ઈસ્ટ ઇન્ડિયા કંપની : ભારત સહિતના પૂર્વના દેશો સાથે વેપાર કરવા માટે સ્થપાયેલી ડચ, બ્રિટિશ અને ફ્રેન્ચ કંપનીઓ.
ડચ : નેધરલૅન્ડ્ઝની ધ યુનાઇટેડ ઈસ્ટ ઇન્ડિયા કંપની 20મી માર્ચ 1602ના રોજ ડચ સ્ટેટ્સ જનરલે આપેલી સનદ દ્વારા સ્થાપવામાં આવી. આ કંપનીને લડાઈ અને સંધિઓ કરવાની, પ્રદેશો મેળવવાની અને કિલ્લા બાંધવાની સત્તા આપવામાં આવી હતી. 1605માં ડચ લોકોએ પૉર્ટુગીઝો પાસેથી એમ્બોયના કબજે કરીને તેજાનાના ટાપુઓમાં ક્રમશ: તેમનો પ્રભાવ સ્થાપ્યો. વેપારનાં હિતોથી પ્રેરાઈને ડચ (વલંદા) લોકો ભારતમાં આવ્યા અને તેમણે ગુજરાત, કોરોમાંડલ કિનારો, બંગાળ, બિહાર અને ઓરિસામાં વેપારની કોઠીઓ સ્થાપી. ભારતમાં તેમની વધારે મહત્વની કોઠીઓ પુલિકટ (1610), સૂરત (1616), ચિનસુરા (1653), કાસિમબઝાર, બારાનગર, પટણા, બાલાસોર, નેગાપટ્ટમ્ (1659) અને કોચીન(1663)માં હતી.
1605માં વલંદા સૂરત આવ્યા અને 1606માં એમણે ત્યાં વેપારની કોઠી સ્થાપી. પરંતુ પૉર્ટુગીઝો વલંદાઓ વિરુદ્ધ મુઘલોના હાકેમને ફરિયાદ કરતા હોવાથી સૂરતમાં વાન ડેનિસ નામના વલંદાએ આપઘાત કર્યો અને ત્યારબાદ સૂરતની કોઠી બંધ કરવામાં આવી. ગુજરાતમાં વેપાર કરવા માટે ડચ લોકોએ ફરીવાર 1615માં પ્રયાસો કર્યા. વાન રૉયસ્ટન નામના ડચ પ્રતિનિધિને વેપારી સગવડો મેળવવા માટે જહાંગીરના દરબારમાં આગ્રા મોકલવામાં આવ્યો. તેને સફળતા મળે તે અગાઉ એક ડચ પ્રતિનિધિ બોકેને સૂરત મુકામે કોઠી સ્થાપવા મોકલવામાં આવ્યો. તેણે 1616માં સૂરત આવી સત્તાધીશો પાસેથી પરવાનો મેળવ્યો. વલંદાઓ ગુજરાતનાં વહાણોને નુકસાન કરવાને શક્તિમાન ગણાતા હોવાથી સત્તાધીશોએ તેને હંગામી પરવાનગી આપવાની ફરજ પાડી હતી. શાહજાદા ખુર્રમ (શાહજહાં) પાસેથી વલંદાઓ 1618માં વેપાર કરવાની પરવાનગી લઈ આવ્યા. આરંભનાં વર્ષોમાં ડચ લોકોને અંગ્રેજો સાથે સંઘર્ષો થતા હતા. તેમ છતાં તેઓ પોતાનો વેપાર વધારીને અમદાવાદ તથા ભરૂચમાં વેપારની કોઠીઓ સ્થાપી શક્યા હતા.
સૂરત નજીક નદીને પેલે પાર રાંદેર ખાતે વલંદાઓની વખાર હતી. 17મી સદીની છેલ્લી પચીસીમાં વેપાર પુષ્કળ વધ્યો. વલંદાઓ 100 રૂપિયાના માલ પર 500 રૂપિયા નફો લેતા. એ જ સદીના છેલ્લા દાયકામાં સત્તાધીશોના ત્રાસથી કંટાળીને વલંદાઓએ સૂરતનો વેપાર બંધ કર્યો. 17મી સદી દરમિયાન વલંદાઓએ પૉર્ટુગીઝોને હઠાવીને પૂર્વમાં તેજાનાના વેપારનો ઇજારો જાળવી રાખ્યો. દૂર પૂર્વના ટાપુઓ અને ભારત વચ્ચે તેઓ માલવાહકો બન્યા. મધ્ય ભારત અને યમુનાની ખીણમાં ઉત્પન્ન થતી ગળી, અને બંગાળ, બિહાર, ગુજરાત અને કોરોમાંડલમાંથી કાચું રેશમ, કાપડ, સુરોખાર, ચોખા અને અફીણની તેઓ નિકાસ કરતા હતા.
