ઈશ્વર

ઈશ્વર (ઉપનિષદો અને દર્શનો) : સમગ્ર સૃષ્ટિનો સર્જક અને નિયંતા. સૃષ્ટિની ઉત્પત્તિ અને તેના કર્તા વિશેના વિચારો ઋગ્વેદમાં છૂટાછવાયા મળે છે. પરંતુ ઈશ્વર વિશેનું અનેક ર્દષ્ટિથી થતું ચિંતન તો ઉપનિષદોમાં રજૂ થાય છે. સૃષ્ટિસર્જનનો જ્ઞાતા પરમ વ્યોમમાં રહેતો અધ્યક્ષ છે એમ કહીને પછી તે પણ કદાચ નહીં જાણતો હોય એમ કહેતું ઋગ્વેદનું સૂક્ત (10-129-7) લાક્ષણિક છે.

ઉપનિષદોમાં ર્દશ્ય જગતનાં ઘટક તત્વોને ક્રમપૂર્વક વ્યક્ત થતાં માનવામાં આવ્યાં છે. મૂર્ત અને અમૂર્ત જગત ઉત્પત્તિ, સ્થિતિ અને લયને પામે છે તેથી વિનાશી છતાં તે એક તત્વ ગણાય છે અને તે અવ્યાકૃત (વ્યક્ત ન થયેલું) કહેવાય છે. મૂલ કારણદ્રવ્યનો વિશિષ્ટ આવિર્ભાવ અને તિરોભાવ ભિન્નભિન્ન નામ-રૂપ-કર્મની ત્રિપુટીમાં થયા કરીને તે અવ્યાકૃતમાંથી વ્યાકૃતમાં પ્રગટ થાય છે અને ફરીથી અવ્યાકૃતમાં વિલય પામે છે. આ પ્રક્રિયામાં ભવ્યતા તેમજ રમ્યતાના નિયમો છે. એ નિયમોના છેવટના આશ્રયને ઉપનિષદોમાં पुरुष, ईश्वर, सद्ब्रह्म, परंज्योति, परमात्मा, परब्रह्म, परादेवता વગેરે અનેક નામો વડે ઓળખાવવામાં આવે છે, એ દેવ (દ્યોતન કરનાર) છે.

ઉપનિષદોમાં એ પરાદેવતાનાં નામરૂપનો આગ્રહ નથી, પરંતુ તેનું સ્વરૂપ સમજવા ઉપર ભાર છે. ઈશોપનિષદમાં ईश; કેનોપનિષદમાં यक्ष કે शिव; કઠોપનિષદમાં परमपुरुष; પ્રશ્નોપનિષદમાં पुरिशय पुरुष; મુંડકોપનિષદમાં સુવર્ણ રંગવાળા, બ્રહ્મદેવના પણ કારણ, જગત્કર્તા ઈશ્વર; તૈત્તિરીય ઉપનિષદમાં आनंदमय; ઐતરેય ઉપનિષદમાં प्रज्ञानं ब्रह्म; છાંદોગ્ય ઉપનિષદમાં परादेवता, सद्ब्रह्म, आकाश; માંડૂક્ય ઉપનિષદમાં सर्वेश्वर, सर्वज्ञ, अंतर्यामी; બૃહદારણ્યકમાં अंतर्यामी, औपनिषद पुरुष; શ્વેતાશ્વતર ઉપનિષદમાં रुद्र, शिव અને हर એમ અનેક રીતે ઈશ્વર કે પરમેશ્વરનું સ્વરૂપ સમજવા પ્રયત્નો થયા છે. ઉપનિષદ સાહિત્યમાં આ પરમાર્થ દેવને માટે જગત્કર્તા તરીકે परब्रह्म, જીવના અંતર્યામી તરીકે परमेश्वर કે परमात्मा નામો રૂઢ થયાં છે.

પરમ તત્વને ઉપનિષદોમાં ભિન્નભિન્ન સંજ્ઞાથી ઓળખાવેલ છે, પણ તત્વચિંતનની સર્વ સામગ્રીનું પરીક્ષણ કરતાં આત્મા અને ઈશ્વરનું અદ્વૈત સિદ્ધ થાય છે. (अयमात्मा ब्रह्म – 2-5-19 બૃ.ઉ.). વૈચારિક ઉત્ક્રાંતિનું આ મહત્વનું શિખર છે. તૈત્તિરીય ઉપનિષદ (3-1) પ્રમાણે જેને કારણે સૃષ્ટિનાં જન્મ, સ્થિતિ અને લય થતાં હોય તે બ્રહ્મ છે, તે જ ઈશ્વર છે. છાંદોગ્ય ઉપનિષદ(6-12)માં ઉદ્દાલક આરુણિ શ્વેતકેતુને સમજાવે છે કે ‘‘સૃષ્ટિના મૂળમાં ઈશ્વર અવ્યક્ત તત્વરૂપે રહેલો છે અને તે જ આત્મા છે. તું તે છે तत्वमसि.’ બૃહદારણ્યક ઉપનિષદ તેનો ‘અક્ષર’થી ઉલ્લેખ કરે છે. તેમાં પરમતત્વનાં સાકાર અને નિરાકાર બંને સ્વરૂપોનું સંયોજન સધાયું છે.

ઋગ્વેદમાં બહુદેવવાદ હતો. ઉપનિષદોની ગતિ એકદેવવાદ તરફની છે. યાજ્ઞવલ્ક્ય વિદગ્ધ શાકલ્યને દેવોની સંખ્યાના પ્રશ્નમાં ત્રણ, ત્રણ સો, ત્રણ સહસ્ર, બે, દોઢ અને અંતે એક એમ કહે છે. આ એક ઈશ્વર એ છે જેનું શરીર પૃથ્વી, જેનો લોક અગ્નિ અને જ્યોતિ મન છે, જે સર્વ મનુષ્યોની અંતિમ ગતિ છે. (3-9, 1થી 10, બૃ.ઉ.)

બ્રહ્મના સગુણ સ્વરૂપના વિકાસમાં શ્વેતાશ્વતર ઉપનિષદનું બહુમૂલ્ય પ્રદાન છે, તે ઈશ્વરને રુદ્ર નામથી ઓળખે છે. તે જ પરમ તત્વ છે, તેના સિવાય બીજું કશું નથી. આ લોક ઉપર તે પોતાની શક્તિથી શાસન કરે છે. સમસ્ત વિશ્વોનું તે સર્જન કરે છે. તેનાં ચક્ષુઓ, મુખ, બાહુ, પાદ સર્વ બાજુએ છે. (3-2-3 શ્વે.ઉ.)

આ દેવના મહિમાથી વિશ્વનું ચક્ર ફરે છે. આ સર્વને તેણે આવરી લીધું છે. તે સર્વજ્ઞ છે. તે ઈશ્વરોનો પણ પરમ મહેશ્વર છે, દેવોનો પણ દેવ છે. તેનું કોઈ કારણ નથી કે તે કોઈ કાર્ય નથી. તેનાથી અધિક કે સમાન પણ કોઈ નથી. (6-1થી 12 શ્વે.ઉ.)

ઉપનિષદોનો ઈશ્વર જગતમાં વ્યાપ્ત છે અને જગતથી પર છે. સર્વ લોકનું ચક્ષુ સૂર્ય છે, પણ તે જોનારના ચક્ષુદોષથી લેપાતો નથી. આ સર્વ ભૂતોનો અંતરાત્મા છે પણ તે લોકનું દુ:ખોથી લેપાતો નથી. બધી બાજુથી ભૂમિને આવરીને પણ તે દશાંગુલ ઊર્ધ્વ રહે છે. (3-14 શ્વે.ઉ.). અંતરીક્ષમાં એકાકી વૃક્ષની જેમ સ્થિર તે ઊભો છે અને છતાં આ આખું વિશ્વ તેનાથી છે. (3-9 શ્વે.ઉ.)

