મેનબૉરો (જ. આશરે 1890, શિકાગો, ઇલિનૉઈ; અ. 1976) : અમેરિકાના ફૅશન-ડિઝાઇનર. મૂળ નામ મૅન રૂસો. તેમણે શિકાગોમાં અભ્યાસ કર્યો અને ત્યાં જ વ્યવસાય કર્યો. પ્રથમ વિશ્વયુદ્ધમાં સેવા બજાવ્યા પછી તેઓ પૅરિસમાં રોકાઈ ગયા; ત્યાં તેઓ ખ્યાતનામ વેચાણગૃહ ‘હાર્પર્સ બાઝાર’માં ફૅશન કલાકાર તરીકે જોડાયા અને ફ્રેન્ચ સામયિક ‘વૉગ’ના તંત્રી બન્યા.
1930માં તેમણે પૅરિસમાં વસ્ત્રનિર્માણકલાની સંસ્થા સ્થાપી. તેમણે જે યાદગાર વસ્ત્ર-સર્જનો કર્યાં, તેમાં 1937માં વિન્ડસરનાં ડચેસ માટે ડિઝાઇન કરેલો લગ્ન-પોશાક સવિશેષ ઉલ્લેખનીય અને પ્રશંસાપાત્ર બની રહ્યો. 1940માં તેમણે ન્યૂયૉર્ક સિટીમાં તૈયાર વસ્ત્રો માટે આધુનિક પ્રદર્શન-વેચાણ શરૂ કર્યું. 1971માં તેઓ યુરોપ પાછા ફર્યા.
મહેશ ચોકસી