મેગેલેનિક વાદળ : દક્ષિણ ગોળાર્ધના વિસ્તારોમાં, રાત્રિના આકાશમાં ઝાંખા, પ્રકાશિત વાદળ જેવા અવકાશી પદાર્થો. પંદરમી સદીમાં જ્યારે Magellan અને તેના સાથીદારોએ પૃથ્વી ફરતી સફર ખેડી, ત્યારે તેમણે આ વાદળો નોંધ્યાં હતાં. કંઈક અંશે આકાશગંગાના છૂટા પડેલા ટુકડાઓ જેવાં જણાતાં આ વાદળોને મેગેલેનિક (Magellanic) વાદળો એટલે કે મેગેલનનાં વાદળો એવું નામ અપાયું. સામાન્ય કદના દૂરબીનથી જોતાં જેમ આકાશગંગાના પટ્ટામાં જણાય છે, તેમ આ મેગેલનનાં વાદળોમાં પણ અસંખ્ય તારાઓ જણાય છે. આમ તે આકાશગંગાના પ્રકારનાં, પરંતુ તેની બહાર આવેલાં, પ્રમાણમાં નાનાં તારાવિશ્ર્વો છે. આમાંના મોટા વાદળને મોટા મેગેલેનિક વાદળ (Larger Magellanic Cloud, LMC) અને નાના વાદળને લઘુ મેગેલેનિક વાદળ (Smaller Magellanic Cloud, SMC) તરીકે ઓળખવામાં આવે છે.
આ બંને વાદળો આકાશમાં દક્ષિણ ધ્રુવની દિશાથી ફક્ત 20°ના કોણીય અંતરે આવેલાં હોવાથી વિષુવવૃત્ત નજીકના પ્રદેશો સિવાય ઉત્તર ગોળાર્ધમાંથી તે જોઈ શકાતાં નથી. ભારતમાં કન્યાકુમારીથી જોતાં, LMC જાન્યુઆરી માસમાં મધ્યરાત્રિએ ક્ષિતિજની ઉપર 10° પર જણાય છે, જ્યારે SMC નવેમ્બરની મધ્યરાત્રિએ તે સ્થાને જણાય છે. આ બંને તારાવિશ્વો સ્થાનિક જૂથ (local group) તરીકે ઓળખાતાં તારાવિશ્વોના એક સમૂહના સભ્યો છે, આકાશગંગા પણ આ સમૂહમાં આવેલી છે. પૃથ્વીથી 1,86,000 પ્રકાશવર્ષને અંતરે આવેલ LMC સૌથી નિકટનું બાહ્યતારાવિશ્વ છે; જ્યારે SMCનું અંતર 2,50,000 પ્રકાશવર્ષ જેટલું છે. LMC અને SMC એકમેકથી ઘણાં નજીક, ફક્ત નેવું હજાર પ્રકાશવર્ષને અંતરે છે. અલગ અલગ તારાવિશ્વો માટે આ અંતર ઘણું ઓછું ગણાય.