18મી સદીના ઉત્તરાર્ધમાં મુઘલોની સત્તાના અંત સમયે સૂરત પર અંગ્રેજોનું પ્રભુત્વ વધ્યું. તેથી વલંદાઓને સહન કરવું પડ્યું. 1762માં સૂરતના નવાબે વલંદાઓની કોઠી જપ્ત કરી. 1788માં વલંદા સૂરતની કોઠી છોડીને ચાલ્યા ગયા.
બ્રિટિશ : રાણી ઈલિઝાબેથ પાસેથી સનદ મેળવીને 31 ડિસેમ્બર 1600ના દિવસે ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની નામથી પૂર્વમાં વેપાર કરવા સ્થાપેલી કંપની. તેના શરૂઆતના પ્રવાસો જાવા, સુમાત્રા અને મોલ્યુકાસ તરફ મસાલાના વેપાર માટે યોજાયા હતા. ભારતમાં વેપારની કોઠીઓ સ્થાપવાનો તેનો પ્રથમ પ્રયાસ 1608માં કરવામાં આવ્યો. કંપનીએ કૅપ્ટન વિલિયમ હૉકિન્સને ભારત મોકલ્યો. તે 1609માં જહાંગીરના દરબારમાં પહોંચ્યો. મુઘલ શહેનશાહે અંગ્રેજોને વસવાટ કરવાની પરવાનગી આપવાની ઇચ્છા વ્યક્ત કરી. પરંતુ પૉર્ટુગીઝોની વિરોધી પ્રવૃત્તિઓ તથા સૂરતના વેપારીઓના વિરોધને કારણે તેણે કૅપ્ટન હૉકિન્સની અરજીનો ઇન્કાર કર્યો. 1611માં કૅપ્ટન હૉકિન્સ આગ્રાથી સૂરત ગયો. ત્યાં સર હેન્રી મિડલ્ટનની આગેવાની હેઠળ ત્રણ અંગ્રેજ જહાજો આવ્યાં હતાં. સૂરત બંદર અંગ્રેજો માટે ખુલ્લું ન હોવાથી મિડલ્ટને નજીકના સુંવાળી બંદરે વહાણો રાખ્યાં અને ત્યાંથી વેપાર કરવા માંડ્યો.
1612માં કૅપ્ટન બેસ્ટની આગેવાની હેઠળ અંગ્રેજોનાં બે વહાણો સૂરતમાં પ્રવેશવા દેવામાં આવ્યાં. આ દરમિયાન 1613માં અંગ્રેજોને સૂરતમાં કાયમી કોઠી સ્થાપવાની પરવાનગી આપતું ફરમાન જહાંગીરે આપ્યું. તેથી ઇંગ્લિશ કંપનીએ ઇંગ્લૅન્ડના રાજા જેમ્સ પહેલાના અધિકૃત એલચી સર ટૉમસ રોને મુઘલ દરબારમાં મોકલ્યો.
1615થી 1618 સુધી શહેનશાહની છાવણીઓમાં સતત સાથે રહીને તેણે ગુજરાતમાં વેપાર કરવાનો પરવાનો મેળવ્યો. અંગ્રેજોને જે અધિકારો મળ્યા તે અનુસાર અંગ્રેજોને શસ્ત્રો રાખવાની, પોતાનો ધર્મ પાળવાની તથા પોતાની તકરારોનો નિકાલ કરવાની છૂટ મળી. પરંતુ તેમને મકાન બાંધવાની છૂટ નહોતી. 1613માં સૂરતની કોઠીની સ્થાપના બાદ 1615થી 1618ના ગાળામાં ખંભાત, ભરૂચ, વડોદરા અને અમદાવાદમાં એની શાખાઓ સ્થાપવામાં આવી. ફેબ્રુઆરી 1619માં ટૉમસ રોએ ભારતમાંથી વિદાય લીધી.
