મેંદાલકડી : દ્વિદળી વર્ગમાં આવેલા લૉરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Litsea glutinosa (Louc.) C. B. Robins syn. L. chinensis Lam; L. sebifera Pars (સં. મેદાસક; હિં. મ. મૈદાલકડી; બં. ગરૂર, કુકરચિતે, મૈદાલકડી; તા. તે મેદાક નરમમીદી; પં. મેદાસક, મેદાલકડી; અ. મગાસે હિન્દી; ફા. કિલ્જ) છે.
બાહ્ય લક્ષણો : તે 25 મી. સુધીની ઊંચાઈ અને 1.5 મી.નો ઘેરાવો ધરાવતી સદાહરિત ક્ષુપ કે વૃક્ષ સ્વરૂપ ધરાવતી વનસ્પતિ છે અને સમગ્ર ભારતમાં 1350 મી.ની ઊંચાઈ સુધી થાય છે. તેની શાખાઓ અને પુષ્પવિન્યાસદંડ મૃદુરોમિલ (pubescent) હોય છે. તેની છાલ ઉપરથી બદામી-ભૂખરી, બૂચ જેવી (corky) અને અંદરની બાજુએથી રક્તાભ અને સ્નિગ્ધ (viscid) હોય છે. પર્ણો સાદાં, એકાંતરિત, ઉપવલયીઅંડાકાર(elliotic-ovate) કે લંબચોરસ-(ભાલાકાર (oblong–lanceolate), 7.5–15.0 સેમી. જેટલાં લાંબા, 10–12 જોડ શિરાવાળાં, રોમિલ અને સુગંધિત (aromatic) હોય છે. પુષ્પો સફેદ કે પીળા રંગનાં અને છત્રક (umbel) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. ફળ ગોળાકાર, કાળાં કે જાંબલી હોય છે. પુષ્પનિર્માણ જૂન–જુલાઈમાં અને ફળનિર્માણ સપ્ટેમ્બર–ઑક્ટોબરમાં થાય છે. વનસ્પતિનું પ્રસર્જન બીજ કે ગુલ્મવન પ્રરોહ (coppice shoot) દ્વારા થાય છે. તે સારા પ્રમાણમાં છાંયડો આપતું અને ઝડપી વૃદ્ધિ સાધતું વૃક્ષ છે.
તેનું કાષ્ઠ પીળાશપડતું ભૂખરું કે ભૂખરું-બદામી હોય છે અને ઘેરી રેખાઓ ધરાવે છે. જ્યારે પ્રથમ વાર ખુલ્લું થાય છે ત્યારે તે ચમકીલું હોય છે, પરંતુ સમય જતાં ક્રમશ: ઝાંખું બને છે. અંત:કાષ્ઠ (heartwood) અસ્પષ્ટ હોય છે. તે મધ્યમસરનું સખત અને ભારે (વિ. ગુ. 0.67, વજન 689 કિગ્રા./ઘમી.), પ્રમાણસર સુરેખ (straight) અથવા અરીય સમતલ(radial plane)માં તરંગિત અને મધ્યમ ગઠનવાળું (textured) હોય છે. તે ટકાઉ હોય છે અને સપાટી ઝાંખી હોવા છતાં પૉલિશ સારી ગ્રહણ કરે છે. તેનું કાષ્ઠ ઇમારતી બાંધકામમાં, રાચરચીલું, પૅકિંગ માટેનાં ખોખાં, કૃષિનાં ઓજારો અને હલેસાં બનાવવામાં ઉપયોગી છે. તેનો ભોંયતળિયું કે છત બનાવવામાં ઉપયોગ થાય છે. તે અત્યંત ભેજ કે અત્યંત શુષ્ક પરિસ્થિતિમાં ટકતું નથી.