સેશ્વર ઉપનિષદો સ્પષ્ટ સમજાવે છે કે બ્રહ્મતત્વમાં એક પ્રેરક પરમેશ્વરનો પ્રભાવ રહેલો છે. ભોક્તૃભાવવાળો જીવ અને ભોગ્યભાવવાળું વિશ્વ એ બંને આ પરમ પુરુષને અધીન છે. ભોક્તા જીવનું ચૈતન્ય પણ એને આશ્રિત છે અર્થાત્ તે પરમપુરુષના સ્વભાવચૈતન્યની કાં તો છાયા છે અથવા પ્રતિબિંબ છે અથવા આભાસ છે અથવા અંશ છે. ઉત્તરકાલીન વેદાંતદર્શનમાં જીવાત્મા અને પરમાત્માનો સંબંધ બેસાડવા, છાયાવાદ, પ્રતિબિંબવાદ, આભાસવાદ, અવચ્છેદવાદ વગેરે અનેક વિભાવનાઓ ઊભી થઈ છે. પરંતુ પ્રાચીન ઉપનિષદોમાં આવા વાદ નથી. પરમ પુરુષ કે પરમેશ્વરને ર્દષ્ટાંતો વડે ઓળખાવવામાં આવ્યા છે. તેને પોતાના આત્મા તરીકે ઓળખવો એ ઉપનિષદોનું લક્ષ્ય છે.

ઉપનિષદો આ પરમપુરુષને વિશ્વરૂપ દર્શાવે છે અને સાથે સાથે વિશ્વથી પર હોવાનું પણ જણાવે છે. તે પોતે પોતાનામાંથી વિશ્વાકાર પરંપરાઓ રચે છે અને જીવાત્માની પીઠમાં રહીને સુખદુ:ખના ભોક્તૃત્વમાં નિમિત્ત-કારણ પણ બને છે. પોતાના મૂળ શુદ્ધ સ્વરૂપમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ તત્વથી પર નિર્વિકાર ‘त्रिपादूर्ध्व’ છે. વિશ્વમાં પ્રવેશેલા ચતુર્થાંશમાં ઔપનિષદ પરમપુરુષની કારણદ્રવ્યમાં રહેલી કલાને ‘અંતર્યામી’, સૂક્ષ્મદ્રવ્યમાં રહેલી કલાને ‘સૂત્રાત્મા’ કે ‘હિરણ્યગર્ભ’ અને સ્થૂળ દ્રવ્યમાં રહેલી કલાને ‘વિરાટ’ નામે ઓળખવામાં આવે છે. ઉપાસના માટે વિરાટને अકાર વડે, હિરણ્યગર્ભને उકાર વડે, અંતર્યામીને मકાર વડે અને ત્રણે માત્રાઓને સમસ્તભાવમાં ૐકારના એકાક્ષર વડે નિર્વિકાર તુરીય અર્થાત્ પરસ્વરૂપને ભાવનામાં ચિંતવવાનું માંડૂક્યોપનિષદે જણાવ્યું છે.

પ્રેરક પુરુષોત્તમનું રૂપ કેવલ નિર્ગુણ નથી, પણ ક્ષોભ ઉત્પન્ન કરવામાં સમર્થ બલક્રિયાશક્તિવાળું સગુણ છે, તેથી તેને સર્વેશ્વર, સર્વજ્ઞ, અંતર્યામી, સર્વનાં ઉત્પત્તિ અને લયનું અધિકરણ કહ્યું છે.

આ પરમપુરુષ કે સગુણ પરમેશ્વરનાં નામ, રૂપ અને ગુણોનું વ્યાપક ચિંતન ઉપનિષદોમાં મળે છે. સગુણના સ્પર્શ વિનાનું ભાગ્યે જ કોઈ ઉપનિષદ હશે. પરમાત્માના કેટલાક ધર્મો કે ગુણો સ્વાભાવિક છે. કેટલાક ધર્મો ઔપાધિક છે. સ્વભાવધર્મો નિર્ગુણ તત્વના ઘટક અંશો છે. સત્, ચિત્ અને આનંદ સગુણ બ્રહ્મમાં આધારરૂપે વિદ્યમાન છે. આ ઉપરાંતના વિશેષ ધર્મો તે भग (ઐશ્વર્ય). તેનાથી યુક્ત તે ‘ભગમાન’.

ઉપનિષદોમાં ઉપાસ્ય અને જ્ઞેય એવાં બે રૂપોનું વર્ણન છે. મૂર્ત અને અમૂર્ત રૂપોને नेति नेति કહીને બંનેની પેલે પારના ચડિયાતા પરતત્વ તરીકે તેની ઓળખ આપી છે.

બ્રહ્મસૂત્રમાં જણાવ્યા પ્રમાણે પરમાત્મા સૃષ્ટિનાં ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું કારણ છે. આ પરમાત્મા વડે જીવોનાં કર્મફળની વ્યવસ્થા થાય છે. બાદરાયણાચાર્યે બ્રહ્મને પુરુષવિધ અને અપુરુષવિધ એમ બે રૂપે સ્વીકાર્યું છે. તેમના મતે કારણબ્રહ્મના સ્વરૂપમાં નિર્વિશેષ ચેતન અથવા જ્ઞાન સ્વભાવધર્મ છે તેમ જ સત્યસંકલ્પત્વાદિ ઐશ્વર્યભાવ હોઈ શકે છે.

ન્યાયવૈશેષિક પરંપરા ઈશ્વરને સૃષ્ટિના કર્તા અને નિયંતા તરીકે સ્થાપે છે. તેને જીવકર્મસાપેક્ષ કર્મફળદાતા પણ માને છે. એવો જ મત માહેશ્વર પાશુપત આદિ પરંપરાઓનો પણ છે. મધ્વાચાર્યનું મંતવ્ય સ્વરૂપર્દષ્ટિએ ઈશ્વરને સૃષ્ટિનો નિર્માતા ગણવાનું છે.

સાંખ્ય-યોગ પરંપરા એ માત્ર ચોવીસ કે પચ્ચીસ તત્વોમાં જ નથી માનતી. તેણે પચ્ચીસ તત્વો ઉપરાંત છવ્વીસમું સ્વતંત્ર પુરુષવિશેષ ઈશ્વરતત્વનું અસ્તિત્વ સ્વીકારેલું છે. હિરણ્યગર્ભ કે સ્વયંભૂ નામે યોગમાર્ગમાં અને પાતંજલયોગમાં સાક્ષી, ઉપાસ્ય તેમજ ઉદ્ધારકરૂપે ઈશ્વરનું પ્રતિપાદન થયું છે. ભૂતાનુગ્રહ એ ઈશ્વરનું પ્રયોજન છે અને તે જ્ઞાન તથા ધર્મના ઉપદેશથી સમગ્ર પ્રાણીઓને ઉદ્ધારવાનો સંકલ્પ પોતાના સત્વગુણના પ્રકર્ષને અવલંબીને કરે છે. આગમપ્રમાણને અવલંબીને યોગદર્શન (ટીકાકારો અનુસાર) ઈશ્વરને સૃષ્ટિના કર્તા અને સંહર્તા તરીકે સ્થાપે છે. ન્યાય-વૈશેષિક તત્વજ્ઞાનના પ્રભાવમાં રહી ઉપનિષદોની પ્રતિષ્ઠાનો પોતાની રીતે ઉપયોગ કરીને મધ્વપરંપરા બ્રહ્મ કે વિષ્ણુ જેવા પદથી નિર્દેશીને ઈશ્વરને પ્રાણીકર્મસાપેક્ષ કર્તા માને છે અને આ મત બ્રહ્મસૂત્રમાંથી તારવે છે. પૂર્વમીમાંસકો જીવથી ભિન્ન એવા કોઈ ઈશ્વરતત્વને કર્તા તરીકે સ્વીકારતા નથી; પરંતુ આ પરંપરામાં મંત્ર, દેવતા, વિધિવત્ કર્મ અને સામગ્રીજન્ય શક્તિ એ જ ઈશ્વરના કર્તૃત્વનું સ્થાન લે છે.

