મૅસ્ટિક (Mastic અથવા Mastich) : મૅસ્ટિક વૃક્ષને કાપા પાડતાં તેમાંથી ઝરતું નરમ ઍરોમૅટિક રેઝિન. તે મુખ્યત્વે ધાતુઓ તથા ચિત્રકામોના રક્ષણ માટે ઉપયોગમાં લેવાતો પીળો વાર્નિશ બનાવવા વપરાય છે. અગાઉ તે ઘા ઉપર મલમપટ્ટા માટે પણ વપરાતું. ગરમ કરી ઘટ્ટ બનાવેલા અળસીના તેલ(linseed oil)ને મેગિલ્પ (megilp) કહે છે, જે રંગના માધ્યમ (vehicle) તરીકે વપરાય છે. બનાવટી દાંતનાં ચોકઠાં બનાવવામાં તે આસંજક તરીકે પણ વપરાય છે.
મૅસ્ટિક અથવા લૅન્ટિસ્કનો છોડ (Pistacia lentiscus) કાજુની જાતનો છોડ છે. તે ભૂમધ્ય સમુદ્રના કાંઠાના સીરિયાથી સ્પેન સુધીના પ્રદેશોમાં તેમજ પોર્ટુગલ, મોરોક્કો અને કૅનેરી ટાપુઓમાં ઊગે છે.
આ રેઝિન વૃક્ષના કાષ્ઠમાં નહિ, પણ છાલમાં હોય છે. તેને એકઠું કરવા જૂનથી ઑગસ્ટ માસ દરમિયાન વૃક્ષનાં થડ તથા મુખ્ય ડાળીઓ પર અનેક ઊભા કાપા પાડવામાં આવે છે, જેમાંથી તરત રેઝિન ઝમવા લાગે છે અને તે અંડાકાર કઠણ ટીપાંના રૂપમાં ફેરવાઈ જાય છે. તેને જૂન અને સપ્ટેમ્બર વચ્ચે દર પંદર દિવસને આંતરે વારંવાર એકઠું કરવામાં આવે છે. સામાન્ય રીતે તે વટાણા જેવા ગોળ દાણા રૂપે વેચાય છે.
મૅસ્ટિક વૃક્ષના જેવાં મેસ્ટિકનું રાસાયણિક સંઘટન આ પ્રમાણે છે : α – મેસ્ટિકેરેઝિન (α-masticaresene) 30 %, β-મેસ્ટિકોરેઝિન 20 %, α-મેસ્ટિકોનિક ઍસિડ 20 %, β- મેસ્ટકોનિક એસિડ 18 %, α અને β-મેસ્ટિકોનિક(masticinic) ઍસિડો 4 %, સુગંધિત તેલ 2 %. મૅસ્ટિક રેઝિન આપતાં અન્ય વૃક્ષોમાં Pistacia atlantica (ઘન સ્વરૂપે મૅસ્ટિક આપતું વૃક્ષ), Euryops multifidus, Bursera gummifera (વેસ્ટ ઇન્ડિઝ), Schinus molle(પેરુ તથા કૅલિફૉર્નિયા)નો સમાવેશ થાય છે. Fidenxylon mastichodendron (વેસ્ટ ઇન્ડિઝ તથા ફ્લૉરિડા) પણ મૅસ્ટિક વૃક્ષ તરીકે જાણીતાં છે.
‘મૅસ્ટિક’ શબ્દ પરિરક્ષક (protective) આચ્છાદનો અને સિમેન્ટ તરીકે વપરાતા પદાર્થો માટે પણ વપરાય છે.
જ. પો. ત્રિવેદી