મૅટે (matte) : તાંબું, નિકલ અને સીસાની સલ્ફાઇડ ખનિજ ધાતુઓમાંથી નિર્મોચન થયેલ (molten) સલ્ફાઇડોનું મિશ્રણ. તાંબાની ખનિજ-ધાતુઓનું સીધું પ્રગલન (smelting) કરવાને બદલે તેઓનું પ્રથમ મૅટે તરીકે પ્રગલન થાય છે; જેમાં આશરે 40થી 45  % તાંબું અને સાથોસાથ લોહ તથા સલ્ફર હોય છે. ત્યારબાદ આ મિશ્રણ પર બેસીમર પ્રકારના કન્વર્ટરમાં વધારાની ક્રિયા કરવામાં આવે છે; જ્યાં પ્રગલન-મૅટેમાં હવાનો ધોધ ફૂંકવામાં આવતાં સલ્ફરનું સલ્ફર ડાયૉક્સાઇડ અને લોહ(આયર્ન)નું આયર્ન ઑક્સાઇડમાં ઑક્સીકરણ (oxidisation) થાય છે. આ બંને ઑક્સાઇડો સિલિકા સાથે ભળીને ધાતુમલ (slag) બનાવે છે અને તે રીતે તાંબું ધાતુ રૂપે મળી રહે છે. નિકલ સલ્ફાઇડ ખનિજ પર પણ આ પ્રકારે ક્રિયા કરવામાં આવે છે. નિકલ મૅટેમાં નિકલ અને તાંબાનું પ્રમાણ આશરે 15 %, લોહ આશરે 50 % અને બાકીનું સલ્ફર હોય છે. ઑક્સીકરણની ક્રિયા કરી બધી ધાતુઓ છૂટી પડાય છે. લેડ સલ્ફાઇડ ખનિજનું પ્રગલન કરવાથી કૉપર સલ્ફાઇડ પ્રવાહી સ્તરના સ્વરૂપમાં મૅટે તરીકે મળે છે; જેને અન્ય ધાતુમલ (slag) સાથે નિતારી છૂટું પાડવામાં આવે છે.

ગાયત્રીપ્રસાદ હીરાલાલ ભટ્ટ