સેશ્વર અર્થાત્ બ્રહ્મવાદી દર્શનો, મૂળ એકતત્વવાદી હોઈ સચ્ચિદાનંદ (સત્-ચિત્-આનંદ)સ્વરૂપ મૂળ તત્વનું પ્રતિપાદન કરે છે. ઉપનિષદોની જ્ઞાનમીમાંસાના સ્રોતરૂપ બ્રહ્મસૂત્રમાં બ્રહ્મને રૂપવત્ અને અરૂપવત્ એમ બે સ્વરૂપે નિરૂપ્યું છે. એમાં અરૂપવત્ સ્વરૂપને સર્વત્ર મુખ્યતયા પ્રતિપાદ્ય ગણીને તેના નિરૂપણમાં તૈત્તિરીયોપનિષદ્ (2.5, 3-6), છાંદોગ્યોપનિષદ્ (1.7, 1.5; 1.9.1; 1.11-4-5; 3.13-1-7) અને કૌષીતક્યુપનિષદ્ (3.1.3)નો આધાર લીધો છે. રૂપવત્ સ્વરૂપના નિરૂપણમાં છાંદોગ્યોપનિષદ્ (3.14.1-2; 4.5.1; 5.11.1-6), કઠોપનિષદ્ (2.24; 3.1), બૃહદારણ્યકોપનિષદ્ (3.7-1-2) તેમ જ મુંડકોપનિષદ્ (1.1.5-6)નો આધાર લીધો છે. બ્રહ્મસૂત્રકારે શ્રુતિના અર્થઘટન પરત્વે એ બાબત તરફ ખાસ લક્ષ દોર્યું છે કે અરૂપવત્ અને રૂપવત્ સ્વરૂપનાં વિશેષણો એકબીજાને લાગુ પડી શકે તેવાં છે; જેમ કે સત્યસંકલ્પત્વ, દ્યુ-ભૂ-આદિ-આયતનત્વ વગેરે. પરંતુ કોઈ એક સ્વરૂપની ઉપાસના કરનારે બંને સ્વરૂપનાં વિશેષણો ભેગાં કરવાં અનિવાર્ય હોવાનું જરૂરી ગણવામાં આવ્યું નથી. બંનેમાંથી કયું સ્વરૂપ મુમુક્ષુને વધુ અનુકૂળ કે ઇષ્ટ છે એ અંગે પણ કોઈ નિયમ હોવાનું જણાવ્યું નથી. આ બંને સ્વરૂપોમાંથી અરૂપવત્ સ્વરૂપને પ્રધાન કહ્યું છે અને રૂપવત્ સ્વરૂપને પુરુષ કહ્યો છે. છતાં બ્રહ્મ, પુરુષ, આત્મન્, અક્ષર, અવ્યક્ત વગેરે પદો પ્રધાન અને પુરુષ બંનેને સરખી રીતે લાગુ પડે છે. પ્રજાપતિલોક અને બ્રહ્મને લગતી શ્રુતિઓમાં એ લોકમાં જનાર મુક્ત આત્માઓને બ્રહ્મના સાથમાં ઇચ્છિત ભોગની પ્રાપ્તિ થતી હોવાનો નિર્દેશ છે, છતાં તે લોક આપણા ઇહલોક જેવો સામાન્ય લોક નથી. શંકરાચાર્ય રૂપવત્ સ્વરૂપને કાર્યબ્રહ્મ તરીકે ગણી તેને સગુણબ્રહ્મ કે અપરબ્રહ્મ અથવા માયાશબલિત ઈશ્વર તરીકે અને અરૂપવત્ પ્રધાન સ્વરૂપને નિર્ગુણ, કારણબ્રહ્મ કે પરબ્રહ્મ તરીકે ઓળખાવે છે. સૂત્રકારે પોતે તો શ્રુતિમાં પુરુષવિધ અને અપુરુષવિધ એ બે સ્વરૂપે બ્રહ્મનું પ્રતિપાદન થયું હોવાનું નિર્દેશ્યું છે. મુંડકોપનિષદની શ્રુતિને આધારે સૂત્રકારના પુરુષ એ જ અક્ષર છે અને અક્ષરનું જ્ઞાન તે જ બ્રહ્મવિદ્યા છે, અક્ષર અરૂપવત્ છે, પુરુષ રૂપવત્ છે; પણ તે બંને એક જ ઈશ્વર કે પરમાત્માનાં બે સ્વરૂપો છે. શ્રુતિ બ્રહ્મને અવ્યક્ત ગણાવે છે અને અવ્યક્ત તથા પુરુષ એ બે સ્વરૂપો તો એક જ છે.

ઈશ્વરસ્વરૂપ અંગે ચર્ચા કરનારા બ્રહ્મસૂત્રના ભાષ્યકાર આચાર્યોમાં શંકરાચાર્ય અને ભાસ્કરાચાર્યથી ચૈતન્ય સુધીના એમ બે વર્ગ પડી જાય છે. બ્રહ્મસૂત્રનાં બધાં જ ઉપલબ્ધ ભાષ્યો એ વિચારમાં એકમત છે કે બ્રહ્મતત્વ એ જ વિશ્વનું મુખ્ય અને સ્વતંત્ર કારણ છે. બધા જ ભાષ્યકારોને, પરસ્પર ગમે તેટલો મતભેદ હોય છતાં, મૂળ કારણનો ખુલાસો ઈશ્વરત્વની પરિભાષામાં પણ કરવો પડે છે અને તે વખતે તેમની સામેના અવૈદિક ઈશ્વરવાદીઓની કેટલીક માન્યતાઓ તથા ઉપપત્તિઓને પણ સ્વાભિમત ઈશ્વરત્વની વ્યાખ્યામાં ઘટાવવી પડે છે. શંકરાચાર્ય કેવલાદ્વૈતી હોવાથી એમને બ્રહ્મ સિવાય બીજા તત્વનું પારમાર્થિકત્વ ઇષ્ટ નથી. એક માત્ર બ્રહ્મ એ જ ઈશ્વર અને એ જ જીવ યા જીવો એ કઠિન સમસ્યાની ઉપપત્તિ બેસાડવા શંકરાચાર્યે માયા અને અવિદ્યાનો આશરો લઈ માયોપાધિક બ્રહ્મ તે ઈશ્વર તેમજ અવિદ્યોપાધિક બ્રહ્મ તે જીવ એમ પ્રતિપાદન કર્યું. ઈશ્વરની સ્થાપના અર્થે શંકરાચાર્યે કહ્યું કે સૃષ્ટિ અનાદિ છે અને પ્રાણીઓના કર્મને અનુસરીને નવા નવા કલ્પમાં ઈશ્વર સર્જન કરે છે, આ સ્થાપના મુખ્યત્વે આગમને – ખાસ કરીને ઉપનિષદોને – આધારે સિદ્ધ કરી છે. આમ શંકરાચાર્યે સચ્ચિદાનંદ બ્રહ્મને જ ઈશ્વર-તત્વરૂપે સ્વીકારી તેને જ સચરાચર જગતના અભિન્ન ઉપાદાન અને નિમિત્ત-કારણ તરીકે સ્થાપ્યું. આ રીતે બ્રહ્મના પૂર્ણકર્તૃત્વની અને ઈશ્વરત્વની સ્થાપના સિદ્ધ થઈ.

