રાધાસ્વયંવર : કાશ્મીરી કવિ પરમાનંદ (1791-1879) રચિત મહત્વનું બીજું ‘લીલા’કાવ્ય. પ્રથમ ‘લીલા’કાવ્યની જેમ આ કૃતિનો વિષય પણ ‘ભાગવત’(સર્ગ 10)માંથી લેવાયો છે અને આશરે 1,400 શ્ર્લોકોમાં આધ્યાત્મિક રૂપક ઉપસાવાયું છે.

વાસ્તવમાં ધ્રુવપંક્તિ(‘સેત વિમર્શ દીપ્તિમાન ભગવનો’)ના પરિણામે કાશ્મીરની આગામી ‘પ્રત્યભિજ્ઞા’(ઓળખ)નું સર્જનાત્મક રૂપાંતર પ્રયોજાયું છે. દૃષ્ટાંતકથાની મર્યાદામાં રહીને, આ કાવ્યમાં સામાજિક વર્તણૂકના વ્યક્તિગત તથા આંતરવ્યક્તિગત વ્યવહાર-વર્તનનું પ્રતીતિજનક નિરૂપણ કરાયું છે. પુરાણની દંતકથામાંથી આ રીતે સાર્વત્રિક ભાવાર્થ ધરાવતી સમકાલીન વાસ્તવિકતાઓ સર્જનાત્મક રીતે ગૂંથી લેવામાં આવી છે. આવા કેટલાક પ્રસંગો તે કૃષ્ણ અને રાધાનો જન્મ; ગાયો ચારતી વખતે તેમનું આકસ્મિક મિલન; વગડાની રમતો; વાંસળીના મોહક સૂર; આધ્યાત્મિક રાસનૃત્ય; ગોપીઓનાં વસ્ત્રો સંતાડવાં; રાધાનો વિવાહ વગેરે. વચ્ચે વચ્ચે કેટલાક અરૂઢ-અપ્રચલિત ઉલ્લેખો-નિર્દેશો પણ આવતા રહે છે.

રાસલીલાનું નિરૂપણ ‘રાધાસ્વયંવર’નું મનમોહક પાસું છે. આ આધ્યાત્મિક લીલામાં મનોમય ગતિવિધિમાંથી અંતિમ પરમસુખની સહજ અનુભૂતિ સુધીનું ફલક રજૂ થયું છે.

મહેશ ચોકસી