રાસાયણિક બંધારણ : મેંદાલકડીમાંથી પ્રાપ્ત થયેલા રાસાયણિક ઘટકોમાં ટેનિનો, b–સિટોસ્ટેરૉલ અને ઍક્ટિનોડેફિનન, બોલ્ડિન, નૉરબૉલ્ડિન, લૉરોટીટેનિન, N–મિથાઇલ લારૉટીટેનિન, N–મિથાઇલઍક્ટિનોડેફિનન, ક્વિર્સેટિન, સેબિફેરિન, લિત્સિફેરિન, કૅમ્પ્ફેરૉલ–3–ગ્લુકોસાઇડ, ઍમિનોઍસિડો, ક્વિર્સેટિન–3–રહેમ્નોસાઇડ, કૅમ્પ્ફેરૉલ–7–ઍમિનોગ્લુકોસાઇડ, પેલાર્ગોનિડિન–5–ગ્લુકોસાઇડ, નેરિન્જેનિન–7–મોનોર્હેમ્નોસાઇડ, સૅસ્ક્વિટર્પીનો, β–એમાયરિન ઍસિટેટ
મેંદાલકડીની છાલના ચૂર્ણના મિથેનૉલીય નિષ્કર્ષમાંથી આલેઇક ઍસિડ, ટ્રાઇકોસેન, ઈરુસિક ઍસિડ, ટેટ્રાડેકાનૉઇડ ઍસિડ, પાયરોલિડિનોન, પાઇપરિડિન, આઇકોસેનિક ઍસિડ જેવાં વનસ્પતિરસાયણો પ્રાપ્ત થયાં છે. આલ્કેલૉઇડ અંશમાંથી આઇકોસેન, પાઇપ્રિઝિન, પાયરિડિન, થાયો-કાઉમેરિન, ટેટ્રાહાઇડ્રૉઆઇસોક્વિનૉલિન જેવાં ચિકિત્સીય ર્દષ્ટિએ કાર્યક્ષમ સંયોજનો મળી આવ્યાં છે. આ વિવિધ ઍન્ડ્રોસ્ટૅન ઉપરાંત, ઍન્ન્ડ્રાસ્ટે-ટ્રાયૉન, પ્રેગ્નેન જેવાં વનસ્પતિ ઍસ્ટ્રોજન પણ જોવા મળ્યાં છે; જેઓ વનસ્પતિની વાજીકર (aphrodisac) અને અસ્થિસંરક્ષી(osteoprotective) અસર માટે જવાબદાર છે.
આલ્કેલૉઇડોના ઉપાંશો (subfractions)
(A) : ડાઇક્લોરો ઍસિટાઇલ ફિનાઇલ પાઇપરેઝિન, સિનેમોલૉરિન, ઍન્ડ્રોસ્ટૅ–1, 4 ડાયેન ટ્રાયૉન, 3< ઍસિટાઇલ–20 કીટો–11–પ્રેગ્નેન, ટેટ્રાહાઇડ્રોઆઇસોક્વિનૉલિન, ફ્લુઅરોસિનેમિક ઍસિડ, ક્રિનેમાઇન, ઍન્ડ્રોસ્ટેન–3, 17–ડાયૉલ, ડાઇહાઇડ્રૉઍન્ડ્રોસ્ટેરૉન.