શંકરાચાર્યની પૂર્વેના વ્યાખ્યાકારો મુખ્યપણે બ્રહ્મતત્વને પ્રકૃતિથી ભિન્ન છતાં પરિણામી માનતા અને બ્રહ્મમાંથી જ અચેતન તથા ચેતનની સૃષ્ટિ ઘટાવી, બ્રહ્મનાં પરિણામોમાંય એ તાત્વિક સ્વરૂપને કૂટસ્થ તરીકે સાચવવા અનેક યુક્તિઓ તેમજ ઉપપત્તિઓ આપતા. ભાસ્કરાચાર્ય પણ ઈશ્વરની સ્થાપનામાં મુખ્ય આધાર ઉપનિષદોનો લે છે અને સૃષ્ટિને પ્રાણીકર્મસાપેક્ષ ગણાવી, તે અચેતન-ચેતન વિશ્વને ઉપાદાનસ્વરૂપ બ્રહ્મથી ભિન્નાભિન્ન – સમુદ્ર અને તરંગની જેમ – માને છે. એમણે બ્રહ્મમાં સ્વાભાવિક વાસ્તવિક અચિન્ત્ય અનેક શક્તિઓ જ સ્વીકારી છે. રામાનુજાચાર્યના મતે પરબ્રહ્મ કે નારાયણ સર્વવ્યાપી અને સર્વાન્તર્યામી હોવા ઉપરાંત વાસ્તવિક મંગળગુણનું નિધાન છે. મૂળ સ્વરૂપમાં તે કૂટસ્થ હોવા છતાં પોતાના અવ્યક્ત યા કારણસ્થ અચિત્ અને ચિત્-તત્વરૂપ સૂક્ષ્મ શરીરને વ્યક્ત યા કાર્યાન્વિત બનાવે છે. નારાયણની શક્તિથી જ પ્રકૃતિ અને જીવતત્વ, જે તેમના શરીરરૂપે પોતાની સાથે જ હતાં તે જ, સંચાલિત થાય છે. રામાનુજાચાર્યે પરબ્રહ્મને ઈશ્વર અને વાસુદેવરૂપે સ્થાપવામાં મુખ્યપણે ઉપનિષદોનો જ આધાર સ્વીકાર્યો છે. નિમ્બાર્કાચાર્યે પણ બ્રહ્મતત્વની ઈશ્વરરૂપે સ્થાપના કરી, તેને જ વિષ્ણુ કહેલા છે. તેમના મતે પરમબ્રહ્મ વિષ્ણુ જ વાસ્તવિક ચરાચર જગતનું ઉપાદાન અને નિમિત્ત-કારણ છે. એ પણ પોતાની સ્થાપનામાં મુખ્યપણે આગમનો જ આધાર લે છે અને પ્રાણીકર્મસાપેક્ષ સૃષ્ટિ સ્વીકારે છે. વલ્લભાચાર્ય માયાવિરહિત શુદ્ધાદ્વૈતનો પુરસ્કાર કરી બ્રહ્મને વિશ્વરૂપ અને વિશ્વને બ્રહ્મસ્વરૂપ કહે છે. તે બ્રહ્મને વિશ્વનું ઉપાદાનકારણ નહીં, પણ સમવાયીકારણ કહે છે અને સૃષ્ટિને પ્રાણીકર્મસાપેક્ષ સ્વીકારવા છતાં ઈશ્વરની ઇચ્છા યા લીલાનું પૂર્ણ સ્વાતંત્ર્ય સાચવે છે. વલ્લભાચાર્યે આ સમવાયીકારણરૂપ ઈશ્વરના ત્રણ અંશો એના પરિણામરૂપ વિશ્વમાં સમાનપણે અનુભવાતા નથી તેનું બુદ્ધિગ્રાહ્ય સમાધાન આપતાં ततु समन्वयात् (બ્રહ્મસૂત્ર, 1-1.3) સૂત્રના અણુભાષ્યમાં કહ્યું છે કે પોતાની ઇચ્છાથી બ્રહ્મ જુદા જુદા રૂપે પ્રગટ થાય છે, કારણ કે જડ, જીવ તથા અંતર્યામીમાં અનુક્રમે સત્, ચિત્ અને આનંદ એ એક એક અંશનું પ્રાગટ્ય થાય છે. બાકીના અંશો તેમાં તિરોભૂત રહે છે. એક જીવને પણ કામભેદે એ જ વસ્તુ સુખ, દુ:ખ આદિ રૂપ બને છે; તેથી સુખ, દુ:ખ, જ્ઞાન આદિનો થતો અનુભવ ઈશ્વરગત ચિદ્-આનંદ શક્તિની તારતમ્યયુક્ત અભિવ્યક્તિને જ આભારી છે એમ માનવું જોઈએ. આ રીતે વલ્લભાચાર્યે મૂળ કારણ પ્રકૃતિના સ્થાનમાં બ્રહ્મની પ્રતિષ્ઠા કરી અને તેને જ પરમેશ્વર કહ્યો. શ્રી ચૈતન્યમહાપ્રભુની પ્રક્રિયામાં તત્વજ્ઞાનની ર્દષ્ટિએ કોઈ ખાસ નવો મુદ્દો નથી. શૈવાચાર્ય શ્રીકંઠ પણ બ્રહ્મસૂત્રની વ્યાખ્યામાં કહે છે કે બ્રહ્મ સચ્ચિદાનંદસ્વરૂપ છે, પણ તે શિવરૂપે છે, અને એ જ ઈશ્વર છે, અને ઔપનિષદ તેમ જ સર્વસંમત શૈવાગમને અનુસરીને શિવનું ઉપાદાન-નિમિત્તકારણત્વ સ્થાપે છે.

ઈશ્વરપુરુષોત્તમ (શ્રીમદ્ ભગવદગીતા) : ગીતામાં પરમતત્વને ઘણી વાર ઈશ્વર તરીકે ઓળખાવ્યું છે. ઈશ્વર આ જગતના નિયામક છે. શ્રીમદ્ ભગવદગીતાના અઢારમા અધ્યાયમાં કહ્યું છે : ‘માયાથી યંત્ર ઉપર ચઢેલાં બધાં ભૂતોને ભમાવતો ઈશ્વર સર્વભૂતોના હૃદયપ્રદેશમાં રહે છે.’’ ઈશ્વરને બે પ્રકૃતિ છે – પરા અથવા જીવભૂત અને અપરા અથવા પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ, અહંકાર એ આઠ પ્રકારની. ઈશ્વર તેમાં ગર્ભ મૂકે છે અને બધાં ભૂતો જન્મે છે. પરમતત્વ ઈશ્વરરૂપે આ સંસારમાં વ્યક્ત થાય છે. ઈશ્વર બધાં ભૂતોનું બીજ છે.

વિભૂતિરૂપે તે સર્વત્ર પ્રકાશિત છે. આ સંસારમાં જે જે વસ્તુ ઐશ્વર્યવાળી, શ્રીયુક્ત તથા પ્રભાવશાળી છે તેમાં ઈશ્વરનો આવિર્ભાવ કળી શકાય છે.

ઈશ્વરે ગુણ અને કર્મ અનુસાર સંસારની ચાતુર્વર્ણ્યની વ્યવસ્થા કરી છે. તેનો તે કર્તા પણ છે. અકર્તા પણ છે. ત્રણ ગુણની બનેલી ઈશ્વરની માયામાં સહુ સપડાય છે અને ઈશ્વરને શરણે જનાર તે માયાને તરી જાય છે. ઈશ્વર આ સંસારનાં ગતિ, ભર્તાં, પ્રભુ, સાક્ષી, નિવાસ, શરણ અને સુહૃદરૂપ છે.

જ્યારે સંસારમાં ધર્મનો હ્રાસ થાય છે અને અધર્મનો ઉદ્રેક થાય છે ત્યારે ઈશ્વર અવતાર ધારણ કરીને સાધુઓનું પરિત્રાણ કરે છે, ધર્મની સ્થાપના કરે છે અને પોતાના જીવનના પ્રત્યક્ષ ઉદાહરણથી ઉચ્ચ જીવનનો આદર્શ મૂકી જાય છે.

ઈશ્વર એક જ છે, તેના કોઈ ચોક્કસ સ્વરૂપનો ગીતાએ ઉલ્લેખ કર્યો નથી. માણસ શ્રદ્ધાથી જે કોઈ સ્વરૂપની કે પ્રતીકની ઉપાસના કરે તે તેને માટે ઈશ્વર છે. એક રીતે શ્રદ્ધા ઈશ્વરનું સ્વરૂપ છે. ઈશ્વર માટેની શ્રદ્ધા પણ માણસમાં ઈશ્વર જ પ્રેરે છે. તે કવિ, પુરાણ, અનુશાસિતા, અણુથીયે અણુ, બધાનો ધાતા તથા અચિન્ત્ય રૂપવાળો છે. તે સર્વ યજ્ઞ અને તપનો ભોક્તા છે. ઈશ્વરનું શરણ લેનાર માણસ બંધનમુક્ત અને દુ:ખમુક્ત બને છે, માટે ભગવાન કહે છે : ‘‘મારામાં મનવાળો થા – मन्मना भव….’’

ઈશ્વર સંસારથી પર હોવાથી તેને પુરુષોત્તમ પણ કહે છે. પુરુષોત્તમ એટલે પુરુષોમાં ઊંચામાં ઊંચો. સંસાર ક્ષર અને અક્ષર પુરુષોનો બનેલો નાશવંત અને અવિનાશી સ્વરૂપવાળો છે. પરંતુ ક્ષર અને અક્ષરનો ખ્યાલ એકબીજાના ઉપર આધારિત છે. જે ક્ષર હોય તે અક્ષર ન હોય અને જે અક્ષર હોય તે ક્ષર ન હોઈ શકે. પુરુષોત્તમ પુરુષનું નિરપેક્ષ સ્વરૂપ છે. ક્ષર-અક્ષર સંસારમાં વ્યાપ્ત છે, પુરુષોત્તમ સંસારથી પર છે. શ્રી અરવિંદ સમજાવે છે કે ક્ષર અને અક્ષર – એ બે સ્થિતિઓ – ખરું જોતાં આત્માની એક સર્વોત્કૃષ્ટ અને પરમ વાસ્તવિકતામાં રહેલી છે, તેનાં બે પરસ્પર વિરોધી દેખાતાં પાસાં છે. પરંતુ તે પરમ વાસ્તવિકતા પોતે એ બેમાંથી કોઈ એકથી મર્યાદિત નથી. પુરુષોત્તમ એ પરમ વાસ્તવિકતા છે. મુમુક્ષુઓ આ પુરુષોત્તમને જ જાણવા સાધના કરે છે.

