મેનિસ્પર્મેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. આ કુળમાં લગભગ 70 પ્રજાતિ અને 400 જેટલી જાતિઓનો સમાવેશ થયેલો છે. તેનું વિતરણ મોટેભાગે પુરોષ્ણકટિબંધીય (paleotropic) પ્રદેશોમાં થયેલું છે. બહુ ઓછી જાતિઓ પૂર્વ ભૂમધ્યપ્રદેશો અને પૂર્વ એશિયા સુધી વ્યાપી છે; પરંતુ યુરોપમાં તેની એક પણ જાતિ સ્થાનિક (indigenous) નથી. ત્રણ પ્રજાતિઓની ચાર જાતિઓ યુ.એસ.ની મૂલનિવાસી (native) છે : Menispermum canadense ઉત્તરમાં મૅનિટોબા અને ક્વિબેક સુધી; Cocculus carolinus વર્જિનિયાની ઉત્તરે ઍરિઝોનાથી ફ્લૉરિડા સુધી; C. diversifolias દક્ષિણ ટેક્સાસમાં અને Calycocarpum lyonii કાન્સાસ અને ઇલિનૉઇની ઉત્તરે પૂર્વ-ટેક્સાસથી ફ્લૉરિડા સુધી થાય છે.
તે મોટેભાગે દ્વિગૃહી (dioecious) કાષ્ઠમય વળવેલ (twiner) પ્રકારનું સ્વરૂપ ધરાવે છે. આ કુળમાં ક્ષુપ કે વૃક્ષસ્વરૂપ ક્વચિત્ જ જોવા મળે છે. પ્રકાંડની અંત:સ્થ રચનામાં મજ્જાંશુઓ (medullary rays) પહોળાં ગોઠવાયેલાં હોય છે. પર્ણો સાદાં (બહુ ઓછી ઉષ્ણકટિબંધીય જાતિઓમાં ત્રિપર્ણી પંજાકાર સંયુક્ત), મોટેભાગે અખંડિત કે પાણિવત્ (palmately) ખંડિત એકાંતરિક, દીર્ઘસ્થાયી (persistent) અથવા પર્ણપાતી (deciduous) અને અનુપપર્ણીય (estipulate) હોય છે. તે પાણિવત્ શિરાવિન્યાસ ધરાવે છે. પર્ણદંડ છત્રાકાર (peltate) હોય છે.
પુષ્પવિન્યાસ પરિમિત તોરો (corymb), કલગી કે સંયુક્ત કલગી પ્રકારનો હોય છે. જૂના કાષ્ઠ ઉપર તે ક્વચિત્ એકાકી (solitary) હોય છે. પુષ્પ સામાન્યત: નિયમિત, એકલિંગી, દ્વિગૃહી, કેટલીક વાર એકગૃહી (દા.ત., Albertisia), લીલાશ પડતા રંગનાં, નાનાં અને અધોજાયી (hypogynous) હોય છે. પરિદલપુંજ ઘણે ભાગે બહુચક્રીય હોય છે. વજ્ર અને દલપુંજ બંનેની હાજરી જોવા મળે છે. વજ્ર દ્વિચક્રીય અને મુક્તવજ્રપત્રી (polysepalous) હોય છે. તે 3થી 6 વજ્રપત્રોનું બનેલું હોય છે. તેનું બહારનું ચક્ર ઘણી વાર ખૂબ નાનું હોય છે. Cissampelosના નરપુષ્પમાં 4 વજ્રપત્રો હોય છે. દલપુંજ 3થી 6 દલપત્રોનો બનેલો અને મુક્ત દલપત્રી (polypetalous) હોય છે. તે ભાગ્યે જ યુક્ત હોય છે. દલપત્રો વજ્રપત્રો કરતાં નાનાં જોવા મળે છે. Cissampelosના નરપુષ્પમાં 4 દલપત્રો હોય છે.