આ બધી કોઠીઓ સૂરતની કોઠીના અંકુશ હેઠળ મૂકવામાં આવી. તેને રાતા સમુદ્રનાં બંદરો તથા ઈરાન સાથે કંપનીના વેપાર પર અંકુશ રાખવાની પણ સત્તા મળી હતી. ભરૂચ અને વડોદરામાં અંગ્રેજ કોઠીઓ, તે વિસ્તારોમાં ઉત્પન્ન થતા કાપડના તાકા ખરીદવા માટે, તથા આગ્રામાં અંગ્રેજોની કોઠી, શાહી દરબારના અધિકારીઓને કાપડ વેચવા તથા બિયાનામાં ઉત્પન્ન થતી ઉત્તમ પ્રકારની ગળી ખરીદવા શરૂ કરવામાં આવી હતી.
1615થી 1629 દરમિયાન ઈસ્ટ ઇન્ડિયા કંપનીનાં 27 વહાણ સુંવાળી બંદરેથી લંડન તરફ ગયાં હતાં. આરંભમાં સુતરાઉ કાપડ તથા સરખેજ અને આગ્રા નજીકના બિયાનાની ગળીની નિકાસ કરવામાં આવતી. ત્યારબાદ લાખ, ગાલીચા, સુરોખાર, મરી, કરિયાણાં તથા ખાંડની પણ નિકાસ થતી હતી. કંપનીનાં વહાણો પહોળા પનાનું કાપડ, બંદૂક, સીસું, કલાઈ વગેરે ચીજો ભારતના સમુદ્રકાંઠે ઠાલવતાં. ભારતના કાપડની માંગ ઇંગ્લૅન્ડમાં ખૂબ રહેતી. હોલૅન્ડ તથા જર્મનીના મોંઘા લિનનને બદલે ઘરવપરાશ વાસ્તે ભારતનું કાપડ સસ્તું હોવાથી કંપનીના ગુમાસ્તા ભારતમાં કાપડના ઉત્પાદનનાં મુખ્ય કેન્દ્રો પર જઈને આડતિયા તથા વણકરો સાથે સોદા કરતા. એ સોદા મુજબ અમુક સમયમાં અમુક ચોક્કસ માલ કંપનીને આપવા તેઓ બંધાતા.
ઇંગ્લૅન્ડના રાજા ચાર્લ્સ બીજાને તેની પૉર્ટુગીઝ રાણી કૅથેરિન સાથે કરેલા લગ્નના દહેજમાં મુંબઈ મળ્યું હતું. તે 1668માં તેણે કંપનીને વાર્ષિક 10 પાઉન્ડના ભાડાથી આપ્યું. મુંબઈ ધીમે ધીમે સમૃદ્ધ બંદર બન્યું. 1664 અને 1670માં શિવાજીએ સૂરત બંદર બે વાર લૂંટ્યું. તેથી તેના ભયને લીધે સૂરતની કોઠીને સતત નુકસાન થયું અને તેનું દેવું વધવા લાગ્યું. ત્યાં રાખેલા માલની સલામતીની ચિંતા પણ કંપનીને રહેતી તેથી કંપનીના ડાયરેક્ટર જોસિયા ચાઇલ્ડે વેપાર માટે મુંબઈની પસંદગી કરી. અંગ્રેજોએ મુંબઈની કિલ્લેબંધી કરીને તેનો સ્વતંત્ર વેપારી વસાહત તરીકે વિકાસ કર્યો. 1687માં અંગ્રેજોની કોઠીઓના મુખ્ય મથક તરીકે સૂરતની કોઠી બંધ કરીને મુંબઈમાં રાખવામાં આવી.
1639માં નાશ પામેલા વિજયનગર સામ્રાજ્યના પ્રતિનિધિ, ચંદ્રગિરિના રાજા પાસેથી ફ્રાંસિસ ડેએ પૂર્વ કિનારે ચેન્નાઈ પટેથી મેળવ્યું. ત્યાં તેણે કિલ્લો બાંધીને તેમાં કોઠી સ્થાપી. તે ફૉર્ટ સેંટ જ્યૉર્જ કહેવાયો. પૂર્વ કિનારે અંગ્રેજોની વસાહતોનું તેને મુખ્ય મથક બનાવવામાં આવ્યું.