(B) 4, 4, 6–ટ્રાઇમિથાઇલ થાયોકાઉમેરિન, કાઉમેરિન, ગેસ્ટોનોરૉન
(C) આઇકોસેન, ઑલેઈક ઍસિડ, પામિટાઇલ ઍસ્ટર, ડાઇમિથૉક્સિ ટેટ્રાડાઇહાઇડ્રોઆઇસોક્વિનૉલિન, ઍમિનોફિનાઈલ ફ્લુઅરોસિનેમિક ઍસિડ
(D) આઇકોસિન, ડોડેકેન, હેપ્ટા ડેકેન
(E) ટ્રાઇમિથાઇલ ડોડેકેન, પેન્ટા ડેકેન્ડ
(F) ટ્રાઇકોસેન, હેપ્ટા ડેકેન
(G) બૅન્ઝીન ડાઇકાર્બોઝાયલિક ઍસિડ ડાઇઉન્ડેસાઇલ ઍસ્ટર; ટ્રાઇડેકાનૉઇડ ઍસિડ, ડાઇઍસાઇલ ઍસ્ટર
(H) હેપ્ટા ડેકાનૉઇક ઍસિડ હાઇડ્રોક્સિલ પ્રોપેનડાઈલ ઍસ્ટર, હેપ્ટા કોસેન
શુષ્ક છાલનું ચૂર્ણ મિથેનૉલમાં લગભગ 6.66 % જેટલી ઊપજ આપે છે અને આલ્કેલૉઇડ અંશ લગભગ 1.12 % જેટલી ઊપજ આપે છે. મેંદાલકડીનો છાલનો નિષ્કર્ષ અને તેમાં રહેલાં આલ્કેલૉઇડો ફૂગરોધી (antifungal) સક્રિયતા દર્શાવે છે. તેની છાલમાં બે ઍપોર્ફિન આલ્કેલૉઇડોની ઉપસ્થિતિ જાણવા મળી છે. છાલમાં રહેલો ઑલેઇક ઍસિડ અલ્પરક્તદાબી (hypotensive) અસર સહિત વિવિધ જૈવિક અસરો દાખવે છે. આઇકોસેનૉઇડો સંકેતન (signalling) અણુઓ છે. તેઓ શોથ(inflammation)ની ક્રિયામાં અંત:કોષીય (intracellular) સંકેતન દરમિયાન ઉત્પન્ન થાય છે. પ્રેગ્નેન વ્યુત્પન્નો અને ઍન્ડ્રોસ્ટે-ટ્રાયૉનો જેવા વનસ્પતિ ઍસ્ટ્રોજન અસ્થિસંરક્ષી પ્રક્રિયકો સાબિત થયા છે; જેઓ ગર્ભાશય ઉપર કોઈ મહત્ત્વપૂર્ણ અસર દર્શાવતા નથી. મેંદાલકડીની છાલનો ઇથેનૉલીય નિષ્કર્ષ નરઉંદરોમાં લિંગી વર્તણૂકના સંદર્ભમાં સ્ખલન પ્રસુપ્તિ(ejaculation latency)માં વધારો અને સ્ખલનની વારંવારતામાં ઘટાડો દર્શાવી વાજીકર અસર પ્રદર્શિત કરે છે. આ વનસ્પતિમાં ટેસ્ટોસ્ટેરૉનનાં વિવિધ વ્યુત્પન્નોની ઉપસ્થિતિ હોય છે; જે તેની વાજીકર અસરને અનુમોદન આપે છે. આ વનસ્પતિમાં કાઉમેરિન અને સિનેમિક ઍસિડ જેવાં ફ્લેવોનૉઇડો અને સિનેમોલૉરિન તથા ક્રિનેમિન જેવાં આલ્કોલૉઇડો ઔષધીય(phamaceutical) ગુણધર્મ ધરાવે છે. અનેક પાઇપરિઝિન વ્યુત્પન્નો ઔષધગુણવિજ્ઞાનીય (pharmacological) ઔષધો છે. પાઇપરિઝિન અને પાઇપરિડિન વ્યુત્પન્નો વિવિધ ઔષધોના નિર્માણમાં ઉપયોગમાં લેવામાં આવે છે. પાઇપરિઝિન સાઇટ્રેટ કૃમિઓના ચેપની ચિકિત્સામાં વપરાતું પ્રમાણિત ઔષધ છે. આમ મેંદાલકડી કૃમિનાશક (anthelmintic) ગુણધર્મ ધરાવે છે. પાઇપરિડિનનાં વ્યુત્પન્નો ઔષધનિર્માણમાં પાયાના ઘટકો ગણાય છે.
છાલમાં જલદ્રાવ્ય એરેબિનોઝાયલેન(D–ઝાયલૉઝ અને L–એરેબિનોઝ 1.0:3.4ના ગુણોત્તરમાં) હોય છે.
મેંદાલકડીની છાલ શામક (demulcent) ઔષધ છે. તે ભારતીય બજારોમાં ‘મેંદાલકડી’ તરીકે વેચાય છે. તે થોડા સેમી.ની લંબાઈના ટુકડા સ્વરૂપે મળે છે.