અક્ષરપુરુષોત્તમ સંપ્રદાય પણ જણાવે છે : પુરુષોત્તમ અક્ષરથી નોખા છે અને અક્ષરના પણ કારણ, આધાર અને પ્રેરક છે.

ઈશ્વર (યોગ) : પતંજલિ અનુસાર ઈશ્વર ક્લેશ, કર્મવિપાક અને સંસ્કારના સંસર્ગથી રહિત પુરુષવિશેષ છે. તે સર્વજ્ઞ છે. તે પૂર્વ પુરુષોનો પણ ગુરુ છે, કારણ કે તે કાલવિશિષ્ટ નથી. ઈશ્વરનો વાચક પ્રણવ છે. પ્રણવનો જપ ઈશ્વરની ભાવના (= ઈશ્વરપ્રણિધાન) છે. ઈશ્વરપ્રણિધાનથી યોગાન્તરાયો દૂર થાય છે અને સમાધિલાભ થાય છે. આમ સૂત્રકાર પતંજલિને મતે ઈશ્વર કેવળ ઉપાસ્ય છે. ભાષ્યકાર વ્યાસના મતે ઈશ્વર કેવલીથી ભિન્ન છે. કૈવલ્ય પામેલા કેવલીઓ (= મુક્તો) તો બંધન છેદી મુક્ત બન્યા છે, જ્યારે ઈશ્વર તો સદા મુક્ત છે. ઐશ્વર્યની પરાકાષ્ઠા જ્યાં છે તે ઈશ્વર છે. તેના ઐશ્વર્ય જેવું બીજું ઐશ્વર્ય નથી, અર્થાત્ તે એક છે. ઈશ્વરનું પ્રયોજન ભૂતાનુગ્રહ છે. ઈશ્વર ધર્મોપદેષ્ટા છે. સર્ગના આદિમાં નિર્માણશરીર ધારણ કરી તે ઉપદેશ આપે છે. તત્વવૈશારદીકાર વાચસ્પતિ મિશ્ર અને યોગવાર્તિકકાર વિજ્ઞાનભિક્ષુ અનુસાર યોગમાન્ય ઈશ્વર કર્મોનો અધિષ્ઠાતા પણ છે. સ્વકર્મનું યોગ્ય ફળ જીવને મળે એ માટે તે પ્રક્રિયામાં જે અંતરાયો હોય તે દૂર કરવાનું કામ જ ઈશ્વર કરે છે. તે કરુણામય હોવા છતાં તેને જીવોનાં કર્મોને ગણતરીમાં લેવાં પડે છે. વળી, તે બંને ટીકાકારો અનુસાર ઈશ્વર જગતનાં સર્જન અને સંહાર પણ કરે છે. પ્રકૃતિમાં ક્ષોભ (અર્થાત્ સામ્યાવસ્થાભંગ, જ્યાંથી સૃષ્ટિનો આરંભ થાય છે) ઈશ્વરેચ્છાથી થાય છે. અહીં પ્રશ્ન થાય કે ઈશ્વરેચ્છાથી પ્રકૃતિમાંથી જગતનું સર્જન માનતાં પ્રકૃતિનું સ્વાતંત્ર્ય કેમ રહે ? આનો ઉત્તર તે બંને એ આપે છે કે ઈશ્વરેચ્છાથી તો પ્રકૃતિમાંથી જગતના સર્જન આડે જે અંતરાયો હોય છે તે કેવળ દૂર થાય છે, અને અંતરાયો દૂર થતાં પ્રકૃતિની સામ્યાવસ્થાનો ભંગ થાય છે અર્થાત્ ક્ષોભ થાય છે. વિજ્ઞાનભિક્ષુના મતે ઈશ્વર અને જીવ વચ્ચે અંશાંશીભાવ સંબંધ છે; અંશ અને અંશી વચ્ચે ભેદાભેદ હોય છે એટલે ઈશ્વર અને જીવ વચ્ચે પણ ભેદાભેદ છે. પતંજલિ જીવન્મુક્ત ઉપદેષ્ટાને – જે પ્રત્યક્ષ ગુરુ છે, ઉપાસ્ય છે અને સંસારચક્ર સમાપ્ત થઈ ગયું હોઈ જે કાલથી અસ્પૃષ્ટ છે તેમને – ઈશ્વર ગણતા લાગે છે.

ભાષ્યકાર વ્યાસ ઈશ્વરને સદા મુક્ત અને એક સ્થાપી તેમને તદ્દન અલૌકિક અને કેવળ નિર્માણશરીરથી ઉપદેશ આપતા કલ્પે છે અને ટીકાકારોએ તો આ સદામુક્ત ઈશ્વરને કર્મના અધિષ્ઠાતા અને સર્ગપ્રલયકર્તા પણ ગણ્યા અને તેમની અને જીવની વચ્ચે અંશાંશીભાવ પણ માન્યો.

ઈશ્વર (પશ્ચિમી તત્વચિંતનની ર્દષ્ટિએ)

ગ્રીક ફિલસૂફો પ્લેટો અને ઍરિસ્ટૉટલ, ખ્રિસ્તી ચિંતકો ઑગસ્ટાઇન એન્સેલ્મ, એક્વાઇનસ વગેરે, યહૂદી ફિલસૂફો ફિલો અને માઇમોનાઇડ્ઝ, ઇસ્લામી ચિંતકો એવિસિન્ના (ઇબ્નસીના) અને એવેરોઝ ઉપરાંત ડેકાર્ટ, સ્પિનોઝા અને લાયબ્નિઝ જેવા આધુનિક બુદ્ધિવાદીઓ (rationalists) અને લૉક ને બર્કલી જેવા આધુનિક અનુભવવાદીઓ (empiricists) ઈશ્વરનો સ્વીકાર કરે છે. જર્મન ફિલસૂફ કાન્ટે તર્કબુદ્ધિના ક્ષેત્રે ઈશ્વરની સાબિતીઓનું ખંડન કર્યું છે, પણ નૈતિક ક્ષેત્રે ઈશ્વરનો સ્વીકાર કર્યો છે. ઓગણીસમી સદીના કાર્લ માર્ક્સ, શોપનહાવર અને નિત્શે તેમજ વીસમી સદીના બર્ટ્રાન્ડ રસેલ અને ફ્રેંચ અસ્તિવવાદી સાર્ત્ર ઈશ્વરનો નિષેધ કરે છે; જોકે વીસમી સદીના કેટલાક અસ્તિત્વવાદીઓ બૂબર, બર્દયેફ અને મારસલ ઈશ્વરનો સ્વીકાર કરે છે.

પશ્ચિમી ઈશ્વરવિચાર પાંચ મહત્વની બાબતોને આધારે રજૂ કરી શકાય તેવું એચ. પી. ઓવેન (Owen) ‘ગૉડ – કન્સેપ્ટ ઑવ્’ નામના લેખમાં દર્શાવે છે. આ પાંચ બાબતોમાં ઈશ્વરની અતિક્રામકતા (transcendence), ઈશ્વર અને જગતનો સંબંધ, ઈશ્વરના ગુણધર્મો, ઈશ્વરનું વ્યક્તિવિશેષ તરીકેનું સ્વરૂપ અને ઈશ્વર અંગેનું જ્ઞાન એ મુદ્દાઓનો સમાવેશ થાય છે.

ખ્રિસ્તી અને યહૂદી પરંપરાઓમાં ઈશ્વરની અતિક્રામકતા કે પારગામિતાનો સ્વીકાર કરવામાં આવે છે. ઈશ્વર જગતથી પર છે અને ભિન્ન છે તેવું માનવા છતાં આ પરંપરામાં માનનારા કેટલાક ચિંતકો ઈશ્વરનાં વિશ્વાધિક તેમજ વિશ્વવ્યાપી, અતિશાયી તેમજ અંત:શાયી (immanent) એમ બંને પાસાંનો સ્વીકાર કરે છે. તેથી વિરુદ્ધ સ્પિનોઝા જેવા કેટલાક સર્વેશ્વરવાદીઓ સ્પષ્ટ રીતે વિશ્વ અને ઈશ્વરનું તાદાત્મ્ય સ્વીકારે છે.