ઉત્તર-પૂર્વમાં મહા નદીના ખીણપ્રદેશમાં હરિહરપુરમાં અને બાલાસોરમાં 1633માં અંગ્રેજોની કોઠીઓ શરૂ કરવામાં આવી. 1651માં બ્રિજમૅન હેઠળ હુગલીમાં અને પછી તરત જ પટણા અને કાસિમબજારમાં કોઠીઓ સ્થાપવામાં આવી. 1658માં બંગાળ, બિહાર અને ઓરિસાની તથા કોરોમાંડલ કિનારાની બધી વસાહતો ફૉર્ટ સેંટ જ્યૉર્જની હેઠળ મૂકવામાં આવી.
1660 પછીના ત્રણ દાયકાનો સમય કંપનીના વિસ્તરણ અને તેની સમૃદ્ધિનો હતો. ઇંગ્લૅન્ડના રાજા ચાર્લ્સ બીજા અને જેમ્સ બીજાએ કંપનીના જૂના વિશેષાધિકારો માન્ય રાખ્યા અને તેની સત્તાઓ વધારી. કંપનીની નાણાકીય સ્થિતિ પણ સુધરી.
આ સમય દરમિયાન કંપનીની નીતિમાં પણ પલટો આવ્યો. દેશની રાજકીય અવ્યવસ્થાને ધ્યાનમાં લઈને, શાંતિથી વેપાર કરતી સંસ્થા પ્રદેશો કબજે કરીને તેની સત્તા સ્થાપવા આતુર બની. મરાઠા અને દખ્ખણની બીજી સત્તાઓ સાથેની લડાઈઓ, 1664 અને 1670માં મરાઠાઓના સૂરત પર હુમલા, બંગાળમાં મુઘલ વાઇસરૉયોની નબળી સરકાર વગેરેને કારણે આ પરિવર્તન અનિવાર્ય બન્યું. સૂરતમાં પ્રમુખ તરીકે સર જ્યૉર્જ ઑક્સેન્ડનના અનુગામી અને 1669થી મુંબઈના ગવર્નર જિરાલ્ડ આગિયરે નિયામક મંડળને લખ્યું કે ‘હવેના સમયમાં તમારે હાથમાં તલવાર સહિત તમારો વેપાર કરવાની જરૂર છે.’ થોડાં વરસોમાં નિયામકોએ કંપનીની નીતિમાં આ ફેરફાર માન્ય કર્યો અને ડિસેમ્બર 1687માં ચેન્નાઈના વડાને ભારતમાં અંગ્રેજોનું સંસ્થાન સ્થાપી શકાય એવી લશ્કરી અને મુલકી વ્યવસ્થા ગોઠવવા અને તે માટે મોટી આવક મેળવવા જણાવ્યું.
આ નવી નીતિ માટે સ્ટુઅર્ટ રાજાઓના સમયમાં કંપનીની બાબતોનો મુખ્ય માણસ સર જોસિયા ચાઇલ્ડ મુખ્યત્વે જવાબદાર હતો. તે મુજબ ડિસેમ્બર 1688માં તેના ભાઈ સર જૉન ચાઇલ્ડે પશ્ચિમકાંઠે મુંબઈ અને મુઘલોનાં બંદરોની નાકાબંધી કરી ઘણાં મુઘલ વહાણો પકડ્યાં અને મક્કા જતા યાત્રીઓની ધરપકડ કરવા તેના કપ્તાનને રાતા સમુદ્ર અને ઈરાનના અખાત તરફ મોકલ્યો. પરંતુ અંગ્રેજોએ મુઘલોની ઘણી મજબૂત શક્તિનો અંદાજ ઓછો આંક્યો હતો. સર જૉન ચાઇલ્ડે આખરે ઔરંગઝેબની માફી માગી. અંગ્રેજોએ પકડેલાં મુઘલ વહાણો પાછાં આપવાનું અને વળતર પેટે દોઢ લાખ રૂપિયા ચૂકવવાનું કબૂલ્યું ત્યારે વેપાર કરવાનો પરવાનો પણ મળ્યો.
