મેન્દેલિયેવ, દમિત્રી ઇવાનોવિચ (જ. 8 ફેબ્રુઆરી 1834, તોબોલ્સ્ક, સાઇબીરિયા (રશિયા); અ. 2 ફેબ્રુઆરી 1907, સેંટ પીટર્સબર્ગ) : તત્વોના આવર્તક કોષ્ટક(periodic table)ને વિકસાવનાર રશિયન રસાયણશાસ્ત્રી. તેઓ શિક્ષક પિતા (વ્યાયામશાળાના નિયામક) અને પ્રભાવશાળી માતાનું 17મું (છેલ્લું) સંતાન હતા. તેમના પિતાને અંધાપો આવવાથી માતાએ આવક માટે 32 કિમી. દૂર એક કાચની ફૅક્ટરી ચલાવવા માંડી. 1847માં મેન્દેલિયેવના પિતા અવસાન પામ્યા. ત્યારપછીના વર્ષે આગને કારણે ફૅક્ટરી પણ નાશ પામી.
શાળામાં દમિત્રી ગણિત, ભૌતિકશાસ્ત્ર અને ભૂગોળ જેવા વિષયમાં પારંગત ગણાતા. તે સમયે જન્મસ્થળ પ્રમાણે પ્રવેશ મળતો હોવાથી તેમને મૉસ્કો કે સેંટ પીટર્સબર્ગ(લેનિનગ્રૅડ)માં પ્રવેશ ન મળી શક્યો. છેવટે માતા પોતાના અવસાનનાં દસ અઠવાડિયાં પહેલાં તેમને પેડેગોગિક ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ અપાવી શક્યાં.
1855માં તેમની શૈક્ષણિક ઉપલબ્ધિઓ માટે તેમને સુવર્ણચંદ્રક મળ્યો અને તેઓ શિક્ષક માટેની લાયકાત ધરાવતા થયા. તેમની નિમણૂક ક્રિમિયા ખાતે થઈ, જ્યાં ઓડેસ્સામાં તેમણે રસાયણશાસ્ત્રનો અભ્યાસ ચાલુ રાખ્યો. 1856માં તેઓ ઉચ્ચ પદવી લેવા માટે સેંટ પીટર્સબર્ગ આવ્યા. 1857માં તેમને યુનિવર્સિટીમાં પ્રથમ નિમણૂક મળી.
તેમની શૈક્ષણિક દક્ષતાને ધ્યાનમાં લઈને 1859માં રાજ્ય સરકારે તેમને યુનિવર્સિટી ઑવ્ હાઇડલબર્ગ ખાતે બુન્સેનની સાથે અભ્યાસ કરવા પુરસ્કાર આપ્યો. હાઇડલબર્ગમાં બુન્સેન અને ગુસ્તાફ કિર્ચોફ આગળપડતી વ્યક્તિઓ હતી, પણ મેન્દેલિયેવે સ્વતંત્ર રીતે કામ કરવાનું પસંદ કર્યું. અહીં જ તેમને ફ્રેન્ચ વૈજ્ઞાનિકો તથા જાણીતા ઇટાલિયન વૈજ્ઞાનિક કેનિઝારોનો સંપર્ક થયો.
1861માં મેન્દેલિયેવ પીટર્સબર્ગ પરત આવ્યા. 1864માં તેઓ ટૅકનિકલ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રાધ્યાપક બન્યા. અહીં તેમની જરૂરિયાત મુજબનું પાઠ્યપુસ્તક ઉપલબ્ધ ન બનવાથી તેમણે પોતે એક પુસ્તક લખવાનું શરૂ કર્યું. ‘ધ પ્રિન્સિપલ્સ ઑવ્ કેમિસ્ટ્રી’ નામનું પાઠ્યપુસ્તક તૈયાર કર્યું (1868–70). આ પુસ્તકની ઘણી આવૃત્તિઓ ઘણી ભાષામાં થઈ છે.