નરપુષ્પમાં સામાન્યત: 6 પુંકેસરો, કેટલીક વાર 3 કે અસંખ્ય હોય છે. દલપત્રોની સંખ્યા જેટલાં હોય ત્યારે તેમની ગોઠવણી દલપત્ર સંમુખ હોય છે. તે મુક્ત અથવા વિવિધ રીતે જોડાયેલાં હોય છે. કેટલીક પ્રજાતિઓમાં સ્પષ્ટપણે એકગુચ્છી (monoadelphous) હોય છે. પરાગાશયો ચતુષ્કોટરીય હોય છે અને તેમનું સ્ફોટન લંબવર્તી અને બહિર્મુખી (extrose) પ્રકારે થાય છે.
માદાપુષ્પ 3 અથવા 6 મુક્ત સ્ત્રીકેસરોનું બનેલું હોય છે. સ્ત્રીકેસરચક્ર અદંડી હોય છે અથવા ટૂંકા દંડ ઉપર ગોઠવાયેલું હોય છે. બીજાશય ઊર્ધ્વસ્થ અને એકકોટરીય હોય છે. તે શરૂઆતમાં બે અંડકો ધરાવે છે; પરંતુ પાછળથી એક જ અધોમુખી (anatropous) અંડક પૂર્ણવિકાસ પામે છે. તે ચર્મવર્તી (parietal) જરાયુ પર ગોઠવાયેલું હોય છે. પરાગવાહિની અત્યંત ટૂંકી હોય છે અથવા તેની ગેરહાજરી હોય છે. પરાગાસન અગ્રસ્થ (terminal), સમુંડ (capitate) અથવા બિંબાકાર, અખંડિત કે ખંડિત હોય છે. માદાપુષ્પમાં વંધ્ય પુંકેસરો હાજર કે ગેરહાજર હોય છે. Anamirta paniculata(કાકમારી)માં ટૂંકો જાયાંગધર (gynophore) જોવા મળે છે. ફળ અષ્ઠિલ (drupe) કે ચર્મફળ (achene) પ્રકારનું હોય છે. તેની ટોચ ઉપર પરાગવાહિનીનું ચિહ્ન હોય છે. બીજ ભ્રૂણપોષી (endospermic) અથવા અભ્રૂણપોષી (nonendospermic), ઘોડાની નાળના આકારનાં કે વૃક્કાકાર અથવા અંકુશ-આકારનાં હોય છે. કેટલીક જાતિઓમાં રેષાભેદિત (ruminate) ભ્રૂણપોષની હાજરી હોય છે. ભ્રૂણ વક્ર હોય છે.
આ કુળનું પુષ્પસૂત્ર આ પ્રમાણે છે :
આ કુળ દ્વિગૃહિતા, કઠલતાઓ (lianas), સામાન્ય ત્રિઅવયવી પુષ્પ, દ્વિચક્રીય વજ્ર અને વક્ર બીજ દ્વારા ઓળખી શકાય છે. તેની જાણીતી જાતિઓમાં Tinospora cordifolia (ગળો), Cocculus villosus (વેવડી), Cissampelos pareira (વેણીવેલ), Anamirta paniculata અને Stephania herandifolia(કાળી પાટ, કરંઢિયું)નો સમાવેશ થાય છે.
આર્થિક રીતે આ કુળની ઉપયોગિતા અત્યંત ઓછી છે. Menispermum, Cocculus અને Cissampelosની બહુ ઓછી જાતિઓ શોભન-વનસ્પતિઓ તરીકે અને Tinospora cordifolia (ગળો) ઔષધ-વનસ્પતિ તરીકે ઉપયોગી છે.
આ કુળને ભૂતકાળમાં બરબેરિડેસી, મૅગ્નોલિયેસી, અથવા એનોનેસીના એક ભાગ તરીકે ગણવામાં આવતી હતી. ડીકૅન્ડોલેએ તેને અલગ કુળમાં મૂકી છે. આઇકલર અને તેના અનુગામીઓએ આ મંતવ્યને અનુમોદન આપ્યું છે. તેમને સમકાલીન મોટાભાગના વર્ગીકરણ-વિજ્ઞાનીઓએ આ કુળનો બરબેરિડેસી અને લેર્ડિઝબેલેસી સાથે ગાઢ સંબંધ દર્શાવ્યો છે.
બળદેવભાઈ પટેલ