મેસોં, આન્દ્રે (Masson, Andre) (જ. 1896, ફ્રાંસ; અ. 1987) : પરાવાસ્તવવાદી ચિત્રકલાના પ્રારંભિક અને પ્રમુખ ચિત્રકારોમાંના એક. જન્મજાત હિંસક, અશાંત અને અરાજકતાવાદી (anarchist) પ્રકૃતિ ધરાવતા મેસોંનો સ્થાયી ભાવ ઊંડા ભયનો હતો. પ્રથમ વિશ્વયુદ્ધમાં તેઓ એટલા બધા તો ઘવાયા  હતા કે માંડ માંડ મૃત્યુના મુખમાંથી બચી શક્યા. આ અનુભવે તેમની અસુરક્ષાની લાગણીને ઓર ભડકાવી. આ પછી સમસ્ત મનુષ્યસમાજ પાગલ છે એવી પ્રતીતિ તેમને થઈ, જે છેક લગી ટકી. તેમની માનસિક હાલત અસંતુલિત બનતાં 1920માં  તેમને મનોરોગીઓની ઇસ્પિતાલમાં પણ દાખલ કરવા પડેલા. આ દરમિયાન તેમણે સર્જેલી કૃતિઓ તેમની શ્રેષ્ઠ કૃતિઓ ગણાય છે. તેમાં  પરાવાસ્તવવાદમાં પાયાના ગણાતા ઘટકો  કલ્પનાનાં મુક્ત ઉડ્ડયનો (fantasies) અને સ્વયંસંચલિતતા (automatism) સ્પષ્ટ સ્ફુટ થાય છે. વળી તેમની કૃતિઓમાં જુઆન ગ્રિસ(Juan Gris)નાં ઘનવાદી ચિત્રોની અસર પણ છે. ભયંકર નિરાશા અને પાગલ ઉન્માદનાં આ ચિત્રોમાં માનવ-હિંસાનાં તાંડવ, હાથે કરીને ઊભા કરેલા દુ:ખમાંથી આનંદ પામવાની મનોવૃત્તિ (sadism) તેમજ માછલાં અને કીડા-જીવડાં વગેરે જોવા મળે છે. 1928 અને 1929નાં બે વર્ષો તેઓ સ્પેનમાં રહ્યા અને સાલ્વાડૉર ડાલીનો પ્રભાવ ઝીલ્યો. બીજું વિશ્વયુદ્ધ શરૂ થતાં  તેઓ અમેરિકા જઈ સ્થિર થયા અને ન્યૂયૉર્કમાં નિયમિત પ્રદર્શન કરી અમેરિકાની નવી પેઢીના ચિત્રકારો પર ઘેરો પ્રભાવ પાડ્યો.

યુદ્ધ પૂરું થતાં તેઓ ફ્રાંસ આવ્યા. તે પછીનાં તેમનાં ચિત્રોમાં શાંત ભાવ પ્રકટવો શરૂ થયો. 1960 પછી તેઓ અમૂર્ત અભિવ્યક્તિવાદ (abstract expressionism) તરફ ઢળ્યા.

અમિતાભ મડિયા