મેગેન્ડી ફ્રાંસ્વા (જ. 6 ઑક્ટોબર 1783, બૉર્ડો, ફ્રાન્સ; અ. 7 ઑક્ટોબર 1855) : ઓગણીસમી સદીના ફ્રાન્સના નામાંકિત દેહધર્મક્રિયાશાસ્ત્રી (physiologist). કરોડરજ્જુ-ચેતામાં બે પ્રકારો છે અને દરેકનાં કાર્ય અલગ છે એવું તેમણે સૌથી પ્રથમ સાબિત કરી આપ્યું. શરીરનાં વિવિધ અંગો ઉપરની ઔષધિઓની અસર અંગે સ્ટ્રિક્નિન (ઝેરકચોલાનું વિષારી દ્રવ્ય) અને મૉર્ફીન જેવા ઉત્તેજક પદાર્થોનો તેમણે કરેલાં સંશોધનોના આધારે માનવ-સ્વાસ્થ્યરક્ષા માટે ઉપયોગ થવા માંડ્યો.
ઈ. સ. 1811માં સ્કૉટલૅન્ડના શરીરરચનાશાસ્ત્રી (anatomist) સર ચાર્લ્સ બેલે કરોડરજ્જુ-ચેતાનાં અગ્રશૃંગો ચાલકચેતા, જ્યારે પશ્ચશૃંગો સંવેદીચેતા ધરાવે છે એની પ્રથમ શોધ કરી હતી. જ્યારે મેગેન્ડીએ 1822માં કરોડરજ્જુ ચેતાઓનું ઊંડાણપૂર્વક નિરીક્ષણ કરી ચાર્લ્સ બેલનાં અવલોકનોનું સમર્થન કર્યું. 1831માં મેગેન્ડી પૅરિસની કૉલેજ દ ફ્રાન્સમાં આયુર્વિજ્ઞાનના પ્રાધ્યાપક નિમાયા. શરીરમાં (લોહીમાં) આગન્તુક પ્રોટીનદ્રવ્ય દાખલ કરવામાં આવતાં શરીર તીવ્ર પ્રત્યાઘાતી ક્રિયા દાખવે છે એવું પ્રથમ નિરીક્ષણ તેમણે કર્યું હતું. તેમના અન્ય નિરીક્ષણ મુજબ સસલાને ઈંડાંમાં આવેલ પ્રોટીન-પદાર્થ-ઍલ્બ્યુમિનનું અંત:ક્ષેપણ કરવામાં આવે તો તે સહન કરી શકે છે; જ્યારે અન્ય પ્રોટીનોનું અંત:ક્ષેપણ કરવાથી તે મૃત્યુ પામે છે. વિજ્ઞાનની ર્દષ્ટિએ આ પ્રક્રિયાને પ્રતિ-સહિષ્ણુતા (anaphylaxis) કહે છે. યકૃતમાં થતો ગ્લાયકોજનનો સંગ્રહ, ચેતાનાં કાર્યો, પ્રાણીઓમાં નિર્માણ થતી ઉષ્ણતા, ઝેર અને બેભાન કરનારી દવાઓને લગતી દેહધાર્મિક ક્રિયાઓ વિશે તેમણે ઘણું સંશોધન અને પ્રકાશનકાર્ય કર્યું હતું. તેમણે ઈ. સ. 1821માં Journal de Physiolgie Experimentale – A French Magazine નામના એક ફ્રેંચ સામયિકનું પ્રથમ પ્રકાશન કર્યું હતું.
રા. ય. ગુપ્તે