બંગાળમાં વેપારનો માલ કિનારાના પ્રદેશોમાંથી નહિ, પરંતુ પ્રાંતમાં દૂરના વિસ્તારોમાંથી મેળવવો પડતો હતો. ત્યાં કંપનીએ અનેક જકાતનાકાંઓમાં વેરો અને સ્થાનિક અધિકારીઓની ત્રાસદાયક માગણીઓની રકમ ચૂકવવી પડતી હતી. 1672માં કંપનીએ શાઇસ્તખાન પાસેથી વેરો ચૂકવવામાંથી માફીનું ફરમાન મેળવ્યું. 1680માં સમ્રાટ ઔરંગઝેબે કંપનીના માલ પર 2 ટકા જકાત અને 1.5 ટકો જજિયા સિવાય વધારે કંઈ લેવું નહિ એવો હુકમ કર્યો. આ ફરમાનો મેળવવા છતાં મુંબઈ, ચેન્નાઈ અને બંગાળ પ્રાંતોનાં બધાં સ્થળોએ સ્થાનિક અધિકારીઓ કંપનીના એજન્ટો પાસે નાણાં માગતા અને વખતોવખત તેમનો માલ પકડતા હતા.
1690માં મુંબઈની કાઉન્સિલ અને પ્રમુખે મુઘલ સમ્રાટ સાથે સંધિ કરી ત્યારે અંગ્રેજોનાં આ અવિચારી કૃત્યો અટકી ગયાં. ઑગસ્ટ 1690માં જૉબ ચારનૉક બંગાળ પાછો ફર્યો અને સુતાનુતીમાં અંગ્રેજોની કોઠી સ્થાપી. આ રીતે બ્રિટિશ હિંદના ભવિષ્યના પાટનગરનો પાયો નંખાયો. ફેબ્રુઆરી 1691માં શાઇસ્તખાનના અનુગામી ઇબ્રાહીમખાને મુઘલ સમ્રાટના હુકમ પ્રમાણે, વાર્ષિક રૂ. 3,000 ભરવાના બદલામાં જકાત ભરવામાંથી મુક્તિનું ફરમાન આપ્યું. બર્દવાન જિલ્લાના એક જમીનદાર શોભાસિંહના બળવાને કારણે 1696માં અંગ્રેજોને તેમની નવી કોઠીને કિલ્લેબંધી કરવાનું કારણ મળી ગયું અને 1698માં અગાઉના માલિકોને રૂ. 1,200 આપીને તેમને સુતાનુતી, કાલીકાટા (કોલકાતા) અને ગોવિંદપુર આ ત્રણ ગામોની જમીનદારી આપવામાં આવી. 1700માં બંગાળની અંગ્રેજોની કોઠીઓ નવી સ્થાપેલી કિલ્લેબંધીવાળી ફૉર્ટ વિલિયમ નામની વસાહતમાં અલગ પ્રમુખ અને કાઉન્સિલના અંકુશ હેઠળ મૂકવામાં આવી. સર ચાર્લ્સ આયર ફૉર્ટ વિલિયમનો પ્રથમ પ્રમુખ બન્યો. બંગાળની વસાહતની કંપનીની સ્થિતિ વિશિષ્ટ પ્રકારની હતી. મુંબઈ, અંગ્રેજ તાજ વતી તેના કબજામાં હતું. ચેન્નાઈમાં તેની સત્તા હિંદના શાસકો અને તેની સનદોની માન્યતા પર આધારિત હતી. બંગાળમાં કંપનીની સ્થિતિનો આ બેવડો સ્રોત સ્પષ્ટ જણાતો હતો. ત્યાંના અંગ્રેજ લોકો ઉપરની તેની સત્તા અંગ્રેજ કાયદા અને સનદોના આધારે હતી, પરંતુ હિંદવાસીઓ પર કંપનીની સત્તા જમીનદાર તરીકેની હતી.
ચાર્લ્સ બીજા અને જેમ્સ બીજાના શાસનકાળમાં કંપનીની સમૃદ્ધિ વધી. તેનાથી તેના દુશ્મનોની ઈર્ષ્યા વધી. કંપનીના વેપારના વિશેષાધિકારોના ઇજારા સામે 1688ની રાજક્રાંતિ બાદ તેમણે રોષ વ્યક્ત કર્યો. આ ક્રાંતિ બાદ સત્તા પર વ્હિંગ નેતાઓ જૂની સરકાર સાથે સંબંધ ધરાવતી કંપનીના વિરોધી હતા. 1694માં આમની સભાએ ઠરાવ કર્યો કે ઇંગ્લૅન્ડના બધા લોકોને ભારતમાં વેપાર કરવાનો સમાન અધિકાર છે. 1698માં એક નવી કંપની સ્થાપવામાં આવી અને 1707માં જૂની કંપની તેમાં સભ્ય બની. નવી કંપની જૂની કંપની સાથે સ્પર્ધામાં ઊતરી. 1708-09માં બંને કંપનીઓ જોડાઈ ગઈ.
