મેગેલનની સામુદ્રધુની

February, 2002

મેગેલનની સામુદ્રધુની : દક્ષિણ અમેરિકા ખંડની મુખ્ય ભૂમિના દક્ષિણ છેડાને ટિયેરા ડેલ ફ્યુએગો ટાપુઓથી જુદો પાડતો સાંકડો દરિયાઈ માર્ગ.

ભૌગોલિક સ્થાન : 54° 00´ દ. અ. અને 71° 00´ પ. રે.ની આજુબાજુ તે પહોળા V આકારનો દરિયાઈ માર્ગ બનાવે છે. તે 595 કિમી. લાંબી અને સ્થાનભેદે 3થી 32 કિમી. પહોળી છે. ઉત્તર અને દક્ષિણ અમેરિકા વચ્ચે પનામા નહેર ખુલ્લી મૂકવામાં આવી તે અગાઉ આટલાન્ટિક અને પૅસિફિક મહાસાગર વચ્ચે અવરજવર કરવા માટેનો આ એકમાત્ર ટૂંકો દરિયાઈ માર્ગ ગણાતો હતો. આ સામુદ્રધુનીના વિસ્તારમાં આખું વર્ષ તોફાની પવનો ફૂંકાતા રહે છે અને ભારે વરસાદ પડ્યા કરે છે.

1520માં પૉર્ટુગીઝ અભિયંતા ફર્ડિનાન્ડ મેગેલન દુનિયાને ફરતી દરિયાઈ સફર કરવા નીકળેલો. આ સર્વપ્રથમ યુરોપીય અભિયાન હતું. તે અહીંથી પસાર થયેલો. તેના માનમાં આ દરિયાઈ માર્ગને ‘મેગેલનની સામુદ્રધુની’ નામ અપાયેલું છે.

મેગેલનની સામુદ્રધુની

ગિરીશભાઈ પંડ્યા