રાધનપુર : ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાના નવ તાલુકાઓ પૈકીનો એક તાલુકો, તાલુકામથક તથા આઝાદી અગાઉનું એક દેશી રાજ્ય. ભૌગોલિક સ્થાન : આ તાલુકો આશરે 23° 50´ ઉ. અ. અને 71° 30´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 600 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. આ તાલુકામાં રાધનપુર નગર ઉપરાંત 54 જેટલાં ગામ આવેલાં છે. રાધનપુર તાલુકાની ઉત્તરે ભાભર અને ખેરવાડા, પૂર્વે ખેરવાડા, કાંકરેજ અને પાટણ, દક્ષિણ તરફ વણોદ, દસાડા, ઝીંઝુવાડા તથા પશ્ર્ચિમે વારાહી અને કચ્છનું નાનું રણ આવેલાં છે.
અહીંનું ભૂપૃષ્ઠ સમતળ છે. તાલુકો અને શહેર સમુદ્રથી દૂર કચ્છના રણ નજીક હોવાથી આબોહવા વિષમ રહે છે. અહીંનું મે માસનું સરેરાશ દૈનિક તાપમાન 42° સે. રહે છે, જે ક્યારેક વધીને 45° સે. સુધી પણ પહોંચી જાય છે. જાન્યુઆરીનું સરેરાશ મહત્તમ અને લઘુતમ તાપમાન 28.4° સે. અને 10.7° સે. જેટલું રહે છે. અહીં વરસાદ અનિયમિત હોય છે. તેનું સરેરાશ પ્રમાણ માત્ર 28.8 મિમી. જેટલું જ રહે છે, જે પૈકીનો 50 % વરસાદ જુલાઈમાં પડી જાય છે.
ઘણા ઓછા વરસાદને કારણે અહીં કાંટાળાં વૃક્ષો વધુ થાય છે તેમાં બાવળ, ગાંડો બાવળ, ગૂગળી, બોરડી, આકડો વગેરે મુખ્ય છે. અહીં ઘાસનાં બીડો પણ આવેલાં છે. અગાઉ રાધનપુર રાજ્ય તરફથી જમીનનો ક્ષાર દૂર કરવા 19,000 એકરમાં ગાંડા બાવળનું વાવેતર કરાવાયું હતું.
આ તાલુકામાં જોવા મળતાં પાલતુ પ્રાણીઓ પૈકી કાંકરેજી ગાય-બળદ, મહેસાણી ભેંસ, ઘેટાં-બકરાં, ઘોડા-ગધેડાં અને ઊંટ મુખ્ય છે. વન્ય પ્રાણીઓમાં શિયાળ, સસલાં, જંગલી ગધેડાં, વરુ વગેરેનો સમાવેશ થાય છે.
ઘઉં, જુવાર, બાજરી તથા કઠોળ (મુખ્યત્વે મગ) અહીંના મુખ્ય કૃષિપાકો છે. તે વાવેતરવાળી કુલ જમીનના 62 % વિસ્તારમાં વવાય છે. કપાસ, તલ, સરસવ, રાઈ, એરંડા તથા કેફી અને માદક પદાર્થો-પાકોનું વાવેતર બાકીના 38 % વિસ્તારમાં થાય છે. ખાદ્ય પાકો 5 લાખ હેક્ટરમાં અને અન્ય પાકો 3 લાખ હેક્ટરમાં વવાય છે. 2.50 લાખ હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળે છે. અહીં મોટે ભાગે કૂવાઓ દ્વારા સિંચાઈ થાય છે.
ખેતી અને પશુપાલન અહીંના લોકોના મુખ્ય વ્યવસાયો છે. દર પાંચ વર્ષ પૈકીનાં ત્રણ વર્ષ દુકાળનાં આવતાં હોવાથી લોકોને પાણીની અછતનો સામનો કરવો પડે છે. આખા તાલુકામાં રાધનપુર જ એકમાત્ર શહેર છે. 2001માં તેની વસ્તી આશરે 32,076 જેટલી હતી. અહીં 14.5 કિમી. લાંબી સ્કૉટ નહેર તથા તળાવ શહેરને પાણી પૂરું પાડે છે.
રાધનપુરમાં 1960માં ખેતીવાડીની પેદાશના વેચાણ માટે માર્કેટ-યાર્ડની સ્થાપના થઈ હતી. આ બજાર ખાતે ઘઉં, જુવાર, બાજરી, તલ, કપાસ અને મગફળીના સંગ્રહ માટેની વખારો તથા પાણી અને વીજળીની સગવડ છે. શહેરમાં સ્ટેટ બૅંક ઑવ્ ઇન્ડિયા, બૅંક ઑવ્ બરોડા, બૅંક ઑવ ઇન્ડિયા, દેના બૅંકની તથા જિલ્લા સહકારી બૅંકની શાખાઓ છે, જે વેપારીઓ, ખેડૂતો અને ઉદ્યોગપતિઓને ધિરાણ પૂરું પાડે છે.