ઈશ્વરની પારગામિતા કે અતિક્રામકતા સાથે સંકળાયેલો બીજો મુદ્દો ઈશ્વર અને જગતના સંબંધ અંગેનો છે. આ સંબંધ વિશે જુદી જુદી રીતે વિચારવામાં આવે છે. જેમ કે (1) ઈશ્વરે જગતનું શૂન્યમાંથી સર્જન કર્યું; (2) પૂર્વે અસ્તિત્વ ધરાવતા દ્રવ્યમાંથી ઈશ્વરે નિમિત્ત-કારણરૂપે સૃષ્ટિ સર્જી; (3) ઈશ્વર જગતનું અંતિમ કારણ છે, ધ્યેયરૂપ કારણ છે; (4) જગત ઈશ્વરનું સીધું પ્રસ્ફુરણ (emanation) છે અને (5) વૈશ્વિક પ્રક્રિયા(cosmic process)નો ઈશ્વર અંતિમ તબક્કો છે.

ઈશ્વરે શૂન્યમાંથી સૃષ્ટિ સર્જી એ મત યહૂદી અને ખ્રિસ્તી પરંપરામાં જોવા મળે છે. પૂર્વે અસ્તિત્વ ધરાવતી નિત્ય સામગ્રીને ઈશ્વરે ઘાટ આપ્યો તેવું નથી. પણ ઈશ્વરે પોતાની મુક્ત ઇચ્છાથી સૃષ્ટિ સર્જી છે અને સૃષ્ટિની દરેક બાબત તેને અધીન છે. વિશ્વની વસ્તુઓનું સાપેક્ષ અને પરાવલંબી અસ્તિત્વ છે જ્યારે ઈશ્વર પૂર્ણ છે; સત્વ અને અસ્તિત્વ તેનામાં અભિન્ન છે અને તે નિરપેક્ષ અનિવાર્ય સત્ છે.

પૂર્વે અસ્તિત્વ ધરાવતા દ્રવ્યમાંથી ઈશ્વરે સૃષ્ટિ સર્જી તેથી ઈશ્વર માત્ર તેનું નિમિત્ત-કારણ છે તેવો મત પ્લેટોનો છે. પૂર્વે અસ્તિત્વ ધરાવતા દ્રવ્યને ઈશ્વર રૂપતત્વ (form) અર્પે છે તેવો પ્લેટોનો મત છે. રૂપતત્વ અને દ્રવ્ય બંને ઈશ્વરથી સ્વતંત્ર છે.

ઍરિસ્ટૉટલે ઈશ્વરને આદિ ગતિકારક તત્વ (prime mover) એટલે કે પોતે સ્થિર છતાં ગતિપ્રેરક તત્વ તરીકે સ્વીકાર્યો છે. ઈશ્વર આવા તત્વ તરીકે નિત્ય (eternal) છે; અભૌતિક (immaterial) છે. સર્વ વસ્તુઓના વિકાસનું તે અંતિમ લક્ષ્ય હોવાથી તે ધ્યેય કે હેતુરૂપ કારણ (final cause) છે.

પ્લોટિનસ, સ્પિનોઝા કે હેગલ જેવા ચિંતકોમાં ઈશ્વર અને જગતના સંબંધની વિચારણા વિશિષ્ટ પ્રકારની છે. એક, અનંત અને અપરિમિત દ્રવ્યનો સ્પિનોઝા સ્વીકાર કરે છે. ઈશ્વરના અનંત ગુણધર્મો છે, પણ વિચાર અને વિસ્તાર એ બે ગુણધર્મો (attributes) પરત્વે જ માનવબુદ્ધિ દ્રવ્યનું એટલે કે ઈશ્વરનું સત્વ નિર્ધારિત કરી શકે છે. વિશિષ્ટ સજીવ અને નિર્જીવ વસ્તુઓ પરાવલંબી છે. તે નિત્ય દ્રવ્યના અનિત્ય પર્યાયો (modes) છે. એક ઈશ્વર, (દ્રવ્ય) અનેક વસ્તુઓ, અપરિમિત ઈશ્વર, પરિમિત વસ્તુઓ અને સ્વયંપર્યાપ્ત કારણરૂપ ઈશ્વર અને તેનાં પરાવલંબી કાર્યો (effects) તરીકે વસ્તુઓ, એવા ભેદ સ્પિનોઝા પાડે છે, પણ તેમના સર્વેશ્વરવાદી દર્શન મુજબ ઈશ્વર અને જગતનો સંબંધ સ્વયંસિદ્ધ સત્યો(axioms)માંથી નિષ્પન્ન થતાં પ્રમેયો (theorems) જેવો છે. જગત ઈશ્વરમાંથી તાર્કિક અનિવાર્યતારૂપે ફલિત થાય છે, તે ઈશ્વરનો આવિષ્કાર કે તેનું પ્રસ્ફુરણ છે. હેગલ પણ જગતને ઈશ્વર કે નિરપેક્ષ તત્વના આવિષ્કાર કે પ્રસ્ફુરણ તરીકે કલ્પે છે, પણ આવો આવિષ્કાર ઐતિહાસિક અને ગત્યાત્મક છે તેવું હેગલ માને છે. અપરિમિત તત્વ હેગલના મત મુજબ પરિમિત (finite) દ્વારા જ સ્વયમેવ સ્ફુરે છે. ઈશ્વરને જગતથી તદ્દન ભિન્ન અને અતિક્રામક પારગામી તત્વ તરીકે હેગલ સ્વીકારતા નથી. હેગલના મત મુજબ જે કંઈ છે તે બધું ઈશ્વરના અંશરૂપ છે. પણ ઈશ્વર વિશ્વાધિક છે, કારણ ઈશ્વર સમષ્ટિરૂપ છે અને સમષ્ટિ તેના અંશો કરતાં વિશેષ હોય છે. ઈશ્વરનું સ્વયંસ્ફુરણ જગત દ્વારા જ પરિપૂર્ણ થાય છે.

ઈશ્વર અને જગતના સંબંધનો એક વિશિષ્ટ અભિગમ સૅમ્યુઅલ ઍલેક્ઝાન્ડરમાં જોવા મળે છે. દિક્-કાળમાંથી જડદ્રવ્ય (matter), તેમાંથી જીવંત પદાર્થો અને તેમાંથી ચિત્(mind)નો ઉદભવ થાય છે. ઈશ્વર એ આવા વિકાસક્રમનો અંતિમ તબક્કો છે. અપરિમિત પૂર્ણતા જેમાં કલ્પવામાં આવી છે તેવો ઈશ્વર જગતનું અંતિમ લક્ષ્ય છે. નવતર સ્વરૂપો વિકાસક્રમમાં ઉદભવતાં જાય છે તેવો અભિગમ યોગ્ય હોય તોપણ ઈશ્વર તેનો છેલ્લો તબક્કો છે તેવો મત ઘણાને માન્ય થતો નથી. રાધાકૃષ્ણન્ કહે છે કે પહેલાં જગત અને પછી ઈશ્વર એ કદાચ મનુષ્યના જ્ઞાનનો ક્રમ હોય, પણ જગતના અસલી વિકાસક્રમમાં ઈશ્વરનું સ્ફુરણ થઈ ગયું હોય તેવું પણ બની શકે.

પશ્ચિમી ઈશ્વરવાદમાં ઈશ્વરના ગુણધર્મોની રજૂઆતમાં એક, અપરિમિત, સરળતત્વ, અભૌતિક, નિત્ય, અપરિવર્તનશીલ, સર્વજ્ઞ અને સર્વશક્તિમાન તરીકે ઈશ્વરના ગુણો કલ્પવામાં આવ્યા છે. જે. એસ. મિલ જેવા કેટલાક ચિંતકો ઈશ્વરનું જ્ઞાન અને તેની શક્તિ મર્યાદિત ગણે છે, કારણ કે સર્વજ્ઞ અને સર્વશક્તિમાન ઈશ્વરની ધારણા કરવાથી જગતમાં પ્રવર્તતી દુષ્ટતા અને જગતનાં અનિષ્ટનો બૌદ્ધિક ખુલાસો આપવો અશક્ય બની જાય છે.