આ પાઠ્યપુસ્તકનો ઢાંચો તૈયાર કરવા તેમણે દરેક તત્વના ગુણધર્મો દર્શાવેલા હોય તેવાં અલગ અલગ કાર્ડ તૈયાર કર્યાં. તેમણે જોયું કે જો આ 60 કાર્ડને (મોટાભાગનાં) તત્વોના પરમાણુભાર પ્રમાણે ગોઠવવામાં આવે તો થોડા થોડા અંતરે તત્વોના ગુણધર્મોનું લગભગ પુનરાવર્તન જોવા મળે છે. સરખા ગુણધર્મોવાળાં આવાં તત્વોને તેમણે ઊભી હારમાં ગોઠવ્યાં અને એ રીતે હાલ આવર્તક કોષ્ટક તરીકે જાણીતું થયેલું કોષ્ટક આકાર પામ્યું. આ કોષ્ટક તૈયાર કર્યું ત્યારે તેમની ઉંમર 34 વર્ષની હતી. કોષ્ટકે તેમને ખૂબ પ્રસિદ્ધિ અપાવી. 1868–69ની અને 1871ની સારણીમાં તેમણે કેટલાંક તત્વોના સ્થાનફેર કર્યા અને દર્શાવ્યું કે તે સમયના જાણીતા પરમાણુભારની ગણતરીમાં ભૂલ હોવી જોઈએ. આ ઉપરાંત સારણીમાં ત્રણ જગ્યાઓ તેમણે ખાલી રાખી અને સૂચવ્યું કે આ તત્વો જાણીતાં નથી, પણ ભવિષ્યમાં શોધાવાની સંભાવના છે. આ અજાણ્યાં તત્વોના ગુણધર્મોની આગાહી પણ તેમણે સચોટ રીતે કરી હતી. 1886 સુધીમાં અન્ય વૈજ્ઞાનિકો દ્વારા આ તત્વો શોધાયાં અને તેમના ગુણધર્મો મેન્દેલિયેવની આગાહી મુજબના જ જોવા મળ્યા. તેમના મૃત્યુના સમય (1907) સુધીમાં તો 86 તત્વો આ કોષ્ટકમાં સમાવાયાં. પાછળથી મોસલી અને બોહરનાં સંશોધનો દ્વારા પરમાણુ ક્રમાંક અંગે માહિતી પ્રાપ્ય બનતાં આવર્તક કોષ્ટકની સમજૂતી સરળ બની. અકાર્બનિક રસાયણના વિકાસમાં આ કોષ્ટકનો ફાળો નોંધપાત્ર છે.
1867માં તેમને પૅરિસ પ્રદર્શન માટે રશિયન પેવેલિયનની વ્યવસ્થા કરવા મોકલવામાં આવ્યા. 1876ની તેમની યુ. એસ.ની મુલાકાત દરમિયાન તેમણે અમેરિકન તેલ-ઉત્પાદકોની ટીકા પણ કરી હતી. ઘરઆંગણે તેમના સામાજિક સુધારાવાદી વલણને ઝારના શાસન દ્વારા સમર્થન મળ્યું ન હતું. આથી પરદેશમાં તેમનું ઘણું માન હોવા છતાં તેમજ રશિયન ઉદ્યોગના વિકાસમાં તથા રાસાયણિક તત્વોને વર્ગીકૃત કરી આવર્તક કોષ્ટક વિકસાવવામાં તેમનું મહત્વનું પ્રદાન હોવા છતાં 1881માં તેમને ઇમ્પીરિયલ એકૅડેમી ઑવ્ સાયન્સિઝનું પૂર્ણ સભ્યપદ આપવામાં આવ્યું નહિ. 1890માં તેમને સરકાર સાથે સંઘર્ષમાં આવવાનું થતાં તેમને યુનિવર્સિટીમાંથી નિવૃત્ત કરવામાં આવ્યા. જોકે 1891માં ભારે રસાયણો માટે આયાત-જકાત નાંખવાની પ્રણાલી તૈયાર કરવા માટે તેમને નીમવામાં આવેલા, જ્યારે 1893માં તેઓ બ્યૂરો ઑવ્ વેઇટ્સ ઍન્ડ સ્ટાન્ડર્ડ્ઝના વડા બન્યા હતા અને અવસાન સુધી ચાલુ રહેલા.
ન્યૂટનનું ભૌતિકવિજ્ઞાનમાં તથા ડાર્વિનનું જીવવિજ્ઞાનમાં જેવું સ્થાન છે તેવું જ સ્થાન મેન્દેલિયેવનું રસાયણશાસ્ત્રમાં છે. 1955માં પરમાણુક્રમાંક 101 ધરાવતું નવું તત્વ શોધાતાં મેન્દેલિયેવની સ્મૃતિમાં તેને મેન્દેલિવિયમ (Md) નામ આપી તેમનું બહુમાન કરવામાં આવ્યું છે.
જ. પો. ત્રિવેદી