મૅલેર્બ, ફાંસ્વા દ [જ. 1555, કૅન (નજીક), ફ્રાન્સ; અ. 16 ઑક્ટોબર 1628, પૅરિસ] : ફ્રેન્ચ કવિ અને સિદ્ધાંતપ્રવર્તક. ચુસ્ત આકાર-સૌષ્ઠવ, શૈલીની સંયતતા અને કાવ્યબાનીની શુદ્ધતા પરત્વેના તેમના અત્યાગ્રહને પરિણામે જ ફ્રૅન્ચ ક્લાસિસિઝમનો આવિષ્કાર થયો.
તેમણે કૅન અને પૅરિસ ખાતે અને પાછળથી બૅઝબ (1571) તથા હાઇડલબર્ગ (1573) યુનિવર્સિટી ખાતે પ્રૉટેસ્ટન્ટ ધર્મનું શિક્ષણ લીધું, પણ પાછળથી તેઓ મવાળ પ્રકૃતિના કૅથોલિસિઝમ તરફ વળ્યા.
1577માં તેઓે ગવર્નરના સેક્રેટરી તરીકે પ્રૉવેન્સ ગયા. તેમનું પ્રથમ પ્રગટ થયેલ કાવ્ય તે ‘ધ ટિયર્સ ઑવ્ સેંટ પીટર’ (1587). બે કાયદાશાસ્ત્રીઓ સાથેની તેમની મૈત્રીના પરિણામે તેમના વ્યક્તિત્વનો અનોખો વિકાસ થયો અને તેમની બૌદ્ધિક પ્રતિભામાં પ્રૌઢિનો ગુણ પાંગર્યો. એ બે મિત્રો હતા – તિતિક્ષુ તત્ત્વચિંતક ગિલોમી દુવેર અને બીજા અસાધારણ કોટિના વિદ્વાન નિકલસન ક્લૉડ. 1600માં મેરી ડી મેદિચી નામનાં નવાં સમ્રાજ્ઞીને ઉદ્દેશીને લખાયેલ ઓડથી તેમને વ્યાપક ખ્યાતિ મળી.
1605માં આવા મિત્રોના સાથ-સહકારથી તેઓ પૅરિસ ગયા. હેન્રી ચોથાને ન તો કવિતામાં રસ હતો કે ન હતી સ્વભાવમાં ઉદારતા. છતાં મૅલેર્બ રાજકવિ તરીકેનું સ્થાન મેળવી શક્યા અને રાજ્યાશ્રય નિમિત્તે સાધારણ નિર્વાહ-વેતન પણ મળતું થયું. તેમણે નાનું અનુયાયી-મંડળ જમાવ્યું. તેમની વિવેચનાનો પ્રભાવ તેમના ઉગ્ર શાબ્દિક પ્રહારો મારફત ઝિલાયો અને એમાંનાં કેટલાંક આક્રોશલક્ષી મંતવ્યો રૅસન જેવાનાં પુસ્તકોમાં ગ્રંથસ્થ થયેલાં છે.
તેમનાં ગદ્ય-લખાણોમાં લિવી અને સેનેકાની કૃતિઓનાં ભાષાંતર, મિત્ર પૅરેસને ઉદ્દેશીને લખેલા દરબારી જીવનનું ચિત્ર આલેખતા રસપ્રદ પત્રો તેમજ ફિલિપ દેર્સ્પોતેસ નામના કવિની કૃતિઓ વિશેની વિવેચના મુખ્ય છે. વિસ્તારપૂર્વક લખાયેલી આ નોંધો સંપૂર્ણપણે નકારાત્મક છે અને લેખનકૌશલ્યના ગૌણ મુદ્દાની વિશેષ ટીકાત્મક છણાવટ હોય છે; આમ છતાં સંકેત રૂપે કેટલાંક વિધેયાત્મક સૂચનો, શબ્દાર્થનો સુમેળ, ઔચિત્યવિવેક અને બુદ્ધિગ્રાહ્યતા એમાંથી સાંપડે છે. વળી સૌથી મહત્ત્વનું એ કે કવિને કોઈ પયગંબર તરીકે નહિ, પણ કાવ્યકસબી તરીકે લેખવાનું વલણ તેમનાં લખાણોમાંથી અવશ્ય ફલિત થાય છે.
તેમનાં કાવ્યોમાં કલ્પનાનો અભાવ છે; પરંતુ તેમનાં ઉત્તમ કાવ્યોમાં રહેલી સંવાદિતા તથા પ્રબળતામાં ઉદાત્તતા અને ભવ્યતા જોવા મળે છે. વસ્તુત: ફ્રેન્ચ કવિતામાં તેમણે અંકિત કરેલી પ્રભાવક મુદ્રા રોમૅન્ટિક ગાળા પર્યંત અને તે પછી પણ જળવાઈ રહી.
મહેશ ચોકસી