મૅન્શિપ, પૉલ (જ. 25 ડિસેમ્બર 1885, સેંટ પૉલ, મિનેસોટા, અમેરિકા; અ. 31 જાન્યુઆરી 1966, ન્યૂયૉર્ક શહેર, અમેરિકા) : અમેરિકાના શિલ્પી. જાહેર સ્થાનો માટેનાં વિરાટકાય શિલ્પોના સર્જન માટે તેઓ પ્રસિદ્ધિ પામ્યા છે. પ્રાચીન ગ્રીક અને પ્રાચીન ભારતીય શિલ્પકળામાંથી તેમના સર્જનને પ્રેરણા મળી હતી. અમેરિકામાં ન્યૂયૉર્ક સિટી તથા ફિલાડેલ્ફિયામાં તાલીમ લીધા પછી 1908થી 1912 દરમિયાન રોમ ખાતેની અમેરિકન એકૅડેમી ઇન રોમમાં વધુ 3 વરસ માટે તાલીમ મેળવી. અમેરિકા આવી ન્યૂયૉર્ક શહેરમાં સ્થાયી થઈ પ્રાચીન ગ્રીક અને ભારતીય પરંપરાની પ્રેરણા લઈ તેમણે નિજી શૈલી ઉપજાવી. આ શૈલી સાદી, અનલંકૃત અને લયાત્મક રેખા ધરાવે છે. જોકે તેમના શિલ્પમાં મુખ્ય પ્રભાવ ગ્રીક શૈલીનો છે, ભારતીય અસરનો અંશ ઓછો છે. 1916માં સર્જાયેલા તેમના પ્રસિદ્ધ શિલ્પ ‘ડાન્સર ઍૅન્ડ ગઝેલ્સ’ની અનુકૃતિઓ ઘણાં મ્યુઝિયમોમાં સ્થાન પામી છે. ન્યૂયૉર્ક શહેરના રૉકફેલર સેન્ટરના પ્રાંગણમાં 1934માં તેમણે સર્જેલું ઢોળ ચઢાવેલું શિલ્પ ‘પ્રોમીથિયસ ફાઉન્ટન’ તેમની એક મૂલ્યવાન કૃતિ છે. આરસમાં તેમણે ઘણાં વ્યક્તિશિલ્પોનું સર્જન કર્યું; તેમાં 1914માં સર્જેલું અને મેટ્રોપૉલિટન મ્યુઝિયમ ઑવ્ આર્ટમાં સ્થાન પામેલું ‘પૉલાઇન ફ્રાન્સિસ-થ્રી વીક્સ ઓલ્ડ’ ઘણું જ પ્રસિદ્ધ છે. મૅન્શિપે સર્જેલાં પ્રાણી-શિલ્પ ઘણાં જ ખ્યાતિ પામ્યાં છે અને આબાલવૃદ્ધ સૌની રુચિને આકર્ષી શક્યાં છે. ન્યૂયૉર્ક શહેરના બ્રૉન્ક્સ ઝૂ માટે 1934માં પૉલે સર્જેલ ‘જે. રેની મેમૉરિયલ ગેટ-વે’ની પ્રાણી-આકૃતિઓ ઘણી જ લોકપ્રિય નીવડી છે.
અમિતાભ મડિયા