ઈસ્ટન, ડૅવિડ (જ. 24 જૂન 1917, ટોરૉન્ટો, કૅનેડા અ. 19 જુલાઈ 2014 કેલિફોર્નિયા, યુ. એસ.) : અમેરિકાના સુપ્રસિદ્ધ રાજ્યશાસ્ત્રી. 1947માં તેમણે હાર્વર્ડમાંથી ડૉક્ટરેટની પદવી મેળવી. ત્યારબાદ શિકાગો યુનિવર્સિટીમાં અધ્યાપનકાર્ય કર્યું. તેમના પુસ્તક ‘ધ પોલિટિકલ સિસ્ટમ’ (1953) દ્વારા તેમણે રાજ્યશાસ્ત્રના વિષયને સઘન સ્વરૂપ આપ્યું. રાજકીય પ્રથાના અભિગમથી તેઓ જાણીતા બન્યા અને તે દ્વારા રાજ્યશાસ્ત્રની વ્યાખ્યામાં નવો ચીલો પાડ્યો. યુદ્ધોત્તર વર્ષોમાં રાજ્યશાસ્ત્રમાં સધાયેલી અભૂતપૂર્વ પ્રગતિમાં ઈસ્ટનનો ફાળો મૌલિક અને મૂલ્યવાન રહ્યો છે.

આજનું રાજ્યશાસ્ત્ર રાજકીય ઘટના, સંસ્થા તથા નેતૃત્વને સ્થિર ઘટક તરીકે નહિ, પણ ગતિશીલ પ્રક્રિયા તરીકે જુએ છે. આ અભિગમના કેન્દ્રમાં રાજકીય વ્યવસ્થાની વિભાવના આગળ કરવામાં આવી છે. આ વિભાવના વ્યક્તિ, સમુદાય કે મંડળને અનુલક્ષીને કરવામાં આવી નથી. રાજકીય વ્યવસ્થાનો ખ્યાલ એક બૃહદ્ માળખા તરીકે રજૂ કરવામાં આવ્યો છે. કોઈ પણ સમાજની અંદર ‘રાજકીય’ અને ‘સામાજિક’ તત્વો વચ્ચેની આંતરપ્રક્રિયા સતત ચાલતી રહે છે. ભૌતિકશાસ્ત્ર કે શરીરશાસ્ત્રની પ્રક્રિયાની માફક રાજકીય પ્રથા બદલાતા વાતાવરણને અનુકૂળ થવાનો પ્રયાસ કરે છે. ઈસ્ટનના મત પ્રમાણે ‘રાજકીય’ એટલે જાહેર નીતિના ઘડતરની પ્રક્રિયા. આ સળંગ પ્રક્રિયાનું પૃથક્કરણ કરતાં ઈસ્ટન જણાવે છે કે રાજકારણનું મુખ્ય કાર્ય લોકોની માંગના સંદર્ભમાં નીતિવિષયક નિર્ણયો કરવાનું અને તેનો અમલ કરવાનું છે. લોકોની માંગ એટલે અંત:ક્ષેપ (input) અને તેના આધારે લેવાતા નિર્ણયો અને તેનો અમલ તે બહિ:ક્ષેપ (output). આ પ્રક્રિયા એટલે રાજકીય વ્યવસ્થાના સંચાલનની પ્રક્રિયા. અથથી ઇતિ સુધી ચાલતી આ પ્રક્રિયાના અંતિમ હેતુને અનુલક્ષીને ઈસ્ટન રાજ્યશાસ્ત્રની વ્યાખ્યા આપે છે. સમાજમાં મૂલ્યોની બંધનકર્તા ફાળવણી (authoritative allocation of values) રાજ્યશાસ્ત્ર દ્વારા થતી હોય છે. આ મૂલ્યો એટલે સંપત્તિ (wealth), સત્તા (power) અને મોભો (status), જેમનાં વિતરણ-વિનિયોગ રાજકીય પ્રક્રિયા દ્વારા થાય છે.

રાજકીય વ્યવસ્થા અને મૂલ્યોની ફાળવણીની વિભાવનાઓને રાજ્યશાસ્ત્રમાં કેન્દ્રસ્થ સ્થાન આપીને ઈસ્ટને રાજ્યશાસ્ત્રના વિષયમાં મોટું પ્રદાન કરેલું છે. તેમનાં અન્ય પુસ્તકો ‘એ ફેમવર્ક ફૉર પોલિટિકલ એનાલિસિસ’ (1965) અને ‘એ સિસ્ટિમ્સ એનાલિસિસ ઑવ્ પોલિટિકલ લાઇફ’ (1965) ‘વેરાઇટીઝ ઑફ પોલિટીકલ થિયરી’ (સંપાદક ઈગલવુડ ક્લીફસ) (1966), ‘ચિલ્ડ્રન ઈન ધ પોલિટિકલ સિસ્ટમ ઓરિજિનસ ઑફ પોલિટિકલ લેજિટિમસી’ (જેક ડેનીશ સાથે, 1969), ‘ધ એનાલિસિસ ઑફ પોલિટિકલ સ્ટ્રકચર’(1990), ‘ડિવાઈડેડ નોલેજ અક્રોસ ડિસીપ્લિન,અક્રોસ કલ્ચરર્સ’ (સં. સી. સ્ચેલિંગ સાથે), ‘રેજીમ ઍન્ડ ડિસીપ્લિન : ડેમોક્રેસી ઍન્ડ ધ ડેવલોપમેન્ટ ઑફ પોલિટીકલ સાયન્સ’ (સં. જે. ગુનેલ અને એમ. સ્ટેઈન) છે.

દેવવ્રત પાઠક