રાધાસ્વામી સંપ્રદાય

January, 2003

રાધાસ્વામી સંપ્રદાય : વૈષ્ણવ ધર્મની એક શાખા. આ સંપ્રદાયનું બીજું નામ ‘સંતમત’ છે. આ સંપ્રદાયના સ્થાપક હુજુર રાધાસ્વામી દયાલ હતા. જેમને આદરાર્થ સ્વામીજી મહારાજ કહે છે. તેમનો જન્મ વિ. સ. 1875(ઈ. સ. 1819)માં થયો હતો. પાંચ-છ વર્ષની નાની ઉંમરથી તેઓ ઉપદેશ આપતા હતા. તે પછી પંદર વર્ષ સુધી પોતાના ઘરની એક કોટડીમાં બેસીને ‘સુરત શબ્દ યોગ’નો અભ્યાસ કરતા રહ્યા. 1917માં વસંત-પંચમીથી 17 વર્ષો સુધી લગાતાર સત્સંગ અને ઉપદેશનું કાર્ય ચાલુ રાખ્યું. તેમના શિષ્યવર્ગમાંથી આનંદસ્વરૂપ ‘સાહબજી મહારાજે’ ઉત્તરપ્રદેશમાં આગ્રાની નજીક દયાલબાગ સંસ્થાની સ્થાપના કરી. આ સુધારાવાદી સંપ્રદાય નિર્ગુણ યોગમાર્ગનો ઉપદેશ આપે છે. હિંદુ સંસ્કૃતિનો વિરોધ કે બહિષ્કાર આ સંપ્રદાય કરતો નથી. પરંતુ હિંદુ વિચારધારા પ્રત્યે ઉદાસીન છે. આ સંપ્રદાયનું મુખ્ય કેન્દ્ર દયાલબાગમાં છે. અહીં ઉચ્ચશિક્ષણ અને ઔદ્યોગિક ઉત્પાદનની અનેક સંસ્થાઓ ચલાવવામાં આવે છે. રાધાસ્વામી સંપ્રદાય મુખ્ય રૂપે એક ધાર્મિક સમાજ છે. જેઓ ઈશ્વરની અનુભૂતિની ઇચ્છા રાખતા હોય અને તેના માટે આધ્યાત્મિક અભ્યાસ કરવા તૈયાર હોય તેવી વ્યક્તિઓને જ આ સંપ્રદાયમાં પ્રવેશ મળે છે. તેના અનુયાયીઓને માંસાહાર અને મદ્યપાન છોડવું પડે છે. તેઓ કર્મસાધનામાં વિશ્ર્વાસ ધરાવે છે. અહીં કોઈ પણ પ્રકારના ભેદભાવ નથી. આંતરજાતીય કે આંતરરાષ્ટ્રીય લગ્ન આ સમાજમાં સામાન્ય બાબત છે. ભારતના જુદા જુદા ભાગમાં આ સત્સંગની લગભગ 550થી પણ વધુ શાખાઓ છે.

થૉમસ પરમાર