ડીસા-ગાંધીધામ-કંડલા રેલમાર્ગ અસ્તિત્વમાં આવ્યો તે પૂર્વે તે વીરમગામ, પાટણ અને હારીજ જેવાં વેપારી મથકો સાથે સંકળાયેલું હતું. હાલ રેલવે દ્વારા તે ડીસા, ભાભર, શિહોરી સાથે સંકળાયેલું છે. તાલુકામાં આશરે 60 કિમી.ના પાકા રસ્તાઓ છે; જ્યારે રાધનપુરમાં 5.5 કિમી.ના પાકા, 5 કિમી.ના મેટલવાળા અને 32.5 કિમી.ના કાચા રસ્તા છે.
રાધનપુરમાં એક તેલ-મિલ તથા જિન-પ્રેસ છે. ખેતીનાં સાધનો દુરસ્ત કરવાની સગવડ પણ છે. પરંપરાગત લઘુ-ઉદ્યોગો પણ આ શહેરમાં આવેલા છે. શહેરમાં બાલમંદિરો, પ્રાથમિક શાળાઓ, ઉચ્ચતર માધ્યમિક શાળા, મદરેસા, પુસ્તકાલય અને વિવિધલક્ષી વિદ્યાલય આવેલાં છે.
શહેર ફરતો કિલ્લો બુરજો અને દરવાજાઓયુક્ત છે. અહીં પ્રાચીન જૈન મંદિરો, શિવમંદિરો, જુદાં જુદાં દેવ-દેવીઓનાં મંદિરો જાણીતાં અને જોવાલાયક છે. આ તાલુકામાં સાત ધાર્મિક સ્થળોએ મેળા ભરાય છે.
રાધનપુરના દેશી રાજ્યની સ્થાપના બાબી વંશના જવાંમર્દખાને કરી હતી. તેનું ક્ષેત્રફળ આશરે 2,950 ચોકિમી. જેટલું હતું. 2001માં આ તાલુકાની વસ્તી 1,02,062 જેટલી છે. જ્યારે શહેરની વસ્તી 64,152 જેટલી છે.
આ શહેરનું રાધનપુર નામ ચાવડા રાજવી રાડનદેવના નામ સાથે સંકળાયેલું છે. બીજા એક મત પ્રમાણે, ચાવડા વંશના રાજા પાસેથી રાધન ખાતે આ શહેર જિતાઈ ગયા બાદ રાધનપુર નામ પડ્યું હોવાનું મનાય છે.
ઇતિહાસ : ભારતની સ્વતંત્રતા પહેલાં, બાબી વંશના નવાબોનું ઉત્તર ગુજરાતમાં આવેલ રાજ્ય. બાબી કુળના ઝફરખાનના પુત્ર જવાંમર્દખાનને મુઘલ શહેનશાહ દ્વારા 1716માં રાધનપુરનો સૂબો નીમવામાં આવ્યો હતો. એમાં 1723માં કેટલાંક પરગણાં ઉમેરવામાં આવ્યાં. એના મોટા પુત્ર કમાલુદ્દીનખાનને ગુજરાતની સૂબાગીરી તથા જવાંમર્દખાનનો ખિતાબ મળ્યાં હતાં. પેશવાનો ભાઈ રઘુનાથરાવ (રાઘોબા) તથા દામાજી ગાયકવાડ અમદાવાદ પર લશ્કર સાથે ચડી આવ્યા ત્યારે કમાલુદ્દીન સાથે 1757માં સંધિ કરી ને રાધનપુર, સમી, મુજપુર, પાટણ, વડનગર, વિસનગર તથા વિજાપુર ઉપરની તેની સત્તાનો સ્વીકાર કર્યો. ત્યારબાદ રાધનપુર, સમી અને મુજપુર સિવાયની તેની જાગીરો મરાઠાઓ દ્વારા જપ્ત કરવામાં આવી. કમાલુદ્દીનખાને (જવાંમર્દખાને) તે પરગણાંઓમાં પોતાનો બાબી રાજવંશ સ્થાપ્યો. ઈ. સ. 1765માં કમાલુદ્દીનનું અવસાન થવાથી તેનો જ્યેષ્ઠ પુત્ર ગજુદ્દીનખાન ગાદીએ બેઠો. તેણે 48 વર્ષ રાજ્ય કર્યું. તે દરમિયાન રાજ્ય ઉપર કરવેરાનો મોટો બોજ લોકો ઉપર નાખવામાં આવ્યો હતો. ઈ. સ. 1813માં તેનું અવસાન થવાથી મોટો પુત્ર શેરખાન ગાદીએ બેઠો. વડોદરાના બ્રિટિશ રેસિડન્ટ કૅપ્ટન કર્નાકની સલાહ મુજબ તેણે ગાયકવાડ સાથે સંધિ કરીને બાહ્ય સંબંધોના હકો અને વિદેશી આક્રમણ વખતે રક્ષણ કરવાની જવાબદારી ગાયકવાડને સોંપી. રાધનપુરના નવાબે 1819માં બ્રિટિશ સરકાર સાથે સંધિ કરીને રક્ષણની જવાબદારી ગાયકવાડને બદલે અંગ્રેજોને સોંપી. ફેબ્રુઆરી, 1822માં નવાબે પાંચ વર્ષ સુધી દર વર્ષે રૂ. 