પશ્ચિમી ઈશ્વરવિચારમાં ઈશ્વર વ્યક્તિવિશેષ (person) તરીકે અસ્તિત્વમાં છે કે ઈશ્વર અવૈયક્તિક વ્યક્તિનિરપેક્ષ તત્વ (absolute) છે તે અંગે પણ વિવાદ પ્રવર્તે છે. ઈશ્વરને વ્યક્તિત્વ (personality) છે એમ કહેવા જતાં ઘણા પ્રશ્નો ઉદભવે છે. દા.ત., મનુષ્ય અંગે ‘વ્યક્તિત્વ’ શબ્દનો જે અર્થ થાય છે તે જ અર્થ ઈશ્વર અંગે ‘વ્યક્તિત્વ’ શબ્દ યોજવામાં અભિપ્રેત છે કે કેમ તેનો નિર્ણય કરવો મુશ્કેલ બને છે. ઈશ્વર અને મનુષ્યની ભિન્નતા ઉપર ભાર મૂકો તો ઈશ્વરને મનુષ્ય જેવું વ્યક્તિત્વ છે તેમ કહેવું મુશ્કેલ જણાય છે. વ્યક્તિવિશેષ તરીકે ઈશ્વરને કલ્પવાનો અર્થ જો એવો થાય કે ઈશ્વર મનુષ્યને પ્રેમ કરવાની ક્ષમતા માનવીય અર્થમાં ધરાવે છે તો તેવા વ્યક્તિવિશેષરૂપ ઈશ્વરનો સ્વીકાર પ્લેટો, ઍરિસ્ટૉટલ, સ્પિનોઝા કે હેગલમાં કરવામાં આવ્યો નથી. નિરપેક્ષ પરમતત્વનો સ્વીકાર કરનાર સ્પિનોઝા કે હેગલ જેવા ફિલસૂફો માટે ભક્તિમાર્ગમાં કલ્પેલું ઈશ્વરનું વ્યક્તિવિશેષ તરીકેનું માનવીય સ્વરૂપ તાત્વિક રીતે મહત્વનું જણાયું નથી. બ્રૅડલી મુજબ વ્યક્તિરૂપ ઈશ્વર (Personal God) એ તો નિરપેક્ષ તત્વનો એક પ્રતિભાસ (appearance) માત્ર છે. ઈશ્વરને પ્રેમાળ પિતા, સહૃદયી મિત્ર, શુભેચ્છક કે માર્ગદર્શક તરીકે કલ્પવાનું સ્પિનોઝા, હેગલ કે બ્રૅડલી માટે શક્ય નથી. નિરપેક્ષ તત્વ તરીકે કલ્પેલા અવૈયક્તિક ઈશ્વર સાથે ભાવનાત્મક સંબંધ ન હોઈ શકે. જોકે બીજી બાજુ ઈશ્વરને વ્યક્તિવિશેષ તરીકે સ્વીકારવાથી ઈશ્વરનો ખ્યાલ કેવળ માનવકેન્દ્રી (anthropocentric) બની જાય તેવો સંભવ દર્શાવવામાં આવ્યો છે.

ઈશ્વરવિચારમાં ઈશ્વર અંગેના જ્ઞાનનો પ્રશ્વ પણ મહત્વનો છે. તર્કબુદ્ધિથી ઈશ્વરની સાબિતી આપી શકાય છે તેવું માનનારા ફિલસૂફો જુદા જુદા પ્રકારની સાબિતી આપે છે. તેમાં સત્તામૂલક પ્રમાણ કે સાબિતી (ontological proof), વિશ્વરચનાલક્ષી સાબિતી (cosmological proof) અને હેતુલક્ષી સાબિતી (teleological proof) ઉપરાંત નૈતિક દલીલનો પણ સમાવેશ થાય છે. મધ્યયુગીન ખ્રિસ્તી ચિંતક એન્સેલ્મની સત્તામૂલક સાબિતી મુજબ જેનાથી ઉચ્ચતર કે શ્રેષ્ઠ તત્વ વિચારી ન શકાય તેવું તત્વ એટલે ઈશ્વર. આવું તત્વ અસ્તિત્વમાં ન હોય તેમ સ્વીકારવું તાર્કિક રીતે તો શક્ય જ નથી, કારણ કે જેનાથી ઉચ્ચતર તત્વ કલ્પી ન શકાતું હોય એવું તત્વ જો અસ્તિત્વ ન ધરાવતું હોય તો તે સર્વશ્રેષ્ઠ કે સર્વોચ્ચ તત્વ ગણાય જ નહીં. આમ ઈશ્વરનું અસ્તિત્વ અનિવાર્ય રીતે ફલિત થાય છે. ડેકાર્ટ અને સ્પિનોઝાએ પણ આ જ પ્રકારની સત્તામૂલક સાબિતી રજૂ કરી છે. વિશ્વની કોઈ પણ વસ્તુ પરાવલંબી, અન્યાશ્રિત, સોપાધિક (conditioned) અને પરતંત્ર છે તેથી તેના આધાર તરીકે નિરુપાધિક, સ્વાયત્ત, સ્વયંપર્યાપ્ત સત્ તારવવાનો દાવો વિશ્વરચનાલક્ષી સાબિતીમાં કરવામાં આવ્યો છે. આ સાબિતી પ્લેટો, ઍરિસ્ટૉટલ, એક્વાઇનસ વગેરેએ રજૂ કરી છે. આ ઉપરાંત વિશ્વમાં પ્રવર્તમાન સુવ્યવસ્થા અને તેની બુદ્ધિગમ્ય સંરચના ઉપરથી પણ બુદ્ધિમાન સર્જક અને વ્યવસ્થાપક ઈશ્વર વિશે અનુમાન કરવામાં આવે છે, જેને હેતુલક્ષી સાબિતી કહેવાય છે. જર્મન ફિલસૂફ કાન્ટે આ ત્રણે સાબિતીનું ખંડન કરીને માત્ર નૈતિક ક્ષેત્રના સંદર્ભમાં ઈશ્વરનો સ્વીકાર કર્યો છે. અલબત્ત કાન્ટ મુજબ નૈતિક દલીલ ઈશ્વર અંગેનું કોઈ વસ્તુલક્ષી જ્ઞાન આપતી નથી, પરંતુ તે અંગેની માત્ર વ્યક્તિગત પ્રતીતિ જ આપે છે.

કેટલાક ચિંતકો શ્રદ્ધા, ગૂઢ અનુભવો, શ્રુતિજ્ઞાન વગેરે દ્વારા ઈશ્વરને સ્વીકારે છે. તર્કને તેઓ મહત્વ આપતા નથી. ખાસ તો ધર્મનિષ્ઠ ચિંતકો પોતાના ધર્મના શ્રુતિજ્ઞાનને આખરી માનવા પ્રેરાય છે. કેટલાક માને છે કે ઈશ્વર વિશે હકારાત્મક નહીં, કેવળ નકારાત્મક વિધાનો જ પ્રયોજી શકાય છે. ઈશ્વર અમર્યાદિત અને અપરિમિત હોવાથી તેને મનુષ્યસર્જિત ભાષા દ્વારા કદી પામી શકાય નહીં, કારણ કે ઈશ્વર તો અપરોક્ષાનુભૂતિનો વિષય છે. નિષેધક વિધાનો પણ ઈશ્વરના માનવીથી પર એવા અતિક્રામક સ્વરૂપનો નિર્દેશ કરવા પૂરતાં જ મહત્વનાં ગણવામાં આવે છે. માનવીય ભાષામાં મનુષ્યો માટે પ્રયોજાતા શબ્દો તેના તે જ અર્થમાં ઈશ્વર માટે પ્રયોજી શકાય કે કેમ તે પણ એક વિવાદનો વિષય છે. આવા બધા વિવાદોનું મૂળ ઈશ્વરની અતિક્રામકતાના ખ્યાલમાં રહેલું છે. ઈશ્વરને જગતથી તદ્દન ભિન્ન ગણવામાં પ્રશ્ર્ન એ થાય છે કે જો તેમ હોય તો પછી જગત ઈશ્વરનું સર્જન છે, જગત અને ઈશ્વર વચ્ચે નિશ્ચિત સંબંધ છે તેમ કઈ રીતે કહી શકાય ? આમ ઈશ્વરના પારગામી સ્વરૂપને સ્વીકારતાં ઈશ્વરને જગતથી સંપૂર્ણ રીતે પર ગણવાનો પ્રસંગ આવે છે. સર્જક ઈશ્વર, સર્જિત સૃષ્ટિથી સર્વાંશે ભિન્ન હોય તો સર્જિત સૃષ્ટિ માટે પ્રયોજાતી ભાષા ઈશ્વરને કઈ રીતે લાગુ પડી શકે તે સ્પષ્ટ થતું નથી. જોકે માનવકેન્દ્રી ઈશ્વરવિચારમાં ઈશ્વર વિશે પ્રયોજાતાં વિશેષણો (‘પ્રેમાળ’, ‘સારો’, ‘દયાળુ’ વગેરે) ખરેખર તેના માનવીય અર્થમાં જ તેને લાગુ પડે છે તેમ સ્વીકારવામાં આવે છે. જ્યારે તત્વમીમાંસાકીય (metaphysical) ઈશ્વરવિચારમાં આવા શબ્દો તેના આલંકારિક અર્થમાં જ ઈશ્વર માટે પ્રયોજી શકાય તેવું માનવામાં આવે છે.