મૃગશીર્ષ નક્ષત્રમાં આવેલ નિહારિકા મૃગ-નિહારિકા (Orion nebula) તરીકે જાણીતી છે. બાઇનૉક્યુલર કે નાના દૂરબીન વડે જોઈ શકાતી આ નિહારિકા મૃગશીર્ષના તારાઓની પૂંછડીના તારાઓ સમીપ છે. ઝાંખા પ્રકાશિત વાદળ જેવી આ નિહારિકામાં સારા દૂરબીનથી જોતાં અંદર હીરાકણી જેવા ચમકતા નવસર્જિત તારાઓ જણાય છે. ખગોળવિજ્ઞાનમાં HII region તરીકે ઓળખાવાતા આ વિસ્તારો, આકાશગંગાનાં એવાં વાયુવાદળોનો વિસ્તાર દર્શાવે છે કે જેમાં હાલને તબક્કે હાઇડ્રોજન વાયુના એકત્રિત જથ્થામાંથી તારાઓનું સર્જન થઈ રહ્યું છે અને નવસર્જિત અતિપ્રકાશિત તારાઓના X અને પારજાંબલી વિકિરણોના પ્રભાવ નીચે તેની આસપાસના હાઇડ્રોજન વાયુનું અયનીકરણ પણ થાય છે. (આ જ કારણથી આવા વિસ્તાર HII region તરીકે ઓળખાવાય છે.) અયનીભૂત હાઇડ્રોજનનું ઇલેક્ટ્રૉન સાથે પુન:સંયોજન થતાં તેમાંથી ઉત્સર્જિત થતાં વિકિરણોમાં 6563 Åની તરંગલંબાઈની H∝ (Balmer alpha) રેખા પ્રમુખ છે, અને આ કારણે આવા વિસ્તાર રક્તવર્ણના પ્રકાશમાં લેવાયેલ છબીમાં સુસ્પષ્ટ જણાય છે. તારાના સર્જનની પ્રક્રિયા દર્શાવતા આવા વિસ્તાર LMCમાં (અને કંઈક અંશે SMCમાં પણ) વિશેષ પ્રમાણમાં જોવા મળે છે; જે દર્શાવે છે કે આ તારાવિશ્વોમાં હાલમાં તારાના સર્જનની પ્રક્રિયા પ્રબળ છે.
LMCના એક આવા, 30 Doradus નામે જાણીતા HII વિસ્તારની નજીક 23 ફેબ્રુઆરી, 1987ના રોજ એક અધિનવતારા(supernova)-વિસ્ફોટ નોંધાયો હતો. આ અધિનવતારા-વિસ્ફોટ સમયે ઉત્સર્જિત ન્યૂટ્રીનો-કિરણો (neutrine) પૃથ્વી પરની ન્યૂટ્રીનો નોંધતી બે પ્રયોગશાળાઓમાં નોંધાયા. આપણાથી 1,86,000 પ્રકાશવર્ષને અંતરે આવેલ હોવા છતાં, આ અધિનવતારો એટલો તેજસ્વી હતો કે તે નરી આંખે પણ ચતુર્થ તેજાંકના તારા જેવો (એટલે કે કૃતિકાના ઝૂમખાના તારા જેવો) દેખી શકાયો હતો. આકાશગંગાની બહારના અન્ય કોઈ તારાવિશ્વનો તારો નરી આંખે જોઈ શકાય તેવી આ પ્રથમ ઐતિહાસિક ઘટના હતી. આ અધિનવતારા – Supernova 1987 A – તરીકે પ્રખ્યાત છે. અધિનવતારાનો વિસ્ફોટ નોંધાયો તે પહેલાં પણ આ વિસ્તારની છબી, schmidt plate દ્વારા મોટા દૂરબીનો વડે લેવાઈ હતી. આ કારણે કયો તારો તેના અંતિમ તબક્કામાં અધિનવતારામાં પરિણમ્યો તે જાણી શકાયું હતું. મોટા કદના તારાઓની ઉત્ક્રાંતિ સમજવા માટે આ અવલોકન ઘણું અગત્યનું નીવડ્યું.
LMC તારાવિશ્વ કેટલીક અન્ય બાબતોમાં પણ વિશિષ્ટ છે. આમ તો એ અસ્પષ્ટ આકૃતિ ધરાવતું તારાવિશ્વ (irregular galaxy) ગણાય છે, પરંતુ તેના આંતરિક ભાગમાં સર્પાકાર આંટાનો અણસાર પણ જણાયો છે. તેની અંદર સમાયેલ તારાઓની સંખ્યાની ર્દષ્ટિએ પણ તેને સામાન્ય સર્પિલ તારાવિશ્વ સાથે સરખાવી શકાય. વળી તેમાં પ્રકાશમાન નવસર્જિત તારાઓની સંખ્યા નોંધપાત્ર છે અને તારાઓનું પરસ્પર અંતર આપતી આકાશગંગાના તારાઓ કરતાં ઘણું ઓછું જણાય છે. આકાશગંગાનાં ગોળીય તારકજૂથો(globular clusters)ની સરખામણીમાં LMCના આ પ્રકારનાં તારકજૂથો ઘણાં યુવાન જણાય છે. આ બધી ખાસિયતો દર્શાવે છે કે LMC તારાવિશ્વમાં તારાસર્જનની પ્રક્રિયા નજીકના ભૂતકાળમાં (આશરે બે કરોડ વર્ષ પૂર્વે) પ્રબળ બની હોવી જોઈએ.