18મી સદીનાં પ્રથમ ચાલીસ વરસ દરમિયાન ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ભારતમાં વેપાર અને પ્રભાવ ક્રમશ: વિસ્તર્યો. આ સમય દરમિયાન કંપનીના ઇતિહાસમાં સૌથી મહત્વનો બનાવ, સમસ્ત મુઘલ હિંદ અને કૉલકાતાની આસપાસનાં ગામોમાં વિશેષાધિકારો મેળવવા માટે 1715માં મુઘલ દરબારમાં તેના પ્રતિનિધિઓ મોકલવામાં આવ્યા તે હતો. તેમાં જૉન સરમૅન, એડ્વર્ડ સ્ટીફન્સન તથા સર્જ્યન વિલિયમ હૅમિલ્ટનનો સમાવેશ થતો હતો. મુઘલ સમ્રાટ ફર્રુખશિયરનું ત્રાસદાયક દર્દ મટાડવામાં હૅમિલ્ટન સફળ થયો. તેથી અંગ્રેજો પર ખુશ થઈને તેણે તેમની વિનંતી મુજબ ફરમાનો આપ્યાં. તેણે પ્રાંતોના ગવર્નરોને તે મુજબ વર્તવા સૂચના આપી. બંગાળમાં જકાત ભર્યા વિના, વાર્ષિક રૂ. 3,000 ચૂકવીને વેપાર કરવાનો વિશેષાધિકાર માન્ય રાખ્યો. કોલકાતાની આસપાસ વધારાનો પ્રદેશ ભાડે લેવાની તેમને પરવાનગી આપવામાં આવી. હૈદરાબાદ પ્રાંતમાં વેરો ન ભરવાનો જૂનો વિશેષાધિકાર સ્વીકારવામાં આવ્યો. ચેન્નાઈ માટે તેમણે ભાડું આપવાનું ચાલુ રાખ્યું. વાર્ષિક રૂ. 10,000 ચૂકવવાના બદલામાં સૂરતમાં કંપનીએ કોઈ વેરો ભરવો નહિ એમ નક્કી થયું. મુંબઈમાં કંપનીએ ટંકશાળમાં પાડેલા સિક્કા સમગ્ર મુઘલ રાજ્યમાં ચલણ તરીકે માન્ય રાખવામાં આવ્યા.
બંગાળના ગવર્નર મુર્શિદકુલી જાફરખાને અંગ્રેજોને વધારાનાં ગામો આપવાનો વિરોધ કર્યો. છતાં 1716-17ના ફરમાન દ્વારા મેળવેલા અન્ય અધિકારોથી તેમને ઘણો લાભ થયો. ઑર્મીએ તેને કંપનીનો મૅગ્નાકાર્ટા ગણ્યો છે. સ્થાનિક અધિકારીઓની વારંવારની માગણીઓ હોવા છતાં બંગાળમાં કંપનીનો વેપાર ક્રમશ: વિકસ્યો. કોલકાતાનું મહત્વ વધ્યું અને 1735 સુધીમાં તેની વસ્તી એક લાખની થઈ. કોલકાતા બંદરે કંપનીનાં વહાણોમાં પુષ્કળ માલની અવરજવર થવા લાગી.
મરાઠા અને પૉર્ટુગીઝો વચ્ચેના ઝઘડાને કારણે પશ્ચિમ કિનારે કંપનીનો વેપાર ઘટ્યો. ત્યારબાદ મુંબઈ બંદરનો વેપાર વધવા લાગ્યો. ચેન્નાઈમાં પણ અંગ્રેજો શાંતિથી વેપાર કરવા લાગ્યા. 1755માં કૉમોડૉર જેમ્સે સુવર્ણદુર્ગ કબજે કર્યું અને 1757માં ક્લાઈવ તથા વૉટસને ઘેરિયા કબજે કર્યું.