ઈશ્વરવાદ (theism) : ઈશ્વરવાદને દેવવાદ (deism), સર્વેશ્વરવાદ (pantheism) અને સર્વસમાવેશક સર્વેશ્વરવાદ(panentheism)થી ભિન્ન ગણવામાં આવે છે. સર્વેશ્વરવાદ પ્રમાણે અમુક ચોક્કસ અર્થમાં જે કંઈ છે તે ઈશ્વર છે અને ઈશ્વર જ સર્વ છે. ઈશ્વર અને જગત વચ્ચે અભેદ છે. અલબત્ત, તેનો અર્થ એવો નથી કે આ કે તે વિશેષ વસ્તુ સંપૂર્ણ રીતે ઈશ્વર છે. સર્વેશ્વરવાદ પ્રમાણે સર્વ ઈશ્વર છે, જ્યારે સર્વસમાવેશક સર્વેશ્વરવાદ પ્રમાણે સર્વ ઈશ્વરમાં છે. એટલે કે સૃષ્ટિમાં જે કાંઈ છે તે ઈશ્વરનો જ અંશ છે. પરંતુ જેમ સમષ્ટિ તેના અંશ કરતાં વિશેષ છે તેમ ઈશ્વર એક સમષ્ટિ તરીકે જગત કરતાં અધિક છે. જેમ કોઈ વ્યક્તિ (person) તેના શરીરથી ભિન્ન નથી, છતાં તેના શરીરના સર્વ કોષો કરતાં કંઈક વિશેષ છે તેમ ઈશ્વર સૃષ્ટિથી અભિન્ન હોવા છતાં સૃષ્ટિથી અધિક છે. હેગલનો મત સર્વસમાવેશક ઈશ્વરવાદ ગણાવી શકાય તેમ ઘણા વિદ્વાનો માને છે. હેગલના મતે ઈશ્વર એક સત્વ (essence) છે, જે જગત દ્વારા પ્રાકટ્ય પામે છે અને આવી રીતે જગતમાં અભિવ્યક્ત થઈને તે સાર્થકતા મેળવે છે. પશ્ચિમી ચિંતનમાં હેગલને સર્વસમાવેશક સર્વેશ્વરવાદી જ્યારે સ્પિનોઝાને સર્વેશ્વરવાદી ગણવામાં આવે છે. સર્વેશ્વરવાદ ઈશ્વરવાદ કરતાં ભિન્ન છે, કારણ કે ઈશ્વરવાદ મુજબ ઈશ્વર એક છે, વ્યક્તિવિશેષ છે, ચૈતન્યયુક્ત અને સંકલ્પયુક્ત છે, મનુષ્યનાં પ્રેમ અને ભક્તિનું તે સર્વોત્તમ લક્ષ્ય છે અને વૈયક્તિક તત્વ તરીકે તેનો મનુષ્ય સાથે કલ્યાણકારી અંગત સંબંધ હોઈ શકે છે. મનુષ્ય ઈશ્વરની કૃપા કે અનુગ્રહ મેળવી શકે છે. વ્યક્તિરૂપ, કલ્યાણકારી, પ્રેમાળ અને શક્તિમાન ઈશ્વર અનિષ્ટનો નાશ કરવા અને ઇષ્ટનું સામ્રાજ્ય સ્થાપવા સક્રિય બને છે. સર્વેશ્વરવાદમાં ઈશ્વરનું આ પ્રકારનું માનવીય સ્વરૂપ મહત્વનું નથી.

ઈશ્વરવાદ દેવવાદથી પણ ભિન્ન છે. અઢારમી અને ઓગણીસમી સદીના કેટલાક પશ્ચિમી ચિંતકો મુજબ ઈશ્વર જગતનું પ્રથમ કારણ છે. પણ એક વાર ઈશ્વરે જગતનું સર્જન કર્યું પછી તેમાં પ્રવર્તતી ઘટનાઓ માટેના અફર નિયમોથી જગતનું સંચાલન આપોઆપ થયા કરે છે અને ઈશ્વરનો તેમાં કોઈ સક્રિય હસ્તક્ષેપ નથી રહેતો. દેવવાદ દ્વારા ધર્મને તર્કમાન્ય બનાવવાનો આ રીતે પ્રયત્ન થયો હતો. ઈશ્વરવાદી અભિગમ દેવવાદ કરતાં ભિન્ન જ છે, કારણ કે ઈશ્વરવાદમાં જગતમાં ઈશ્વરની સક્રિય સામેલગીરીનો સ્વીકાર કરવામાં આવ્યો છે.

મેકનિકૉલ જેવા વિદ્વાનો માને છે કે ભારતીય ઈશ્વરવાદમાં ઈશ્વરવાદ અને સર્વેશ્વરવાદનો ભેદ અત્યંત સ્પષ્ટ રીતે રજૂ કરવાનું મુશ્કેલ છે. મેકનિકૉલ પ્રમાણે ભક્તિમાર્ગ, અવતારવાદ, લીલાવાદ કે ઈશ્વરકૃપાનો મત ભારતમાં ઈશ્વરવાદને પોષક છે. તે અર્થમાં ભગવદગીતાદર્શન, રામાનુજદર્શન, શૈવ સિદ્ધાંત, મધ્વમત, વલ્લભાચાર્યદર્શન અને ભક્તિમાર્ગી સંતપરંપરામાં ઈશ્વરવાદનાં મહત્વનાં લક્ષણો જણાય છે. દા.ત., વલ્લભાચાર્ય મુજબ પુષ્ટિમાર્ગ કેવળ ભગવાનની કૃપાથી જ સિદ્ધ થાય છે. ભગવાનનું પ્રાકટ્ય પણ નિસ્સાધન જીવોના ઉદ્ધાર માટે છે. વલ્લભાચાર્યના દર્શનમાં પ્રેમલ ભક્તિ, નિત્યલીલાવાદ અને રસાત્મક બ્રહ્મ સાથે જીવાત્માનો દિવ્ય આનંદનો અનુભવ મહત્વનો છે. તે જ રીતે ચૈતન્ય સંપ્રદાયમાં અતિમનોહર શ્રીકૃષ્ણ જ પરબ્રહ્મ છે. જોકે ચૈતન્યદર્શનને અચિંત્ય ભેદાભેદવાદી કહેવાય છે, કારણ કે જીવ અને જગત બ્રહ્મથી ભિન્ન કે અભિન્ન તે નિર્ણય કરવો વિકટ છે તેવું તેમાં દર્શાવવામાં આવ્યું છે. આ પ્રકારના નિર્ણયની મુશ્કેલીઓને લીધે જ મેકનિકૉલ જેવા સંશોધકોને ભારતીય ઈશ્વરવાદના શુદ્ધ સ્વરૂપનો નિર્ણય કરવામાં મુશ્કેલી પડી છે. બ્રહ્મને વિશ્વરૂપ અને વિશ્વાધિક એમ બંને રીતે સ્વીકારવામાં આવ્યું છે.

મેકનિકૉલ મુજબ ભારતીય ચિંતનમાં નિર્ગુણ બ્રહ્મવાદ, માયાવાદ, જગત-મિથ્યાવાદ અને કેવળજ્ઞાનમાર્ગના આગ્રહને વિશેષ મહત્વ આપીએ તો તે શુદ્ધ ઈશ્વરવાદને માટે અવરોધક ગણાશે. ભારતીય ઈશ્વરવાદને તેના પૂર્ણ નૈતિક રૂપમાં પ્રગટ થવામાં એટલે કે બિનશરતી દૈવી અનુગ્રહના સંદર્ભમાં, કર્મનો અફર નિયમ પણ બાધક નીવડે છે. મેકનિકૉલનાં આ તારણો અંગે વિવાદ સંભવી શકે અને તેથી તે અંગે વધુ સંશોધનને અવકાશ છે. પરંતુ પરબ્રહ્મને વ્યક્તિરૂપ ઈશ્વર તરીકે જોનારાં બધાં ભારતીય દર્શનો એક ચોક્કસ અર્થમાં ઈશ્વરવાદી ગણાય.

નારાયણ કંસારા

પરમાનંદ દવે

નગીનભાઈ જીવણલાલ શાહ

મધુસૂદન બક્ષી