આયુર્વેદિક સાહિત્યમાં દર્શાવાયેલા તેના ગુણ આ પ્રમાણે છે :
ગુણ (properties)
ગુણ(attribute)લઘુ, સ્નિગ્ધ રસ(taste)કટુ-તિક્ત-કષાય
વિપાક(postmetabolic product)-કટુ વીર્ય(potency)-ઉષ્ણ
કર્મ (Action)
દોષકર્મ : કટુ અને ઉષ્ણ હોવાથી કફનું તથા સ્નિગ્ધ અને ઉષ્ણ હોવાથી વાયુનું શમન કરે છે.
કર્મ-બાહ્ય : તેની છાલ અને તેલ શોથહર અને વેદના સ્થાપન હોય છે.
પાચનતંત્ર : તે કટુતિક્ત અને ઉષ્ણ હોવાથી દીપન અને ગ્રાહી હોય છે.
રુધિરાભિસરણતંત્ર : તે શોથહર અને થોડીક રક્તસ્તંભન હોય છે.
શ્વસનતંત્ર : સ્નિગ્ધ અને કટુતિક્ત હોવાથી કફનિ:સારક હોય છે.
પ્રજનનતંત્ર : ઉષ્ણ હોવાથી તે કામોત્તેજક હોય છે.
ચેતાતંત્ર : વાતશામક હોવાથી તે વેદનાસ્થાપન અને આક્ષેપહર હોય છે. તેનાથી ચેતાઓને બળ મળે છે.
ત્વચા : તેનું તેલ માર્દવકર અને વાતશામક હોય છે.
પ્રયોગ
દોષકર્મ : તેનો પ્રયોગ કફવાતજન્ય રોગોમાં કરવામાં આવે છે.
પ્રયોગ બાહ્ય : સંધિશોથ, અસ્થિભંગ, આઘાત, સંધિજાડ્ય (સંધિજડતા) વગેરે રોગોમાં તેનો લેપ લગાવાય છે.
પાચનતંત્ર : દીપન અને ગ્રાહી હોવાથી અગ્નિમાંદ્ય, અતિસાર વગેરે પેટના રોગોમાં તે ઉપયોગી છે.
રુધિરાભિસરણતંત્ર : શોથરોગ અને રક્તસ્રાવ રોકવામાં તેનો ઉપયોગ થાય છે.
શ્વસનતંત્ર : તે જીર્ણતાવમાં ફાયદાકારક છે.
પ્રજનનતંત્ર : કલૈબ્ય રોગમાં આપવાથી શિથિલતા દૂર થાય છે.
ચેતાતંત્ર : મુખ્ય વાતશામક હોવાથી ગૃધ્રસી, વાતરક્ત, કટિશૂળ, આક્ષેપક, આમવાત વગેરે રોગોમાં તેનો ઉપયોગ થાય છે.
ત્વચા : રુક્ષતાપ્રધાન ત્વચાના રોગોમાં તે ઉપયોગી છે.
પ્રયોજ્ય અંગ : ત્વક્. માત્રા – ચૂર્ણ 1–3 ગ્રામ.
પ્રસિદ્ધ ઔષધો : અસ્થિસંધાનક લેપ, મૂઢમારનાશક લેપ
અન્ય પ્રયોગો :
(1) અતિસાર અને પ્રમેહમાં મેંદાલકડીની છાલનું 2.0 ગ્રામ જેટલું ચૂર્ણ પાણી સાથે આપવામાં આવે છે. (2) મૂઢમાર ઉપર મેંદાલકડી, સાજીખાર અને આંબાહળદરનું ચૂર્ણ બનાવી પાણીમાં ગરમ કરી તેનો લેપ લગાડવાથી ગંઠાઈ ગયેલું લોહી છૂટું પડી જાય છે અને વેદના મટી જાય છે. (3) પુષ્ટતા માટે મેંદાલકડીનું 5–6 ગ્રામ જેટલું ચૂર્ણ રોજ સાકરયુક્ત દૂધમાં દર્દીને પિવડાવાય છે. (4) પ્રદર અને પ્રમેહમાં મેંદાલકડીનું ચૂર્ણ સાકર અને ઘી સાથે દર્દીને રોજ ચટાડવામાં આવે છે. (5) અસ્થિભંગ ઉપર મેંદાલકડીનું 10 ગ્રામ ચૂર્ણ ગોળ, ઘઉં અને ઘીના શિરામાં ઉમેરી અથવા ચૂર્ણનું રોજ દૂધ સાથે સેવન કરવાથી તૂટેલું અસ્થિ જલદી સંધાય છે.
