મેસ્મર, ફ્રાન્ઝ ઍન્ટૉન (જ. 23 મે 1734, ઇઝનાન્ગઅમ બોડેન્સી, ઑસ્ટ્રિયા; અ. 5 માર્ચ 1815, મેસબર્ગ, ઑસ્ટ્રિયા) : ચિકિત્સાપદ્ધતિમાં સંમોહનવિદ્યા(mesmerism)નો ઉપયોગ કરનારા ચિકિત્સક, આ પદ્ધતિના આદ્યપ્રણેતા. વૈદકીય શાસ્ત્રમાં મનશ્ચિકિત્સાના ભાગ રૂપે સંમોહનપદ્ધતિનો ઉપચાર કરવામાં આવે છે. ચિકિત્સાનો આ પ્રકાર માનસિક રોગ સાથે સંકળાયેલા વ્યાધિઓની સારવારમાં મહત્વનો ભાગ ભજવે છે. આ સારવારપદ્ધતિના મેસ્મર આદ્ય પ્રણેતા હતા અને તેથી તેમણે વિકસાવેલી આ ઉપચારપદ્ધતિ તેમના નામ ઉપરથી ‘મેસ્મેરિઝમ’ના નામે ઓળખાય છે.
મેસ્મરે ઑસ્ટ્રિયાની વિયેના યુનિવર્સિટીમાંથી એમ.ડી.ની ઉપાધિ મેળવી અને ગૂઢવાદી ચિકિત્સક પેરાસેલ્સસનાં લખાણો તરફ આકર્ષાયા. પ્રથમ તેઓ જ્યોતિષશાસ્ત્ર તરફ આકર્ષાયા. મનુષ્યના આરોગ્ય ઉપર કોઈ અર્દશ્ય પ્રવાહી મારફતે આકાશી ગ્રહોનાં પરિબળો અસર કરે છે એવું તેઓ માનતા થયા. તેમની માન્યતા મુજબ તારાઓ તેમજ પ્રાણીઓમાંથી ચુંબકીય તરંગો પ્રસરે છે અને આવા તરંગો લોખંડમાંથી પણ બહાર પડે છે. મેસ્મરે આ માન્યતાને અધીન માનસિક રોગોના દર્દીઓની સારવાર માટે લોખંડની સળી અને સંમોહનપદ્ધતિ અપનાવી. તેમની માન્યતા મુજબ આ પદ્ધતિ દ્વારા તેઓ કોઈ વ્યક્તિના પ્રાણીચુંબકત્વ મારફતે નિર્ધારિત વ્યક્તિ ઉપર અવકાશી બળ મોકલી શકે છે. આ સારવારના ભાગ રૂપે તેઓ દર્દીઓને ગંધકનો મંદ તેજાબ ભરેલા મોટા વાસણની આસપાસ બેસાડતા અને આ વાસણમાં લોખંડનો એક સળિયો અંશત: ડુબાડતા. દર્દીઓને સળિયાનો ઉપરનો છેડો પકડી રાખવાનું કહેવામાં આવતું.
વિયેનાના અન્ય ચિકિત્સકોએ તેમની આ વશીકરણવિદ્યાને જાદુ ગણાવી તેનો વિરોધ કરેલો. પરિણામે તેમને 1778માં વિયેના છોડી પૅરિસમાં જવાની ફરજ પડી. શરૂઆતમાં પૅરિસમાં તેમનો આ વ્યવસાય ખૂબ ચાલ્યો; પરંતુ પૅરિસના તબીબોએ પણ તેમનો સખત વિરોધ કર્યો. તેના અનુસંધાનમાં 1784માં ફ્રાન્સના રાજા લુઇ 16માએ વૈજ્ઞાનિકો અને તબીબોની એક તપાસસમિતિ નીમી; જેમાં બેન્જામિન ફ્રાંકલિન અને ઍન્ટોની લેવોઇઝર જેવા સભ્યો હતા. આ કમિશને તેમની સારવાર-પદ્ધતિને ‘વ્યક્તિગત કલ્પનાની અસરવાળી સારવાર’ ગણાવી વિરોધ કરતો ચુકાદો આપ્યો અને મેસ્મરને લંડન ભાગી જવું પડ્યું. ઇગ્લૅન્ડમાં પણ તેમને સફળતા મળી નહિ.
1783માં મેસ્મર્સ સોસાયટી ઑવ્ હાર્મનીની સ્થાપના થઈ. આ સોસાયટીએ વૈજ્ઞાનિકોમાં, ગૂઢવાદીઓમાં તેમજ જાદુમંતર કરનારાઓમાં સારું એવું આકર્ષણ જમાવ્યું હતું. મેસ્મેરિઝમને હાલમાં ઘણા લોકો એક તૂત તરીકે ઓળખે છે. કેટલાક તેનો અતિશયોક્તિભરી આત્મવંચના કરતી સારવાર તરીકે નિર્દેશ કરે છે; જ્યારે કેટલાક લોકો તેને ‘હિપ્નૉટિઝમ’ તરીકે ગણે છે અને તેનો આદર કરે છે. હાલમાં માનસિક રોગોની ચિકિત્સા માટે વશીકરણ કે સંમોહનપદ્ધતિનો સ્વીકાર થયો છે.
રા. ય. ગુપ્તે