ફ્રેન્ચ : ફ્રાન્સના મંત્રી કૉલ્બર્ટના સૂચનથી 1664માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની નામથી સ્થાપવામાં આવેલી કંપની. તેને રાજ્ય તરફથી આર્થિક સહાય આપવામાં આવી. 1668માં ફ્રાન્સ્વા કેરને સૂરતમાં પ્રથમ ફ્રેન્ચ કોઠી સ્થાપી. ઔરંગઝેબના ફરમાનથી ફ્રેન્ચોને સૂરત ખાતે વેપાર કરવાની અને સુંવાળી ખાતે કોઠી રાખવાની પરવાનગી મળી. 1669માં ગોલકોંડાના સુલતાનની પરવાનગીથી મછલીપટ્ટમમાં ફ્રેન્ચ કોઠી સ્થાપવામાં આવી. 1672માં ફ્રેન્ચોએ ચેન્નાઈ પાસે સાનટોમ કબજે કર્યું. પરંતુ બીજે વર્ષે તે ગુમાવ્યું. 1673માં ફ્રાન્સ્વા માર્ટિને એક નાનું ગામ કબજે કર્યું અને ત્યાં પૉંડિચેરીનો પાયો નંખાયો. માર્ટિને તેનો વિકાસ કર્યો. બંગાળમાં નવાબ શાઇસ્તખાને 1674માં ફ્રેન્ચોને જમીન આપી. ત્યાં 1690-92માં તેમણે ચંદ્રનગરની જાણીતી ફ્રેન્ચ કોઠી સ્થાપી. બાલાસોર અને કાસ્તિબઝારમાં પણ ફ્રેન્ચ વસાહતો હતી.
અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચેની તીવ્ર હરીફાઈના પરિણામે ભારતમાં ફ્રેન્ચોને નુકસાન થયું. 1693માં વલંદાઓએ પૉંડિચેરી કબજે કર્યું. પરંતુ રિઝવિકની સંધિથી 1697માં તે ફ્રેન્ચોને પાછું મળ્યું. માર્ટિને તે વસાહતનો વહીવટ સંભાળી તેની સમૃદ્ધિ વધારી. તેથી 1706માં માર્ટિન મરણ પામ્યો ત્યારે પૉંડિચેરીની વસ્તી 40,000ની હતી. તે વર્ષે કોલકાતાની વસ્તી 22,000ની હતી. પરંતુ અન્ય સ્થળોમાં ફ્રેન્ચોનો પ્રભાવ ઘટ્યો. 18મી સદીના આરંભમાં તેમણે સૂરત અને મછલીપટ્ટમની કોઠીઓ છોડીને ચાલ્યા જવું પડ્યું. 1720 સુધીમાં ફ્રેન્ચ કંપનીની સ્થિતિ ઘણી ખરાબ થઈ. જૂન 1720માં કંપનીની પુનર્રચના કરવામાં આવી. લેનોર અને ડુમાના વહીવટ દરમિયાન 1720થી 1742 દરમિયાન કંપની સમૃદ્ધ થઈ. કંપનીએ 1721માં મૉરિશિયસ, 1725માં મલબાર કાંઠે માહે અને 1739માં કરાઈકલ મેળવ્યાં. આ કંપનીએ માત્ર વેપારમાં જ ધ્યાન કેન્દ્રિત કર્યું. દુપ્લેના સમયમાં ફ્રેન્ચોની રાજકીય મહત્વાકાંક્ષાઓ વધી અને તેઓ અંગ્રેજો સાથે સંઘર્ષમાં આવ્યા.
અઢારમી સદીના ઉત્તરાર્ધમાં ભારતમાં મુઘલોની પડતી થઈ અને મરાઠાઓની સત્તા પ્રવર્તવા માંડી. મરાઠાઓ વચ્ચેના કુસંપને પરિણામે ગુજરાતના વિસ્તારો ક્રમશ: ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન હેઠળ આવતા ગયા. 19મી સદીની પ્રથમ પચીસી સુધીમાં સમગ્ર ગુજરાત અંગ્રેજોના શાસન હેઠળ આવી ગયું.
વિદેશી હકૂમત સામે થયેલા 1857ના વિદ્રોહનું સીધું પરિણામ એ આવ્યું કે હિંદનો રાજ્યવહીવટ 1858માં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી બ્રિટિશ તાજે પોતાના હસ્તક લઈ લીધો. આમ, ભારતની ભૂમિ પરનો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો કાર્યકાળ 1600-1858 સુધીનો ગણાય છે.
જયકુમાર ર. શુક્લ
ધીરુભાઈ વેલવન