મેંદાલકડીની છાલ શ્લેષ્મી(mucilagenous), મંદ બાલ્સમીય (balsmic) અને મંદ સ્તંભક(astringent) હોય છે. તેનો અતિસાર (diarrhoea) અને મરડામાં ઉપયોગ થાય છે. મોચ, ઉઝરડા અને સંધિશોથમાં તેનો લેપ પ્રશામક (emollient) તરીકે ઉપયોગી છે. સરસ, ગૂગળ, ગુજર, બોર, મેંદાલકડી અને રેવચીના શીરાનો લેપ મૂઢમાર અને અસ્થિભંગમાં લાભદાયી છે.
તેનાં પર્ણો શ્લેષ્મી હોય છે અને પ્રશામક અને પ્રતિઉદ્વેષ્ટી (antispasmodic) ગણાય છે. તે આસવ બનાવવામાં અને ઘા અને ઉઝરડામાં પોટીસ તરીકે ઉપયોગી થાય છે. પુષ્પીય કલિકાઓ પણ આ પ્રકારના ગુણધર્મો ધરાવે છે. તેનાં પર્ણોનો ઢોરના ચારા તરીકે પણ ઉપયોગ થાય છે.
ફળ ખાદ્ય હોય છે. બીજમાં તીવ્ર સુગંધિત (aromatic) વાસવાળું અને અણગમતા સ્વાદવાળું લગભગ 35 % જેટલું તેલ હોય છે. તેની લાક્ષણિકતાઓ આ પ્રમાણે છે : વિ.ગુ. 300 0.919; વક્રીભવનાંક, n30 1.4451; આયોડિન આંક 6.3; સાબૂકરણ આંક 274.1; ઍસિડ આંક 4.5 અને અસાબૂનીકરણીય(unsapomifiable) દ્રવ્ય 6.3 % તેમાં લૉરિક ઍસિડ 96.3 % અને ઑલિક ઍસિડ 2.3 % હોય છે. તેને શુદ્ધ અને ગંધરહિત બનાવ્યા પછી ખાવાના હેતુ માટે ઉપયોગ કરી શકાય છે. ચીન અને જાવામાં મીણબત્તીઓ અને સફેદ સાબુ બનાવવામાં તેના તેલનો ઉપયોગ કરવામાં આવે છે. તે લૉરિક ઍસિડનો મુખ્ય સ્રોત છે, અને તેમાંથી સ્વચ્છક (detergent) તરીકે ઉપયોગમાં લેવાતાં લૉરિલ સંયોજનો બનાવવામાં આવે છે.
તેનાં મૂળ મીઠાશપડતાં કડવાં, ઉત્તેજક અને પોષણ આપનાર છે. ફિલિપાઇન્સમાં તેનો ક્વાથ આર્તવ-ઉત્તેજક (emmenagogue) તરીકે ઉપયોગી છે.
मेदासको लघुः स्निग्धः कटुस्तिक्तः कखायकः ।
उष्णो वातकफौहन्ति शोथशूलविनाशनः ।।
दीपनः स्तंभनश्चैव सर्ववातविकारनुत् ।
अग्निमांधऽतिसारे च रक्तस्रावे च युयते ।।
प्रियव्रतशर्माकृत
ભાલચન્દ્ર હાથી
બળદેવભાઈ પટેલ