બ્રહ્માંડનાં તારાવિશ્વો એક સર્વસામાન્ય ગતિ ધરાવે છે, જેને હબ્બલ (Hubble) પ્રવાહની ગતિ તરીકે ઓળખવામાં આવે છે અને આ ગતિ બ્રહ્માંડના વિસ્તરણ સાથે સંકળાયેલ છે, પરંતુ આ ઉપરાંત દરેક તારાવિશ્વને તેની પોતાની આગવી ગતિ પણ હોય છે અને નજીક રહેલાં તારાવિશ્વો માટે આ આગવી ગતિ વધુ અગત્યની છે; કારણ કે આને કારણે કોઈ વાર બે તારાવિશ્વો એકમેક સાથે ગાઢ સંસર્ગમાં આવી શકે છે. આ પ્રકારની ઘટનાને તારાવિશ્વોના સંઘાત (collision of galaxies) તરીકે વર્ણવાય છે; પરંતુ આ ઘટના કોઈ બે ઘન પદાર્થોની અથડામણ જેવી નથી. તારાવિશ્વોના તારાઓ એકમેક સાથે અથડાતા નથી, કેમ કે તેમની વચ્ચેનાં અંતરો મોટાં હોય છે; પરંતુ આવી ઘટનામાં ગુરુત્વાકર્ષણના પ્રભાવ નીચે તારાવિશ્વોના તારાઓની ગતિમાં મહત્વના ફેરફારો થાય છે અને તારાવિશ્વોમાં તારાઓ વચ્ચેના વિસ્તારમાં રહેલ વાયુ પર પણ આ ગુરુત્વાકર્ષણની અસર થાય છે. છેલ્લા ત્રણ દસકાના રેડિયો-તરંગોમાં થયેલ ખગોળીય અભ્યાસ દ્વારા SMC, LMC અને આકાશગંગાને સાંકળતા હાઇડ્રોજન વાયુનાં નાનાં નાનાં વાદળોનો સેતુ શોધાયો છે, જેને હવે મેગેલનિક ધારા (Magellanic stream) તરીકે ઓળખાવાય છે. એમ મનાય છે કે આશરે બે કરોડ વર્ષ પૂર્વે, LMC તારાવિશ્વ આકાશગંગાની સાથે ઘનિષ્ઠ સંપર્કમાં આવતાં, આકાશગંગાના પ્રબળ ગુરુત્વાકર્ષણને કારણે LMCમાંથી SMC અને અન્ય હાઇડ્રોજનનાં વાયુવાદળો ખેંચાઈ આવ્યાં, જેને કારણે મેગેલનિક ધારાની રચના થઈ. આ ઘટનાને કારણે LMCમાં તારાસર્જનની પ્રક્રિયામાં પણ વેગ આવ્યો.
ખગોળવિજ્ઞાનના વિકાસમાં એક અન્ય નોંધપાત્ર હકીકત એ છે કે SMCમાં આવેલ Cepheid પ્રકારના તેજવિકારી તારાઓના અભ્યાસ પરથી 1912માં Henrietta Leavitt દ્વારા તેજવિકારના આવર્તકાળ અને તારાની તેજસ્વિતા વચ્ચેનો સંબંધ (Luminosity Period Relationship) શોધાયો. આ શોધે આકાશગંગાના વાસ્તવિક સ્વરૂપને સમજવામાં ઘણો અગત્યનો ભાગ ભજવ્યો છે.
જ્યોતીન્દ્ર ન. દેસાઈ