપવા માટે યાજ્ઞવલ્ક્યને વિનંતી કરી. એ વિનંતી સ્વીકારીને યાજ્ઞવલ્ક્યે મૈત્રેયીને બ્રહ્મજ્ઞાન આપ્યું. બંને વચ્ચેનો સંવાદ બૃહદારણ્યક ઉપનિષદમાં રજૂ થયો છે. એ પછી પોતાના પતિના જ્ઞાનને મૈત્રેયીએ ઓર દીપાવ્યું અને બ્રહ્મવાદિની ઋષિકા તરીકે બૃહદશ્વને શિષ્ય તરીકે સ્વીકારી તેને બ્રહ્મજ્ઞાન આપ્યું. પ્રાચીન ભારતની આ તેજસ્વી વિદુષી સ્ત્રી હતી કે જેની પાસે પુરુષ પણ શિષ્યભાવે બ્રહ્મવિદ્યા જેવી અઘરી વિદ્યા પ્રાપ્ત કરે.
પ્ર. ઉ. શાસ્ત્રી