17,000/- ખંડણી પેટે અંગ્રેજ સરકારને આપવા એવું નક્કી કરવામાં આવ્યું. ત્રણ વર્ષ સુધી એ રીતે ખંડણી લીધા બાદ કૉર્ટ ઑવ્ ડિરેક્ટર્સે ખંડણીની રકમ માફ કરી દીધી. 1825માં શેરખાન અવસાન પામ્યો. તેથી તેનો ત્રણ વર્ષનો શાહજદો જોરાવરખાન ગાદીએ બેઠો. તેની સગીરાવસ્થા દરમિયાન 1837 સુધી બ્રિટિશ અધિકારીએ રાજ્યનો વહીવટ કર્યો. જોરાવરખાને 50 વર્ષ સુધી રાજ્ય કર્યું. તેનું અવસાન ઑક્ટોબર, 1874માં થવાથી તેનો જ્યેષ્ઠ પુત્ર બિસ્મિલ્લાખાન 32 વર્ષની વયે ગાદીએ બેઠો. તેણે રાજ્યમાં મહેસૂલ તથા ન્યાય ખાતામાં ઘણા સુધારા કર્યા. તેના શાસન દરમિયાન રાજ્યમાં પ્રથમ વાર અદાલતો સ્થાપવામાં આવી. પ્રિન્સ ઑવ્ વેલ્સની ભારતની મુલાકાતની યાદગીરીમાં રાજ્યમાં પ્રથમ અંગ્રેજી શાળા તથા પુસ્તકાલય શરૂ કરવામાં આવ્યાં. ખેતીવાડીને પ્રોત્સાહન આપવા વાસ્તે 1891માં મોટું ખર્ચ કરીને 14.5 કિમી. લાંબી સ્કૉટ કેનાલ બનાસ નદીમાંથી બાંધવામાં આવી. દુકાળ તથા અછતનાં વરસોને કારણે ખેતીવાડીને પણ બેસુમાર નુકસાન થયું હતું; તેથી ખેડૂતોનું મહેસૂલ માફ કરવામાં આવ્યું. વેપાર-ઉદ્યોગ વધારવા વાસ્તે કપાસની બે જિનિંગ ફૅક્ટરી તથા એક છાપખાનું શરૂ કરવામાં આવ્યાં. રણની સરહદે વિદેશી બાવળનું વાવેતર કરાવી ખારી જમીન નવસાધ્ય કરવાનો પ્રયોગ કરવામાં આવ્યો. 1895માં તેનું અવસાન થતાં હાજી મહંમદ શેરખાન ગાદીએ બેઠો. તેની સગીરાવસ્થાને કારણે 1907 સુધી બ્રિટિશ અધિકારીએ વહીવટ સંભાળ્યો. 1910માં નવાબનું અવસાન થવાથી તેનો લઘુબંધુ જલાલુદ્દીનખાન ગાદીએ બેઠો. રાજ્યના લોકો તથા ખેડૂતોને ઓછા વ્યાજે ધિરાણ મળી રહે તે વાસ્તે તેણે 1927માં વઢિયાર બૅન્ક્ધાની સ્થાપના કરી. 4 ડિસેમ્બર, 1936ના રોજ તેનું અવસાન થયું. તેને પુત્ર ન હોવાથી તેની નજીકનો કુટુંબી મુર્તઝાખાન ગાદીએ બેઠો. એણે રાજકોટની રાજકુમાર કૉલેજમાં અભ્યાસ કર્યો હતો અને જલાલુદ્દીનખાન પાસે વહીવટની તાલીમ લીધી હતી. 1937થી 1941 દરમિયાન રાજ્યના લોકોમાં ખેડૂતો ઉપર ભારે કરવેરા તથા કોમી વલણને લીધે તંગદિલી પ્રવર્તતી હતી. લોકોમાં ફેલાયેલ રાજકીય જાગૃતિ નવાબ તથા તેની સરકારને પસંદ ન હોવાથી લોકોનું દમન કરવામાં આવ્યું. ઑગસ્ટ, 1947માં દેશ આઝાદ થયા બાદ 1948માં મુંબઈ રાજ્યમાં આ દેશી રાજ્યનું વિલીનીકરણ થયું.
જયકુમાર ર. શુક્લ